ઊંચા પહાડોની વચ્ચે ગાઢ લીલુંછમ જંગલ આવેલું હતું. જંગલમાં અનેક પ્રાણીઓ તથા પક્ષીઓ પોત-પોતાના પરિવાર સાથે રહેતા હતા. ચકો અને ચકી  પણ પોતાનો એક સરસ મજાનો માળો બનાવી સુખેથી રહેતા હતા. રોજ સવાર પડે અને બંને ખાવાનું શોધવા નીકળી પડતા. ચકો મગનો દાણો લાવતો અને ચકી  ચોખાનો દાણો, ત્યારબાદ બંને ખીચડી બનાવી ખાતા હતા. બંને  દૂર-દૂર ઊંચે આકાશમાં ઉડતાં, ખેતરોમાં ફરવા જતા અને સંધ્યા ટાણે પાછા આવી જતા. દરેક પરિસ્થિતીમાં સંપીને રહેતા. ધોધમાર વરસાદ હોય, કડકડતી ઠંડી હોય કે પછી કાળઝાળ ગરમી, દરેક પરીસ્થિતિઓમાં બંને એકબીજાને મદદરૂપ થતા.

એક દિવસ ચકીએ  ઈંડુ મૂક્યું અને આ વાતની જાણ થતા ચકો તો ખુશખુશાલ થઇ ગયો. ચકાએ નક્કી કર્યું કે હવેથી પોતે એકલો બહાર ખાવાનું શોધવા જશે અને ચકી માળામાં જ આરામ કરી ઈંડાનું ધ્યાન રાખશે. આવી ખુશહાલ પરીસ્થિતિમાં તો ચકો દૂર દૂર સુધી જતો અને રોજ કરતા વધારે અનાજ શોધી લાવતો. ચકો ઈંડા તથા ચકીનું ખુબ ધ્યાન રાખતો. આખરે એક સરસ મજાની સંધ્યાએ ઇંડામાંથી નાનકડું બચ્ચું જન્મ લ્યે છે. ચીં…ચીં… રડવાનો અવાજ આવે છે, ચકા અને ચકીની  આંખો ખુશીથી છલકાઈ આવી. માતા-પિતા બનવાના અદભુત અનુભવે જાણે બંનેને એક નવું જીવન પ્રદાન કર્યું હોય.

ચકો અને ચકી બંને બચ્ચાંની ખુબ દેખભાળ કરતા. ચકો રોજ નવું-નવું ખાવાનું લાવતો અને ચકી તેને જમાડતી. ધીમે-ધીમે બચ્ચું મોટું થવા લાગ્યું. ચકી તેને રોજ નવી વાર્તાઓ સંભળાવતી. બંને પોતાના બચ્ચાંને દરેક પરીસ્થિતિનો સામનો કરતા શીખવાડતા. બચ્ચું  જેમ-જેમ મોટું  થતું ગયું  તેમ પોતાના માતા-પિતા તથા બીજા પક્ષીઓને જોઈ તેને ઊડાવાનું મન થતું. એક દિવસ બચ્ચું સક્ષમ જણાતા ચકાએ ધીમે-ધીમે તેને ઊડવાની કળા શીખાડવાનું શરુ કર્યું. બચ્ચું ખુબ પ્રયાસ કરતુ , નિષ્ફળ જતા પડતું, ત્યારે ચકો એને મજબૂત બનવાની સલાહ દેતો અને ચકી  એને ઘાવ ભરતી. રોજ મહેનત કરવાથી થોડા જ દિવસોમાં બચ્ચું ઊડતા શીખી જાય છે. આનંદમાં આવી તે તેના પિતા સાથે ઊંચે આભમાં ઊડવા લાગે છે. જાણે આખું આકાશ પોતાનું હોય તેને એવું લાગવા લાગે છે. તે સ્વતંત્ર બની મુક્તપણે આભમાં ઊડે માંડે છે. બાળકથી વધારે આનંદ તેના  માતા -પિતાને થાય છે. પોતાની ગેરહાજરીમાં પણ પોતાનું બાળક સુરક્ષિત રહે તથા દરેક પરિસ્થિતિઓનો સામનો કરે એવું માતા-પિતા ઇચ્છતા હોય છે. પછી તો રોજ બચ્ચું ચકાની સાથે અનાજ શોધવા જતું. બંને પિતા-પુત્ર દૂર-દૂર ખેતરોમાં જતા, બચ્ચાં માટે તો આ બધું અચરજ અપાવે તેવું હતું. તેને ખુબ આનંદ આવતો. બીજા પક્ષીઓના બચ્ચા સાથે રોજ રમત રમવી અને સાથે જમવું , નવી નવી વાર્તાઓ સાંભળવી. ખુબ જ આનંદિત જીવન વીતી રહ્યું હતું.

એક દિવસ કાગળો બધા જ બાળકોને શહેરની ઊંચી-ઊંચી ઇમારતો, દુકાનો, વાહનો, માણસો તથા એમના બાળકો અને શહેરનું જીવન કેવું હોય છે તેની વાતો કરતો હતો. બચ્ચાઓને ખુબ ગમતું એવું બધું સાંભળવું અને તેઓ રોજ પોતાના માતા-પિતાને આવી સાંભળેલી વાતો કહેતા. બચ્ચું હવે મોટું થઇ ગયું હતું.  એકલું આકાશમાં ઉડતું, જાતે અનાજ શોધી લાવતું, અને મિત્રો સાથે રમતું. કાગડાની વાતો સાંભળી બાળકોને શહેરમાં જવાનું તથા નવું-નવું જોવાનું  મન થયું. ઘરે આવી સૌએ પોતાના માતા-પિતાને વાત કરી. સૌના માતા-પિતાએ ના પાડી. ચકા અને ચકીએ પણ ચોખ્ખી ના પડી દીધી. પરંતુ માણસને જોવાની ઈચ્છા હોવાથી બચ્ચું ખુબ આજીજી કરે છે, ત્યારે પાંચ દિવસની અંદર આવી જવાની શરતે ચકો બચ્ચાને અનુમતિ આપે છે. ચકી ખુબ દુઃખી થાય છે, તેને ચિંતા થાય છે પરંતુ ચકો તેને સમજાવી લે છે. બીજી બાજુ બચ્ચું તો ખુબ ઉત્સાહ તથા આનંદ સાથે ઉડવા લાગે છે. નવું જોવાની તાલાવેલી સાથે એ તો દૂર-દૂર ઉડ્યે જાય છે. ચકો અને ચક્કી દૂર માળામાંથી તેને જતા જોવે છ

એક દિવસમાં તો બચ્ચું શહેરમાં પહોંચી જાય છે અને કાગડાએ કહ્યું હતું તેમ ઊંચી ઊંચી ઇમારતો દેખાય છે, કાળા માથાના લોકો દેખાય છે, સડક પર પૂરપાટ ગતિથી વાહનો દોડે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે લોકો ભાગા-ભાગી કરે છે. આમ બચ્ચું તો આખા શહેરમાં ફરવા લાગ્યું. બગીચાઓમાં નાના બાળકો આમતેમ ભાગે છે અને એક-બીજા સાથે રમે છે. બચ્ચાને ખુબ જ મજા આવે છે આ બધું જોઈને તેને કૂતુહલ થાય છે. ફરતા ફરતા ત્યાં નવા મિત્રો મળી જાય છે જે પોતાના ઘરે લઇ જાય છે. સવારમાં ઘરડા લોકો પક્ષીઓને ચણ નાખતા હતા. બચ્ચાને તો એક ઇમારતથી બીજી ઇમારતની છત કે બારીઓમાં ઉડા -ઉડ કરવાની ખુબ મજા આવવા લાગી. ફરવામાં ને ફરવામાં દિવસો ક્યાં પસાર થઇ ગયા તેનું પેલા બચ્ચાને ભાન જ ના રહ્યું. ચકો અને ચકી બંને ખુબ ચિંતિત હોય છે અને બીજી બાજુ બચ્ચું તો શહેરમાં મોજ કરે છે. ખુબ રાહ જોવા છતાં બચ્ચું પાછું ન આવતા ચકો એકલો તેને શોધવા નીકળે છે. ચકી તેની સાથે જવાની જીદ કરે છે પરંતુ અજાણ્યા શહેરમાં આવવાની ચકો ના પડે છે અને અહીં જંગલમાં જ સલામત રહેવા કહે છે. ચકો એકલો જ અજાણ્યા શહેરમાં બચ્ચાને શોધવા નીકળી પડે છે. ચકા માટે શહેર સાવ નવું હતું, તે પહેલી વાર આવે છે, આમ-તેમ ખુબ શોધવા છતાં પણ બચ્ચું મળતું નથી છેવટે થાકીને એ જંગલ તરફ પાછો આવે છે.

રસ્તામાં ચકાને સમાચાર મળે છે કે જંગલમાં ભીષણ આગ લાગી છે. ચકો તો ફટાફટ ઉડતો ચકીની ચિંતામાં જંગલમાં પહોંચે છે. ચકી પોતાના બચ્ચા તથા ચકાની રાહમાં માળો છોડતી નથી. ચકો પહોંચે ત્યાં સુધીમાં તો આગ લગભગ આખા જંગલમાં ફેલાય ગઈ હતી. માળા પાસે પહોંચે છે તો ચકી રાહ જોઈને બેઠી હોઈ છે. ગમે તેમ ચકો એને ત્યાંથી મનાવી દૂર લઇ જાય છે. ભીષણ આગમાં બંને ઉડતા-ઉડતા જંગલથી થોડે દૂર આવે છે. તેમની આંખ સામે તેમને ભડકે બળતું જંગલ તથા પોતાનું ઘર દેખાઈ છે. બચ્ચું ના મળવાની વાત પર ચકી  ખુબ રડે  છે અને બિમાર પડી જાય છે. જંગલની બહાર બંને ખેતરમાં એક નાનકડા ઝાડ પર રહે છે. પરંતુ કોઈ મદદે ના આવતા ચકીની તબિયત વધારે બગડતી જાય છે. ચકો તેના માટે ખાવાનું શોધવા જાય છે. પાછો આવે ત્યાં સુધીમાં તો ચકીનું મૃત્યુ થઈ ગયું હોય છે. ચકાના દુઃખનો કોઈ પાર નથી રેતો એ ચકીને ગળે લગાવી ખુબ રડે છે. ચકો સાવ એકલો થઇ જાય છે. બચ્ચું તો પોતાના માતા-પિતા ઘરને ભૂલી , નવા જીવનમાં ખુબ જ મસ્ત જીવે છે. ચકો આજે પણ પોતાનું બચ્ચું આવશે એવી રાહમાં ઘરડો થઇ ગયો છે, અને એકલો જીવન વિતાવે છે…..

આટલું કહી નાનકડા રોહનએ  કાગળની ઘડી કરી તેને પોતાના શર્ટના ખિસ્સામા રાખી દીધું. વૃદ્ધાશ્રમમાં હાજર તમામ માતા-પિતા અને તેના બાળકોની આંખોમાં આંસુ હતા અને બધા પોતાના ઘરડા માતા-પિતાની સામે જોવા લાગે છે. વૃદ્ધાશ્રમની પાંચમી વર્ષગાંઠના અવસરે તમામ વૃદ્ધ માતા-પિતાના છોકરાઓ આશ્રમમાં આવેલા હતા. નાનકડા રોહનએ જાતે લખેલી વાર્તા બધાને સંભળાવી અને પોતાના માતા-પિતા પાસે જઈ એમને પૂછે છે કે, “પપ્પા પેલું બચ્ચું પોતાના માતા-પિતાને કેમ ભૂલી ગયું? આપણે લોકો પણ આમ જ કરીએ છીએ?” બધાના ચહેરાના રંગ ઉડી જાય છે. રોહન મમ્મી પપ્પાનો  હાથ પકડી કહે છે “હું તમને ક્યારેય એકલા નહિ છોડું.” અને આ સંભાળતા આખા ખંડમાં શાંતિ છવાઈ જાય છે.

By Rishita Jani

[email protected]