ક્યાં ગયા એ દિવસો !!… કે જ્યારે કોઈ પણ જાતની ચિંતા ન હતી. એ દિવસો કે જ્યારે મુક્તપણે રખડવા મળતું. એ દિવસો કે જ્યાં મિત્રો સાથે અલક-મલકની વાતો કરતાં, ગામની બારે નવી જગ્યાઓ શોધતા ને એ જગ્યા પર કબ્જો જમાવી પોતાનો અડ્ડો બનાવી લેતા….આવું તો કંઈ કેટલુંયે છે જે હજી પણ યાદ આવે છે ને ચેહરા પર મિશ્ર ભાવો છોડી જાય છે.

      સવાર સવારમાં જેમ-તેમ તૈયાર થઈ નીકળી ગયો હતો. ગમે તેમ કરીને આજે તો મારે ફોટોસ્ટોરી પુરી કરવી હતી. ડૅડલાઈન નજીક હતી ને મારી પાસે હજુ સુધી કોઈ વિષય જ ન હતો. રજાનો દિવસ હતો એટલે ટ્રાફિક પણ ખાસ્સો હતો. માંડ કરી ગામડે પહોંચ્યા, હું હજી કોઈક વિષય શોધવામાં પળ્યો હતો , ત્યાં બારીની બહાર એક એવું દ્રશ્ય જોયુંને કે એકાએક જાણે મારું બાળપણ નજર સમક્ષ આવીને ઊભું રહી ગયું હોય. ફટાફટ કૅમેરો સંભાળતો ડ્રાઈવર તરફ ભાગી ને બસ રોકાવી. ડ્રાઈવરની જોડે બીજા પેસેંજર્સ એવા ઘૂરવા લાગ્યા જાણે કોઈ મોટો ગૂનો કરી નાખ્યો હોય!!..

      બસમાંથી ઊતરી હું સીધો તે જગ્યાએ પહોંચ્યો જેણે મારૂં બચપણ સવાર્યું હતું. ચાર-પાંચ મિત્રો તળાવમાં ધૂબાકા મારી કોઈ પણ ચિંતા વગર એય ને આનંદ કરતા હતા. એકાએક મને મારા બાળપણના મિત્રો યાદ આવી ગયાં. એક સમય હતો જ્યારે આ અમારી માલિકીનું તળાવ હતું .રોજ નિશાળેથી આવીને અહીં રમતા એમાય રજાનો દિવસ હોય ત્યારે તો સવારથી સાંજ અહીં વિતાવતા. જંગલમાં થોડે સુધી આમતેમ રખળતા ને અલગ અલગ વનસ્પતિઓ ભેગી કરી એને ચાખતાં. અમને સ્વાદની પરખ પણ આવા અખતરાઓ માંથી જ શીખ્યા. માં-બાપ બહું ભણેલા નોતા કોણ શીખવાડે ?? પણ કાંઈક કાંઈક નવું શોધવાની ધગશે અમને ઘણું શીખવાડી આપ્યું.

      બચપણની યાદો તાજી થતી હતી ત્યાં મગજમાં લાઈટ થઈ, મળી ગયો વિષય “મારૂં બાળપણ”, ને બસ પેલા છોકરાવની ટોળી જે આનંદ કરતી હતી , તેમના એક-એક હાવભાવ ને એક-એક ક્ષણને મેં કૅમેરામાં કેદ કરી લીધી. વૅલ! મારી ફોટોસ્ટોરી નું કામ તો પૂરૂં થઈ ગયું પણ જાવાનું મન ન હોતું થાતું. આમ પણ હજુ સાંજ થવામાં ઘણી વાર હતી , માટે મેં રોકાવાનું નક્કી કર્યું . પેલા છોકરાવને જોઈને વિચાર આવ્યો કે મારા મિત્રો ક્યાં હશે? શું કરતા હશે? શું એ લોકો અહીં આવતા હશે? દસ વર્ષ થઈ ગયા અમને છૂંટા પડ્યે. બધા પોતપોતાના જીવનમાં મસ્ત હશે. આટલા વર્ષોમાં કોઈ સાથે વાતચિત જ નથી થઈ. એકાએક બધા કેવા ખોવાય ગ્યાં!? જાણે હમણાં સુધી બધાં સાથે જ હતાં. ખેર સમય પોતાનું કામ કરતો રહે છે. બધાં પોતાના જીવનમાં વ્યસ્ત હશે. આખરે મોટા થયા પછી જવાબદારીઓ આવી જાઈ છે. માણસ કેવો બદલાય જાય છે !?.

        આમ તો નાનપણમાં જ શીખી લીધું હતું , જીવન મોજથી કેમ જીવવું . બસ જેમજેમ મોટા થતાં ગયા એમ સમયના ચક્રોમાં ગૂંચવાઈ ગયા. માણસનું અડધા ભાગનું ઘડતર તો બાળપણમાં જ થઈ જાતું હોય છે. પણ આ બધું, મોટા થઈએ ત્યારે સમજાતું  હોય છે. એ સાહસિકપણું , નિડરતા ને રોજ કાંઈક નવું કરવાની તાલાવેલી .જે બધું બાળપણમાં હતું એ મોટા થયા પછી સાવ મરી પરવરે છે.

           વિચારોની હારમાળા વચ્ચે સૂરજ ઢળવા આવ્યો. પેલા છોકરાઓ પણ ઘર તરફ જવા લાગ્યા. મેં પણ શહેર તરફની છેલ્લી બસ પકડી. ધીમે ધીમે સૂરજ ઢળતો ગયો ને હું!  હું મારા બાળપણથી દૂર થતો ગયો…. વૅલ! ફોટોસ્ટોરીમાં મારો નંબર આવ્યો , પણ આનંદ તો એ વાતનો હતો કે  હું તો વિષય શોધવા નીકળો હતો ને મને તો જાણે ખજાનો મળી ગયો હતો., જી હા, મને મારૂં બાળપણ મળી ગયું હતું. જુના મિત્રોને મળી કંઈ કેટલીયે યાદો સંભારી. જાણે એક નવો ઉત્સાહ આવી ગયો હોય જીવનમાં.  માત્ર એક ફોટોસ્ટોરીના માધ્યમથી મેં તો જાણે નવું જીવન મેળવી લીધું

     આ હતી મારી ફોટોસ્ટોરીથી બાળપણની સુધીની સફર. શું તમને તમારૂં બાળપણ યાદ છે? તમે એ જૂના મિત્રોને મળો છો? એ જૂની જગ્યાઓ પર જાવ છો ? જો નહીં , તો એકવાર આખતરો કરજો ચોક્કસ મોજ આવશે.

 

 

  -Rishita Jani

[email protected]