વિશ્વ સંવાદ એજ્યુકેશન ફાઉન્‍ડેશન અને નેશનલ ઇન્‍સ્ટીટ્યુટ ઓફ માસ કૉમ્યુનિકેશન એન્‍ડ જર્નાલીઝમ દ્વારા ગુજરાતી પત્રકારત્વની 200 વર્ષની ભવ્ય વારસાગત યાત્રાને લઈને વેબિનાર આયોજિત કરવામાં આવ્યો. 1 જુલાઈ 1821, 199 વર્ષ પહેલા મુંબઈમાં એક પાસસી – ફરદુન્જી માર્ઝાબાન દ્વારા અખબાર પ્રકાશિત થયું હતું. જેનું નામ હતું ‘શ્રી મુમબઈનાં સમાચાર’ જે આજે ‘મુંબઈ સમાચાર’ નામથી ઓળખાય છે. ગુજરાતી ભાષા અને એશિયાનું સૌથી પ્રાચીન અખબાર છે મુંબઈ સમાચાર.

આ વેબિનારમાં અતિથિ તરિકે શ્રી નિલેશ દવે જોડાયા હતા, જે હાલ મુંબઈ સમાચારના સંપાદક છે. નિલેશ દવેનો જન્મ મુંબઈમાં 1971 માં થયો હતો. તેમણે 17 વર્ષની ઉંમરથી પત્રકારત્વની શરૂઆત કરી અને પત્રકારત્વનાં પાઠ એમણે એમના પિતા શ્રી મહેન્‍દ્રભાઈ દવે પાસે થી શીખ્યા. તેઓ વર્ષ 2003માં મુંબઇ સમાચારમાં જોડાયા અને વર્ષ 2012માં તેમની સંપાદક તરીકે નિમણૂક થઈ. તેમણે એકલા હાથે મુંબઈમાં 12થી વધુ પુસ્તકમેળાઓનું આયોજન કર્યું છે અને 1.5 કરોડ રૂપિયાથી વધુના પુસ્તક  વેચ્યા છે.  દર વર્ષે 1 લી જુલાઇએ મુંબઇ સમાચારના સ્થાપના દિવસે તેઓ આપણા શહીદો માટે એક અનોખો કાર્યક્રમ ગોઠવે છે. મુંબઇ સમાચાર આ પ્રસંગે શહીદો અને તેમના પરિવારના સભ્યોનો સન્માન કરે છે.

નિલેશભાઈએ વેબિનારનાં પ્રારંભમાં કહ્યું કે વિશ્વનું ગૌરવશાળી કાર્ય છે પત્રકારત્વ. પત્રકારની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ હોય છે પછી એ ક્રાંતિ માટે હોય કે નવ-નિર્માણ માટે. અને 200 વર્ષ સુધી આ સંસ્થાને (મુંબઈ સમાચાર) સજીવિત રાખવું એ ગૌરવની વાત છે. મુંબઈ સમાચાર વેપારને લગતું અખબાર હતું જે 150 લોકો માટે જ પ્રકાશિત થતું હતું જ્યારે આજે એના 1,50,000 સબસ્ક્રાઇબર્સ છે. 

આઝાદી પહેલાં અલગ-અલગ અખબાર ઘણા બધાં હતાં જે અંગ્રેજો વિરુધ્ધ લખતા હતા અને લોકોમાં ક્રાંતિનું મહત્વ જગાવતા હતાં પણ આઝાદી પછી એમાંથી ઘણા અખબાર બંધ થઈ ગયા હતા. મુંબઈ સમાચાર એક માત્ર પ્રાદેશિક અખબાર છે જે હજુ સુધી કાર્યશિલ છે. પણ આજનાં સમયમાં અખબાર સિવાય ડિજિટલ અને ઇલેક્ટ્રોનિક મીડિયાની વિશ્વસનિયતા ઘટી રહી છે કારણે કે અખબારમાં છાપેલી ખબર બદલી ન શકાય.

આ બાદ વિદ્યાર્થીઓ દ્વારા પ્રશ્નો પૂછવામાં આવ્યા જેનો ઉત્તર આપવાનો પ્રયાસ શ્રી નિલેશ દવે દ્વારા કરવામાં આવ્યો.

પ્રશ્ન – પત્રકારત્વના દૃષ્ટિકોણ અનુસાર સવારના અખબાર પત્રકારત્વ અને સાંજના અખબાર પત્રકારત્વ વચ્ચે શું તફાવત છે?

જવાબ – સવારના અખબારમાં દેશ-દુનિયાની ખબરો વધારે પ્રકાશિત થાય જ્યારે સાંજના અખબારમાં સ્થાનિક ખબરો વધારે છપાય. કોઈપણ પત્રકારને જો પત્રકારત્વની સાચી સમજ પામવી હોય તો તેને સાંજના અખબારમાં કામ કરવું જોઈએ કારણ કે ત્યાં તમને ખબર શોધીને લાવી પડે છે.

 

પ્રશ્ન – આજે પ્રિન્ટ મીડિયામાં ભારે સ્પર્ધા છે તો કઈ રીતે મુંબઈ સમાચાર ટકી રહ્યું છે અને તે કઈ નૈતિકતાના આધારે કામ કરી રહ્યું છે? 

જવાબ – અમે ક્યારેય સ્પર્ધાના આધારે કામ નથી કર્યું કે ના અમે કોઈને અમારા હરીફ માનીએ છે. અમારું મૂળરૂપથી ધ્યાન એ જ બાબત પર હોય છે કે દર્શકો સુધી સાચી માહિતી પહોંચાડીને એમનાં વિશ્વાસને જાળવી રાખીએ. અમારે માટે બહુ જ ગર્વની વાત છે કે વાચકો એવું કહે છે કે, ‘મુંબઈ સમાચારમાં છપાયું તે સાચું’! ઘણી વાર નકારાત્મક અથવા રાજકારણને લઈને કોઈપણ સમાચાર હોય તો 10થી વધુ વાર એને ક્રોસ ચેક કર્યા પછી છાપવામાં આવે છે જેથી કોઈ માનહાની કેસ ન થાય અથવા કોઈની પ્રતિષ્ઠાને ઠેસ ન પહોંચે.

 

પ્રશ્ન – આજના સમયમાં ઘણા બધા પ્રાદેશિક અખબારો મુંબઈથી છાપવામાં આવે છે તો એ કઈ રીતે કામ કરે છે? સાથે જ તમે સંપાદક તરીકે કયા સમાચારને વધારે મહત્વ આપો છો જ્યારે ફ્રંટ પેજ અથવા એડિટોરિયલ પેજની વાત આવે?

જવાબ – વર્ષ 2000 સુધી એવું હતું કે પ્રાદેશિક અખબારોમાં અધિક સ્થાનિક સમાચાર છાપવામાં આવતાં હતા જેથી દર્શકોને તેમના વતનની ખબરો જાણવા મળતી હતી. અત્યારે વોટ્સઅપના પરિણામે સ્થાનિક સમાચારો લોકો સુધી જલ્દી પહોંચે છે પણ એ સમાચાર સાચા છે કે નહીં એની પુષ્ટિ અખબારોમાં છાપવામાં આવ્યા પછી જ થાય છે કારણ્ર કે આજે પણ અખબાર એક વિશ્વસનીય માધ્યમ છે. સંપાદક તરીકે હું સૌથી પહેલા દેશ – દુનિયાની ખબરો છાપવામાં માનું છું જે સાથે-સાથે દર્શકોનાં પણ હિતમાં હોય જે એને વાચે છે અને પણ અત્યારે કોરોનાકાળમાં અમે સકારાત્મક સમાચારને વધુ મહત્વ આપીએ છીએ. કારણ કે હાલ રાજકારણના સમાચારમાં કોઈને વધુ રસ નથી.

 

પ્રશ્ન – 90 ના દશકમાં કોઈ પણ ખબર ટી.વી.ના માધ્યમથી ખબર પડતી હતી, જ્યારે આજે ડિજિટલ કમ્યુનિકેશન દ્વારા ખબર મળી જાય છે, તો શું આ ડિજિટલ કમ્યુનિકેશન લાભદાયક કે નહી?

જવાબ – કોઈક વાર છે પણ ખરું અને કોઈક વાર માથાનો દુખાવો પણ ખરો. 90ના દશકમાં અમે બીટ પ્રમાણે વિભાજિત થઈ જતા હતા અને સાંજે જ્યારે અમે પત્રકારો મળીએ એટલે એક-બીજાને ખબરો બતાવતા હતા, ત્યારે અમે સોશિયલ મીડિયા જેવાં જ હતા, પણ યંત્ર નહોતા. પણ આ તમારા વિકાસને અવરોધે છે, કારણ કે પહેલાના સમયમાં અમને બધું યાદ રાખવું પડતું હતું. આજે આ ફોન અને ડિજિટલ કમ્યુનિકેશન બધું આ યાદ રાખી લે છે જેના કારણે આપણી યાદશક્તિ ઓછી થતી જાય છે આ મારું માનવું છે.

 

પ્રશ્ન – શું તમને 90ના દશકમાં અને હવેના રિપોર્ટિંગની પેટર્નમાં કોઈ તફાવત જોવા મળે છે?

જવાબ – 90 ના દશકમાં ટી.આર.પી ની કોઈ ભાગ-દોડ નોહતી  કે ન એટલી બધી ન્યૂઝ ચેનલ હતી. જેમ સમચાર મળે એમ બતાવી દેવામાં આવતા હતા. જ્યારે આજે એ મહત્વનું છે કે કોણ પહેલા આ સમાચારને ટેલિકાસ્ટ કરશે. એ સમાચાર જરૂરી છે કે નહી એ વિચારતું કોઈ નથી. કોણ ટી.આર.પી વધારે મેળવે છે કે ઓછું એ અગત્યનું બની ગયું છે. કોઈપણ એની પાછળનું તથ્ય જાણ્યા વગર ન્યૂઝ ચેનલ પર ચલાવી દે છે. જ્યારે લોકોને એમના આસપાસની ખબરો જાણવામાં વધુ રસ હોય છે જે એમના માટે જરૂરી હોય છે. એટલા માટે અત્યારે પણ લોકો અખબારમાં છપાયેલા સમાચારો પર વધુ વિશ્વાસ કરે છે અને ઇલેક્ટ્રોનિક મીડિયા પર ઓછું.

 

પ્રશ્ન – નાટ્ય કલાકાર, દિગ્દર્શક કે પછી નિર્માતા તરીકેનું તમારો અનુભવ કેવો રહ્યો?

જવાબ – મને પહેલાંથી જ નાટકનો શોખ હતું, જ્યારે 2012માં હું મુંબઈ સમાચારમાં સંપાદક તરીકે જોડાયો ત્યારે મુંબઈમાં ગુજરાતી અખબારો વાંચનારા બહુ જ ઓછા હતા ખાસ કરીને યુવાઓ તો ખૂબ ઓછા હતા! તો અમે વિચાર્યું કે કઈ રીતે અમે ગુજરાતી ભાષાને યુવાઓમાં જીવીત રાખીએ. અમે સર્વે કર્યો તો એનાથી ખબર પડી કે યુવાઓ ગુજરાતી બોલી શકે છે પણ સરખી રીતે લખી કે વાંચી નથી શકતા. તો મુંબઈ સમચારે એક ઝુંબેશ શરૂ કરી કે જે પણ વાચક આ અખબારને સબસ્ક્રાઇબ કરશે એમને વર્ષમાં 4 થી 5 નાટકો મફતમાં જોવા મળશે. ગુજરાતી મફતનું કાંઈ ન છોડે અને આ નાટકો દ્વારા અમારા યુવા વાંચકોની સંખ્યા વધી ગઈ. આની સાથે ગુજરાતી ભાષાને અમે સજીવન કરવામાં સફળ રહ્યા. અમારું ધ્યેય હતું કે બધાનાં ઘરોમાં એમની માતૃભાષાનું પ્રાદેશિક અખબાર જરૂરથી વાંચવામાં આવે. એનાં પછી અમે પુસ્તક મેળાનું આયોજન કર્યું. પછી અમે ‘રમે ગુજરાતી’ શરૂ કર્યું, જેમાં ફોર્મ ફરજિયાત ગુજરાતીમાં ભરેલું હોવું જોઈએ. હું નાટકોની શૈલીમાં નિષ્ણાંત તો નથી પણ પત્રકારત્વનાં લીધે એની સારી એવી માહિતી ધરાવું છું.

 

પ્રશ્ન – આજે ગુજરાતી અખબારોમાં યુવાઓને આકર્ષિત કરવા માટે ભાષાને તોડી-મરોડીને પ્રકાશિત કરવામાં આવે છે, જ્યાં જરૂર નથી ત્યાં પણ અંગ્રેજી શબ્દોનાં ઉપયોગ કરે છે, આ ક્યાં સુધી અનિવાર્ય છે?

જવાબ – એક ભાષાના શબ્દો બીજી ભાષામાં વાપરાય તો એમાં ભાષાને કોઈ નુકસાન નથી આ મારું માનવું છે. કારણ કે ભાષાની પોતાની સુંદરતા છે. અને ઘણી વાર એવું થાય છે કે બધા ને કાંઈ શુધ્ધ ભાષા નથી ખબર પડતી ત્યારે વાચકો માટે સહેલાઈથી સમજી શકે એવી ભાષાનો ઉપયોગ કરવો પડે છે. શ્રી નિલેશ દવે નું કહેવું છે કે આપણે update થઈએ છીએ તો ભાષા update કેમ ના થાય? ભાષા એની રીતે મહાન હોય છે કોઈ ભાષાના શબ્દો કોઈ ભાષામાં જવાથી એ ભાષાને નુકસાન નથી થાતું. આ ઉપરાંત તેમના મતે નાનામાં નાના વ્યક્તિને સમ્માન મળવું જોઈએ. તેઓ 1 જુલાઈએ એક કાર્યક્રમ કરશે જેમાં BMCની જે હોસ્પિટલ છે તેમાં કામ કરનારા નર્સ અને વોર્ડબોયનું સમ્માન કરાશે કે જેમણે પોતાનો જીવ જોખમમાં મૂકીને બીજાની મદદ કરી છે. 

 

પ્રશ્ન –મુંબઈ સમાચારનું અલગ અલગ રાજ્યોમાં કેવી રીતે વિસ્તરણ થયુ? 

જવાબ- શરૂઆતથી જ પ્રખ્યાત રહ્યું છે મુંબઈ સમાચાર. મુંબઈમાં સમાચારપત્રક 10 રૂ. ના ભાવે વેચાય છે ત્યાં ગુજરાત માં 4 રૂ. માં વેચાય છે એમાંય કેટલાય ઑફર્સ અને ડિમાન્ડ હોય છે. મુંબઈ સમાચારની જેમ ગુજરાતમાં અમદાવાદ સમાચાર તરીકે શરૂઆત કરી હતી પણ ભાવની વાતમાં ફેરફાર જણાતા બંધ કર્યું અને મુંબઈ સમાચાર હવે ઈ- કોપી શરૂ કરશે.

 

પ્રશ્ન –માતૃભાષામાં કામ કરવા માટે શું કરવું જોઈએ જેથી આગળ જતાં માતૃભાષામાં આપણે કારકિર્દી બનાવી શકીએ? 

જવાબ- જે કામ તમને ગમે છે અને એજ કામ તમને પૈસા આપે છે તો તમે ટક્યા રહેશો. એજ કરો જેમાં તમને રસ હોય આથી કામ તમને કદી થકાવટ મહેસુસ નહિ કરાવે. જવાબદારીથી ભાગવું નહીં તેને ઈમાનદારીપૂર્વક નિભાવવી. જ્યાં ઈમાનદારી હોય ત્યાં સફળતા સામે ચાલીને આવે છે.