ગયાં અંકમાં આપણે જોયું કે મધ્યકાલીન સાહિત્ય યુગમાં નરસિંહ યુગ અને ભક્તિ યુગ એમ મુખ્યત્વે બે સાહિત્ય યુગ રહ્યાં. જેમ નરસિંહ યુગમાં પ્રખ્યાત ભક્ત અને કવિ નરસિંહ મહેતાએ ગુજરાતી સાહિત્ય માટે પદ્યોમાં ભજનો રચવાનું શરૂ કર્યું ત્યારબાદ સાહિત્ય જગતનાં ઘણાં જૈન અને હિંદુ કવિઓએ પુષ્કળ માત્રામાં પદ્ય સાહિત્યનું સર્જન કર્યું હતું. આ પદ્ય સાહિત્યમાં ભક્તિ એ મુખ્ય કેન્દ્રનો વિષય રહેતો તેથી જ ભક્તિ યુગ તરીકે ઓળખાતા સાહિત્ય યુગમાં તેનાં બે ભાગ પાડવામાં આવ્યાં (૧) સગુણ ભક્તિ યુગ અને (૨) નિર્ગુણ ભક્તિ યુગ.

 

 સગુણ ભક્તિ યુગ : 

સગુણ ભક્તિ યુગમાં ઇશ્વરને ભૌતિક સ્વરુપમાં પૂજવામાં આવે છે અને આ યુગમાં મુખ્યત્વે ઈશ્વરનાં રામ અને કૃષ્ણ જેવા સ્વરુપ નિરુપવામાં આવતાં.

સગુણ ભક્તિ યુગમાં આપેલાં સાહિત્યો માટે નરસિંહ મહેતા, મીરાંબાઈ અને દયારામને મુખ્ય યોગદાનકર્તા કવિઓ ગણવામાં આવે છે.આ સિવાય ગુજરાતી સાહિત્યનાં મહાકવિ ભાલણએ સંસ્કૃત સાહિત્યનાં કવિ બાણભટ્ટના કાદંબરીનું ગુજરાતીમાં શ્રેષ્ઠ રુપાંતર કર્યું છે. આ સાથે  ભાલણે દસમસ્કંદ, નળાખ્યાન, રામબાલ ચરિત્ર અને ચંડી આખ્યાન સહિત ચૌદ અથવા પંદર જેવા સર્જનો ગુજરાતી સાહિત્ય જગતને આપ્યાં છે.તેથી ભાલણને સાહિત્ય જગતમાં ગુજરાતીમાં અલગ અલગ સાહિત્યપ્રકારની ઓળખ કરાવનાર પણ માનવામાં આવે છે.આ સાથે ભાલણને તેમની આખ્યાનશૈલી માટે પણ વખણાય છે.

પ્રેમાનંદ ભટ્ટને પણ આ યુગના કવિ ગણવામાં આવે છે. જેમણે પ્રચુર માત્રામાં અનેકવિધ પદ્ય કૃતિઓનું સર્જન કર્યું છે. પ્રેમાનંદનાં નામે અનેક કિંવદન્તીઓ છે અને તેમને આશરે ૪૭ કૃતિઓના સર્જક માનવામાં આવે છે પરંતુ તેમાંથી ૨૭ કૃતિઓ જ તેમના દ્વારા રચવામાં આવી હતી તેમ નિષ્ણાતો મત ધરાવે છે. આ સાથે પ્રેમાનંદે મુખ્યત્વે નરસિંહ મહેતા, ભાગવત અને મહાભારતના વિષયો પર સર્જન કર્યાં છે. તેમના સર્જનોમાં ખૂબ જ પ્રખ્યાત ઓખાહરણ, નળાખ્યાન, અભિમન્યુ આખ્યાન, દસમ સ્કંદ અને સુદામા ચરિત્ર જેવી રચનાઓનો સમાવેશ થાય છે.

આ સિવાય શામળ ભટ્ટને પણ કલાની દૃષ્ટિએ એક આઅજોડ સાહિત્યકાર ગણવામાં આવે છે. તેમને આખ્યાન પ્રકારના સાહિત્યમાં શ્રેષ્ઠ સર્જક માનવામાં આવે છે. તેમણે માત્ર ધાર્મિક વિષયોને મુખ્ય સ્થાને લેવાને બદલે ધર્મ, નીતિ અને વ્યવહારને વણી લેતી રસિક વાર્તાઓ પર પણ સર્જન કર્યા હતાં, જેવાં કે પદ્માવતી, બત્રીસ પુતળી, નંદ બત્રીસી, સિંહાસન બત્રીસી અને મદન મોહન જેવા શ્રેષ્ઠ સર્જનો શામળ ભટ્ટજીએ કર્યા છે. શામળ ભટ્ટનાં આ બધા જ ખૂબ પ્રખ્યાત છે. ભટ્ટજી એ તેમના સાહિત્ય સર્જનોમાં ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ વખત સ્ત્રીપાત્રો સમકાલીન સમાજની દૃષ્ટિએ સશક્ત બતાવાયા છે.

આ સાથે કવિ દયારામએ ગરબી તરીકે ઓળખાતા ધાર્મિક, નૈતિક અને રસવાળા કાવ્યોની રચના કરી છે. તેમના મુખ્ય સાહિત્ય સર્જનોમાં ભક્તિ પોષણ, રસિકવલ્લભ અને અજામેળ આખ્યાન છે. તેમનું રસિકવલ્લભ આખ્યાન ઘણું વખણાય છે. કેહવાય છે કે દયારામના મૃત્યુ સાથે ગુજરાતી સાહિત્યકાળના મધ્યકાલીન યુગનો પણ અંત આવી ગયો હતો. 

 

આ સિવાય ૧૯મી સદીની મધ્યમાં ગિરિધરએ રામાયણનું ગુજરાતી ભાષામાં સર્જન કર્યું. સાથે સાથે પરમાનંદ, બ્રહ્માનંદ, વલ્લભ, હરિદાસ, રણછોડ અને દિવાળીબાઈ જેવાં સાહિત્યકારો પણ સુગણ ભક્તિ યુગનાં સમયગાળાના સંતકવિઓ ગણાય છે. 

 

નિર્ગુણ ભક્તિ યુગ :-

નિર્ગુણ ભક્તિ યુગમાં ઈશ્વરને ભૌતિક સ્વરૂપે લેવામાં આવતાં  નથી. નિર્ગુણ ભક્તિ યુગના મુખ્ય સર્જકોમાં નરસિંહ મહેતા અને અખો ગણાય છે. તેમાં પણ અખા ભગતને આખા મધ્યકાલીન સાહિત્ય યુગનાં જ્ઞાની કવિ તરીકે ઓળખવામાં આવે છે. તેના સર્જનોમાં સમકાલીન સમાજસ્થિતિ, તત્ત્વજ્ઞાન, વ્યવહાર, હાસ્યરસ વગેરે લક્ષણો મુખ્યત્ત્વે જોવા મળે છે. અખા ભગતે રચેલા સાહિત્ય સર્જનોમાં તેમનું  અખેગીતા, ચિત્તવિચાર સંવાદ અને અનુભવબિંદુ જેવી રચનાઓને વેદાંતના ભારપૂર્વક ચિત્રણ કરતા સર્જનો ગણવામાં આવે છે. 

આ સિવાય મંદનાએ પ્રબોધ બત્રીસી, રામાયણ અને રુપમંગળ કથા નામક સર્જનો આ ધારા હેઠળ કર્યા છે. આ ધારાના અન્ય સાહિત્ય સર્જકોમાં કબીર પંથી કવિઓ, ધીરા ભગત, ભોજા ભગત, બાપુસાહેબ ગાયકવાડ અને પ્રીતમ જેવાં સાહિત્યકારોનો સમાવેશ થાય છે.

આ સાથે આ જ ગાળામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ પણ તેમનો નોંધપાત્ર ફાળો આપ્યો છે. જેમાં સહજાનંદ સ્વામી, બ્રહ્માનંદ, પ્રેમાનંદ સ્વામી અને નિષ્કુળાનંદ સ્વામી મુખ્ય છે. આ સંપ્રદાયનાં સર્જનોનાં સાહિત્યોમાં મુખ્યત્વે નીતિશુદ્ધિ, ભક્તિ અને વૈરાગ્યના જેવાં લક્ષણો જોવાં મળે છે. 

આ સિવાય પારસી કવિઓનો ગુજરાતીમાં પ્રવેશ પણ આ જ ગાળામાં થયો હોય તેવું માનવામાં આવે છે. તેમાં નોંધપાત્ર સર્જનોમાં પારસી ધર્મગ્રંથોનું પહેલવી અને ઝંદ ભાષામાંથી ગુજરાતીમાં અનુવાદ છે. સૌપ્રથમ પારસી કવિ એરવદ રૂસ્તમ પેશોત ગણાય છે, જેમણે ઝરથોસ્તનામેહ, સિયાવક્ષનામેહ, વિરાફનામેહ અને અસ્પંદીઆરનામેહ નામનાં જીવનચરિત્રોનું સર્જન કર્યું છે.

ગુજરાતી સાહિત્ય જગતનો મધ્યકાલીન યુગ ખૂબ જ સારો રહ્યો છે, એમાં નરસિંહ યુગ અને ભક્તિ યુગ વિશે આપણે જાણ્યું, એમાં પણ ભક્તિ યુગમાં સગુણ ભક્તિ યુગ અને નિર્ગુણ ભક્તિ યુગ વિશે પણ આપણે વિસ્તારથી જાણકારી મેળવી. હવે, આવતાં અંકમાં આપણે ગુજરાતી સાહિત્ય જગતનાં અર્વાચીન યુગ વિશે વાત કરીશું.