નવલકથાકાર, નાટ્યકાર, નિબંધકાર, ચરિત્રકથાકાર જૉસેફ ઇગ્નાસ મૅકવાનનો જન્મ ૯ ઓક્ટોબર, ૧૯૩૬ ના રોજ ખેડા જિલ્લાના ત્રણોલ ગામમાં થયો હતો. તેમનું વતન આણંદ પાસે આવેલ ઓડ ગામ છે. 

જૉસેફ મૅકવાનના દાદા ધર્મે હિંદુ હતા પણ ૧૮૮૨ માં તેમણે ખિસ્ત્રી ધર્મ અપનાવ્યો. જૉસેફ મૅકવાનના પિતાનું નામ ઇગ્નાસ હતું અને તેઓ ત્રણોલમાં ખિસ્ત્રી મિશનરી સંસ્થામાં કામ કરતા હતા. તેમની માતાનું નામ હિરીબેન હતું. જૉસેફ મૅકવાને નેની વયે જ માતા ગુમાવી દેતાં તેમનું બાળપણ માતા વિના જ વીત્યું હતું. બાળક જૉસેફ ખાતર પિતાએ બીજા લગ્ન કર્યા પણ સાવકી માતા જૉસેફ સાથે સારો વ્યવહાર રાખતા ન હતા. 

જૉસેફ ભણવામાં કુશળ હતા. ગરીબી વચ્ચે તેમણે ૧૯૬૭માં પ્રથમ વર્ગમાં બી. એ., ૧૯૬૯ માં દ્વિતીય વર્ગમાં એમ. એ. અને ૧૯૭૧ માં પ્રથમ વર્ગમાં બી. એડ. થયા. તેમનું ગુજરાતી ભાષા પરનું પ્રભુત્વ અનન્ય છે. ગામઠી અને ચરોતરી ભાષાએ તેમને જીવનની રાહ બતાવી. 

કારકિર્દીની શરૂઆત તેમણે કોલેજમાં લેક્ચરર તરીકે કરી પણ વખત જતાં તેમને નોકરી છોડી ગામડાની શાળામાં ભણાવવા જવાનું દબાણ કરવામાં આવ્યું. જેમાં તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો પણ આ મુશ્કેલીઓ એજ જૉસેફ મૅકવાનને જીવનનો મર્મ સમજાવ્યો. 

તેમના લખાણ અને લખાણમાં દર્શાવવામાં આવતી હકીકત તથા લખાણમાં વપરાતી તળપદી ભાષા જાણે નજર સામે છબી ઉભી કરી દે તેવું જીવંત લાગે છે. શબ્દોનો નિચોવાટ, મિશ્રણ ભરેલું વાક્ય, બોલીની શૈલી, વિપુલ લેખન, ચરિત્રનો સચોટ પ્રયોગ અને કલમ દ્વારા દર્શાવવામાં આવતી પ્રસ્તુતિઓ અને રચનાઓ વાંચીને મનને જુદા-જુદા ભાવનો અનુભવ કરાવી જાય છે. 

તેમના ‘વ્હાલનાં વલખાં’, ‘પ્રીત પ્રમાણી’, ‘મારી ભીલ્લુ’, ‘જનમજલાં’, ‘પગલે પગલે’, ‘વ્યતીતની વાટે’, ‘માણસ હોવાની યંતણા’, ‘રામનાં રાખોપાં’ વગેરે જેવાં ચારિત્રગ્રંથો, નિબંધગ્રંથો અને રેખાચિત્રોમાં વ્યથાનાં વીતક ચારિત્રગ્રંથમાં દલિતચરિત્રોનાં આલેખનો જે રીતે વર્ણવ્યા છે, વાંચીને માનવીના રુંવાડા ઉભા થઈ જાય. 

૧૯૬૦ પછી લખતા થયેલા નવ સર્જકોના પ્રયોગશીલ જૂથમાં અગ્રગણ્ય એવા જૉસેફ મૅકવનને આરંભ નૂતન રંગ અછાંદસ કવિતાથી કર્યો; પરંતુ એમનું ઉત્તમ કામ ગદ્યમાં જણાઈ આવે છે. ખાસ કરીને નવલકથા, વાર્તા અને લલિતનિબંધ ચરિત્રલેખનમાં તેમની કલા સોળે કળાએ ખીલીને નીખરી છે 

જૉસેફ મૅકવાનની સફળ નવલકથાઓ ‘દરિયા’, ‘ભીની માટી કોરાં મન’, ‘માવતર’, ‘દાદાનો દેશ’, ‘માનખની મિરાત’, ‘આંગળીયાત’, ‘સંગવટો’, ‘બીજ ત્રીજના તેજ’, ‘લક્ષ્મણની અગ્નિપરીક્ષા’, ‘મારી પરણેતર’ વગેરે છે. તેમના સંપાદનમાં ‘અરવિંદ સૌરભ’, ‘અનામતની સાંખી’, ‘અમર સંવેદન’ કથાઓ વગેરેનો સમાવેશ થાય છે. તેમણે ‘વાટના વિસામા’ અને ‘પ્રગડના દોર’ જેવા વિવેચનગ્રંથો અને લેખો પણ લખ્યાં છે. તેમણે અહેવાલોમાં પણ પોતાની કળા નિખરી છે જેમકે ‘ભાલનાં ભોમ ભીતર’, ‘વહેલી પરોઢનું વલોણું’, ‘ઉઘડયો ઉઘાડ’ અને ‘આવી વરાપ’ વગેરે. 

તેમની રચના “લોહીનો સંબંધ” પરથી ગોપી દેસાઈ દિગ્દર્શિત “બસ યારી રખ્ખો”  નામે બાળ ફિલ્મ બની છે. તદુપરાંત “બેહરું આયખુ મૂંગી વ્યથા” નામે એક ટેલિફિલ્મ પણ બની છે. ‘સાધનાની આરાધના’, ‘પન્નાભાભી’, ‘ફરી આંબા મ્હારે’, ‘આગળો’ વગેરે જેવાં વર્તસંગ્રહો પણ તેમના નામે છે. 

જૉસેફ મૅકવન પાસે પછાત ગણાયેલા પ્રજાજીવનનો, તેમની વ્યથાનો અને તેમના અંદરના સત્ત્વનો ઊંડો અનુભવ છે. તેઓ એમની વચ્ચે ઉછરેલા છે, જેથી ખૂબ નજીકથી મળેલા, અનુભવાયેલા અને નજરે જોયેલા અનુભવે તેમને કંઈક અલગ જ કરી બતાવવાનો મોકો આપ્યો. આવા અનુભવને જૉસેફની ક્લાદ્રષ્ટિ અને લહેકદાર ચરોતરી લોકબોલી-ભાષાનો સાથ મળતાં એમની ગદ્યકૃતિઓ હર્દયંમગમ બની છે.

સેંટ ઝેવિયર્સ સુવર્ણચંદ્રક, સંસ્કાર ઍવોર્ડ, અભિવાદન ટ્રોફી, કનૈયાલાલ મુંશી સુવર્ણચંદ્રક વગેરે પુરસ્કારો દ્વારા તેમને નવજાયા છે. ભારતીય સાહિત્ય અકાદમી ઍવોર્ડ, દર્શક ઍવોર્ડ તેમજ ભારતીય સાહિત્ય અકાદમી ઍવોર્ડ વગેરેથી તેમની સર્જકપ્રતિભા, લખાણ, આવડત, વિચારર્યુક્ત રચનાઓ તેમજ ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે પોતાનું આગવું યોગદાન આપવા બદલ બિરદાવાયા છે. 

૨૮ માર્ચ ૨૦૧૦ના રોજ નડીયાદ ખાતે કિડની નિષ્ફળ જવાથી જૉસેફ મૅકવાને દુનિયામાંથી વિદાય લીધી હતી. 

વ્યક્તિના સંબંધને આલેખ તો ઘણાં મળે, પણ એને કલાત્મક સાહિત્યિક રસમયતાથી સજીવ બનાવવાની પ્રતિભા, સર્જનાત્મક વિચાર અને કલ્પના જૉસેફ પાસે છે.