થોડા ક્ષણના ઉચ્ચાટમાં તું જીવનભરના શ્વાસ ગુમાવવા ચાલ્યો છે;

થોભી જા; થોભી જા માનવી તું આ શું કરવા ચાલ્યો છે ?

થોડી-ઘણી નિષફળતા પાછળ જિંદગી પર પૂર્ણવિરામ લગાવવા ચાલ્યો છે;

થોભી જા; થોભી જા માનવી તું આ શું કરવા ચાલ્યો છે?

મુશ્કેલીઓનું શું છે! આજે એક તો કાલે બીજી હશે;

તું એટલો કાયર નથી કે એ તને રોકે અને તું બસ ઊભો રહી જાય; 

સાંભળે છે?

થોભી જા; થોભી જા માનવી તું આ શું કરવા ચાલ્યો છે?

મોત જો સામે આવીને ઉભે તો લડી લે એનાથી;

શું ખબર મૃત્યુ તારી સામે નમી વિજય તારા વિશ્વાસનો થાય?

જરા વિચાર!

થોભી જા; થોભી જા માનવી તું આ શું કરવા ચાલ્યો છે?

ભ્રમ છે તારું કે જીવન ટૂંકાવવાથી પીડા જશે ;

જરાક વિચાર તારી પાછળ તારા પરિવારનું શું થશે?

એટલે જ કહું છું,

થોભી જા; થોભી જા માનવી તું આ શું કરવા ચાલ્યો છે?

ખુદથી આશા છોડીને તું કેટલાની આશા તોડીશ?

જિંદગી એટલી પણ સસ્તી નથી કે પળભરમાં તું વિખેરીશ!

મૃત્યુને ભેટી બધું સારું તો થવાનું નથી,

એટલે જ ;

થોભી જા; થોભી જા માનવી તું આ શું કરવા ચાલ્યો છે?

આશા-નિરાશાઓથી ભરેલી છે આ જિંદગી; જ્યાં તક ઘણી આવીને ઊભશે,

“અંદાઝ” સુખ દુઃખના આ બગીચામાં સુખના ફૂલો પણ ખીલશે,

વિશ્વાસ રાખ ખૂદ પર અને;

થોભી જા; થોભી જા માનવી તું આ શું કરવા ચાલ્યો છે?