મારું ભારત

આપણું ભારત,

વિવિધતામાં એકતાનું દર્પણ,

દેશ પ્રત્યે દરેકનું સમર્પણ. 

 

પુરુષ પ્રધાન દેશ છે ભારત,

સ્ત્રીના સંસ્કારોથી સમૃદ્ધ છે ભારત,

પણ કોઈ છે

જેમને હજુ નથી સ્વીકારી રહ્યું આ ભારત. 

 

એમને ના પુરુષ કે ના સ્ત્રી કહેવાય,

એમનું સ્થાન તો અન્યમાં ગણાય,

તેઓ પણ પ્રભુની રચના કહેવાય,

છતાંય એમને બીભસ્ત શબ્દોથી ઓળખાય. 

 

એમના પહેરાવથી લઈને દેખાવ સુધી,

એમના ચલણથી લઈને ચારિત્ર સુધી,

બધાંને એમાં ખોટ દેખાય છે,

ના જાણતો આ માનવ, જેની કૃપાથી લાભ સર્જાય છે. 

 

એમના સ્મિતથી અશ્રુ સુધી,

એમના પ્રેમથી પરોપકાર સુધી,

એમના અસ્તિત્વથી અભિમાન સુધી,

દર્પણ! બન્યો છે સાથી એમના અંત સુધી.

 

સૌંદર્યની પ્રશંસા કરનારો દર્પણ,

સ્વાભિમાનની તસ્વીર બનનારો દર્પણ,

પ્રશાંતિ અને મૂંઝવણને દેખાવનાર દર્પણ,

એમના પ્રભાવને દર્શાવનાર દર્પણ. 

 

અછૂત નથી, ભગવાનના જ અંગ છે,

એમને પણ સમ્માન આપવું એક જંગ છે,

પ્રગતિ! ફક્ત દેખાય છે દેશમાં,

અછત છે આની લોકોના વિચારમાં. 

 

દેશનાં નકશામાં થાય છે બદલાવ,

તો કેમ  નથી આવતો વિચારોમાં બદલાવ?

એમના આશીર્વાદની સાથે એમને પણ અપનાવો,

એ પણ પરિવારનો હિસ્સો છે, તે એમને મહેસુસ કરાવો.

 

જરૂર છે હવે પરિવર્તન વિચારોમાં,

એમના જીવનનો અંધકાર ભગાડવામાં,

એમનાં અસ્તિત્વનું દિપ જગાડવામાં,

માનવતાથી સુસર્જિત દેશ બનાવામાં