દરેક માતા-પિતા માટે શુભ પ્રસંગ,

એમના બાળકનો લગ્ન પ્રસંગ,

જ્યાં અલગ-અલગ દિલોનો મેળાપ,

ત્યાં જ અલગ-અલગ પરિવારોનો મેળાપ.

 

દિકરીના માતા-પિતા જીવનની પૂંજી લગાવે છે,

કોઈ ફરિયાદ ન કરે તે વાતની ખાતરી રાખે છે,

અને જો છોકરા પક્ષે દહેજની માંગ કરી છે,

તો તેને પૂરી પાડવી જરૂરી છે.

 

કેમ છે દહેજ જરૂરી?

કોઈએ પોતાની દિકરી તમને સોંપી શું એ નથી જરૂરી?

૨૫ વર્ષથી ઉછેરીને દિકરીનું કન્યાદાન કરે છે શું એ નથી જરૂરી?

પોતાના ઘરની લક્ષ્મીને વિદા કરીને મોક્લે છે શું એ નથી જરૂરી?

 

દહેજ સમાજની ગેરરીતિ છે,

કોઈ માંગ કરીને લે છે,

કોઈ લગ્ન પછી વહુ પર દબાણ કરીને લે છે,

કોઈ શારીરિક યાતનાઓ કરીને લે છે.

 

લોકોમાં જાગૃતી હોવા છતાં આપે છે,

અને ખબર છે કે ગુનો છે છતાં લે છે,

અને જો માતા-પિતા માંગ પૂરી ન કરી શકે,

તો સંબંધ તોડી નાખવાની ધમકી મળે છે.

ક્યાં સુધી પૈસાથી સંબંધ જોડાશે?

ક્યાં સુધી દિકરીને દહેજના મહેણાં સાંભળવા પડશે?

ક્યાં સુધી માતા-પિતા એમની માંગ પૂરી કરશે?

ક્યાં સુધી આ ત્રાસમાં દિકરી દમ તોડશે?

 

દહેજ લેવાનું છોડો,

દહેજ દેવાનું છોડો,

દહેજની માંગ કરનારને રોકો,

દહેજની માંગ પૂરી કરનારને ટોકો.

 

દિકરીને હર્ષોલ્લાસથી વિદા કરો,

અને દહેજને સમાજથી વિદા કરો,

ઘરમાં આવેલી વહુને લક્ષ્મી તરીકે અપનાવો,

અને દહેજ ન લેવાની સોગંદને અપનાવો.