ગુજરાતી સિનેમા જગતને ઢોલીવુડ અથવા ગોલીવુડ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુજરાતી સિનેમાનું મહત્ત્વ પહેલા કરતા ઘણું બદલાઇ ગયું છે. ઘણી ગુજરાતી ફિલ્મો એ લોકોના દિલમાં આજે પણ જગ્યા બનાવી રાખી છે. વાત ખાલી ગુજરાતી ફિલ્મોની જ નહીં પરંતુ ગુજરાતી કલાકારોએ પણ લોકોના દિલમાં આગવું સ્થાન બનાવ્યું છે. તેમાં સૌથી મોખરાનું સ્થાન ગુજરતી સિનેમા જગતના મહાનાયક એવા “નરેશ કનોડિયા” નું છે. 

 

નરેશ કનોડિયાનો જન્મ ગુજરાતના  કનોડા ગામમાં તારીખ ૨૦ ઓગસ્ટ ૧૯૪૩ ના રોજ થયો હતો. ઘણા માણસો એવું વિચારીને જ મેહનત ન કરે કે નસીબમાં લખ્યું હશે એ થશે. એવું નથી નસીબ હોય છે પણ,  સાથે સાથે જ મેહનત પણ એટલી જ કરવી પડે છે . તેમના પિતા મીઠાભાઈ કનોડિયા એક સાધારણ મિલ વર્કર હતા. આટલા સાધારણ પરિવાર માંથી આવવા છતાં તે ખૂબ જ લોકપ્રિય બન્યા.

 

નાની ઉંમરથી જ તેમણે તેમના ભાઈ મહેશ કનોડિયા સાથે સ્ટેજ શોઝ કરવાનું શરૂ કર્યું હતું. સ્ટેજ પર, “મહેશ – નરેશ”ની જોડી બહુ જ પ્રચલિત થઈ. આ જોડીએ અમેરિકા, આફ્રિકા અને બીજા ઘણા એશિયન દેશોમાં ૧૩,૦૦૦થી પણ વધુ સ્ટેજ પરફોર્મન્સ આપ્યા છે. 

 

એક વખત આ જોડીનો શો મુંબઈમાં ચાલતો હતો. ત્યાં એ શોમાં ગુજરાતી સિનેમાના પ્રખ્યાત નિર્માતા મનુકાંતભાઈ પટેલ પણ હાજર હતા. તેમને ત્યારે જ, “મહેશ – નરેશ”ની આ જોડી ગમી ગઈ હતી. ત્યાં જ તેમને નરેશ કનોડિયાને ફિલ્મમાં કામ કરવાની તક આપી જે તેમણે સ્વીકાર કર્યો હતો. તે ફિલ્મનું નામ હતું, “વેલીને આવ્યા ફૂલ”. આ નરેશ કનોડિયની પેહલી ફિલ્મ હતી. તેઓએ તેમના પ્રભાવશાળી કામથી ગુજરાતી સિનેમાને ઘણી પ્રખ્યાત ફિલ્મો આપી. તેઓએ સિનેમા જગતની ઘણી જ પ્રખ્યાત અભિનેત્રીઓ સાથે કામ કર્યું છે જેમ કે સ્નેહલતા, અરુણા ઈરાની, રોમા માણેક. આ ઉપરાંત ઉપેન્દ્ર ત્રિવેદી, અસરાની, કિરણકુમાર, જેવા કલાકારો સાથે પણ તેમણે કામ કરેલું છે. 

 

તેમના ભાઈ મહેશ કનોડિયા સાથે લગભગ ૧૫૦ જેટલી ફિલ્મોમાં સંગીત આપ્યું છે. તેઓ કોઈપણ કામને નાનું ન સમજતા હતા. ૧૨૫ થી પણ વધુ ફિલ્મોમાં તેમણે હીરો અથવા સહાય કલાકાર તરીકે કામ કર્યું છે. તે “જોની જુનિયર”ના હુલામણા નામથી ઓળખાય પણ છે. આજના દિવસે પણ જ્યારે થિએટર માં કલાકાર નરેશ કનોડિયાની એન્ટ્રી પડે, ત્યારે લોકો સિટીથી થિએટર ગુંજવી નાખે છે. 

 

આ તો હતી એમની સિનેમા જગતમાં કારકિર્દીની વાત. હવે વાત કરીએ તેમની રાજનૈતિક સેવાઓની. ૨૦૦૨માં તેઓ વિધાન સભામાં, ક્ષેત્ર – કરજણ વડોદરાથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમણે ૨૦૦૨ – ૨૦૦૭ સુધીના ગાળામાં સેવાઓ આપી. 

 

 નરેશ કનોડિયાના વ્યક્તિગત જીવનની વાત કરીએ તો નરેશ કનોડિયાના પત્નીનું નામ રતન કનોડિયા છે. તેમના બે પુત્રો છે, હિતુ કનોડિયા અને સૂરજ કનોડિયા. હિતુ કનોડિયા પણ તેમના પિતાની જેમ ગુજરાતી ફિલ્મોમાં કામ કરે છે. તેઓ ઇડર સાબરકાંઠાથી ધારાસભ્ય તરીકે સેવા આપી રહ્યા છે. નરેશ કનોડિયાના ભાઈ મહેશ કનોડિયની વાત કરીએ તો તેઓ એક અદ્ભુત સંગીતકારની સાથે પાટણથી સાંસદ સભ્ય તરીકે સેવા આપી ચૂક્યા છે. નરેશ કનોડિયાના જીવન પર એક પુસ્તક પણ લખાયેલું છે જેનું નામ છે, “સહુના હૃદયમાં હંમેશ મહેશ – નરેશ”. આ પુસ્તકનું ૨૦૧૧માં આપણા ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું. 

 

તેમને ફિલ્મોમાં સારા કામ કરવા બદલ ઘણા એવોર્ડ મળ્યા છે. તેમને શ્રેષ્ઠ સંગીત માટે ત્રણ એવોર્ડ મળ્યા છે, જ્યારે ૨૦૧૨માં તેમને દાદાસાહેબ ફાળકે એકેડેમી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. હાલમાં જ ૨૦૨૧માં તેમને પદ્મશ્રીથી પણ સન્માનિત કરાયા હતા.

 

વર્ષ ૨૦૨૦માં સિનેમા જગતના ઘણા દિગ્ગજ કલાકારો કોરોના મહામારીનો ભોગ બન્યા હતા. અને આ કોરોના વાઈરસને  કારણે જ આપણે આપણા “પરદેશી મણિયારા – નરેશ કનોડિયા” ને ગુમાવ્યા હતો અને ગુજરાતી સિનેમાએ પોતાનો સોરઠ કેરો સાવજ ગુમાવ્યો. તેઓએ તેમના અંતિમ શ્વાસ તારીખ ૨૭ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ યુ. એન. મેહતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કર્ડિયોલોજી એન્ડ રીસર્ચ સેન્ટર, અમદાવાદ ખાતે લીધા હતા. સંજોગની વાત એ છે કે ગુજરાતી સિનેમામાં સાથે જ પગ મુકનાર બન્ને ભાઈઓએ સાથે જ ગુજરાતી સિનેમાને અલવીદા કહ્યું. એમના અવસાનના બે દિવસ પેહલા જ એમના ભાઈ મહેશ કનોડિયાનું પણ અવસાન થયું હતું. ગુજરાતી સિનેમાના આવા મહનાયકને શ્રદ્ધાંજલિ આપતી ચાર પંક્તિઓ:

 

“ઊંચી મેડી ના ઊંચા મોલ,

પણ જ્યારે ઢોલી તારો વાગે ઢોલ 

ત્યારે સંભળાઈ મને આ સોરઠીયા સાવજ ના બોલ

ગરવો ગુજરાતી અને હીરો અણમોલ”.

તેઓની આ ઝાંખીમાંથી આપડે એક વસ્તુ જીવનમાં ઉતારવા જેવી કે “માણસ કોઈ દિવસ નસીબ લઈને નથી આવતો માણસ પોતાની મેહનત એનું નસીબ બનાવે છે”