ગયાં અંકમાં આપણે ગુજરાતી સાહિત્યનાં પ્રાચીન યુગની જાણકારી મેળવી અને હવે આપણે ગુજરાતી સાહિત્યના મધ્યકાલીન યુગમાં પ્રવેશ કરીશું અને જાણીશું આપણા સમૃદ્ધ સાહિત્યનાં મધ્યકાલીન યુગ વિશે. 

 

પ્રાચીન યુગમાં જૈન સાધુઓ દ્વારા અઢળક ગદ્ય સાહિત્યનું સર્જન કરવામાં આવ્યું હતું પરંતુ આ પ્રાચીન યુગમાં પદ્ય સાહિત્યનું સર્જન ખાસ કઈ થયું ન હતું, ફક્ત થોડા પ્રમાણમાં અમુક ફાગુ અને રાસાઓનું સર્જન થયું હતું, પરંતુ એ પદ્ય સાહિત્યોનું પણ માત્ર પ્રાકૃત અને વર્ણાત્મક ભાષામાં સર્જન કરવામાં આવ્યું હતું. 

 

ત્યારબાદ સમૃદ્ધ ગુજરાતી સાહિત્યના મધ્યકાલીન યુગમાં એ સમયગાળામાં પદ્ય-સાહિત્ય સર્જન પ્રભુત્વ ધરાવતું હતું અને પદ્યને વિવિધ સાહિત્યપ્રકારોમાં સર્જવામાં આવ્યું હતું. પ્રાચીન યુગમાં જ્યાંરે જૈન સાધુઓએ રાસ અથવા રાસાઓની રચના કરી હતી, તે આ રાસાઓને આખ્યાન સાહિત્યપ્રકારના પુરોગામી માનવામાં આવતાં. ત્યારબાદ આ જ કાળમાં પ્રાચીન યુગના ફાગુઓ વધુ વિકસિત પામ્યા હતા. પ્રાચીન યુગમાં રચાયેલા ફાગુઓ કરતા મધ્યકાલીન યુગમાં રચાયેલા ફાગુઓ વસંત ઋતુનું ઉલ્લાસભર્યું વર્ણન કરતા અને શૃંગાર તેમજ પ્રેમરસથી ભરેલા હતાં., આ પ્રકારના ફાગુઓ પ્રાચીન યુગમાં જોવા નોહ્તા મળતાં. છેવટે આ મધ્યકાલીન યુગમાં ફાગુ પ્રકારનાં સાહિત્ય દરેક ઋતુ અને માસનું વર્ણન કરતાં કાવ્યસર્જનો બારમાસી તરીકે પૂર્ણ વિકાસ પામ્યાં હતાં. 

 

મધ્યકાલીન યુગ એ પદ્ય સાહિત્ય માટે પાયાનો યુગ ગણવામાં આવે છે કેમકે આપણા સાહિત્યમાં જોવા અને સાંભળવા મળતાં આખ્યાન પણ પૂર્ણ રીતે આ જ કાળમાં ખીલ્યાં હતાં અને આપણા પ્રાણ સમાન ગુજરાતી નૃત્ય પ્રકારે પ્રયોગ માટે પ્રચલિત કાવ્યપ્રકાર ગરબો અથવા ગરબી પણ આ જ યુગની ઉપજ ગણાય છે. ઉપરાંત, ભક્તિ પદના જ પ્રકારો તરીકે પ્રચલિત પ્રભાતિયાં, ધોળ, કાફી અને ચાબખાનું સર્જન પણ આ મધ્યકાલીન યુગમાં થયું હતું. આમ, મધ્યકાલીન સાહિત્ય એ સુગેય પદ્યમાં પ્રાધાન્યરૂપે સર્જન પામ્યું હતું.

 

આમ, મધ્યકાલીન યુગનું સાહિત્ય એ મોટાભાગે અપભ્રંશ પાસેથી મળેલ વારસા તરીકે સતત વિકાસ પામતું ગયું અને આપણને આપતું ગયું એક સમૃદ્ધ પદ્ય સાહિત્યનાં ખજાના સ્વરૂપ અઢળક કાવ્ય-સંગ્રહો. આ મધ્યકાલીન યુગમાં મુખ્ય બે યુગ જોવા મળે છે, એક નરસિંહ યુગ અને બીજો ભક્તિ યુગ.  

 

નરસિંહ યુગ (ઈ.સ. ૧૪૫૦ થી ૧૮૫૦) :

મધ્યકાલીન યુગની ૧૫મી સદી દરમિયાન ગુજરાતી સાહિત્ય સ્થાપિત ધાર્મિક માન્યતાઓ સામે લોકપ્રિય થયેલ ભક્તિ સંપ્રદાયના પ્રભુત્વ હેઠળ આવ્યું હતું અને ભક્તિ યુગનાં પિતા કહેવાતા નરસિંહ મહેતા (૧૪૧૫-૧૪૮૧) આ સમયકાળના સર્વોચ્ચ કવિ ગણાતા હતાં. તેમની પ્રબળ કૃષ્ણ ભક્તિને લીધે આપણા સાહિત્યને ઘણા ભજનો, પ્રભાતિયાં, આખ્યાન અને પદો પ્રાપ્ત થયા હતા. તેમનું ગોવિંદ ગમન, સુરત સંગ્રામ, સુદામાચરિત્ર અને શૃંગારમાળા જેવી રચનાઓ આપણને સતત ભક્તિરસથી ઓતપ્રોત કાવ્યશૈલીની પ્રતીતિ કરાવે છે.

 

ભક્તિ યુગ : 

મધ્યકાલીન સાહિત્ય યુગમાં નરસિંહ મેહતા એ જયારે ભક્તિ-સાહિત્ય માટે પાયો નાખ્યો ત્યારબાદ ઘણાં જૈન અને હિંદુ કવિઓએ પુષ્કળ માત્રામાં પદ્યને લગતાં ગુજરાતી સાહિત્યનું સર્જન કર્યું હતું. આ યુગમાં પદ્ય સાહિત્ય સાથે સાથે ઘણાં ગદ્યો પણ રચાયા હતાં, પરંતુ ગદ્ય કરતાં આ યુગમાં પદ્ય-સાહિત્યનું સર્જન પુષ્કળ માત્રામાં થયું હતું. આ મધ્યકાલીન યુગમાં ગદ્ય અને પદ્ય બંને પ્રકારનાં સાહિત્યો એ ધર્મ અને ભક્તિને પ્રોત્સાહન આપવા માટે સર્જવામાં આવ્યા હતાં. આ સાથે મુખ્ય રીતે આ યુગમાં હિંદુ ધાર્મિક સાહિત્યના ભાગ એવા ગીતા, મહાભારત, વેદો અને ભાગવત જેવા ગ્રંથો ખુબ જ લોકપ્રિય બન્યા હતા. આ સાથે ઘણી પ્રાર્થનાઓ અને જૈન ઈતિહાસને લગતા સર્જનો પણ આ યુગમાં જ કરવામાં આવ્યા હતા. આ સાથે હિન્દુ ધર્મનાં પાયાનાં ગ્રંથો જેવા કે રામાયણ, ભગવદ ગીતા, યોગવશિષ્ઠ અને પંચતંત્રનું ગુજરાતી ભાષામાં અનુવાદ પણ આ મધ્યકાલીન યુગમાં કરવામાં આવ્યુ હતું. 

આ ગાળામાં મોટાપ્રમાણમાં પૌરાણિક પુનરુત્થાન થયું જેને કારણે ગુજરાતી સાહિત્યમાં ભક્તિરસના પદ્યનો ખૂબ જ ગતિથી વિકાસ થયો. આ ગાળાને મુખ્યત્વે બે વિભાગમાં વહેંચવામાં આવ્યો છે, સગુણ ભક્તિ યુગ અને નિર્ગુણ ભક્તિ યુગ.

 

તો આ સગુણ ભક્તિ યુગ અને નિર્ગુણ ભક્તિ યુગ વિશે જાણીશું આપણે આવતાં અંકમાં.