આપણે ગયાં અંકમાં જોયું કે પ્રાચીન યુગમાં જે પ્રાગ નરસિંહ યુગ તરીકે પણ ઓળખાય છે એ સાહિત્યનાં પ્રાચીન યુગમાં ઘણાં વિદ્વાન અને મહાન સાહિત્યકારો એ ઘણાં સાહિત્યોની રચનાં કરી અને હેમચંદ્રાચાર્ય એ ગુજરાતી સાહિત્યનો મૂળ પાયો આ યુગમાં નાંખ્યો.

આ સાથે ઘણાં ઈતિહાસકારો અને સંશોધકો એમ માને છે કે ગુજરાતી સાહિત્યમાં શરુઆતનું સર્જન જૈન લેખકો દ્વારા કરવામાં આવેલ એ રાસ, ફાગુ અને વિલાસના સ્વરુપમાં લાંબા પદ્યલેખો તરીકે હતું , અને આ પદ્યલેખોમાં શૌર્ય, શૃંગાર અને કુદરતના વિષયો મુખ્ય કેન્દ્રમાં હતા. 

જૈન સાધુઓએ લગભગ બસો વર્ષના સમયગાળામાં સેંકડો રાસ અથવા રાસાઓનું સર્જન કરેલું છે. રાસાઓમાં મુખ્ય વિષયો પ્રકૃતિવર્ણન, શૃંગારરસિક ઋતુચિત્રો, જૈન આચાર્યો અને તીર્થંકરો, ઐતિહાસિક પાત્રોનાં ચરિત્રો હતા. રાસાઓ એ મુખ્યત્વે ‘રાસ’ને લાગતાં સાહિત્યનો ઉપયોગ થતો, રાસાઓમાં ખાસ કરીને શ્રી કૃષ્ણની રાસલીલાને લાગતાં પદ્યો અને રાસાઓ લખવામાં આવતાં. જેમાં, શાલિભદ્રસુરિનું ભરતેશ્વર બાહુબલિ રાસ (ઈ.સ. ૧૧૮૫), વિજયસેનનું રેવંતગિરિ રાસ (ઈ.સ. ૧૨૩૫), અંબાદેવનું સમરારાસ (ઈ.સ. ૧૩૧૫) અને વિનયપ્રભાનું ગૌતમ સ્વામિરાસ (ઈ.સ. ૧૩૫૬) એ આ પ્રકારના સાહિત્યના શ્રેષ્ઠ ઉદાહરણ છે.

આમ, રાસાઓનો મોટો સંગ્રહ આજે પણ જૈન ભંડારોમાં પાટણ, જેસલમેર, અમદાવાદ અને ખંભાત ખાતે હસ્તલિખિત સ્વરુપમાં ઉપલબ્ધ છે. જે આ રાસાઓને જીવંત રાખી રહ્યાં છે.

આ સિવાય બીજો પેટાપ્રકાર ફાગુને લગતાં સાહિયો વિશેષ રીતે જોવા મળ્યાં છે. ફાગુ એ પ્રાચીન યુગમાં પહેલાં વહેલાં પદ્ય સાહિત્યો જોવાં મળ્યાં છે, એવું પણ કહી શકાય કે સાહિત્ય જગતમાં અહીંથી જ પદ્ય સાહિત્ય માટેનું બીજ રોપાયું હતું.

ફાગુ એ ઉત્સાહ અને ઉલ્લાસભર્યા વસંતના સમયનું ચિત્રણ કરતું પદ્ય સાહિત્ય છે. જે ખૂબ જ જૂનાં ગુજરાતી સાહિત્યની એક કાવ્ય શૈલી છે. જેનો મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય યુગની કાવ્યરચનાઓ સુધી વિસ્તાર થયો છે. ફાગુ શબ્દ એ ફાગણ પરથી ઉતરી આવ્યો છે. ફાગણ એ ભારતીય પંચાંગનો મહિનો છે અને જે સમયે વસંત ઋતુ હોય છે, જેમાં તે સમયનાં વસંત ઋતુનું પદ્યમાં વર્ણન કરવામાં આવે છે. તેમાં પ્રેમના આનંદ, જુદાઈનાં ડર અને પુનર્મિલનની આશાને પણ વર્ણવે છે. આ રચનાપ્રકાર જૈન સાધુઓમાં પ્રચલિત હતો એટલે તેમની ફાગુ રચનાઓ પ્રેમ ભાવનાઓથી શરુ થતી પણ અંતે દીક્ષા કે સંસારત્યાગથી પૂર્ણ થતી હોય છે.

ફાગુ સાહિત્ય આપનારા વિદ્વાનોમાં રાજશેખરનું નેમિનાથ ફાગુ (ઈ.સ. ૧૩૪૪) અને અજ્ઞાત સર્જકનું વસંત વિલાસ (ઈ.સ. ૧૩૫૦) આ પ્રકારના શ્રેષ્ઠ ઉદાહરણ છે. વસંત વિલાસ ચોર્યાસી કડી ધરાવે છે અને આ જ પ્રકારની શૈલી ધરાવતી ફાગુ નામની રચના છે. આ સિવાય ઇ.સ.૧૩૪૪ કે ઇ.સ.૧૩૩૪માં જીનપદ્મસુરિ દ્વારા પ્રથમ ફાગુ, સ્થુલીભદ્ર ફાગુ, રચવામાં આવ્યું હોવાનું પણ માનવામાં આવે છે. 

આ સાથે આ જ યુગમાં જૈનેત્તર કવિઓમાં અસાઇત ઠાકર સર્વોપરી સર્જક માનવામાં આવે છે. તેની મુખ્ય રચના ભવાઈ છે અને તેમણે આશરે ૩૬૦ વેશોનું સર્જન કર્યું છે. તેને નાટ્યશાસ્ત્રને ગુજરાતી સાહિત્યમાં લાવવાનું શ્રેય અપાય છે. જેમાં પ્રબંધન કાવ્યો, શ્રીધરનું રણમલ્લ છંદ (ઈ.સ. ૧૩૯૮), મેરુતુંગનું પ્રબંધચિંતામણિ, પદ્મનાભનું કાન્હડદે પ્રબંધ (ઈ.સ. ૧૪૫૬) અને ભીમનું સદયવત્સચરિત (ઈ.સ. ૧૪૧૦) મુખ્ય છે. 

જૈન સાધુઓ સિવાય સંદેશકરાશના સર્જક અબ્દુર રહેમાનને ગુજરાતી સાહિત્યના પ્રથમ મુસ્લિમ સર્જક ગણવામાં આવે છે. જેઓએ બારમાસી પ્રકારના પદ્યનું સૌથી પ્રાચીન ઉદાહરણ વિનયચંદ્રનું નેમિનાથ ચતુષ્પાદિકા (ઈ.સ. ૧૧૪૦) રચ્યું હતું. 

આ યુગમાં કેટલાક ગદ્યરચનાનું પણ સર્જન કરાયેલ છે. આ સર્જનોમાં મુખ્ય વિષયો વ્યાકરણ, ભાષ્ય અને ધર્મ હતા. જેમાં તરુણપ્રભસૂરિનું બાલવબોધ (ઈ.સ. ૧૩૫૫) એ સૌથી પ્રાચીન ઉદાહરણ માનવામાં આવે છે. જેમાં ધર્મોપદેશને કેન્દ્રિય વિષય રખાયો છે. 

માણિક્યસુંદરનું ધાર્મિક શૃંગારને વિષય રાખીને કરાયેલ ગદ્યસર્જન પૃથ્વીચંદ્ર ચરિત પ્રાચીન ગુજરાતીનું શ્રેષ્ઠ ઉદાહરણ છે અને તેની શૈલી બાણભટ્ટના કાદંબરીને મળતી આવે છે. તે સિવાય સોમસુંદર (૧૩૭૪) અને મુગ્ધાવબોધ ઔક્તિક (૧૩૯૪) નોંધપાત્ર સર્જનો પણ આપણા ભાગે આવ્યાં છે.

અમદાવાદ અને ખંભાતમાં ફલિત થયેલા વાણિજ્ય અને વ્યાપારને કારણે મનોરંજન પ્રવૃત્તિની શરુઆત આ કેન્દ્રોમાં થઈ અને જૈન સાધુઓ, વાર્તાકારો, ભવાઈ અને કઠપૂતળીના ખેલોને કારણે સાહિત્યને નવી દિશામાં વેગ મળ્યો.

તો આ હતું પ્રાચીન યુગનાં સાહિત્યનો પરિચય, હવે આપણે આવતાં અંકમાં જાણીશું મધ્યકાલીન સાહિત્ય યુગ વિશે…!