સિક્કિમનો દરેક દિવસ નવો જ અનુભવ કરાવનાર બની ગયો હતો. આવા જ એક રસપ્રદ દિવસની શરૂઆત થઈ ગઈ હતી. વહેલી સવારે ચાંગું લેક જવા નીકળી ગયા, ત્યાં આગળનું ગામ ભારત-ચીન સરહદ પહેલાનું છેલ્લું ગામ હતું. સવારના સૂર્યપ્રકાશનું પ્રતિબિંબ સરોવરમાં રમણીય લાગતું હતું. ચાંગું લેકથી ૧૬કિમી દૂર નથુલા પાસ આવેલું છે, માટે જ આ સરહદ સુધી જવાનો રસ્તો બખ્તરથી અને સૈનિકોથી ઘેરાયેલો  હતો.

સાચે જ લશ્કરની કોઈ ફિલ્મ જોઈને જે દેશ ભક્તિની ભાવના ઊભી થાય છે, એના કરતાં દસ ગણું અભિમાન દેશના વીરો પર થાય છે. ખરેખર -૧૫ ડિગ્રીમાં પણ ખડે પગે રહેવું એ સહેજ પણ સહેલું નથી. નથુલા પાસે  પહોંચવાની સાથે જ પહેલી નજર આપણા ધ્વજ પર પડી. એ લાગણીએ ગર્વથી રૂંવાડા ઊભા કરી દીધા હતા. બસ દસ પગલાં દૂર હતું ચીન, એમના સૈનિકો પણ આપણને જોઈ શકતા હતા અને ભારતીય સેનાની મહેનત, ત્યાગ, સમર્પણના લીધે દેશના તમામ લોકો નિરાંતે જીવે છે એ વાત ભારતીય સેનાને જોઈને સરખી રીતે સમજાય ગઈ હતી. બરફથી ઘેરાયેલ સરહદમાં થોડા સૈનિકો સાથે વાત કરી ત્યારે ખ્યાલ આવ્યો કે વિકટ પરિસ્થિતીનો સામનો પણ કેટલી બહાદુરીથી કરે છે. 

ત્યારબાદ થોડે જ દૂર બાબા હરભજન સિંઘની સમાધિ હતી, જે બાબા મંદિર તરીકે પણ જાણીતું છે. આ કોઈ બાબાનું મંદિર નથી, આ આપણી જ સેનાના શહિદ હરભજનસિંઘનું રહેઠાણ હતું જેમની વસ્તુઓને આજે પણ સાચવીને રાખવામાં આવી છે. આજે પણ કોઈ પણ યુદ્ધની પહેલા સૈનિકો ત્યાં જઈને આશીર્વાદ લેવાનું ભૂલતા નથી. કહેવાય છે કે એમની આત્મા આજે પણ દેશની માટે ત્યાં રક્ષણ આપે છે. બાબા મંદિરના દર્શન કરી અમે લાચુંગ તરફ પરત ફર્યા. જ્યારે રૂમમાં પહોંચ્યા ત્યારે ખ્યાલ આવ્યો હતો કે એ દિવસે પગે જવાબ આપી દીધો હતો. ભોજન બાદ અમે પછી સીધું શરીરને આરામ આપવાનું એટલે કે સુવાનું જ કષ્ટ કર્યું હતું જે થાકના કારણે એક નીંદરે સવાર પડી હતી. 

વહેલી સવારમાં જ અમે જીરો પોઇન્ટ જવા નીકળી ગયા હતા. ઉત્સાહ એટલો હતો કે ૯ વાગે જ પહોંચી ગયા. ત્યાં બરફમાં ખૂબ રમ્યા બાદ લlચુંગ માટે પરત ફર્યા હતા. એ દિવસ ખૂબ દોડાદોડ વાળો હતો. કારણકે એ જ દિવસે ગેંગટોક પહોચવાનું હતું. લlચુંગ હોટેલ પરથી સામાન લઈને એ જ ટેક્સીમાં અમે નીકળી ગયા. રાત્રે ૭:૩૦ વાગે અમે ગેંગટોકના રૂમ પર પહોંચી ગયા હતા, આ અમારી સિક્કિમમાં છેલ્લી રાત હતી અમારા સિક્કિમ પ્રવાસની તો જ્યાંથી શરૂઆત કરી હતી તે જ માલ રોડ પર ફરી ગયા ત્યાં થોડી યાદોને વાગોળી અને મોમો જમ્યા અને હોટેલ ગયા. ખરેખર આ દિવસો ક્યાં જતાં રહ્યા એ ખબર જ ના પડી.

બીજા દિવસની સવારે વહેલા ઊઠીને નાસ્તો કર્યો આ દિવસે એક ઉદાસી હતી ઘરે જવાની, જેવી રીતે આવ્યા હતા એવી જ રીતે ટૅક્સી કરીને અમે સિલિગુરિ જવા માટે રવાના થયા. જોકે પ્રવાસ હજુ પૂરો થયો ન હતો. સિલિગુરિથી અમે દાર્જિલિંગ જવાનું નક્કી કર્યું હતું. જેમ સફરનો કોઈ અંત નથી તેમ મારી સફરનામા કહાનીનો પણ કોઈ અંત નથી સફર સફરમાં જ છે!