ફિલ્મ: બાગી-2

જોનર : એક્શન-થ્રીલર

નિર્દેશક: અહેમદ ખાન 

નિર્માતા: સાજીદ નડિયાદવાલા

લેખક : અદીવી સેશ(ઓરીજીનલ) , સાજીદ નડિયાદવાલા (રિમેક)

કલાકારો : ટાઈગર શ્રોફ, દિશા પાટની, મનોજ બાજપેયી  , રણદીપ હુડા, પ્રતિક બબ્બર

સંગીત: મિથુન, આરકો પ્રાવો મુખર્જી, સંદીપ સીરોદકર, ગૌરવ-રોશીન, પ્રણય રીજય 

રિલીઝ ડેટ: 30 માર્ચ, 2018

બજેટ: 60 કરોડ (આશરે)

કમાણી: 129.81 કરોડ (આશરે)

સ્ટાર: 3.0

 

સ્ટોરીલાઈન :

બાગી-2 વર્ષ 2016માં રિલીઝ થયેલી ફિલ્મ ‘બાગી’ ની સિક્વલ છે તથા તેલુગુ ફિલ્મ ‘ક્ષણમ’ની રિમેક બનેલી ફિલ્મ છે. બાગીની સ્ટોરી મૂળરૂપે તેલુગુ ફિલ્મ અભિનેતા-નિર્દેશક અદીવી સેશ દ્વારા લખવામાં આવી છે. આ ફિલ્મનું મુખ્ય પાત્ર રણવીર પ્રતાપ સિંહ ઉર્ફે રોની (ટાઈગર શ્રોફ) હોય છે જે ભારતનું જન્નત કહેવાતા કાશ્મીરમાં આર્મી ઓફીસર તરિલે દેશને સેવા આપી રહ્યા હોય છે. રોનીને ગોવાથી તેની કોલેજની જૂની દોસ્ત તથા પ્રેમિકા નેહાનો (દિશા પાટની) ફોન આવે છે અને ત્યાંથી જ તેના મિશનની શરૂઆત થાય છે. રોનીનું મિશન નેહાની 3 વર્ષની દીકરી રિયાને બચાવવાનું હોય છે જેનું ફિલ્મમાં અપહરણ થઈ ગયું હોય છે. આ મિશનમાં રોનીની લડાઈ નેહાના દિયર સન્ની(પ્રતિક બબ્બર), ડી.સી.પી. શેરગિલ(મનોજ બાજપેયી ) તથા એ.સી.પી.(રણદીપ હુડા) સાથે થાય છે. રોની તેના મિશનમાં સફળ થાય કે નહી અને થાય છે તો કઈ રીતે થાય છે તે થ્રિલ સ્ટોરીને ખૂબ જ મનોરંજક બનાવે છે. સ્ટોરીમાં ભરપુર એક્શન તથા ટ્વીસ્ટ છે જે દર્શકોને ફિલ્મ જોવા માટે જકડી રાખે છે.   

 

નિર્દેશન અને અભિનય:

ફિલ્મનું નિર્દેશન અભિનેતા-નિર્માતા-કોરીઓગ્રાફર અહેમદ ખાનનું છે. અગાઉ તેઓએ ‘ફુલ એન્ડ ફાઈનલ’ તથા ‘લકીર’ જેવી ફિલ્મોનું નિર્દેશન કરેલું છે. ફિલ્મમાં એક્શન દ્રશ્યો પણ અહેમદ ખાન દ્વારા જ ડીઝાઈન કરવામાં આવ્યા છે જેના માટે ટાઇગર શ્રોફ પ્રખ્યાત છે, અને તેઓએ એક-એક સ્ટંટ ખૂબ જ સુંદર રીતે કરી બતાવ્યા છે. નિર્દેશનની વાત કરીએ તો અહેમદ ખાને સ્ટોરીને સરસ ન્યાય આપ્યો છે. બીજા અંતરાલમાં સ્ટોરી થોડી પ્રિડીક્ટેડ લાગે છે છતાં થ્રીલરને સરસ રીતે દર્શાવ્યું છે.

                    અભિનેતા ટાઈગર શ્રોફ અને અભિનેત્રી દિશા પાટનીએ આ ફિલ્મમાં પહેલી વાર સાથે કામ કર્યુ છે અને તેની કેમેસ્ટ્રી સ્ક્રીન પર ખૂબ સરસ લાગે છે. ટાઈગર શ્રોફ આ ફિલ્મમાં તેના એકદમ નવા જ અંદાજમાં જોવા મળે છે. આ ફિલ્મમાં ટાઈગર શ્રોફે તેના કરિયરનો અત્યાર સુધીનો સૌથી બેસ્ટ અભિનય ભજવ્યો છે. મનોજ બાજપેયી અને રણદીપ હુડાએ તેઓના પાત્રો ખૂબ સારી રીતે નિભાવ્યા છે. તેમજ પ્રતીક બબ્બરે ડ્રગ્સ અને આલ્કોહોલિકની ભૂમિકા ખૂબ જ સારી રીતે નિભાવી છે.

 

સંગીત અને સંવાદો:

ફિલ્મમાં સંગીતની વાત કરવામાં આવે તો મિથુન, આરકો પ્રાવો મુખર્જી, સંદીપ સીરોદકર, ગૌરવ-રોશીન તથા પ્રણય રીજયે આપ્યું છે. ફિલ્મમાં ‘મુંડિયા તું બચ કે રહી’, ‘ઓ સાથી’ તથા ‘લો સફર’ જેવા ગીતો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે. આ ઉપરાંત માધુરી દિક્ષિતનું તેજાબ ફિલ્મમાં આવેલું  ગીત ‘એક દો તીન….’ નું રીમેક પણ આ ફિલ્મમાં જેકલીન ફર્નાન્ડિઝના દ્વારા ફિલ્માવવામાં આવ્યું છે. ફિલ્મનું સંગીત સારું છે જે ફિલ્મને ભલીભાંત મનોરંજન પૂરું પાડે છે.

                ફિલ્મમાં સંવાદો હુસેન દલાલ તથા શાન યાદવે લખેલા છે. ફિલ્મમાં સંવાદો કરતા એક્શન દમદાર છે. તેમ છતાં ફિલ્મમાં સંવાદો અને એકશનનું મિશ્રણ લાજવાબ છે. આ ઉપરાંત ફિલ્મમાં સ્ક્રીનપ્લે જોજો ખાન, નીરજ મિશ્રા તથા અબ્બાસ હીરાપુરવાલાએ લખ્યો છે જે થોડા અંશે નબળો જણાય રહ્યો છે.

ફિલ્મમાં હકારાત્મક મુદ્દા:

(1)          દમદાર એક્શન

(2)          ટાઈગર શ્રોફનો અભિનય

(3)          ફિલ્મનું લેખન

 

ફિલ્મમાં નકારાત્મક મુદ્દા:

(1)          સ્લો સ્ટોરીલાઈન (સંપૂર્ણ ફિલ્મ દરમિયાન)

(2)          સ્ક્રીનપ્લે

(3)          એડીટીંગ

 

સારાંશ:

‘બાગી-2’ દર્શકોને લાજવાબ એક્શન સીન્સ તથા દમદાર થ્રિલર પૂરું પાડે છે. ટાઈગર શ્રોફના પ્રસંશકોને આ ફિલ્મ ખૂબ મનોરંજન પૂરું પાડશે ઉપરાંત એક્શન અને સસ્પેન્સ લવર્સને આ ફિલ્મ જરૂર પસંદ પડશે. જો વિકેન્ડમાં એક જબરજસ્ત એક્શન પેક ફિલ્મ જોવી હોય તો બાગી-2 તેના માટે બેસ્ટ વિકલ્પ છે.

By Vrunda Buch

vrundabuch96@gmail.com