ફિલ્મ: ઓક્ટોબર

જોનર: રોમાંસ  

નિર્દેશક: સૂજીત સરકાર

નિર્માતા : રોન્ની લહેર, શીલ કુમાર

લેખક(સ્ટોરી અને સંવાદો) : જુહી ચતુર્વેદી

કલાકારો: વરુણ ધવન, બનીતા સંધુ, ગીતાંજલિ રાવ

સંગીત: શાન્તનુ મોઇત્રા, અભિષેક અરોરા અને અનુપમ રોય

રીલીઝ ડેટ: 13 એપ્રિલ , 2018

બજેટ: 30 કરોડ (આશરે)

કમાણી : 16.01 કરોડ (આશરે)

સ્ટાર : 3.0

સ્ટોરીલાઈન:

                ‘ઓક્ટોબર’ ફિલ્મના લેખક જુહી ચતુર્વેદીએ અગાઉ ‘વિકી ડોનર’ તથા ‘પીકુ’ જેવી ફિલ્મોની સ્ટોરી લખી છે જે બોક્સઓફીસ પર હિટ સાબિત થઇ છે. આ ફિલ્મની સ્ટોરી સામાન્ય લવસ્ટોરીથી અલગ છે. ફિલ્મમાં ડેનીશ વાલિયા ઉર્ફે ડેન (વરુણ ધવન) ફાઈવ સ્ટાર હોટલમાં હોટેલ મેનેજમેન્ટની તાલીમ લેતો હોય છે અને ત્યાં જ તેની સહ તાલીમાર્થી તથા ક્લાસમેટ શીઉલી(બનીતા સંધુ) પણ કામ કરતી હોય છે.  ડેન સ્વભાવથી મસ્તમોજી છે જયારે શીઉલી ધીરગંભીર સ્વભાવની છે છતાં બંને વચ્ચે અનન્ય લાગણીનો સંબંધ હોય છે. સ્ટોરીમાં વણાંક ત્યારે આવે છે જયારે શીઉલી સાથે અચાનક ગંભીર ઘટના ઘટે છે અને એ દરમિયાન ડેનીને ખબર પડે છે કે શીઉલી તેને પસંદ કરતી હોય છે. સ્ટોરીમાં એવો શું વણાંક આવે છે તે જાણવા માટે દર્શકોએ પ્રેમનો જુદો જ રંગ રજુ કરતી ‘ઓક્ટોબર’ ફિલ્મ સિનેમાઘરોમાં નિહાળવી પડશે. ફિલ્મની સ્ટોરીમાં એક જ ફલો છે જે ફિલ્મના અંત સુધીમાં ઘણા સારા દ્રશ્યો તથા ટર્ન સાથે રજુ કરવામાં આવ્યો છે આ ઉપરાંત ઓક્ટોબર એટલે કે ઠંડીના મોસમનું સ્ટોરીમાં ખૂબ સારી રીતે વર્ણન કરવામાં આવ્યું છે. સૂજીત સરકાર તથા જુહી ચતુર્વેદીએ ફિલ્મની સ્ટોરીને ખૂબ સહજ રીતે પડદા પર રજુ કરી છે.

નિર્દેશન અને અભિનય:

              ‘વિકી ડોનર’, ‘મદ્રાસ કાફે’ તથા ‘પીકુ’ જેવી સુપરહિટ ફિલ્મોના નિર્દેશક સૂજીત સરકારે ‘ઓક્ટોબર’ ફિલ્મનું નિર્દેશન કર્યુ છે. સૂજીત સરકારના નિર્દેશનની ખાસ વાત એ છે કે તેઓ ફિલ્મને સંપૂર્ણ સહજ બનાવવા માટે ફિલ્મની સ્ટોરીથી લઈને દ્રશ્યોને સરળ તેમજ સાચા રૂપમાં દર્શાવવાનો પ્રયત્ન કરે છે. આ ફિલ્મમાં તેઓએ લેખનને સ્ક્રીન પર ઉતારવાનો સરસ પ્રયત્ન કર્યો છે. ઘણી જગ્યાએ સ્ક્રીનપ્લે નબળો જણાય છે જે સ્ટોરીલાઈનને ખૂબ ધીમી અને કંટાળાજનક બનાવે છે. સૂજીત સરકારે પ્રેમ તથા લાગણીને સ્ક્રીન પર એવી રીતે દર્શાવ્યા કે તે દર્શકોને જકડી રાખે છે.

            અભિનયની વાત કરીએ તો ડેનના પાત્રમાં વરુણ ધવને લાજવાબ અભિનય કરીને સાબિત કર્યુ છે કે તે એક્શન, કોમેડી તથા ઇમોશનલ બધા જ પાત્રો બખૂબી નિભાવી શકે છે. વરુણ ધવને આ ફિલ્મમાં તેના ફિલ્મી કરિઅરનું બેસ્ટ પરફોર્મન્સ આપ્યું છે. ફિલ્મમાં ડેન કોઈ વાત માટે ગંભીર નથી, શિસ્તહીન છે પરંતુ સાથોસાથ તેનામાં પ્રેમ તથા લાગણી પણ છે વરુણ ધવને આ બધા જ ભાવોને પડદા પર સરસ રીતે રજુ કર્યુ છે. વરુણ ધવન સાથે પડદા પર પહેલીવાર જોડી જમાવનાર નવોદિત અભિનેત્રી બનીતા સંધુએ શીઉલી અય્યરનું પાત્ર નિભાવ્યું છે. બનીતા સંધુ પણ તેના સહજ અભિનયથી દર્શકોનું દિલ જીતવામાં સફળ રહી છે. સહ કલાકાર તરીકે ગીતાંજલિ રાવ (શીઉલીના માતાના પાત્રમાં) એ ખુબ સરસ અભિનય કર્યો છે.

સંગીત અને સંવાદો:

           ફિલ્મમાં સંગીત શાન્તનુ મોઇત્રા, અભિષેક અરોરા અને અનુપમ રોયે આપ્યું છે. આલ્બમમાં કુલ 5 ગીતો છે પરંતુ ફિલ્મમાં એકપણ ગીતનો સમાવેશ કરવામાં આવ્યો નથી. એન્ડ ક્રેડીટમાં ‘મનવા’ ગીતનો સમાવેશ છે તથા ‘ઓક્ટોબર થીમ’ અને ‘ઠહેર જા’ ગીતને દર્શકો માટે રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં બેકગ્રાઉન્ડ સ્કોર શાન્તનુ મોઇત્રાએ આપ્યો છે જે સાચા અર્થમાં ‘ઓક્ટોબર’ સિઝનની તાજગી લાવે છે.

           ફિલ્મમાં સંવાદો જુહી ચતુર્વેદીએ લખ્યા છે. સંવાદો ખૂબ અસરકારક છે કેમકે જે ઈમોશન નિર્દેશકને સ્ક્રીન પર રજુ કરવા છે તેમાં સંવાદોએ સારો સાથ આપ્યો છે. સુંદર સંવાદો તથા દ્રશ્ય ફિલ્મને સંપૂર્ણ બનાવે છે.

ફિલ્મમાં હકારત્મક મુદ્દાઓ:

  • નિર્દેશન તથા વરુણ ધવનનો અભિનય
  • બેકગ્રાઉન્ડ સ્કોર
  • લોકેશન
  • લેખન

ફિલ્મમાં નકારાત્મક મુદ્દાઓ:

     (1) સ્લો સ્ટોરીલાઈન (સ્ટોરી એક જ ફલોમાં ચાલે છે જે ફિલ્મને કંટાળાજનક બનાવે છે.)

     (2) સંગીત ( ફિલ્મમાં કોઈ ગીત નથી કેમકે ગીત સ્ટોરીને થોડી મનોરંજક બનાવી શકે છે જે આ                    

          ફિલ્મમાં થઇ શકે છે.)

 

સારાંશ:

         લેખક જુહી ચતુર્વેદીએ તેઓની આગળની ફિલ્મોથી આ ફિલ્મમાં અલગ અને ફ્રેશ કન્ટેન્ટ આપ્યું છે અને તેમાં નિર્દેશક તથા કલાકારોએ તેનો સંપૂર્ણ સાથ આપ્યો છે. વરુણ ધવનના પ્રશંસકોને આ ફિલ્મ બહુ પસંદ આવશે. જે દર્શકોને મનોરંજક તથા મસાલેદાર ફિલ્મો પસંદ છે તેઓને આ ફિલ્મથી નિરાશા મળી શકે છે પરંતુ દર્શકોને જો ઇમોશનલ કન્ટેન્ટ પસંદ હોય તો આ ફિલ્મ બેસ્ટ વિકલ્પ છે.    

 

 

 

 

 

 

By Vrunda Buch

vrundabuch96@gmail.com