ફિલ્મ: રેવા

ભાષા: ગુજરાતી  

જોનર: આધ્યાત્મિક, ડ્રામા 

નિર્દેશક: રાહુલ ભોલે, વિનીત કનોજિયા 

નિર્માતા: પરેશ વોરા 

લેખક : રાહુલ ભોલે, વિનીત કનોજિયા

કલાકારો: ચેતન ધાનાણી, મોનાલ ગજ્જર, યાતીન કાર્યેકર, દયાશંકર પાંડે, રૂપા બોર્ગવકાર, પ્રશાંત બારોટ,  અતુલ મહાલે, અભિનય બેન્કર.

સંગીત: અમર ખાંધા 

રીલીઝ ડેટ: 6 એપ્રિલ , 2018

સ્ટાર : 3.5

સ્ટોરીલાઈન:

               આ ફિલ્મ ખૂબ જાણીતા ગુજરાતી લેખક ધ્રુવ ભટ્ટ દ્વારા લિખિત ‘તત્ત્વમસિ’ નવલકથા પર આધારિત છે. ફિલ્મમાં ગુજરાતની ભરૂચ પાસે આવેલી નર્મદા એટલે કે ‘રેવા’ નદીનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે, અને આ સુંદર વર્ણનને આધ્યાત્મિક રૂપ આપવામાં આવ્યું છે. તત્ત્વમસિ નવલકથા પર આધારિત ફિલ્મની સ્ટોરી બહુ ઊંડી તથા બોધરૂપ છે.

કરણ (ચેતન ધાનાણી) અમેરિકામાં રહે છે. જે ખૂબ જ બેજવાબદાર તથા બગડેલ યુવાન હોય છે. તેના દાદાનું અવસાન થાય છે, ત્યારે તેને ખબર પડે છે કે તેઓએ તેની બધી મિલકત ગુજરાતમાં નર્મદા(રેવા) ને કાંઠે સ્થિત એક આશ્રમને દાનમાં આપી દીધી છે. આથી કરણ તે મિલકત મેળવવા માટે ગુજરાત જાય છે અને ત્યાર બાદ તેની જીવનપરિવર્તિત મુસાફરીનો પ્રારંભ થાય છે. રેવા કાંઠાનો આ સફર કરણનું જીવન એ હદ સુધી બદલી નાખે છે કે સ્ટોરીના અંત સુધીમાં આપણને એક અલગ જ કરણ જોવા મળે છે. ફિલ્મમાં રીત-રીવાજો, ધર્મ અને શ્રદ્ધાનું વર્ણન તથા તેનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. ફિલ્મની સ્ટોરી થોડી ધીમી છે જે શરૂઆતમાં દર્શકોને કંટાળો અપાવે છે. પરંતુ જેમ જેમ સ્ટોરી આગળ વધે છે તેમ ફિલ્મનું સસ્પેન્સ ખુલે છે જે દર્શકોને મનોરંજન પૂરું પાડે છે. ફિલ્મનું કન્ટેન્ટ ખૂબ જ સારું છે જે ગુજરાતી દર્શકોને ઘણું પસંદ પડશે.

નિર્દેશન અને અભિનય:

               ફિલ્મનું નિર્દેશન તથા લેખન રાહુલ ભોલે તથા વિનીત કનોજિયાએ કર્યુ છે. લોકપ્રિય નવલકથાને પડદા પર એવી રીતે રજુ કરવી જેનાથી કોઈ દર્શકોની લાગણી ના દુભાય એ ખુબ અધરું કામ હતું જે આ ફિલ્મનાં નિર્દેશકોએ સફળ રીતે પાર પાડ્યું છે. ફિલ્મનો અમુક ભાગ ગંભીર અને અમુક ભાગ રચનાત્મક રૂપમાં રજુ કરવામાં આવ્યો છે. જે આધ્યાત્મિકતા સાથોસાથ થોડું મનોરંજન પણ પૂરું પાડે છે. ફિલ્મમાં એવા ઘણાં દ્રશ્યો છે જે દર્શકોને તાળીઓની ગડગડાટથી થિએટર ગુંજાવવા માટે મજબુર કરે છે. ખૂબ જ સુંદર નિર્દેશન દ્વારા રાહુલ ભોલેએ તથા વિનીત કનોજિયાએ આ ફિલ્મથી ચોક્કસપણે ગુજરાતી સિનેમાનું ગૌરવ વધાર્યુ છે.

              આ ફિલ્મમાં ઘણાં અનુભવી કલાકારોએ અભિનય કર્યો છે,જેમાં યાતીન કાર્યેકર, દયાશંકર પાંડે, અભિનય બેન્કર તથા પ્રશાંત બારોટનો સમાવેશ થાય છે. તેઓએ ફિલ્મમાં સહજ અભિનય કરીને ફિલ્મને સંપૂર્ણ બનાવી છે. ફિલ્મમાં મુખ્ય પાત્ર તરીકે ચેતન ધાનાણીએ ખુબ સરસ અભિનય કર્યો છે. તેમના અભિનય દ્વારા નિશ્ચિત રૂપથી એવું કહી શકાય કે ગુજરાતી ફિલ્મઉદ્યોગને એક સહજ અભિનેતા ચેતન ધાનાણીના રૂપમાં મળી ગયો છે. આ ફિલ્મમાં તેઓ અભિનેતા ઉપરાંત સહ-લેખક તથા ગીતકાર પણ છે. અભિનેત્રી મોનાલ ગજ્જરએ તેના સુંદર અભિનયથી દર્શકોનું દિલ જીતી લીધું છે.

સંગીત અને સંવાદો:

             ફિલ્મમાં સંગીત અમર ખાંધાએ આપ્યું છે. આલ્બમમાં કુલ 6 ગીતો છે. બધા જ ગીતો પરિસ્થિતિને આધારિત છે અને સ્ટોરીને જકડી રાખે છે. ‘રેવા ટાઈટલ ટ્રેક’, ‘મા રેવા’ તથા ‘નમામી દેવી નર્મદે’ જેવા ગીતો દર્શકોના મનને પ્રફુલ્લિત કરે છે અને ગુજરાતની ગૌરવગાથાને વાગોળે છે. ફિલ્મનું સંગીત દર્શકોને અચૂક પણે પસંદ પડશે.

             સંવાદોની વાત કરીએ તો એક-એક સંવાદ ફિલ્મમાં મહત્વનું પાત્ર નિભાવે છે. સંવાદોમાં કયાંક કટાક્ષ, ક્યાંક શાબ્દિક યુદ્ધ તો ક્યાંક કવિતાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સંવાદોમાં ગુજરાતની અને ખાસ કરીને નર્મદાની મહત્વતા દર્શાવવામાં આવી છે. આ ફિલ્મમાં નર્મદા વિસ્તારની બોલીને પણ ખૂબ જ સુંદર રીતે રજુ કરવામાં આવી છે.

ફિલ્મમાં હકારાત્મક મુદ્દાઓ:

(1) કલાકારોનો અભિનય

(2) નિર્દેશન તથા એડીટીંગ (રાહુલ ભોલે તથા વિનીત કનોજિયા)

(3) સિનેમેટોગ્રાફી ( સુરજ સી. કુરાદે)

(4) સ્ક્રીન પર કન્ટેન્ટની પ્રસ્તુતિ

ફિલ્મમાં નકારત્મક મુદ્દાઓ:

(1) સ્લો સ્ટોરીલાઈન (પ્રથમ અંતરાલમાં અને મહદઅંશે બીજા અંતરાલમાં )

(2) સ્ક્રીનપ્લે

સારાંશ:

         રેવા એક સંપૂર્ણ ગુજરાતી ફિલ્મ છે. જે દર્શકોને ધર્મ, શ્રદ્ધા તથા આત્મસાતથી વાકેફ કરાવે છે. આધ્યાત્મિક કન્ટેન્ટના પ્રશંસકોને આ ફિલ્મ નિઃસંદેહ ખૂબ પસંદ પડશે. ઉપરાંત આ ફિલ્મને તેના સંવાદો તથા સંગીત ખૂબ મનોરંજક બનાવે છે. જો વિકેન્ડમાં એક મનોરંજક, પ્રેરણાદાયક તથા ગુજરાતની ગૌરવગાથા વાગોળતી ફિલ્મ જોવા ઇચ્છતા હોવ તો ‘રેવા’ ફિલ્મ બેસ્ટ વિકલ્પ છે.

By Vrunda Buch

vrundabuch96@gmail.com