ફિલ્મ: હેરા ફેરી ફેરા ફેરી 

ભાષા: ગુજરાતી 

જોનર:  કોમેડી

નિર્દેશક: ગિરીશ મોહિતે

નિર્માતા: ચારુ જોષી, દર્શન પટેલ, દેવ પટેલ, વિરલ એસ. પટેલ 

લેખક : જીતેન્દ્ર પરમાર

કલાકારો:  મનોજ જોષી, સંજીવ જોટંગિયા , સોનિયા શાહ, શિલ્પા તુલાસ્કાર, કુલદીપ ગોર, બીજલ જોષી, રીશીલ જોષી, નેત્રી ત્રિવેદી, અર્ચન ત્રિવેદી.

સંગીત: પાર્થ ભરત ઠક્કર

રીલીઝ ડેટ: 13 એપ્રિલ , 2018

સ્ટાર : 3

સ્ટોરીલાઈન:

              ગિરીશ મોહિતે નિર્દેશિત ફિલ્મ ફેરા ફેરી હેરા ફેરી સંપૂર્ણ કોમેડી ફિલ્મ છે. ફિલ્મમાં  હસમુખલાલ જોબનપુત્ર (મનોજ જોષી) ના સંજોગોવસાત 2 લગ્ન થાય છે અને તેમની બંને પત્નીઓ મંદાકિની  (શિલ્પા તુલાસ્કાર) તથા શ્રીદેવી (સોનિયા શાહ)  ક્રમશ: બરોડા અને અમદાવાદમાં રહે છે. બંને પત્નીઓને ખબર ના પડે એ માટે હસમુખલાલ મંદાકિનીના પરિવાર સમક્ષ મરી ગયાનું નાટક કરે છે પરંતુ સ્ટોરીમાં રસપ્રદ વણાંક ત્યારે આવે છે જયારે હસમુખના બંને બાળકો (મંદાકિનીનો પુત્ર તથા શ્રીદેવીની પુત્રી)નો ફોન દ્વારા સંપર્ક થાય છે. હસમુખ ત્યારબાદ બે ફેરાના ચક્કરમાં એટલી હદ સુધી ફસાઈ જાય છે કે તેણે પોતાની પત્નીઓને ખબર ના પડે એ માટે બહુ બધા નાટકો તથા કરતબો કરવા પડે છે. દર્શકોને આ નાટકોથી થતી હેરી ફેરી પેટ પકડીને ખુબ હસાવે છે. સ્ટોરી હલ્કી-ફુલ્કી તથા મનોરંજક છે. ફિલ્મની મોટી લંબાઈ થોડો કંટાળો અપાવે છે પરંતુ સંપૂર્ણ ફિલ્મ દરમિયાન ફિલ્મનું હાસ્ય દર્શકોને જકડી રાખે છે.

નિર્દેશન અને અભિનય:

               ગિરીશ મોહિતેએ આ ફિલ્મનું નિર્દેશન ખુબ હોશિયારીથી કર્યુ છે, કેમકે જયારે બહુ મોટી કાસ્ટ સાથે નિર્દેશન કરવાનું હોય તત્યારે બધાને પુરતી સ્પેસ મળે તેનું ખાસ ધ્યાન રાખવું પડે છે જે આ ફિલ્મમાં ખુબ સારી રીતે કરવામાં આવ્યું છે. નિર્દેશનમાં સ્ક્રીનપ્લે ખુબ અગત્યનો ભાગ ભજવતું હોય છે. આ ફિલ્મમાં સ્ક્રીનપ્લેએ નિર્દેશકનો સારો સાથ આપ્યો છે અને ગિરીશ મોહિતેએ પણ ફિલ્મને મનોરંજક બનાવવા માટે કોઈ કસર બાકી છોડી નથી.

               અભિનયની વાત કરીએ તો પદ્મશ્રી અભિનેતા મનોજ જોષીએ આ ફિલ્મથી સાબિત કર્યુ છે કે એ ઇમોશનલ, ડ્રામા તથા કોમેડી બધા જ જોનરની ફિલ્મોમાં બહુ સહજતાથી અભિનય કરી શકે છે. મનોજ જોષી આ ફિલ્મનું હ્રદય છે અને તેની સ્ક્રીન પર હાજરી તથા કોમિક ટાઈમીંગ લાજવાબ છે. આ ઉપરાંત ફિલ્મના બાકીના પાત્રો જેવા કે રજનીકાંત (સંજીવ જોટાન્ગયા), મંદાકિની (શિલ્પા તુલાસ્કાર), શ્રીદેવી (સોનિયા શાહ), આકાશ(રીશીલ જોષી) તથા સપના (બીજલ જોષી) એ મનોજ જોષીનો ખુબ સરસ સાથ આપ્યો છે.

સંગીત અને સંવાદો:

               ફિલ્મમાં સંગીત પાર્થ ભરત ઠક્કરે આપ્યું છે. આલ્બમમાં માત્ર 3 ગીતો જ છે અને બધા જ ગીતો દર્શકોને એકદમ મનોરંજીત કરી નાખે છે. સંગીતને એટલું બધું સારું ના કહી શકાય પરંતુ કોમેડી ફિલ્મમાં સંગીતની એટલી આવશ્યકતા નથી હોતી  તો એ પ્રમાણે સંગીત યોગ્ય અને માપસર કહી શકાય.

                ફિલ્મમાં સંવાદો ખુબ અસરકારક સાબિત થાય છે અને દર્શકોને ખુબ હસાવે છે. ફિલ્મમાં બેકગ્રાઉન્ડ સ્કોર અને સંવાદોનું મિશ્રણ સારી રીતે કરવામાં આવ્યું છે.

ફિલ્મમાં હકારત્મક મુદ્દાઓ:

  • મનોજ જોષી નો અભિનય
  • નિર્દેશન
  • સિનેમેટોગ્રાફી ( સંતોષ શિંદે)

ફિલ્મમાં નકારત્મક મુદ્દાઓ:

  • સ્ટોરી
  • એડીટીંગ ( નીલેશ નવનાથ ગાવંદ)
  • ફિલ્મની લંબાઈ ( બીજા અંતરાલ પછી દર્શકોને થોડો કંટાળો આવી શકે છે.)

સારાંશ:

         ‘ફેરા ફેરી હેરા ફેરી’ સંપૂર્ણ ફેમિલી મનોરંજક ફિલ્મ છે. ઘરના બધા સભ્યો નાના બાળકોથી લઈને મોટા વૃદ્ધો સુધી આ ફિલ્મને માણી શકે છે ઉપરાંત મનોજ જોષીનો અભિનય આ ફિલ્મને ‘ચાર ચાંદ’ લગાડે છે. વિકેન્ડને મનોરંજક બનવવા માટે અને બહુ બધું હસવા માટે આ ફિલ્મ બેસ્ટ વિકલ્પ છે.

By Vrunda Buch

vrundabuch96@gmail.com