ફિલ્મ: ગુજ્જુભાઈ મોસ્ટ વોન્ટેડ
નિર્દેશક: ઇશાન રાંદેરીયા 
નિર્માતા: ધવલ ગડા,અક્ષય ગડા
કલાકાર: સિદ્ધાર્થ રાંદેરિયા , જિમિત ત્રિવેદી
રિલીઝ ડેટ: ૨૩ ફેબ્રુઆરી ૨૦૧૮
સંગીત: અદ્વૈત નેમલેકર , પાર્થ ભરત ઠક્કર, સાગર દેસાઈ

સ્ટોરીલાઈન:

         આ ફિલ્મ ૨૦૧૫માં આવેલી સિદ્ધાર્થ રાંદેરીયાની ‘ગુજ્જુભાઈ-ધી ગ્રેટ’ની સિકવલ નથી, પરંતુ તેનાથી તદ્દન અલગ છે. સ્ટોરીમાં બે મુખ્ય પાત્રો અરવિંદ દિવેટિયા (ગુજ્જુભાઈ-સિદ્ધાર્થ રાંદેરીયા) અને તેમનો દીકરો ખગેશ દિવેટિયા(જિમિત ત્રિવેદી) છે, જે આતંકવાદીઓ ની જાળમાં ફસાઈ જાય છે અને આવી વિકટ પરિસ્થિતિમાંથી નીકળતી વેળાએ ગુજ્જુભાઈ અને ખગેશની જોડી દર્શકોને પેટ પકડીને હસાવવા માટે મજબુર કરે છે. ફિલ્મની સ્ટોરી સ્લો અને સિમ્પલ છે છતા આ ફિલ્મ દર્શકોને પુરતું મનોરંજન પૂરું પાડવા માટે સક્ષમ છે.

નિર્દેશન અને અભિનય:

       આ ફિલ્મનું નિર્દેશન અભિનેતા સિદ્ધાર્થ રાંદેરીયાના સુપુત્ર ઇશાન રાંદેરીયા દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મની સ્ટોરી તથા સ્ક્રીનપ્લે પણ તેઓએ જ લખ્યું છે. ઇશાન રાંદેરીયાની પહેલાની મુવી(ગુજ્જુભાઈ-ધી ગ્રેટ)ની તુલનામાં આ ફિલ્મનું નિર્દેશન નબળું છે. નિર્દેશક માટે ફિલ્મની સ્ટોરી ખુબ મહત્વની હોય અને જયારે સ્ટોરી નબળી હોય ત્યારે તેની અસર નિર્દેશનમાં પણ દેખાય આવે છે, આવું જ કંઈક આ ફિલ્મમાં થયું છે.

        અભિનયની વાત કરીએ તો સૌના લોકપ્રિય એવા ગુજ્જુભાઈ એટલે સિદ્ધાર્થ રાંદેરીયા હંમેશાની જેમ તેના અભિનય તથા હાસ્યકળાથી દર્શકોને હસાવતા આવ્યા છે અને આ ફિલ્મમાં પણ તેની અભિનય કળા દર્શકોનું દિલ જીતી લે તેવી છે અને એટલે જ સિદ્ધાર્થ રાંદેરીયાને ગુજરાતી ફિલ્મોના ‘અમિતાભ બચ્ચન’ કહેવામાં આવે તો નવાઈની વાત નથી. ખગેશ દિવેટિયાના પાત્રમાં જિમિત ત્રિવેદીએ સિદ્ધાર્થ રાંદેરીયાનો બરોબર સાથ નિભાવ્યો છે. જિમીતનું પાત્ર ‘ગુજ્જુભાઈ ધી ગ્રેટ’ના બકુલ બુચની યાદ અપાવે છે અને તેનું પાત્ર દર્શકોને પેટ પકડાવીને હસાવે છે. સહકલાકારમાં જયેશ મોરે, તેજલ વ્યાસ, પૂર્વી વ્યાસ તથા વ્યોમા નંદીએ સરસ અભિનય કર્યો છે પરંતુ આ બધા પાત્રો પાસે વધુ સ્ક્રીનસ્પેસ ના હોવાથી તેઓનો અભિનય દર્શકોને સરળતાથી નજરે આવતો નથી.

સંગીત અને સંવાદો:

        ફિલ્મમાં માત્ર ત્રણ જ ગીતો છે, જેમાં ફાલ્ગુની પાઠકનું નવરાત્રી ગીત ‘ઓઢણી ઓઢું..’ને નવું રૂપ આપવામાં આવ્યું છે જેમાં વિકાસ તથા ઐશ્વર્યા મજમુદારે સ્વર આપેલો છે. બાકીના બે ગીતો દર્શકો પર વધારે અસર ઉભી કરવામાં નિષ્ફળ નીવડે છે.

        ફિલ્મના સંવાદો અભિનેતા સિદ્ધાર્થ રાંદેરીયાએ લખ્યા છે. સંવાદોમાં ગુજરાતી કહેવતોનો ભરપૂર ઉપયોગ કરાયો છે. દરેક ગુજરાતીને ગર્વ આપાવે તથા હાસ્યથી દર્શકોને લોતપોત કરી નાખે એવા સંવાદો લખવામાં આવ્યા છે. ફિલ્મમાં એવા સંવાદો પણ છે જે દર્શકોને લાંબા સમય સુધી યાદ રહેશે. આ ઉપરાંત કેમેરાવર્ક ઉમદા છે જે શ્રેયાસ કૃષ્ણએ કરેલું છે.

ફિલ્મમાં હકારાત્મક મુદ્દાઓ:

(૧) સિદ્ધાર્થ રાંદેરીયા તથા જિમીત ત્રિવેદીનો અભિનય

(૨) હાસ્યપૂર્વક સંવાદો
 
ફિલ્મમાં નકારાત્મક મુદ્દાઓ:
(૧) નબળી સ્ટોરી
(૨)વધારે પાત્રો પરંતુ ઓછી સ્ક્રીનસ્પેસ

સારાંશ:
        આ ફિલ્મ આપ પરિવાર સાથે બેસીને આરામથી નિહાળી શકો તેવી ફિલ્મ છે ઉપરાંત ગુજરાતના લોકપ્રિય એવા આપણા ગુજ્જુભાઈ સિદ્ધાર્થ રાંદેરીયાએ આ ફિલ્મમાં દર્શકોને હસાવવા માટે કોઈ પ્રયત્ન બાકી રાખ્યો નથી. જો દર્શકોને મનોરંજક ‘ગુજ્જુ ફિલ્મ’ જોવી હોય તો આ ફિલ્મ બેસ્ટ વિકલ્પ છે. નિ:સંદેહ આ ફિલ્મ સિદ્ધાર્થ રાંદેરીયાની નબળી ફિલ્મ કહી શકાય પરંતુ દર્શકોને સિનેમાઘર સુધી લઇ જવા માટે ‘ગુજ્જુભાઈ’ નામ માત્ર જ પર્યાપ્ત છે.

 

 

Vrunda Buch

vrundabuch96@gmail.com