ગરીબ સવર્ણોને સરકારી નોકરીઓમાં અને શૈક્ષણિક સંસ્થાઓમાં 10% અનામત મળે તે મુદ્દે તારીખ 8 જાન્યુઆરી 2019 ના રોજ લોકસભામાં 5 કલાક સુધી ચાલેલી ચર્ચા બાદ અંતે કુલ 326 મતોમાં 323 “હા” અને 3 “ના” મતોથી 10% સવર્ણ અનામત બિલ લોકસભામાં પાસ થયું હતું. લોકસભામાં બિલ પાસ થયા બાદ તારીખ 10 જાન્યુઆરીનાં રોજ રાજ્યસભામાં પણ 10 કલાક લાંબી ચર્ચા બાદ 165 “હા” અને 7 “ના” મતોથી 10% સવર્ણ અનામત બિલ 165 મતોની ભારે બહુમત સાથે પાસ કરી દેવામાં આવ્યું હતું. આ બિલ ભારતીય બંધારણીયનો 124મું વિધેયક છે. ઉલ્લેખનીય છે કે ગત સમયમાં જે રીતે એસસી/એસટીએકથી ભાજપની સવર્ણો પ્રત્યેની પ્રતિક્રિયાઓ અને ગત ચૂંટણીમાં પાંચ રાજ્યોમાં ભાજપનાં જે સૂપડાં સાફ થયા તે બાબતે શુક્ષ્મ નિરીક્ષણ કર્યા બાદ ભાજપ એ સારાંશ સુધી પહોંચી કે ક્યાંકને ક્યાંક સવર્ણ મતાધિકારોની લાગણી દુભાય છે. જેથી થોડું પણ મોડું થાય એ પહેલા ભાજપે મતોના શક્તિશાળી સોગઠાં બેસાડવાં ટૂંક સમયમાં જ ભીનું સંકેલી લીધું હતું. આ મુદ્દો સામાન્ય ચૂંટણીનાં ઠીક ત્રણ મહિના પહેલા સામે આવ્યો છે, જેથી આ મુદ્દા પર સામાન્ય ચૂંટણી સમય પહેલાં વિપક્ષી નેતાઓ લોકોનો મત મેળવવા રાજનીતિ કરી શકે છે.

અહીં 10% સવર્ણ અનામત મુદ્દાને ચોતરફથી અભ્યાસ કરી ભાવિ પરિણામો આપ સમક્ષ રાખવામાં આવ્યા છે. જે અંતર્ગત પાર્ટીની મંશા, વિપક્ષની પ્રતિક્રિયા, ભાવિ સામાજિક પરિણામો, રાજનીતિક પરિણામો અને બંધારણીય પાસાઓનું સરવૈયું જોઈશું.

10% સવર્ણ અનામત બિલ મુદ્દે ભાજપ પાર્ટીનો પક્ષ દર્શાવતા બીજેપી ગુજરાત રાજ્ય સેક્રેટરી અમિત ઠાકરે 8 જાન્યુઆરીનાં રોજ જણાવ્યું હતું કે,

“કોંગ્રેસની ભૂતકાળની ખરાબ આર્થિક નિતીઓનાં કારણે આજે સામાન્ય આરક્ષણમાં જે જ્ઞાતિઓનો સમાવેશ ના થયો હોય તે આર્થિક રીતે પછાત લોકોની માંગણી હતી કે તેમનાં આર્થિક ઉત્થાન માટે વિચાર થવો જોઈએ. જે સંદર્ભે આર્થિક રીતે પછાત વર્ગનાં સવર્ણોનાં ઉથ્થાન માટે પ્રધાનમંત્રી મોદીએ આ પગલું ભર્યું છે. ઇન્દિરા સાહની કેસ સમયે સુપ્રીમ કોર્ટે ચિંતન કરતા જણાવ્યું હતું કે આર્થિક મુદ્દે આરક્ષણ આપવાનો સમય હવે પાકી ગયો છે, પરંતુ બંધારણીય રીતે આર્થિક આરક્ષણની જોગવાઈ ન હોવાના કારણોસર ત્યારે આર્થિક અનામતનાં મુદ્દાને ફગાવી દેવાની કોર્ટને ફરજ પડી હતી. જેથી આ મુદ્દે વિચાર કરવાનો ભાર નરેન્દ્ર મોદી સરકારે હાથ ધર્યો છે.”

જ્યારે 10% સવર્ણ અનામતનાં બિલની સ્વીકૃતિને આવકારતા 8 જાન્યુઆરીનાં રોજ કોંગ્રેસ પક્ષનાં મુખ્ય પ્રવક્તા ડો. મનીષ દોશીએ ભારતીય જનતા પાર્ટી પર તીખા પ્રહારો કરતા આ સમગ્ર મુદ્દે કોંગ્રેસ પાર્ટીનો પક્ષ રાખતા જણાવ્યું હતું કે,

“સવર્ણ વર્ગનાં પછાત યુવાનોને રોજગારમાં ક્યાંક તકો છીનવાઈ રહી હતી તેઓ હવે રાહત અનુભવશે. ગત પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપનાં નબળાં પરિણામો સામે આવતા અને આગામી થોડા સમયમાં થનારી સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં લેતાં ભારતીય જનતા પાર્ટીએ આ નિર્ણય લીધો છે. કોંગ્રેસ દ્વારા પણ ગુજરાત વિધાનસભામાં બિનઅનામત વર્ગને 20% આરક્ષણ મળે તેવું બિલ પ્રસ્તુત કરવામાં આવ્યું હતું; પરંતુ ભારતીય જનતા પાર્ટીએ આ બિલને ફગાવી દીધું હતું. જેથી ભારતીય જનતા પાર્ટીનો આ ચૂંટણીલક્ષી નિર્ણય છે, તેની કરણી-કથની ખુલી પડી ગઈ છે. આગામી સામાન્ય ચૂંટણીમાં કઈ રીતે ભાજપ પોતાની સીટો બચાવી શકે તેનાં કારણોસર જ ભાજપ આવી રીતે અનામત આપવાની ભલાઈ કરી રહી છે. દેશમાં મોદી સરકારે એવા સમયે આર્થિક રીતે પછાત સવર્ણ વર્ગને 10% અનામત આપ્યું છે; જયારે દેશમાં રોજગારીની તકો જ ઓછી છે. એ પણ કેટલું સુસંગત છે, તે દેશનાં યુવાનોને સમજવું જરૂરી છે. સરકાર વર્ષે બે કરોડ યુવાઓને રોજગાર આપવાની વાત કરતી હતી, પરંતુ અત્યારે રોજગારીઓનાં આંકડાઓ પર નજર નાખવામાં આવે તો જાણવા મળે છે કે રોજગારીની તકો સમયાંતરે ઘટી રહી છે.”

બંને નેતાઓનાં નિવેદનથી એક વાત સમજવામાં આવે તો અનામતનો અંક ધીરે-ધીરે વધી રહ્યો છે; તે જ સમયે રોજગારનો અંક સમયાંતરે ઘટી રહ્યો છે. જો કોઈ પણ સરકારને યુવાઓ માટે રોજગારી આપી અપાવવાની જ વ્યવસ્થા નહીં હોય તો વધતાં આરક્ષણનું કોઈ મહત્વ રહેતું નથી. દેશની જનતા સમાન હરોળમાં એકબીજા સાથે હરીફાઈ કરી શકે તે ઉદ્દેશ્યને ધ્યાનમાં લઈને જ અનામતની રચના કરવામાં આવી હતી. જયારે 10% સવર્ણ અનામત પછી દેશમાં ક્યાં પ્રકારનાં સામાજિક બદલાવો થઇ શકે તેની ભવિષ્યવાણી કરતા સમાજશાસ્ત્રી વિદ્યુત જોશીએ જણાવ્યું હતું કે,

“1)એક સમય એવો હતો કે જયારે જ્ઞાતિનાં કોટીક્રમમાં જે નીચલી જાતિઓ હતી તે ઉચ્ચ જ્ઞાતિનાં વલણો સ્વીકારી ઉચ્ચ જાતિ બનવાનો પ્રયાસ કરતી હતી. સમાજશાસ્ત્રની ભાષામાં તેને સેન્સક્રીટાઇઝેશન (Sanskritization) કહેવામાં આવે છે. પોતાની ભાષા પર ભાર દઈને તેમણે જણાવ્યું હતું કે,

“પાટીદારો એક સમયે ગામની બહાર રહેતા હતા, એટલે તેઓ “શુદ્ર” કહેવાતા હતા. કારણ કે તે સમયે જે મજૂરી કરે તે ‘શુદ્ર’ કહેવાતા હતા, આથી પાટીદારો પણ પહેલા “શુદ્ર” હતા. તેઓએ ઉચ્ચ વર્ણને અનુસરવાનો પ્રયાસ કર્યો આથી આ પ્રક્રિયાને સેન્સક્રીટાઇઝેશનનું ઉદાહરણ છે.”

આજે અનામતે આ પ્રક્રિયાનાં મોડલને બિલકુલ પલટાવી નાખ્યું છે. આથી પહેલા સમાજમાં જે અપવર્ડ મોબિલિટી મુવમેન્ટ થતી હતી તે હવે અનામતનાં કારણોસર ડાઉનવર્ડ મોબિલિટી મુવમેન્ટમાં ફેરવાઈ ગઈ છે.

2) આ 10% સવર્ણ અનામત પહેલાનાં સમયે અનામત મુદ્દે એક બાબત સ્પષ્ટ હતી. જે અંતર્ગત અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગને અનામત વર્ગ તરીકે ઓળખવામાં આવતા હતા. આ ત્રણ સિવાયનાં અન્ય વધેલાં સામાન્ય લોકોને બિનઅનામત વર્ગ તરીકે ઓળખવામાં આવતા હતા. આવી રીતે અનામતની દ્રષ્ટિએ બે ફાંટા પડતા હતા a) અનામત વર્ગ b) બિનઅનામત વર્ગ. પરંતુ હવે સામાન્ય લોકોને પણ અનામત મળશે. આથી હવે કોઈ પણ વર્ગનો બિનઅનામત વર્ગમાં સમાવેશ નહીં થાય કારણ કે હવેથી બધાને અનામત મળશે. જેથી અનામત વર્ગ અને બિનઅનામત વર્ગ એમ બે ફાંટા પડતા હતા તે નીકળી જશે.

3)આપણું બંધારણ “તકોની સમાનતા”ની વાત કરે છે, આપણું બંધારણ “પ્રાપ્તિની સમાનતા”ની વાત નથી કરતું. એટલે કે બધા વર્ગો આગળ વધવા માટે સમાન સ્તરેથી પરિયાણ કરે, ત્યારબાદ તેઓ પોતાની કુશળતા મુજબ આગળ વધશે. પરંતુ લોકોની કુશળતાનાં કારણે લોકોમાં કુશળતા મુજબ આગળ વધવાથી જે અસમાનતા ઉભી થશે તેનો બંધારણને કોઈ વાંધો નથી.

ટૂંકમાં સમજવામાં આવે તો આગળ વધવા માટે બધાંને તક સમાન મળવી જોઈએ ત્યારબાદ કોઈ આગળ વધે કે નહીં તે તેની ક્ષમતા પર નિર્ભર છે. આથી અત્યારની પરિસ્થિતિ મુજબ જોવામાં આવે તો અનામત બધાને મળશે આથી “તકોની સમાનતા” અનામત પૂરતી સમાનતા બધાને મળી ગઈ છે. “પ્રાપ્તિની સમાનતા” લોકોને પોતાની કુશળતા/ક્ષમતા મુજબ મેળવવાની રહેશે.

હવે ભાવિ સમયમાં એવું બનશે કે જૂની અસમાનતાઓમાં બધાં સમાન થઇ જશે. પરંતુ જૂની અસમતાઓથી પેદા થતી નવી અસમાનતાઓમાં અસમાનતાઓ વધતી જશે, એવું એક સામાજિક પરિણામ આવશે. ટૂંકમાં સમજીએ તો લોકોને જન્મથી મળતી અસમાનતાઓ ઓછી થતી જશે અને પોતાની વ્યક્તિગત સિદ્ધિઓ(Personal Achievement) મુજબ મળતી અસામાનતાઓથી નવી અસમાનતાઓ વધશે.

આ મુદ્દાનો સારાંશ કંઈક આમ છે. પહેલાનાં સમયમાં અસ્પૃશ્યતા ખુબ જોવા મળતી હતી. જયારે અત્યારની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો અસ્પૃશ્યતા તો જોવા મળે છે, પરંતુ પહેલાનાં સમયની તુલનામાં ઓછી જોવા મળે છે. તો પહેલા કોઈ વ્યક્તિનો નીચી જાતિમાં જન્મ થતો હતો ત્યારે તેને જન્મથી અસમાનતા મળતી હતી(જેમ કે તે નીચી જાતિનો હોવાનાં કારણે તેને અન્યની તુલનામાં સમાન તકો નહોતી મળતી). પરંતુ હવે અસ્પૃશ્યતા જેવી બાબત ઓછી જોવા મળે છે. આથી આપણી જૂની અસમાનતાઓ તૂટી (ઓછી થઇ) રહી છે. તો હવે તે નવી અસામાનતાનું સર્જન કરશે, જન્મ પછી પોતાની સિદ્ધિ પ્રમાણે તે વ્યક્તિને આગળ વધવાનો યોગ થશે. તે પ્રમાણે તે આગળ વધશે. જેથી તે વ્યક્તિ આગળ વધવાથી નવી અસમાનતાઓનું (ઉભી થશે) નિર્માણ કરશે. કારણ કે ક્ષમતા પ્રમાણે બધા આગળ વધે ત્યારે કોઈ વધારે આગળ પણ નીકળી જાય અને કોઈ વધુ આગળ ના પણ વધે, કારણે કે તે બધું તેની ક્ષમતા પર નિર્ભર છે.  

4) હવે એવો સમય આવશે જયારે અનામતનો સંપૂર્ણપણે ઉપયોગ થઈ જશે. જેથી અનામતનો સંપૂર્ણપણે ઉપયોગ થવાથી અનામત સફળ થઈ કહેવાશે. જેથી અનામત સફળ થઇ જવાથી અનામતની જરૂરિયાત જ નહીં રહે. આથી અનામતની જોગવાઈ બંધારણમાંથી નીકળી જશે. કારણ કે અનામત સફળ થવાથી બધાને તકોની સમાનતા સમાન મળી ગઈ હશે. જેથી પહેલાનાં સમયમાં જે તકોની અસમાનતાઓ હતી તેનો નાશ થઇ જશે, કારણ કે બધાને સમાન તકો મળી ગઈ હશે. આથી જૂની અસમાનતા તૂટશે જેના પરિણામે જૂનો સમાજ પણ તૂટતો જશે અને નવો સમાજ ઉભો થશે.

જે નવા સમાજમાં તમે તમારા જ્ઞાતિનાં નામે નહીં પરંતુ તમારી વ્યક્તિગત સિદ્ધિઓનાં કારણે ઓળખશો. એટલે કે એક જૂનો બંધ સમાજ તૂટતો જશે અને એક નવો ખુલ્લો સમાજ બનતો જશે.

દાખલ તરીકે સમજીએ તો પહેલા વ્યક્તિઓને તેમની જાતિથી ઓળખવામાં આવતા હતાં. જયારે હવે મોટાં શહેરોમાં લોકોને તેમની વ્યક્તિગત સિદ્ધિઓનાં આધારે ઓળખવામાં આવે છે. લોકો તમને “તમે જ્ઞાતિએ કેવા છો?” તરીકે નહીં; પરંતુ લોકો તમને “તમે શું કરો છો?” તે મૂલ્યાંકને ઓળખશે.

5) પહેલા જે સમાજ ઉચ્ચ વર્ગ ગણાતો હતો, તેથી તેનું તેના સમાજમાં માન હતું. હવે અનામત લાગુ થાય તો એક નવા સમાજનું સર્જન થશે. નવા સમાજનાં સર્જન થવાથી જુના સમાજમાં જે ઉચ્ચ વર્ગ હતો તેનું નવા સમાજમાં સ્થાન નીચું જવાની સંભાવના રહેશે. કારણ કે તકોની સમાનતા બરોબર થઇ ગઈ હશે. જેથી લોકો પોતાનાં વ્યક્તિગત સિદ્ધિઓથી ઓળખાશે અને આગળ વધશે. જો નવા સમાજની રચનામાં લોકો પોતાની વ્યક્તિગત સિદ્ધિઓથી ઓળખાશે તો જુના સમાજનાં વ્યક્તિઓ તેમનું ઉચ્ચ સ્થાન નીચું થવાનાં ભયથી સંગઠિત થશે.

જે ધર્મનાં નામે સંગઠિત થઇ શકે અને જ્ઞાતિનાં નામે પણ સંગઠિત થઇ શકે. જે નવા સમાજની રચનાને થતું અટકાવશે. જે જૂનો સમાજ પોતાનાં વ્યક્તિગત લાભ માટે પોતાની જ્ઞાતિ વિશે વાત કરશે, ધર્મ વિશે વાત કરશે પરંતુ આમ ક્યાંય દેશ હિતની વાત નહીં કરવામાં આવે. કારણ કે લોકો માટે પોતાનો વ્યક્તિગત લાભ પહેલાં હોય છે, બાકી બધું પછી. આથી વધુને વધુ અનામત મેળવવાની લાલચથી બધા સમજો સંગઠિત થશે. જે સંગઠિત સમાજ પોતાની લાલચની માંગણીઓની પૂર્તિ કરવાં માટે રેલીઓ કરી શકે, દંગા-ફસાદ કરી શકે. માટે આ સમગ્ર બાબતોને ધ્યાનમાં લેતા ભાવિ સમયમાં અનામતને કારણે આવાં સામાજિક બદલાવો થઇ શકે છે તેવી સંભાવનાઓ છે.”

 

-Vidyut Joshi

 

 

10% સવર્ણ અનામતને સમાજ સાથે સાંકળીને જોવામાં આવતા ઉપર્યુક્ત સામાજિક ફેરફારો થવાની સંભાવનાઓ વ્યક્ત કરી શકાય છે. પરંતુ આ મુદ્દો માત્ર સામાજિક મુદ્દો જ નથી, કારણ કે જેટલો આ સામાજિક મુદ્દો છે; તેનાથી વધારે આ મુદ્દા પાછળ રાજકીય હિતોનો સમાવેશ રહ્યો છે. આથી રાજનીતિક દ્રષ્ટિથી આ મુદ્દાને સમજાવતા રાજનીતિક વિશ્લેષક ડો. શિરીષ કાશિકરે 10% સવર્ણ અનામત મુદ્દાનાં રાજનીતિક પાસાંઓ પર ધ્યાન દોરવતાં જણાવ્યું હતું કે,

“આ સમગ્ર મુદ્દાનાં બે એંગલ હોય શકે છે.

1) ઘણી સરળતાથી અને ઝડપથી બંને સદનોમાંથી બિલનું વિણ વિરોધે પસાર થઇ જવું એ સરકારની એક રાજનીતિક સિદ્ધિ કહેવાય.

2) સરકારનું આ સામાન્ય ચૂંટણી સમયે આ બિલનું લાવવાનું કારણ એકદમ સ્પષ્ટ છે. કારણ કે આ બિલને સીધી રીતે 2019 ની સામાન્ય ચૂંટણી સાથે જોડી શકાય છે. કારણ કે ઘણાં સમયથી જે બિનઅનામત વર્ગનાં લોકો અનામતમાં સ્થાન મેળવવાનો પ્રયાસ કરતા હતા. બંધારણીય અનામતનાં પ્રતિશત લગભગ 50% સુધી પહોંચી ગયા છે. આથી બિનઅનામત વર્ગનાં લોકો ક્યાંક ને ક્યાંક અનામતમાં સ્થાન મેળવવા માટે પ્રયાસો કરી રહ્યા હતા. સરકારે બિનઅનામત વર્ગનાં નાગરીકોમાંથી આર્થિક રીતે પછાત હોય તેવા સવર્ણોને 10% અનામત આપ્યું. જેથી જે લોકો અનામતમાં સ્થાન મેળવવાની વિચારધારા ધરાવતા હતા, તે લોકોને આનામતનો લાભ આપી તેમનું ધ્યાન રાજનીતિક દ્રષ્ટિએ ભારતીય જનતા પાર્ટી તરફ થાય એવી પુરી સંભાવના છે.

આ બિલને પાંચ રાજ્યોની ચૂંટણી અને સામાન્ય ચૂંટણી સાથે પરસ્પર સબંધની વાત કરવામાં આવે તો એવું નથી જણાતું કે આ મુદ્દા પર પાંચ રાજ્યોની ચૂંટણીનો કોઈ સબંધ હોઈ શકે. કારણ કે જે રીતે આ બિલને લાવવામાં આવ્યું અને જે ઝડપથી આ બિલને પસાર કરી દેવામાં આવ્યું, તેનાં પરથી સમજી શકાય કે આ બિલની ઘોષણા કરવામાં આવી તેનાં ઘણાં સમય પહેલાંથી જ આ સમગ્ર પ્રક્રિયાની તૈયારીઓ ચાલુ થઇ હોય શકે.

કારણ કે બિલને પસાર કરવા માટે કાયદાકીય બાબતો, સામાજિક બાબતો જેવી ઘણી બાબતોનું ધ્યાન રાખવામાં આવતું હોય છે. જેથી આ સમગ્ર મુદ્દાને પાંચ રાજ્યોની ચૂંટણી સાથે નહીં પરંતુ સામાન્ય ચૂંટણી સાથે જરૂર સાંકડી શકાય. કારણે કે બની શકે કે 2019 ની ચૂંટણીને ધ્યાનમાં રાખતા આ સમગ્ર તૈયારીઓ કરવામાં આવી હોય શકે. જો કે હવે તો તે સાબિત જ થઇ ગયું છે.

2014 માં બીજેપીની સવર્ણ વોટબેંક 49% છે. તેમાં આ અનામત મુદ્દા બાદ બીજેપીની 49% સવર્ણ વોટબેન્ક વધી શકે કે પછી ઘટી શકે તે ચૂંટણી બાદ જ ખબર પડી શકે. પરંતુ ગત સમયમાં એસસી/એસટી એક્ટના પ્રભાવે જે ઘટનાઓ ઘટી તેનાથી સવર્ણવર્ગ ઘણો ખરો નારાજ થયો હતો. આથી આ મુદ્દાથી જે સવર્ણ વોટબેન્કની 2019 માં ઘટવાની સંભાવના હતી તે ઓછી થઇ શકે છે. આ બિલથી એક વિસંગતતા પણ ઉભી થઇ છે. જે વ્યક્તિ મહિને 66 હજાર રૂપિયા કમાવે છે, તેને પણ સરકારે આર્થિક પછાત ગણી લીધો છે; અને જે વ્યક્તિ મહિને 20 હજાર રૂપિયા કમાવે તેને પણ સરકારે આર્થિક રીતે પછાત ગણી લીધો છે. કારણ કે આ બિલ અનુસાર આર્થિક રીતે પછાત સવર્ણ હોવાનો માપદંડ વ્યક્તિ વાર્ષિક 8 લાખ રૂપિયા છે. જેથી આગામી સમયમાં આ મુદ્દે ઘણા બધા પ્રશ્નો ઉભા થઇ શકે છે. કારણ કે જેનાં માટે સરકારે આ બિલ બનાવ્યું તેને અહીં લાભ મળવો જોઈએ, પરંતુ આ માપદંડ અનુસાર માધ્યમ વર્ગીય સવર્ણ પણ લાભ લેશે; જેના પર સરકારને વિચારણાં કરવી જોઈએ. આથી જેમને ખરી રીતે આર્થિક અનામતની જરૂર છે તે વ્યક્તિને ન્યાય મળી રહે. આ બિલની ઝડપથી પસાર થઇ જવા પાછળ એક કારણ વિપક્ષ પણ છે. કારણ કે સત્તા પાર્ટીને ખબર હતી કે વિપક્ષ જો આ મુદ્દે બિલ પસાર કરાવવામાં હોબાળો કરશે તો તેનો સવર્ણવર્ગ જ તેની પાર્ટીથી નારાજ થઇ જશે. આથી આવી ઘટાના ના ઘટે માટે વિપક્ષે હોબાળો કાર્ય વગર બિલને પસાર થવા દીધું છે. અનામત આંદોલનની વાત થાય તો પાટીદાર આંદોલન, ગુર્જર આંદોલન, જાટ આંદોલન હોય કે પછી મરાઠા આંદોલન હોય આ બધા આંદોલનોમાં કોઈએ સામાજિક રીતે પછાત હોવાથી અનામતમાં સ્થાન મેળવવાની માંગ નથી કરી. તેમણે અન્ય પછાત વર્ગમાં સમાવેશ કરવામાં આવે તેવી માંગણી કરી છે. કારણ કે આર્થિક રીતે પછાત વર્ગ(EBC)ની બંધારણીય અનામતમાં કોઈ જોગવાઈ કરવામાં નથી આવી. આથી હવે તો બધાને અનામત મળી ગયું છે, જેથી હવે આંદોલનો ધીમા પડવા જોઈએ. પરંતુ 10% અનામતનાં અમલીકરણમાં જો થોડા-ઘણું મોડું થાય કે અન્ય કારણોસર તો તેના માટે આંદોલનો થવાની સંભાવનાઓ બની શકે. જેથી આંદોલનો હવે ઓછા નહીં બંધ જ થઇ જવા જોઈએ.”

 

– Dr. Shirish Kashikar

 

જયારે એક પત્રકારની દ્રષ્ટિએ સમગ્ર મુદ્દો સમજવામાં આવે તો પત્રકાર કૃષ્ણકાંત ઉનડકટે આ મુદ્દે 8 જાન્યુઆરીનાં રોજ દિવ્યભાસ્કર સમાચારપત્રમાં નોંધ્યું હતું કે,

લોકસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન ચાલી રહ્યું છે. દરેક પક્ષો પોતપોતાની રીતે ચૂંટણી જીતવા માટે સોગઠાં ગોઠવી રહ્યા છે. એવામાં લોકસભામાં 10% સવર્ણ અનામત બિલ પસાર કરવામાં આવ્યું છે. ગરીબ સવર્ણો માટે આ નિર્ણય આશિર્વાદ રૂપ સાબિત થવાનો છે. જો કે આર્થિક આધાર પર અનામત આપવાની આપણા બંધારણમાં જોગવાઈ નથી. એટલે સરકારને બંધારણમાં ફેરફાર કરવાનો વિકલ્પ રહ્યો. વળી ભાવિ સમયમાં સવર્ણ અનામત આપવાનો મામલો કાનૂની રીતે પડકારવામાં આવે એવી શક્યતોને નકારી શકાય નહીં. ભાજપ સામે એવા પણ આક્ષેપો થતા રહે છે કે, ભાજપનો વર્તાવ તેનાં સાથી પક્ષો સાથે હોવો જોઈએ એવો નથી. માટે ભાજપને કંઈક એવું કરવાની જરૂર હતી કે જેથી હવાઓનો રૂખ તેની તરફ વળે. સવર્ણો માટે અનામતની વાત કરીને ભાજપે મોટી ચાલ ચાલી છે. કારણ કે આ બાબતે વિપક્ષને સાથ આપવો જ પડે. જો વિપક્ષ કંઈ પણ અવળી ચાલ ચાલે તો ભાજપ કહી શકે કે, અમે તો સારી દાનતથી આવો પ્રયાસ કર્યો હતો. અમારા વિરોધીઓએ હવનમાં હાડકા નાખવાનું કામ કર્યું છે. ભાજપ વિશે આમ તો પહેલાથી જ કહેવામાં આવ્યું છે કે, એ સવર્ણોનો પક્ષ છે. જોવાનું રહ્યું કે, બંધારણમાં સુધારાની પ્રક્રિયા કેટલી ઝડપે પુરી થાય છે, બાકી તો ચૂંટણીનાં પરિણામો જ બતાવશે કે ભાજપને આનાથી ફાયદો થશે કે નહિ?”    

 

 

– Krushnakat Unadkat

 

સામાજિક પાસાઓ અને રાજનીતિક પાસાઓ પર વિશ્લેષકોએ 10% સવર્ણ આર્થિક અનામત મુદ્દે પોતાના મંતવ્યો રજુ કર્યા. આ મુદ્દે એક મહત્વની બાબત રહી જાય તે છે આ મુદ્દા સાથે સંકળાયેલ બંધારણીય બાબતો. બંધારણીય બાબતોને 10% આર્થિક પછાત વર્ગનાં સવર્ણનાં અનામત સાથે સાંકળી બંધારણીય બાબતોનાં જાણકાર મિતેશ સોલંકી સાહેબ 9 જાન્યુઆરીનાં રોજ જણાવ્યું હતું કે,

કેન્દ્ર સરકાર દ્વારા લોકસભામાં સામાન્ય વર્ગનાં નાગરિકો માટે રોજગારી તેમજ શિક્ષણ ક્ષેત્રમાં 10% અનામત આપવાં અંગે ખરડો પ્રસ્તાવિત કર્યો.આ ખરડો 124 માં ક્રમનો ગણાશે અને શિયાળા સત્રનાં અંતિમ દિવસોમાં પ્રસ્તાવિત કરવામાં આવ્યો. ઉપરોક્ત ખરડો સરકાર તરફથી થાવરચંદ ગેહલોત દ્વારા લોકસભામાં રજુ કરવામાં આવ્યો હતો. આ ખરડા અનુસાર, “વર્તમાન સમયમાં આર્થિક રીતે નબળા વર્ગનાં નાગરિકો સામાન્ય રીતે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ તેમજ જાહેર નોકરી બાબતોમાં નાણાંકીય અક્ષમતાનાં કારણે તક મેળવવાથી વંચિત રહી જાય છે. આ ખરડા દ્વારા બંધારણનાં ભાગ-3 “મૂળભૂત અધિકાર” માં સમાવિષ્ટ અનુચ્છેદ 15 માં સુધારો કરવામાં આવશે અને તેમાં એક જોગવાઈ ઉમેરવામાં આવશે-  કોઈ પણ આર્થિક રીતે નબળાં વર્ગનાં નાગરિકોના ઉત્થાન માટે વિશેષ જોગવાઈ કરવામાં આવશે. અહીં “વિશેષ જોગવાઇ”નો સબંધ “નાગરિકનાં શૈક્ષણિક સંસ્થા(ખાનગી સંસ્થાઓને પણ લાગુ પડશે) જેઓ સરકાર અનુદાનિત હોય અંથવા ન હોય તેને પણ લાગુ પડશે. માત્ર લઘુમતીની શૈક્ષણિક સંસ્થાઓને લાગુ પડશે નહીં. આ ખરડામાં એ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે અનામત, “વર્તમાન અનામત ક્વોટા સિવાયનો હશે અને દરેક વર્ગમાં રહેલી કુલ બેઠકનાં મહત્તમ 10% જેટલી રહેશે. બંધારણનાં ભાગ-4 રાજ્યનીતિનાં માર્ગદર્શન સિદ્ધાંતોમાં અનુચ્છેદ-46 મુજબ રાજ્ય નબળા વર્ગનાં નાગરિકો માટે શૈક્ષણિક અને આર્થિક લાભ માટે વિશેષ દેખરેખ રાખી શકશે અને ખાસ કરીને અનુસૂચિત જાતિ તેમજ જનજાતિ સાથે કોઈ પણ પ્રકારનો સામાજિક અન્યાય કે અન્ય કોઈપણ પ્રકારનો દુર્વ્યવહાર ન થાય તેની તકેદારી રાખશે.”

 

– Mitesh Solanki

 

જોકે લોકસભા અને રાજ્યસભામાંથી બિલ પસાર થયા બાદ 12 જાન્યુઆરી શનિવારનાં રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બિલ પર હસ્તાક્ષર કરીને બિલને મંજૂરી આપી દીધી હતી. આર્થિક રીતે પછાત સવર્ણોને નોકરીઓમાં અને શૈક્ષણિક બાબતે 10% અનામતની રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી મળ્યા બાદ રાજ્યોમાં સૌથી પહેલાં ગુજરાતે બિલને અમલમાં મુકવાની જાહેરાત કરી હતી. જેથી ગુજરાત આર્થિક રીતે પછાત સવર્ણને નોકરી અને શિક્ષણમાં 10% અનામત આપતું દેશનું પહેલું રાજ્ય બની ગયું છે.

 

Compiled by Samir Parmar