ગુજરાતના ઇતિહાસમાં વિશિષ્ટ મહત્વ ધરાવતું ભાવનગર આમ તો અનેક રીતે પ્રખ્યાત છે પણ છેલ્લાં કેટલાંક વર્ષોથી ભાવનગરનું નામ અવારનવાર માર્ગ અકસ્માતો સંદર્ભે પણ સમાચારોમાં ચમકતું રહ્યું છે.

ભૌગોલિક રીતે જોઈએ તો ગુજરાતના અન્ય મહાનગરોની સરખામણીમાં ભાવનગર એક ખૂણામાં રહી જાય છે. અને એટલે જ જે પ્રકારના મુખ્ય ધોરી માર્ગો રાજકોટ, જામનગર, વડોદરા કે સુરત જેવા મહાનગરોને મળ્યા છે તેવા પહોળા ફોર-લેન રોડ ભાવનગરના ફાળે નથી આવ્યા. અમદાવાદથી ભાવનગર જવા માટે કે પછી વડોદરા-સુરતથી વાયા ભાવનગર થઇ તળાજા, મહુઆ, ઉના કે વેરાવળ-સોમનાથ જવા માટે પણ પીપળી-ધોલેરાથી ભાવનગર દરિયાઈપટ્ટી વાળા રોડ પર જવું પડે છે. અંદાજે વીસેક વર્ષથી આ રસ્તો વાહનવ્યવહાર માટે બનાવવામાં આવ્યો છે. પણ રસ્તાની પુરતી પહોળાઈ ના હોવાને પરિણામે દર વર્ષે આ રસ્તા પર સેંકડો અકસ્માતો થાય છે.

ગુજરાતનો અત્યંત મહત્વાકાંક્ષી આંતરરાષ્ટ્રીય વિશેષ મૂડી રોકાણ પ્રોજેક્ટ જ્યાં ભવિષ્યમાં આકાર લેવાનો છે તેવા ધોલેરા વિસ્તારમાંથી આ રસ્તો પસાર થઇ ભાવનગર જાય છે. ધોલેરાથી ભાવનગરના આ અંદાજે રાજ્ય ધોરીમાર્ગ નંબર ૬ના ૬૦ કિલોમીટરના રસ્તામાં એક તરફ દરિયાઈ પટ્ટી આવે છે અને બીજી તરફ નાના ગામો આવે છે. આ પટ્ટા પર આવેલા ગામો આર્થિક રીતે નબળા કહી શકાય તેવા છે. આ રસ્તા પર બે જગ્યાએ દરિયાઈ ખાડી પણ આવે છે જેના પર વર્ષો પહેલા પુલ બનાવવામાં આવ્યા છે. જે તે સમયે બનાવવામાં આવેલા પુલ અત્યારના વાહનવ્યવહારના પ્રમાણમાં સાંકડા કહી શકાય તેવા છે. ઉપરાંત આ રસ્તા પર ના તો સ્ટ્રીટ લાઈટ છે કે ના તો રસ્તા વચ્ચે ડિવાઈડર બનાવવામાં આવી છે. પરિણામે સાંજ અને રાતના સમયે ખટારા અને બસોની હેવી લાઈટ્સ વચ્ચે નાના વાહનોને ચાલવવા એક જોખમી કામ બની જાય છે. જેથી કાર અને મોટા વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માતો આ રસ્તા પર જોવા મળે છે.

લગભગ દરરજ એક નાનો કે મોટો એક્સીડન્ટ આ રોડ પર જોવા મળે છે. તાજેતરમાં જ તળાજાના રહીશોને લઇને જતી ટ્રક બાવલ્યારી ગામ પાસે પલટી જવાથી કુલ ૧૯ લોકોના મૃત્યુ થયા હતા. આ ઉપરાંત આ ૬૦ કિલોમીટરના રસ્તામાં છેલ્લા દશકામાં અનેક લોકોએ અકસ્માતે જીવ ગુમાવ્યા છે જેમાં ભાવનગરના અનેક પ્રતિષ્ઠિત રહીશો અને વેપારીઓ પણ સામેલ છે. વારંવાર રજૂઆત પછી આ રસ્તાઓની પહોળાઈ તો વધી છે છતાં હજુ પણ ડીવાઈડર ના હોવાના કારણે અને સાંકડા પુલોને પરિણામે આજે પણ અકસ્માતોનો સિલસિલો ચાલુ છે.

By Kaushal Upadhyay

kaushal.nimcj@gmail.com