ગરબા સાંભળતા જ ગુજરાતીઓના કાન ગુંજી ઉઠે છે. નવરાત્રીનો અર્થ સંધી છુટી પાડતા જ જાણી શકાય છે.  નવ + રાત્રી = નવરાત્રી. આ મુજબ આ તહેવાર આસો સુદ એકમથી નોમ સુધીની નવ રાત્રી દરમ્યાન મનાવાતો હોય છે, ભકતો આ નવ દિવસ ગરબાની સ્થાપના કરે છે. એવું મનાય છે કે ગરબો એ બ્રહ્માંડનું પ્રતીક છે અને ગરબામાં 27 છિદ્રો હોય છે, જેમાં નવ નવની ત્રણ લાઈન એટલે 27 છિદ્રો તે 27 નક્ષત્ર છે. દરેક નક્ષત્રને ચાર ચરણ હોય છે. આમ નવરાત્રીમાં ગરબાને મઘ્યમાં રાખીને ગરબી રમવાથી બ્રહ્માંડની 108 પ્રદક્ષિણા કરવાનું પુણ્ય મળે છે. આથી એવું મનાય છે કે આ દિવસોમાં ગરબામાં માતાજી હાજર રહીને ગરબા રમે છે. અમુક ભક્તો નવ દિવસના ઉપવાસ પણ કરે છે, રોજ રાત્રે આરતી પણ કરવામાં આવે છે અને આઠમના દિવસે માતાજીને ખીર -પુરીના નિવેદ્ય ધરવામાં આવે છે તેમજ નવમાં દિવસે ગરબો પધરાવામાં આવે છે .

ખેલૈયાઓ માટે તો નવરાત્રીની તૈયારી નવરાત્રીના એક બે મહિના પહેલાથી જ શરૂ થઈ જાય છે અને  ગરબા શીખવાના કલાસીસ શરૂ થઈ જાય છે. બહેનો માટે અલગ અલગ ડિઝાઇન ના રંગબેરંગી ચણીયાચોળીઓ, પહેરવાના અલગ અલગ ઓર્નામેન્ટ્સ મળવા લાગે છે. ભાઈઓ માટેના કેડિયું ચોયણી, કફની લેંઘો, પાઘડી મળે છે અને ખેલૈયાઓ આ બધું પહેરીને ગરબા રમવા જાય છે. અમુક મોટા મોટા ક્લબોમાં અને મોટા મેદાનોમાં ભવ્ય આયોજન થતું હોય છે, જેમાં પ્રસિધ્ધ ગાયક કલાકારો અને સુમધુર ઓર્કેસ્ટ્રા ખેલૈયાઓની નવરાત્રીમાં ચાર ચાંદ લાગાવી દે છે.

આ તહેવાર આમ તો ગુજરાતમાં વધારે પ્રખ્યાત છે કારણ કે ગુજરાતીઓનો મનગમતો તહેવાર છે, પરંતુ તે બીજા રાજ્યોમાં અને બીજા દેશોમાં પણ ઉજવાય છે જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં ત્યાં નવરાત્રી પૂરજોશમાં ઉજવાતી હોય છે.

ખેલૈયાઓ સ્કૂલ, કોલેજો અને પોતાના કામકાજની સાથે સાથે રાત પડતાં જ પુરા ઉત્સાહ સાથે ગરબા રમવા જવા તૈયાર થઈ જાય છે. લોકો પાસ અને ટિકિટ લઈને પણ રમવા જાય છે. વળી અમુક લોકો ખાલી જોવા માટે પણ જતા હોય છે, અમુક જગ્યાએ નાની છોકરીઓ માટે શેરી ગરબાનું પણ આયોજન થતું હોય છે. પછી દરેક આયોજનોમાં ખેલૈયાઓને ઉત્સાહિત કરવા ઈનામો પણ આપવામાં આવે છે. આમ ખેલૈયાઓ નવ દિવસ ગરબા રમીને મજા કરે છે. 

આ વર્ષે વરસાદ હોવા છતાં પણ ખેલૈયાઓનો ઉત્સાહ ઓછો નથી થયો, અને આ વખતે બજારમાં આવા ઉત્સાહી ખેલૈયાઓ માટે વૉટરપ્રુફ ચણીયાચોળી પણ ઉપલબ્ધ છે.

આમ નવરાત્રી દરમ્યાન યુવાધન હિલોળે ચડીને ઉત્સાહથી આ તહેવાર ઉજવે છે અને સાથે સાથે ભક્તિમય બનીને માતાજીની આરાધના પણ કરે છે.

-Mansi Cholera