ચા અને એની ચાહ….!! આહા… ચાના રસીક લોકો માટે,ચા એટલે જાણે અમ્રૃત. અર્ધી રાત્રે ઊંઘમાંથી ઉઠાડીને પૂછો તો પણ ચા માટે ક્યારેય ના નહીં આવે. રાત્રે ઊંઘ ન આવે એ ના માટેનો ઉપાય ચા,સવારે ઊંઘ ઉડાવવા માટે પણ ચા ,માથું દુખે તો ચા, મહેમાન આવે ત્યારે ચા , મિત્રો મળે ત્યારે ચા, કામનું જોશ ચડાવે ચા તો કામનો થાક પણ ઉતારે ચા .જાણે દરેક દર્દનો એક જ ઈલાજ , એનું નામ ચા. સવાર સવારમાં જો ચા ન મળે તો દિવસ આખો મજા ન આવે, કામમાં જીવ ન લાગે.

                                              આજે સવારે ઊઠવામાં મોડું થઈ ગયું ,માટે ચા-નાસ્તા વગર જ ઑફિસ ભાગવું પડ્યું. કામ ઘણું હતું પણ ચા પીધા વગર જીવ લાગતો ન હતો.એટલે ટી-બ્રેક છોડવાનો કોઈ વિચાર ન હતો. ઑફીસમાં મળતો ટી-બ્રેક એટલે જાણે અઠવાડીયા આખાનો થાક ઉતારવા માટેનો રવિવાર. પંદર મિનિટના આ ટી-બ્રેકનું દ્રશ્ય કોઈવાર નિહાળવા જેવું ખરું ….! કામનો ભાર ભૂલીને અલક-મલકની ચર્ચાઓ થતી જોવા મળે . રાજનીતિ, ધર્મ , ફિલ્મો,વિજ્ઞાન તો ક્યાંક સગાં-વ્હાલાંને ઘરની માથાકૂટ. વિષયોની કમી જ નથી..!

                                            હું અને મારા મિત્રો પણ ગયા ચા પીવા. મિત્રો વાતોમાં મશગૂલ હતા. હું આસપાસનું દ્રશ્ય નિહાળતો હતો. મારા હરોળના તથા તેની આસપાસની ઉંમરના છોકરાં -છોકરીઓ હતા, કો’ક સિગારેટ ફૂંકે છે , તો કો’ક પાન મસાલો થૂંકે છે. મારી કૂટેવને કારણે હું બોલ્યા વગર રહી ન શક્યો. ત્યાં એક યુવતી તેના મિત્રો સાથે સીગરૅટના કશ લગાવતી હતી , તેઓની તરફ ઈશારો કરી મેં મારા મિત્રોને કહ્યું “, શું જરૂર છે આ સિગારેટ કે તંબાકુ ખાવાની !?! શું મજા આવતી હશે ?!”.આટલું બોલીને મેં નિ:સાસો નાખ્યો ત્યાં મારો મિત્ર બોલ્યો, “ કેમ!? શું વાંધો છે ? સિગરેટ પીવામાં”. હજુ હું કંઈ જવાબ આપુ એ પહેલા બીજો બોલ્યો ,” કેમ ભાઈ છોકરા સિગરેટ પીવે તો છોકરી કેમ નહીં ?! એ શુંકામ ન પી શકે?”.ફરીવાર મને જવાબ આપવાનો મોકો ન મળ્યો.

                                         મારો તો આવી જ બન્યું . એક મિત્ર બોલ્યો , “તારી પાસેથી આવી અપેક્ષા ન હતી. મૉર્ડન યુગમાં રહીને પણ તું હજુ જૂની માનસિકતા ધરાવે છે ?! લોકો છોકરા-છોકરી એકસમાનના નારા લગાવે છે ને તું? હજીપણ ત્યાં નો ત્યાં જ છે!!”. બે મિનિટ માટે તો હું વિચારમાં પડી ગયો કે આ લોકો આવું કેમ કહે છે!!. ત્યા ફરી અવાજ આવ્યો કે “આપણે તો ભણેલા -ગણેલા લોકો છીએ. આપણે પણ આવું વિચારવા લાગીએ તો આપણામાં અને અભણ લોકોમાં શું ફેર?!”

                                        વાત સાવ ઉલ્ટી દિશામાં જઈ રહી હતી. હું કંઈક કહેતો હતો અને એ લોકો કંઈક અલગ સમજી ,બોલી રહ્યા હતા.વગર વાંકે મને બલીનો બકરો બનાવવામાં આવી રહ્યો હતો, માટે જેમ બને એમ વહેલું આ ચર્ચામાંથી નીકળવું સારૂં આવું વિચારી હું કામનું બહાનું બનાવી મારા ડેસ્ક પર પહોંચ્યો. સાલું મારા જ મિત્રો મને સમજી ન હોતા શકતા !!?? કેવું કહેવાય નહીં!!?? પણ એમા એ લોકોનો પણ વાંક નથી. આપણે એવા સમયમાં ઊભા છીએ કે જ્યાં દરેક વ્યક્તિ ને સમાનતાનું ઝનૂન ચડ્યું છે. તમારી કોઈ પણ વાતને તોડી મરોડીને અથવા તો ફેરવી ફેરવીને આખરે સ્ત્રી-પુરુષ સમાનતા પર લાવી દેશે.

                                 હું સમાનતાના વિરોધમાં બિલકુલ પણ નથી. પરંતુ સમાનતાના નામ પર આ જે હરીફાઈ થઈ રહી છે , તેના સમર્થનમાં હું નથી. સ્ત્રી અને પુરુષની રચના જ અલગ રીતે ,અલગ કામો માટે થઇ છે ત્યારે એકબીજાથી આગળ નીકળવાની વાત જ ક્યાંથી આવે. કોઈ એક થી આ સંસાર ન ચાલે , માટે બન્નેનું સમાન મહત્વ છે. દુઃખ ત્યાં થાય છે કે સમાનતાના નામ પર લોકો કંઈ પણ કરવા લાગે છે!!??

                                   મારી નાની એવી વાત હતી કે લોકોએ ધૂમ્રપાન કે તંબાકુ અથવા અન્ય કોઈ પણ સ્વાસ્થ્યને હાનિકારક પદાર્થોનું સેવન શું કામ કરવું જોઈએ!?પછી એ છોકરો હોય કે છોકરી મારો વિરોધ તો માત્ર નુકશાનકારક પદાર્થોના ઉપયોગ સાથે હતો. બસ, ભૂલ એટલી થઈ ગઈ કે પેલી છોકરીને ઉદ્દેશીને વાત કહી નાખી. વાતનું વતેસર થઇ ગયું . વગર કોઈ વાંકે મને આરોપી જ બનાવી દીધો . આ એજ મિત્રો છે જે ગામડાંમાંથી શહેરમાં આવતા લોકોની મજાક ઉડાવતા હોય છે અને મને ભણેલા ને અભણનો તફાવત શીખવતા હતા.

                                પછી તો ઘરે પહોંચી વિચાર આવ્યો કે લોકો દેખા-દેખીમાં આવી ગાડરિયા પ્રવાહમાં તણાય જતા હોઈ છે. માટે તમારી કોઈ સામાન્ય એવી વાત પણ કોઈ રાજકીય ચર્ચાનો મુદ્દો બની જાય તો નવાઈ નહી. મૂર્ખ અથવા તો કોઈ એક વાતને પકડીને ચાલતો વ્યક્તી તમને પણ મૂર્ખ અથવા ગુનેગાર બનાવી શકે છે. જરા ધ્યાન રાખજો. પણ હા તેના ડરથી ચા પીવાનું છોડી ન દેતા….!

By Rishita Jani

jani.rishita1997@gmail.com