વાવ તાલુકાના વૃધ્ધ નિરાધાર બાપ અને અંધ દિકરી માટે કલેકટરશ્રી સંદીપ સાગલેનો સંવેદનશીલ અભિગમ.

“પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘર, અંત્યોદય રેશનકાર્ડમાં દર મહિને ૩૫ કિ.ગ્રા. અનાજ અને વૃધ્ધ પેન્શન સહાય અંતર્ગત રૂ. ૫૦૦ મંજુર કરતાં નિરાધાર પરિવારને આધાર મળ્યો.”

“વૃધ્ધ નિરાધાર પિતાએ કલેકટરશ્રીને આશીર્વાદ પાઠવ્યા, ભગવાન તમારું ભલું કરે…………..”

(માહિતી બ્યુરો પાલનપુર)  

ઘરમાં વૃધ્ધ નિરાધાર પિતા અને ૪૦ વર્ષની અંધ દિકરી, ગામમાં રહેવા ઘર નથી, ઘરમાં કોઇ કમાવવાવાળું નથી, અને આવકનું કોઇ સાધન નથી…. તો પછી ગુજરાન કેવી રીતે ચલાવવું?

આ વાત છે બનાસકાંઠા જીલ્લાના સરહદી વાવ તાલુકાના લાલપુર ગામના રહીશ વાહજીભાઇ નાનજીભાઇ મોરવાડીયાના પરિવારની. આ બાપ-દિકરીનો પરિવાર આ રીતે ઓશિયાળું, બિચારુ-બાપડું લાચાર જીવન જીવે છે. વાહજીભાઇના ઘરે દિકરી ગંગાનો જન્મ થયો ત્યારથી જ તે બન્ને આંખે અંધ છે. આ દિકરીને સંભાળવાથી લઇ ખવડાવવા સુધીની તમામ જવાબદારી ઘરડા બાપ ઉપર છે. અત્યારે ગંગાબેન પાસે દુનિયામાં વયોવૃદ્ધ બાપ સિવાય કોઇ નથી. આ અંગેના સમાચાર સાંભળીને ઋજુ હ્રદયનાં બનાસકાંઠાનાં કલેકટરશ્રી સંદીપ સાગલેએ થરાદ પ્રાંત અધિકારીને સુચના આપી કે આ પરિવારને શક્ય હોય એટલી મદદ કરી અને તેમની મુશ્કેલીઓમાં મદદરૂપ થવું જોઈએ.

       

કલેકટરશ્રીની સુચના મળતાં જ થરાદ પ્રાંત અધિકારીશ્રી અશોક કલસરીયા અને વાવ સર્કલ ઓફિસરશ્રી મનોજ પટ્ટણીએ આ નિરાધાર પરિવારની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમની પૂછપરછ કરી અને તેમને સરકારશ્રીની યોજનાઓના કયાં-કયાં લાભો આપી શકાય તેની યાદી બનાવી હતી. બંને બાપ-બેટીને તત્કાલ જ સરકાર દ્વારા જે લાભો આપી શકાય એમ હતા તે આપવાની તાત્કાલીક શરૂઆત કરવામાં આવી હતી.

જયારે તંત્રની મદદથી લાલપુર ગામમાં વાહજીભાઇ મોરવાડીયાને નિઃશુલ્ક 100 ચો.વારનો પ્લોટ અને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઘર બનાવવા માટે રૂ.૧,૨૦,૦૦૦/- મંજુર કરવામાં આવ્યા છે. આ સાથે તેમનું ભરણપોષણ થાય તે માટે દર મહિને ૧૯ કિ.ગ્રા. ઘઉં અને ૧૬ કિ.ગ્રા. ચોખા, આમ ૩૫ કિ.ગ્રા. અનાજ મળે તે માટે અંત્યોદય રેશનકાર્ડ બનાવી આપવામાં આવ્યું છે. દર મહિને રૂ.૫૦૦ વૃધ્ધ પેન્શન મળે તેનો પણ હુકમ કરવામાં આવતાં નિરાધાર પરિવારને મોટો આધાર મળ્યો છે.

બનાસકાંઠા કલેકટરશ્રી સંદીપ સાંગલેએ સંવેદનશીલ અભિગમ અપનાવી અધિકારીઓને સુચના આપી અને અધિકારીઓએ પણ ઉત્સાહપૂર્વક આ કામ પ્રોએક્ટીવ બની પુરૂ કરી એક નિરાધાર વૃધ્ધ પિતા અને અંધ દિકરીને મદદ કર્યાનો કાર્યસંતોષ અનુભવે છે. આ અંગે થરાદ પ્રાંત અધિકારીશ્રી અશોક કલસરીયાએ જણાવ્યું કે, “કલેકટર સાહેબશ્રીની સુચના મળતાં જ અમે આ વૃધ્ધ નિરાધાર પરિવારની મુલાકાત લઇ સરકારશ્રીની યોજનાના જે-જે લાભો તેમને આપી શકાય તે આપવાનો પ્રયાસ કર્યો છે.”

 

કલેકટરશ્રી સંદીપ સાગલેના હસ્તે આ તમામ સહાયના હુકમો એનાયત કરવામાં આવ્યા ત્યારે વૃધ્ધ વાહજીભાઇએ કલેકટરશ્રીને આશીર્વાદ આપતાં કહ્યું કે, “અમારા જેવા ગરીબોનું ભલું કરવાવાળા તમે બેઠાં છ, ભગવાન તમારું ભલું કરે”.

બનાસકાંઠા કલેકટરશ્રી સંદીપ સાગલેના આ સંવેદનશીલ અભિગમથી અધિકારીઓ અને તંત્રને પણ લાગણીશીલ બની કામ કરવાની પ્રેરણા મળી છે. આજ વાવ તાલુકાના લાલપુરના ગ્રામજનો પણ કલેકટરશ્રીના માનવીય અભિગમની સરાહના કરી આભાર વ્યક્ત કરી રહ્યા છે.

“તંત્રએ સામેથી લાભાર્થી પાસે જઇ સરકારશ્રીની યોજનાઓના લાભો આપ્યા.” 

                                         

 આલેખન-રેસુંગ ચૌહાણ