• સતત બીજી મુદત માટે અગાઉ કરતાં વધુ બહુમતીથી ચૂંટાઈ આવેલી મોદી સરકારે ઘણા નોંધપાત્ર કામ કર્યા છે, પણ ત્રિપલ તલાક અને કલમ 370 અંગેના નિર્ણય ઐતિહાસિક બની રહેશે

ફરી એક વખત નરેન્દ્ર મોદી સરકાર ચર્ચામાં છે. ફરી એક વખત સરકારની તરફેણમાં અને વિરોધમાં મોરચા મંડાઈ ગયા છે. ફરી એક વખત દાવા-પ્રતિદાવા થઈ રહ્યા છે…શા કારણે? કારણ એટલું જ કે મોદી સરકાર 2.0ના 100 દિવસ પૂરા થયા છે. સરકાર 100 દિવસનું સરવૈયું રજૂ કરીને પોતે સફળ હોવાની વાત કરે છે, તો સ્વાભાવિક રીતે સામે કોંગ્રેસ સહિત વિરોધ પક્ષો એ દાવા સ્વીકારવા તૈયાર નથી. મજાની વાત એ છે કે મીડિયા પણ આ મુદ્દે બંને તરફ વહેંચાયેલું છે. તો પછી સાચા-ખોટાનો નિર્ણય કેવી રીતે કરવો?

ખેર, આપણે અહીં સાચા-ખોટામાં પડવાને બદલે બીજી મુદતમાં અગાઉ કરતાં વધુ બહુમતીથી ચૂંટાઈ આવેલી નરેન્દ્ર મોદી સરકારે આ 100 દિવસમાં શું શું કર્યું તેની તથા એ પગલાંની લાંબા અને ટૂંકા ગાળાની અસરોની પણ થોડી વાત કરી લઇએ. નરેન્દ્ર મોદી સરકારે બીજી મુદતના પહેલા જ સત્રમાં ત્રિપલ તલાક વિરોધી કાયદો પસાર કરી દીધો. દુનિયાના અનેક ઇસ્લામિક દેશોમાં ત્રિપલ તલાક વિરોધી કાયદો હોવા છતાં ભારતમાં અત્યાર સુધીની સરકારોએ વગદાર કટ્ટરવાદીઓને ખુશ રાખવા માટે ત્રિપલ તલાકની પ્રથા ચાલુ રાખી હતી, પરિણામે લાખો મુસ્લિમ મહિલાઓ રોજેરોજ પીડાતી હતી. પરંતુ હવે એ મુસ્લિમ મહિલાઓને એ પીડામાંથી મુક્તિ મળી ગઈ છે.

મોદી સરકારનું બીજું અત્યંત અગત્યનું પગલું બંધારણની કલમ 370ની કેટલીક જોગવાઈઓને રદ્દ કરી દઈને જમ્મુ-કાશ્મીરને 35એ ના સકંજામાંથી મુક્ત કરાવવાનું હતું. આપણે જાણીએ છીએ કે જમ્મુ-કાશ્મીરને બે ભાગમાં વહેંચી દેવામાં આવ્યું છે, એક લદાખ અને બીજું જમ્મુ-કાશ્મીર અને આ બંને પ્રદેશને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યા છે. આ નિર્ણયના રાજ્ય સ્તરે, રાષ્ટ્રીય સ્તરે તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રભાવ પડ્યા છે, પડવાના છે. ભારતમાં કાયમ માટે શાંતિ સ્થપાશે એ નિશ્ચિત છે, કેમ કે 370 અને 35એ ને કારણે જમ્મુ-કાશ્મીરની સાથે આખો દેશ જે રીતે પીડાતો હતો તેમાંથી મુક્તિ મળી છે.

કેન્દ્ર સરકારે આ ઉપરાંત છેલ્લા 100 દિવસમાં યુએપીએ, એનઆઈએ તથા પૉસ્કો કાયદા પસાર કર્યા, રાષ્ટ્રીય બેંકોનું વિલિનીકરણ કર્યું. આ પગલાં અગત્યના છે જ, પરંતુ તેના કરતાં વધારે અગત્યનું પગલું જેની કોઈ ચર્ચા નથી કરતું તે છે કે સરકારે ગરીબ ખેડૂતો તેમજ નાના વેપારીઓ માટે પેન્શન યોજના આ જ ગાળામાં લાગુ કરી દીધી છે. આ ઘણું મોટું અને નોંધપાત્ર પગલું છે, પરંતુ કમનસીબે તેની નોંધ પણ નથી લેવાઈ અને ચર્ચા પણ નથી થઈ. 60 વર્ષની ઉંમર વટાવનાર ગરીબ ખેડૂતો અને નાના વેપારીઓ મહિને ઓછામાં ઓછું રૂ. 3000 પેન્શન મેળવી શકશે આવો વિચાર અને તેનો અમલ અત્યાર સુધીની કોઈ કહેવાતી સમાજવાદી નીતિ વાળી સરકારોએ કર્યો નહોતો, જે હવે થયો છે.

આ તમામ પગલાંની સાથે સાથે આપણે એક સૌથી અગત્યનો મુદ્દો એ યાદ રાખવો જોઇએ કે આ સરકારની આ બીજી મુદત છે. અર્થાત પાંચ વર્ષ ઉપર બીજા ત્રણ મહિના કરતાં વધુ સમય પસાર થયો છે છતાં કોઇપણ વ્યક્તિ સરકાર ઉપર ગેરરીતિ અથવા ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવી શકી નથી. મને લાગે છે કે આ જ સૌથી મોટી ઉપલબ્ધી છે. 100 દિવસ, છ મહિના, એક વર્ષ કે વર્ષો વર્ષ મોદી સરકારની ઉપલબ્ધિની ચર્ચા કરીએ ત્યારે આ મુદ્દો પણ સૌના ધ્યાનમાં રહેવો જ જોઇએ.

કોઇપણ એક સરકાર કે કોઇપણ એક રાજકીય પક્ષ માટે સમગ્ર દેશને પ્રગતિના શિખર ઉપર લઈ જવાનું શક્ય નથી હોતું. આ માટે દરેક નાગરિક પોતે જવાબદાર બને એ પણ માત્ર આવશ્યક નહીં, અનિવાર્ય છે. કદાચ એ કારણે જ સ્વચ્છ ભારત અભિયાન કે ફિટ ઈન્ડિયા જેવા કાર્યક્રમો પ્રત્યેક નાગરિકને સામેલ કરવાનું આહવાન છે, જેને યોગ્ય રીતે સાચા અર્થમાં લઇશું તો પ્રગતિ અને વિકાસ સૌને માટે આસાન બનશે

 

  • અલકેશ પટેલ