માનવજાતને હજારોવર્ષોથી ચંદ્ર સાથે એક અતૂટ નાતો રહ્યો છે. અધ્યાત્મ અને ઇતિહાસની અટારીએથી લઈને સમાજ, સંસ્કૃતિ ને સભ્યતાની સીડીએ તેમજ કવિઓના કાવ્યોની કલ્પનાની કૂખે સદીઓથી ચંદ્ર એનો શીતળ ને આહલાદક સ્પર્શ માનવજાતને પમાડતો રહ્યો છે. વિભિન્ન સભ્યતાઓએ તેમના આરંભકાળથી ચંદ્ર સાથે તેમનો સંબંધ જોડવાનો કમ સે કમ એક સંનિષ્ઠ પ્રયાસ તો અવશ્ય કર્યો છે..ગ્રીક સભ્યતામાં સેલેન, હેકેટ અને અર્ટેમિસ જેવા નામોથી ચંદ્રને દેવીની ઉપમા આપી છે, તો રોમન સભ્યતામાં લ્યુના જેવા ઉપનામે સંબોધન થયેલું છે, યુફ્રેતિસ ને ટાઇગ્રીસ ( દજલા ને ફરાત (હિન્દી નામો)) નદીઓના કિનારે પાંગરેલી મેસોપોટેમીયાની સભ્યતામાં અકિદિયન સમયમાં સીન, સુમેરિયન સમયમાં ન્નના ને ઇન્નના તરીકેના નામોથી નવાજેશ થયેલી છે. ચીનના ઇતિહાસમાં chang ‘e અથવા    heng’o ના નામાભિધાન સાથે ચંદ્રની ઓળખ અપાયેલી છે.
ભારતની તો વાત જ જુદી છે. છેક વૈદિક કાળથી ચંદ્રનો સોમ, શર્વરિશ, જ્યોત્સન, શશિ, શશાંક, તિથીપ્રની, નિશાકર, સિતાંશુ, શ્વેતમ યુખ, વિભાવસુ, તિજીલ આદિ અનાદી નામો સાથેનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. ભગવાન શિવ અને વેદમાતા ગાયત્રીના તો શિરે ચંદ્ર શોભી રહ્યો છે. શ્રીરામના નામની પાછળ પણ ચંદ્ર લાગે ત્યારે નામ પૂર્ણ થાય છે. અને શ્રીકૃષ્ણને તો ભાગવત પુરાણમાં જ યદુવંશી એટલે કે ચંદ્રવંશી ક્ષત્રિય કહેવાયા છે. દ્વાદશ જ્યોર્તિલિંગમાં સૌપ્રથમ ગણાતા ને સૌરાષ્ટ્રના પ્રભાસ તટે વિરાજતા શ્રી સોમનાથ મહાદેવની તો ગાથા જ છે કે એમની સ્થાપના જ સોમ અર્થાત્ કે ચંદ્રનો શ્રાપ નિવારવા થયેલ છે. આમ વિવિધ સંસ્કૃતિ, સમાજની પરંપરાઓ ને ગાથાઓમાં ચંદ્ર દર્શન સ્વાભાવિક ચિહ્ન રહ્યું છે. સાથે જ અત્રે એ નોંધવું પણ ઘટે કે ઘણા ધર્મો, સંપ્રદાયો ને જાતિઓની કાળ ગણના પણ ચંદ્રને જ આધારિત છે. જેમ કે ઇસ્લામ ધર્મની સંવત. ઇસ્લામ ધર્મમાં તો ચાંદનું મહાત્મ્ય જ અનેરું છે. કેમ કે તેમના પવિત્ર તહેવાર ઈદની ઉજવણીને રોજા ખોલવાની પરંપરા ચાંદ આધારિત છે. મોટા ભાગનાં ઇસ્લામી રાષ્ટ્રોના ધ્વજમાં ચાંદ સાથે સિતારાનું નિશાન હોવું સ્વાભાવિક ગણાય છે.

ખેર આ તો વાત થઈ સંસ્કૃતિ, અધ્યાત્મ ને ઇતિહાસની, પરંતુ કવિઓની દૃષ્ટિએ પણ ચાંદ એ હંમેશા પ્રિય પાત્ર રહ્યો છે. કોઈ પણ માનુનીના સૌંદર્યની જો વિસ્તાર કથા કરવી હોય તો કવિની દૃષ્ટિએ એકાદ વાર તો એની સરખામણી ચંદ્ર સાથે કરવી એ આવશ્યક બની જાય છે. ચંદ્રની શીતળ ચાંદનીને એની તેજસ્વિતા સાથે સ્ત્રીના રૂપ અને સ્વભાવની સરખામણી એ આધુનિકને પ્રાચીન એમ બંને સમયના શાસ્ત્રોનું અભિન્ન અંગ રહ્યું છે.

પરંતુ એક વૈજ્ઞાનિક અભિગમ સાથે ચંદ્રને જાણવાની જો શરૂઆત કોઈએ કરી હોય તો એ વાતનો પુરસ્કર્તા યુરોપ નિવાસી વૈજ્ઞાનિક ગેલિલિયો ગેલીલીને ગણવો જોઈએ. ઈ.સ. ૧૬૦૯માં તેણે બનાવેલા દૂરબીન કે ટેલિસ્કોપની મદદથી જ ચંદ્ર પર રહેલા ખાડા ને ટેકરાઓનું દર્શન કરનાર એ પ્રથમ પૃથ્વી નિવાસી હતો. એ પછી નાના મોટા છૂટક બનાવોને બાદ કરતા વ્યવસ્થિતને આધુનિક રીતે ચંદ્રને લગતા સંશોધનની શરૂઆત ૧૯૫૦ના દશક બાદ જ સંભવ બની.

બીજા વિશ્વુદ્ધ પછીનો સમય હતો, યુરોપ મોરચે જર્મનીને ઇટાલી તેમજ એશિયાઈ મોરચે જાપાન જેવી મહાસત્તાઓને ઘૂંટણિયે પાડયા પછી યુધ્ધ દરમિયાન સાથીદાર રહેલા સામ્યવાદી રશિયા (ussr)ને મૂડીવાદી અમેરિકા (usa) હવે આમને સામને હતા, મૂડીવાદ કે સામ્યવાદ આ બંને માંથી કઈ વિચારધારા શ્રેષ્ઠને જગતમાં કઈ વિચારધારાનું વર્ચસ્વ જામશે એ નક્કી કરવા હઠે ચડેલી બે મહાસત્તા વચ્ચેના ઠંડા વિગ્રહ એટલે કે કોલ્ડ વારનો સમય હતો. ધ્રુવીકરણની આ કોશિશમાં લગભગ દરેક ક્ષેત્રે આક્રમક સ્પર્ધાએ જન્મ લીધો. અંતરિક્ષ અભિયાન એટલે કે સ્પેસ રેસ પણ એનો જ એક ભાગ હતી. પ્રથમ સેટેલાઈટ એટલે કે સ્પુટનિક, પ્રથમ પુરુષ અવકાશયાત્રી યુરી ગાગારીન, પ્રથમ મહિલા અવકાશ યાત્રી વેલેન્તિના ટેરેશકોવા, પ્રથમ અવકાશયાત્રી અબોલ જીવ લાઇકા નામની કૂતરી એ બધા ક્ષેત્રે રશિયાએ યુએસને હંફાવી દીધું. એટલે સુધી કે છેલ્લે ચંદ્ર પર અવકાશયાન મોકલવાની દિશામાં પણ રશિયાના મુન મિશન યુએસથી આગળ હતા. રશિયાનું લુના 2 એ પહેલું યાન હતું જે ચંદ્ર પર હાર્ડ લેન્ડિંગ કરવામાં સફળ રહેલું. 14 sept 1959 એ તારીખ હતી.ચંદ્રની પાછલી સાઇડનો પ્રથમ ફોટોગ્રાફ રશિયન યાન લુંના 3 દ્વારા લેવાયેલો.આમ રશિયન પડકારોનો જવાબ વાળવા તે સમયના યુએસ પ્રેસિડેન્ટ જ્હોન એફ કેનેડીએ એમની સેનેટને સંબોધતા ઘોષણા કરેલી કે 1960નો દસકો પૂરો થતાં પહેલાં યુએસનો નાગરિક ચંદ્ર પર પગ મૂકશે.આ પડકારોને પહોંચી વળવા યુએસની અવકાશી સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ અડમીનિસ્ત્રેશન ટુંક માં નાસાએ સમાનવ ચંદ્ર અભિયાનોની આખી એક શ્રેણી લોન્ચ કરી. આ શ્રેણી એપોલો શ્રેણી તરીકે પ્રસિદ્ધ બની. એપોલો 8 ના યાત્રીઓ ફ્રેન્ક બોરમેન, જેમ્સ લોવેલ અને વિલિયમ એન્ડર્સ એ પ્રથમ અવકાશયાત્રી બન્યા જેમણે ચંદ્રની કક્ષામાં પ્રવેશ કર્યો હોય, ડિસેમ્બર 24,1968માં આ ઘટના બની.એના પછી એપોલો 11ના ક્રુ તરીકે ગયેલા યુએસ એરફોર્સ પાયલટ નીલ આર્મસ્ટ્રોંગ પ્રથમ અવકાશયાત્રી બન્યા જેમણે 20 જુલાઈ 1969ના રોજ ચંદ્રની ધરા પર પગ માંડ્યો.આ વખતે તેમણે બોલેલા વાક્યો આખી પૃથ્વીના રેડિયો સ્ટેશન પરથી પ્રસારિત કરાયા હતા, તેમણે કહ્યું હતું કે, “એક નાનું માનવીય પગલું, પણ સંપૂર્ણ માનવજાતિ માટે આ એક લાંબી છલાંગ છે “. આમ માનવજાતિ માટે આ છલાંગ આજ સુધી અમેરિકા જ લગાવી શક્યું છે, પણ તાજેતર માં જે ફસાયું ને જેનો સંપર્ક કપાઈ જવાથી ચંદ્રયાન ૨ની સફળતા ઉપર શંકાના વાદળો ઘેરાયા, એ લેન્ડર વિક્રમ જેવું પ્રથમ લેન્ડિંગ કરનાર નવેમ્બર ૧૭,૧૯૭૦ ના રોજ પહુંચનાર લુનાર રોવર રશિયાનું લ્યુનોખોદ ૧ હતું જે સરખા નામ વાળી મિશન શ્રેણીનું જ એક ભાગ હતું. પ્રથમને બધા યાદ રાખે પણ છેલ્લા માનવ યાત્રી જે ચંદ્ર પર ગયેલા તે ડિસેમ્બર ૧૯૭૨ના રોજ એપોલો ૧૭ના ક્રુ તરીકે ગયેલા યુજીન સેરનીન હતા.

રશિયાના લૂના પ્રોગ્રામ (૧૬,૨૦ ને ૨૪)તેમજ યુએસ ના એપોલો ૧૧ થી ૧૭ દરમિયાન અમુક ચંદ્ર ખડકો ને માટી પણ વધુ રિસર્ચ માટે પૃથ્વી પર લાવવામાં આવેલ હતી, ને ખાસ યુએસ દ્વારા તેના મિત્ર દેશો ને એક ડિપ્લોમસી જેશ્ચરના ભાગ રૂપે ગિફ્ટ કરાયેલ. આવા ચંદ્ર ખડકોના અમુક નમૂના ભારતને પણ અપાયેલ છે. બજેટ ની ખેંચ ને લગાતાર ૧૦ થી વધુ વર્ષોના સંશોધન પછી યુએસ ને યુએસએસઆર બંનેની ચંદ્ર મિશનમાં રુચિ ઘટી ને બંને એ મંગળ, શુક્ર ગ્રહ એમ સૂર્યમાળાના અન્ય ભાગો પર યાન મોકલવાનું નક્કી કર્યું.

ડિસેમ્બર ૧૯૭૬ પછી લગભગ ૧૫ વર્ષના અંતરાલે ફરી ચંદ્ર પર ફોકસ કરાયું ૧૯૯૦ પછીથી,જ્યારે યુએસ ને રશિયા સિવાયના ત્રીજા દેશ જાપાને પોતાની સંસ્થા jaxa (japan aerospace exploration agency) થકી હિતેન નામનું ર્બિટર ચંદ્ર પર મોકલ્યું. જેને હેંગોરોમ નામનું પ્રોબ રિલીઝ કર્યું પણ સંદેશ બરાબર ન પહુંચતા તે નિષ્ફળ ગયું. સપટેમ્બર ૨૦૦૭ માં એક અન્ય યાન સેલીને પણ લોન્ચ કરાયું.

યુરોપની યુરોપિયન સ્પેસ એજન્સી સપ્ટેમ્બર ૨૭ ,૨૦૦૩ ના રોજ સ્માર્ટ ૧ નામનું મિશન લોન્ચ કર્યું, જેનો ધ્યેય ચંદ્રની સપાટીનો ૩D નકશો બનાવવાનું હતું, જે ૨૦૦૬ સુધી ચંદ્રની કક્ષામાં સ્થાપિત રહ્યું પછી ચંદ્ર પર જ તોડી પડાયું.

આજ કડીમાં લેટેસ્ટ લૂનાર એક્ષપ્લોર પ્રોગ્રામ શરૂ કરનાર દેશ ચીન છે, ત્યાંની સ્થાનિક ચંદ્ર દેવી chang ‘e ના નામ પર આ મિશન શરૂ કરાયા, ઓક્ટોબર ૨૪, ૨૦૦૭માં પ્રથમ મિશન લોન્ચ કરાયું જે ૧૬ મહિના ચાલ્યું, તે પછી બીજું ઓર્બિટર મિશન લોન્ચ કરાયું ને ફાઈનલી, ડિસેમ્બર ૧૪, ૨૦૧૩ના રોજ ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરનાર chang’e ૩ થકી ચીન ત્રીજો જ દેશ બન્યો. ડિસેમ્બર ૨૦૧૮ માં મોકલેલું chang’e ૪ ચોથું મિશન હતું જેને જાન્યુઆરી ૨૦૧૯માં ચંદ્રની પાછલી સાઇડ પર લેન્ડિંગ કરનાર પ્રથમ યાન બન્યું. ચંદ્ર પર ચીનની દિલચસ્પી સૌથી વધુ એના helium ૩ નામના આઇસોટોપ માટે છે.

સૌથી છેલ્લે મારો મહાન દેશ ભારત, આપણી સંસ્થા ISRO એ ઓક્ટોબર ૨૨, ૨૦૦૮ ના રોજ ચંદ્રયાન-૧ લોન્ચ કર્યું જે અમાનવ ઓર્બિટર મિશન હતું, જેનો ધ્યેય ચંદ્ર સપાટીનો એટલાસ બનાવવાનો હતો, આ યાનમાં એક પ્રોબ હતું જેમાં ભારતનો તિરંગો અંદર મુકેલ હતો જે ચંદ્રની સપાટી પર જઈને ખોડાયો અને આજે ચંદ્ર સપાટીને સ્પર્શ કરવા વાળો ભારત માત્ર ચોથો જ દેશ છે. આ યાન દ્વારા જ દુનિયાને ચંદ્ર સપાટીમાં પાણીના મોલેક્યુલ્સની જાણકારી મળી જેથી ભવિષ્યમાં ચંદ્ર પટ વસાહતો ઊભી કરવા નાસા અને અન્ય અગ્રગણ્ય એજન્સીઓએ ફરી ચંદ્ર અભિયાનોની શરૂઆત માટે પ્લાનિંગ કર્યું છે. તાજેતરમાં ભારતનું ચંદ્રયાન-૨ આજ સિરીઝમાં અન્ય એક પ્રયાસ છે જે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર જનાર પ્રથમ જ યાન છે ને જે રશિયાના સહયોગથી થવાનું હતું પણ કમનસીબે રશિયા નાકામ રહેતા ભારતના લેન્ડર અને રોવર બનાવાયા. પણ અમુક કારણોસર સોફ્ટ લેન્ડિંગ ન થતાં હાલના હિસાબે લેન્ડર વિક્રમ સાથે ઈસરો એ સંપર્કની કોશિશ શરૂ છે.

આ તો વાત થઈ અત્યાર સુધીની યાત્રાની હવે આગળ જોઈએ કે ભવિષ્યના મિશનની રૂપરેખા શું છે? ચંદ્રયાન-૧ દ્વારા ચંદ્ર સપાટી પર  પાણીના મોલેક્યુલસ શોધાયા પછી નાસા ફરીથી એક્ટિવ થઈ છે. ૨૦૨૪માં ચંદ્રના દક્ષિણ ધ્રુવ પાસે જ એક નવું માનવ મિશન મોકલવા ચાહે છે. રશિયા એના જરીપુરાણા લૂના પ્રોજેક્ટને નવા સ્વરૂપે ફરીથી રિલોંચ કરવા ધારે છે. ચીનનું chang’e શ્રેણીનું આગલું મિશન chang’e 5 તૈયાર છે, ભારતની ઈસરો હવે જાપાનની જાકસા સાથે મળીને ચંદ્ર ખડકોના નમુના પૃથ્વી પર લાવી આપે એવું મિશન કરવા વિચારી રહી છે. યુએસ અને રશિયા ભૂતકાળના અનુભવોથી શીખ લઈને સહયોગમાં કામ કરવા ધારે છે જે અન્વયે રશિયા ચંદ્રનું ને યુએસએ મંગળનું સંશોધન કરશે ને પ્રાપ્ત ડેટા બંને વચ્ચે શેર થશે. યુએસ હવે si સિસ્ટમ અંતર્ગત બીજી અન્ય અવકાશી સંશોધન સંસ્થાઓ સાથે સહયોગમાં ચંદ્રનું વધુ ડીપ સંશોધન કરવાનું ધારે છે. હવે પ્રશ્ન એ છે કે ચંદ્ર માટેની આટલી બધી પળોજણ કરવાનું પ્રેરે એવા કારણો કયા છે? એવું શું છે જે માનવ ને ચંદ્ર પર આકર્ષિત કરે છે.

પેટા કારણો ઘણા છે પણ મુખ્યત્વે વિચારીએ તો ૩ છે. જેમાં એક છે ચંદ્રનું પૃથ્વીથી સૌથી નજીકનું અવકાશી સ્થાન. પાણીની શોધનું કન્ફર્મેશન થયા પછી નાસા ને અન્ય સંસ્થાઓ ત્યાં અવકાશી મથક સ્થાપવા માંગે છે. ભવિષ્યના અવકાશી મિશનો જેવા કે મંગળ, શુક્ર, ગુરુ, શનિ જેવા ગ્રહો, અથવા અન્ય અવકાશી પિંડોના અભ્યાસ માટે ત્યાં જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે, ટેલિસ્કોપ, સંદેશ વ્યવહાર મથક અને લોન્ચિંગ પેડ વગેરે સ્થાપવા માંગે છે.બીજું જેમ જેમ પૃથ્વી પર વસાહતો વધી રહી છે. તેને મેનેજ કરવા માટે સ્પેસ કોલોનીઝ બનાવવાનો વિચાર હોય શકે. જે કાયમી ધોરણે એક વિકલ્પ બની શકે, પણ આ હજી બહુ દૂર સૂદુર ભાવિની રૂપરેખા હોય શકે. ત્રીજું ને અત્યંત મહત્વપૂર્ણ કારણ જે માટે ચીન બહુ ઓપેનલી એની મંશા જાહેર કરી ચૂક્યું છે અને એ છે હિલીયમ ધાતુનો આઈસોટોપ હિલીયમ – ૩ની પ્રાપ્તિ. આ હિલીયમ જે છે એ પૃથ્વી પર પ્રાપ્ત થતાં કુદરતી રૂપે મળતા હિલીયમ જેવું નથી. અલબત્ત, આ તેનું એક સ્વરૂપ છે જે કુદરતી હિલીયમનું અપક્ષય થયા પછી જ નિર્માણ પામે છે. હિલીયમ ૩ એ હિલીયમનું આઇસોટોપ છે જે પૃથ્વી પર બહુ જ ઓછી માત્રામાં પ્રાપ્ત થાય છે. તેના રાસાયણિક ગુણધર્મોને ધ્યાનમાં રાખતા એવી અવધારણા મુકાય છે કે તે ભવિષ્યનું એનર્જી સોર્સ બની શકે છે. કારણકે તે એક નોન રેડીએક્ટીવ તત્વ છે જો તેને ન્યુક્લિયર ફ્યુઝનમાં વાપરવામાં આવે તો ચેઇન રીએકશન સમયે આ તત્વ ન્યુટ્રોનને રિલીઝ કરતું નથી.ખાલી પ્રોટોનથી જ આખી પ્રોસેસ આગળ વધે છે માટે કોઈ રેડિયો એક્ટિવ વેસ્ટ અને રીએકશનની રિસ્ક રહેતી નથી અથવા અન્ય પદાર્થો જેવા કે યુરેનિયમ, પ્લુટો નિયમ, કે લેટેસ્ટ એવું થોરિયમની સરખામણીએ ઘણી જ ઓછી રહે છે.પૃથ્વી પર આ તત્વ બહુ ઓછી માત્રામાં છે પણ ચંદ્ર પર એવું અનુમાન છે કે પૃથ્વી કરતાં ૧૦૦ મિલિયન ગણું વધારે માત્રામાં આ તત્વ ત્યાં છે ને જો સંશોધન આગળ વધે તો એને  માઈનિંગ કરી ને પૃથ્વી પર લાવવું એવું આયોજન કરવું એ હાલના અગ્રગણ્ય દેશો વિચારી રહ્યા છે. પૃથ્વી પર જે ઝડપે માનવ વસ્તી વધી રહી છે, આર્થિક વિકાસ થતાં લોકોની ઊર્જાની માંગ પણ વધતી જ રહવાની છે, એક અંદાજ પ્રમાણે હવે પેટ્રોલિયમ ને ગેસના ભંડારો પણ સીમિત માત્રામાં છે ને નવા એટલા ઝડપે શોધાયા નથી, જે ઝડપે જૂના ભંડારો ખાલી થઈ રહ્યા છે, ને પેટ્રોલિયમના અનહદ ઉપયોગથી જે પર્યાવરણીય નિકંદન થયું છે તેના પ્રમાણમાં વધતી જાગૃતિ એ પણ હવે એ બાજુના રિસર્ચમાં અમુક અંશે બ્રેક લગાવી છે, રિન્યુએબલ સોર્સેઝ ઓફ એનર્જી એટલી પ્રમાણમાં મળ્યા નથી અથવા હજી એવી ટેકનોલોજીથી વ્યાપક ચલણમાં આવ્યા નથી કે સામાન્ય માણસ માટે લોક ભોગ્ય બની શકે ને પેટ્રોલિયમનો વિકલ્પ બને. ન્યુકલિયર ઊર્જા સ્વચ્છ ઇંધણ વાળી ઊર્જા છે પરંતુ એ પણ વાયેબલ નથી જે જાપાનના ફુકુશિમા પ્લાન્ટ અને રશિયાના ચેરનોબિલ શહેરની દુર્ઘટનાઓથી સમજી શકાય તેવી વાત છે. જરા અમથું લીકેજ પણ આખા શહેરને બરબાદ કરવા પૂરતું થઈ પડે. યુરોપમાં એટોમિક એનર્જીના પુરસ્કર્તા ગણાતા ફ્રાંસ ને જર્મનીમાં પણ હવે ન્યુક્લીયર પાવર પ્લાન્ટ સ્થાપવાના પ્રમાણમાં ઘણી ઓટ આવી છે, જાપાનમાં તો પ્રતિબંધિત કરાયેલું અમુક સમય માટે ને અમેરિકા એ પણ ન્યુક્લીયર પાવર પ્લાન્ટ સ્થાપવાની પોલિસીને રિવ્યૂમાં મૂકી છે, તો હવે એવો કયો રસ્તો બચે છે જે વર્તમાન ને ભવિષ્ય બંને માટે માનવજાતિની ઊર્જા ભૂખને સંતોષી શકે એવો ભરોસે મંદ સોર્સ બને?? આનો જવાબ હાલના વૈજ્ઞાનિકો ચંદ્ર અને એના અનુમાનિત ૧૦૦મિલિયન ટન ના હિલીયમના જથ્થામાં જુએ છે, અને અંતે તો આ બધી ભાંજગડ એના માટેની જ છે. જોઈએ હવે આ વૈજ્ઞાનિકો રૂપી ભક્તોનો સંઘ એમના ચંદ્ર રૂપી કાશીએ પહોંચે છે કે નહિ?? ને જો પહોંચે છે તો પ્રભુ (હિલીયમ)ને પામે છે કે નહિ??

ત્યાં સુધી મેંગો પીપલ માટે તો ચાંદ હજી ત્યાં જ રહેવાનો છે જ્યાં એ પેહલાથી જ હતો, કોઈ પ્રિય પાત્રના ચેહરામાં, રાત્રિના આકાશમાં ને છેલ્લે ક્યાંય નહિ તો માણસની હથેળીમાં તો ખરો જ … હોપફૂલી

 

– નિરવ કૃપલાણી