ગુજરાતી સિનેમામાં કંઈક  હટકે જોવા માંગતા હોય તો તમે ગોળકેરી જોઈ શકો છો.  ગોળકેરી એ પારિવારિક ફિલ્મ  છે, જે તમે તમારા પરિવાર સાથે નિહાળી શકો છો. આ ફિલ્મની સ્ટોરી નવયુવાનોની સામાન્ય સમસ્યા પર આધારિત છે.

આ ફિલ્મ વિરલ શાહે ડીરેક્ટ કરી છે. ફિલ્મના લેખક વિરલ શાહ અને અમાત્ય છે. મલ્હાર ઠાકર , માનસી પારેખ, સચિન ખેડેકર અને વંદના પાઠક જેવા અભિનેતાઓ અને અભિનેત્રીઓએ ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવી છે. માનસી પારેખ અને પાર્થિવ ગોહિલ દ્વારા ગોળકેરી મૂવીનું પ્રોડક્શન કરાયું છે. ગોળકેરી મૂવી ગુજરાતી ડ્રામાની શ્રેણીમાં આવે છે. 

આ ફિલ્મની વાર્તા કંઈક આમ છે. સાહિલ એટલે કે મલ્હાર ઠાકર અને તેની ગર્લફ્રેન્ડ હર્ષિતા એટલે કે માનસી પારેખની પ્રેમકથામાં આવેલા વણાંકની વાત ફિલ્મમાં વર્ણવવામાં આવી છે અને તેમના બ્રેકઅપને અનુસરે છે. તેના માતાપિતા એટલે કે સચિન અને વંદના, સાહિલ અને હર્ષિતા વચ્ચેના મતભેદોને દૂર કરીને જીવનની હકિકત સમજાવે છે અને શીખવે છે કે પતિ-પત્ની એક સ્કૂટર ના બે પૈડાં જેવા હોય છે.

આ ફિલ્મ જોવી જોઈએ કે કેમ એ વિશે વાત કરીએ તો ફિલ્મની શરૂઆત સાહિલ અને હર્ષિતાની પ્રેમકથાના અંતથી થાય છે. જેમાં હર્ષિતા એક હાસ્યકારનું કામ કરે છે અને તે તેના શૉ દરમિયાન સાહિલને ન ગમતા વિષય પર વ્યંગ કરે છે. ધીમે ધીમે આગળ જતાં સાહિલ અને હર્ષિતાના સબંધ પુરા થતા જોવા મળે છે અને બંને પોતાની સગાઇ તોડવાનું  નક્કી કરે છે. જે દર્શકોમાં જિજ્ઞાસાનો ભાવ લાવે છે. સાહિલના માતાપિતાને આ વાતની જાણ થતાં બંને તેઓને સમજવાનું નક્કી કરે છે અને પોતાનાથી બનતા પ્રયાસો કરે છે. જેમાં હર્ષિતા એક હાસ્ય કલાકાર તરીકે નાની હોટેલમાં કામ કરે છે જેમાં તેને નિષ્ફ્ળતા મળે છે. ત્યારે જ તેના એક શો દરમિયાન હર્ષિતા સાહિલને મળે છે. સાહિલ હર્ષિતાને પોતાનો નિષ્ફ્ળતા ભૂલી સફળતા માટે પ્રયાસ કરતા રહેવા કહે છે ત્યારથી હર્ષિતાની સફળતાની શરૂઆત થાય છે અને હર્ષિતા સફળતાની ઉંચાઈ પાર કરે છે. અહીં સુધીનો ભાગ પ્રેમીઓએ કેવી રીતે એકબીજાનો સાથ-સહકાર આપવો જોઈએ અને પ્રેમ માણસને કેટલો બદલી નાખે છે તે બતાવે છે. 

જયારે ફિલ્મમા મધ્યભાગ સુઘી સાહિલ તરફી ફિલ્મ બતાવાય  છે અને હર્ષિતાને ખરાબ મંગેતર બતાવાય છે ત્યારે ફિલ્મમાં એક નવો વણાંક આવે છે અને જયારે હર્ષિતા મધ્યરાતે સાહિલ સાથેની બધી યાદો લઈ ઘરે પારત ફરતી હતી ત્યારે હર્ષિતા તરફની કહાની બતાવાય છે જેમાં હર્ષિતા એવું માંગે છે કે સાહિલ પણ તેના પગ પર ઉભો થાય જેથી કરી ભવિષ્યમાં કંઈ વાંધો ના આવે. 

એ માટે હર્ષિતા પોતાના પ્રેમીને સાચી રાહ પર લાવવા કેવા નુસખા અપનાવે છે તે જોવા જેવું છે. એક પ્રેમી પોતાના પ્રેમીને હંમેશા સાચા માર્ગે લાવવા પ્રયત્ને કરે છે, એ માટે ભલેને પછી કોઈ પણ જાતના ઉપાયો કરવા પડે.  સાથે જ માતાપિતા બાળકોના જીવનમાં ડગલેને પગલે કઈ રીતે રાહ બતાવે છે તેનું વર્ણન ખુબ જ મધુર રીતે કરાવાયું છે.માતાપિતાનો સાથસહકાર અને સંબંધોને બચાવવાના પ્રયાસને જે રીતે દર્શાવાયા છે તે જોઈને લાગે કે ખરેખર માતાપિતા પોતાના બાળકો માટે બધું કરી છૂટી જાય છે.

સબંધ એ ગોળકેરી જેવો હોય છે કોઈ વાર ખાટો, કોઈ વાર ગળ્યો, કોઈ વાર ફિક્કો, તો કોઈ વાર મીઠ્ઠો અને રસપ્રદ હોય છે. ગોળકેરીનું અથાણું બનાવતા જેમ સમય-સમય પર તડકો અને છાંયો દેખાડવો પડે છે જે અથાણામાં માધુર્ય મીઠાશ લાવે છે તેમ ફિલ્મ ગોળકેરીના ઉદાહરણ દ્વારા લોકો સુધી કેવી રીતે હાર ન માનવી, પ્રયત્ન કરતા રેહવું, પ્રેમી-સાથીને સમજવું, સમજાવવું અને કેવી રીતે પ્રેમ, પ્રેમી અને પ્રેમસંબંધને સાચવવો તેની વાત ફિલ્મના બધા કિરદારો દ્વારા કરવામાં આવી છે. આ ફિલ્મનો અંત પણ ગોળકેરી જેવો મીઠો થાય છે અને સાહિલ અને હર્ષિતા બંને ફરીથી સાથે થઈ જાય છે અને એક બીજા સાથે ખુશખુશાલ જોવા મળે છે.

પરિવાર, પ્રેમ સાથ, સહકાર અને ગેરસમજણ બધાનું મિશ્રણ રજુ કરતી આ ફિલ્મ ગુજરાતી સિનેમામાં ઉદાહરણરૂપ છે. વડીલોનો છાંયો વર્ષો જુના વડલાના ઝાડ જેવો હોય છે જે જીવનમાં હર સમયે સાચી રાહ બતાવે છે અને હર સમયેસાથ આપે છે. પિતાનો આધાર અને માતાની મમતા વ્યક્તિને અંદરની શક્તિ આપે છે. વ્યક્તિ ગમે તેટલી મુંજાયેલી, ફસાયેલી કે વ્યાકુળ હોય પણ માતાપિતા તેમનાથી બનતા બધા જ પ્રયત્નો પોતાના બાળક માટે કરે છે. સાચો જીવનસાથી કરમાઈ ગયેલા જીવનને કેટલું રંગીન બનાવી દે છે. પ્રેમ, પ્રેમી અને પ્રેમસંબંધ અને પરિવારના સાથ વિશે જે રીતે વાત ફિલ્મ દ્વારા કરવામાં આવી છે હું તો કહીશ દરેક ગુજરાતીએ આ ફિલ્મ ગોળકેરી જોવી જ જોઈએ.