સમય સમયની વાતમાં સમય કંઈક એવો નીકળ્યો 

સમયની વાતમાં સમય માટે સમય જ ન મળ્યો,

આ સમયે કેવા સમયની કેવી વાત કરવી એ વાત -વાતની સમયમાં 

હું સમય વિશે જ ભૂલી ગઈ!

 

આમ તો જાણ છે મને એના સમયની 

પણ અજાણ બની એ મારા સમયથી,

સમય સાથે કંઈક એવી રમત કરી જાય છે કે 

હું, એ અને અમારા વચ્ચે સમય આવી જાય છે!

 

શબ્દોના પહાડોમાં એ પીગળ્યો ને 

દરિયાની લહેરમાં એ ઘસાયો,

જઈને એ મજઘાર વચ્ચે મારા સમયમાં

હું જાણે પથ્થરોમાં જ વહી ગઈ!

 

ના જાણ મને એના નામની

છે એય અજાણ મારા શબ્દથી,

જાણીઅજાણી એક સાંજે અજાણથી જ જાણીતી મુલાકાત કરી જાય છે કે 

હું, એ અને અમારા વચ્ચે સમય આવી જાય છે!

 

આમ જ એકબીજાની રાહમાં સમય વહ્યો

અને એક શુભ ટાણે મારે આંગણે ટકોરો પડ્યો,

મનથી પ્રફુલ્લિત થઈ ભેટી પડી એને આવેશમાં

હું જાણે એની પાસે મારો દેહ છોડી ગઈ!

 

અજાણી ભાગતી રહી મળવા સમયને સાથી સમયની

જાણીતી જ તો બની સાથ રહી એ સમયથી,

હવે જો છું સમયથી પરે આ પાર અજાણી મુજ થકી છે કે

હું , એ અને અમારા વચ્ચે સમય આવી જાય છે!

 

એ ભાગ્યો, ડંકાની ચોટે ભાગ્યો, રણે અસવાર ભાગ્યો, કાંટાળી રાહે ભાગ્યો, જીવના જોખમે ભાગ્યો, મનના મિલાપે ભાગ્યો, દરિયાના મોતીએ ભાગ્યો, મણિનો જીતનાર ભાગ્યો,સૂરજના પ્રકાશે ભાગ્યો, હરિફાઈની જીદમાં ભાગ્યો,અવાજની ઝડપે ભાગ્યો, સંજસવારની મૌસમે ભાગ્યો, આગની જ્યોતે ભાગ્યો, પ્રચંડ તાંડવે ભાગ્યો, વર્ષાની મેઘે ભાગ્યો, ઋતુની હવાએ ભાગ્યો, પાછળ એ મૃગજળની ભાગ્યો, ભાગ્યો એ સુદર્શનની આડે ભાગ્યો,

ભાગી- ભાગીને સમયથી સમયની આગળ જવા એ હવે આવી ઉભો, હંફાયો, થોભ્યો, બેઠો, રોકાયો ને પરમસુખે પોઢી ગયો.

સમયની વાતમાં વાત તો રહી ગઈ આ વાતની સમયમાં

હું જાણે આ સમયમાં જ ખોવાઈ ગઈ!