અમિત શાહ ઔર ભાજપ કી યાત્રા, “કાર્યકર્તાથી કર્તાહર્તા સુધીની સફર……”

સામાન્ય રીતે અમિત શાહ એવુ નામ હવે કોઈ સાંભળે તેના મનમાં માત્રને માત્ર એક રાજનૈતિક વ્યક્તિત્વનું ચિત્ર ખડું થઈ જાય. આ વાત હવે માત્ર ગુજરાત પુરતી સિમીત નથી રહી. આજે સોશિયલ મીડિયા અને 24*7 મીડિયાના જમાનામાં દેશ-વિદેશમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પછી સંભળાતુ અને ચર્ચાતુ રાજકિય વ્યક્તિત્વ હોય તો એ છે અમિતભાઈ અનિલચંદ્ર શાહ. ભારતના ગૃહમંત્રી અને ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સામાન્યતમ કાર્યકર્તા તરીકે રાજનૈતિક કારકિર્દી શરૂ કરનાર આ વ્યક્તિ આજે ભારતીય રાજકારણમાં ‘ચાણક્ય’ તરીકે ઓળખાય છે. રાજકિય વિરોધીઓમાં આ નામ ભયપ્રરિત આદર જન્માવે છે.

જો કે, મહત્વની વાત એ છે કે, આવા ચર્ચાસ્પદ વ્યક્તિત્વ, કે જેણે પોતાની રાજનૈતિક કારકિર્દીને માત્ર વ્યવસાયિક રાજકારણનો હિસ્સો બનાવવાના બદલે પહેલા રાજ્ય અને પછી દેશની સેવાનું માધ્યમં બનાવ્યું, એવા અમિતભાઈ વિશે માધ્યમોમાં છપાયેલા અને ચર્ચાયેલા સમાચારો સિવાય કોઈ આધારભૂત માહિતી ઉપલબ્ધ ન હતી. આ પુસ્તકે આ કમીને પૂરી કરવાનો પ્રયાસ કર્યો છે. અહીં અમિતભાઈની વાહવાહી નથી, પરંતુ એક રાજકિય સુઝબુઝવાળા યુવા કાર્યકરથી દેશની સહુથી મોટી રાજકિય પાર્ટીના અધ્યક્ષ બનવા સુધીની તેમની મુશ્કેલ, સંઘર્ષમય રાજકિય મુસાફરીનો ચિતાર છે. અમિતભાઈના રાજનૈતિક જીવન, તેમનો સંઘર્ષ, કૌટુંબિક જીવન અને વિજયયાત્રાની વાતો ખુબ ઓછા લોકો જાણે છે.

આ એક એવા નેતાની વાત કરતું પુસ્તક છે જેવો 1980ના દાયકામાં અમદાવાદના નારણપુરા બુથથી કાર્યકર્તા તરીકે રાજનીતિની કારકિર્દીનો પ્રાંરભ કર્યો અને આજે દેશના સૌથી શક્તિશાળી રાજકિય પક્ષના વડા પદે પહોંચ્યા છે. આ પુસ્તકમાં અમિતભાઈની રાજનૈતિક યાત્રાના વિભિન્ન પડાવો, તેમની સુઝબુઝ અને વ્યહરચનાઓએ તેમને અને પાર્ટીને અપાવેલી સફળતાનું ચિત્રણ છે. અમિતભાઈ અને તેમની ટીમે સમય પારખીને કુશળ રણનીતિ દ્વારા ભાજપને સફળતાની ટોચ પર પહોંચાડવા માટે કરેલા અથક પ્રયાસો અને પ્રયાસો કોઈ પણ મેનેજમેન્ટ ટ્રેઈની માટે કેસ સ્ટડી બની રહે તેવા છે.

અમિતભાઈની રાજકિય યાત્રાની સાથે સાથે ભાજપનો વિસ્તાર, પ્રસાર અને તેને જનમાનસમાં ઉતારવાના પ્રયાસોમાં મળેલી સફળતાની કહાણી આ પુસ્તકનું હાર્દ છે. અહીં વર્તમાન સમયની એક પ્રભાવશાળી અને મહત્વપૂર્ણ એવા આ નેતાની વાતને પ્રામાણિક્તાથી, નિઃસંકોચ અને વિસ્તારપૂર્વક વણી લેવામાં આવી છે.

અમિતભાઈના રાજનૈતિક જીવન તેમજ પારિવારિક જીવનના મહત્વપૂર્ણ પ્રસંગોની રંગીન તસવીરો આ પુસ્તકને રસપ્રદ બનાવે છે કુલ 14 પ્રકરણોમાં વહેંચાયેલા આ પુસ્તકમાં અમિતભાઈની સાથે જનસંઘમાંથી ભાજપ સુધીની પાર્ટીની સંઘર્ષમય યાત્રા અને અમિતભાઈના નેતૃત્વમાં સંગઠને મેળવેલી અભૂતપૂર્વ સફળતા પાછળના કારણોની તલસ્પર્શી છણાવટ થઈ છે. ‘અમિતભાઈના મિશન યુપી’ પ્રકરણમાં 2014ની લોકસભા ચૂંટણીમાં ઉત્તરપ્રદેશમાં 80માંથી 73 બેઠકો ભાજપે કબજે કરી તેની પાછળની રણનીતિ વિશે લેખકોએ નોંધે છે કે “યહ જીત ભાગ્ય કી નહીં, રણનીતિ કી થી, શાહ કે ‘માઈક્રોમેનેજમેન્ટ’ ઔર નરેન્દ્ર મોદી કી લોકપ્રિયતા કી થી. યુપી મે ગૈરયાદવ પિછડી જાતિયો કો ઇકઠ્ઠા કરના શાહ કા ‘માસ્ટર સ્ટોક’ થા. ઈસકે બાદ પાર્ટી કા સામાજિક ચહેરા બદલ ગયા. કોઈ ઐસી અતિપિછડી જાતિ નહીં થી જીસકા નેતા ભાજપ કે ટિકટ પર સાંસદ ન બના હો. યહ ઓબીસી કી રાજનીતિ મે ક્રાંતિ થી. રાજભર, સૈની, ગડેરિયા, ધોબી, નિષાદ જૈસી જાતિયો કો સંસદમે પ્રતિનિધિત્વ મીલા. યહ તબ હુઆ જબ 2012 કે ચુનાવ મે ભાજપા કે પાસ સહજ 15 પ્રતિશત વોટ કા જનાધાર થા”.

ઉપરોક્ત ફકરાનો એક જ નાનુ એવું સેમ્પલ કહી શકાય કારણ કે જે કોઠાસુઝ અને કાર્યકર્તાઓની શક્તિના આધારે ભાજપ અધ્યક્ષે કામ કરી બાતાવ્યું. તેની ચમત્કૃતિ આપણે હજુ હમણાં જ જોઈ ચુક્યા છીએ. આશા રાખીએ કે આ પુસ્તક માત્ર ભાજપના યુવા કાર્યકરો જ નહીં પરંતુ રાજનૈતિક સંશોધનકારો, વિદ્યાર્થીઓ અને સામાન્યતમ વાચકો માટે આ પુસ્તક અમિતભાઈ શાહ વિશે મહત્વપૂર્ણ જાણકારી વધારનારો સ્ત્રોત સાબિત થાય.

ડો. શિરીષ કાશીકર