ફિલ્મ: 102 નોટ આઉટ

ભાષા: હિંદી

જોનર: કોમેડી-ડ્રામા

નિર્દેશક: ઉમેશ શુક્લા

નિર્માતા : સોની પિક્ચર્સ, બેન્ચમાર્ક પિક્ચર્સ, એન્ટરટેઈનમેન્ટ ફિલ્મ્સ ઇન્ડિયા

લેખક : સૌમ્ય જોષી

કલાકારો: અમિતાભ બચ્ચન, રિશી કપૂર, જિમીત ત્રિવેદી

સંગીત: સલીમ-સુલેમાન, અમિતાભ બચ્ચન,રોહન-વિનાયક

રીલીઝ ડેટ: ૦4 મે , 2018

બજેટ:  10  કરોડ (આશરે) [ 7 કરોડ પ્રોડકશન ખર્ચ તથા 3 કરોડ પ્રિન્ટ-પબ્લિસિટી]  

કમાણી : 21.44 કરોડ (આશરે) (7  મે સુધી)

સ્ટાર : 3.5

સ્ટોરીલાઈન:

            ફિલ્મની સ્ટોરી સુપ્રસિદ્ધ ગુજરાતી નાટક પર આધારિત છે. જેમાં બે વૃદ્ધો(પિતા-પુત્ર)ના જીવનનું વર્ણન કરવામાં આવ્યું છે. મુંબઈમાં રહેતા 75 વર્ષના ગુજરાતી બાબુલાલ વખારિયા (રિશી કપૂર) થોડા શિસ્તબદ્ધ તથા ગંભીર છે અને તેના પિતા દત્તાત્રય વખારિયા (અમિતાભ બચ્ચન) જે 102 વર્ષના છે છતાં ખુબ જ આનંદમય તથા મોજીલા છે. પિતા-પુત્રની હાસ્યાસ્પ્રદ તકરાર દર્શકોને હસાવે છે તો ક્યારેક બંનેની ઇમોશનલ વાતો દર્શકોને રડાવે પણ છે ઉપરાંત ધીરુ (જિમીત ત્રિવેદી)નો કોમિક ટાઇમિંગ સ્ટોરીમાં હાસ્ય ઉમેરે છે. ઉમરને આનંદમય જિંદગી જીવવા સાથે કોઈ સંબંધ નથી તમે યુવાન હોવ કે વૃદ્ધ, જિંદગી મસ્તમોજી હોવી જોઈએ એ જ આ સ્ટોરીનો મર્મ છે.

નિર્દેશન અને અભિનય:

              ફિલ્મ ‘ઓહ માય ગોડ’ના નિર્દેશક ઉમેશ શુક્લાએ આ ફિલ્મનું નિર્દેશન કર્યુ છે. આ ફિલ્મમાં તેઓએ ખુબ પરિપક્વ રીતે નિર્દેશન કર્યુ છે કેમ કે બે દિગ્ગજ અભિનેતાને એક સાથે સ્ક્રીન પર લાવીને સ્ટોરીને સચોટ રીતે પડદા પર રજુ કરવી બહુ મોટી વાત છે અને ઉમેશ શુક્લાએ આ રજૂઆત ઉમદા રીતે કરી છે. નિર્દેશનમાં સ્ટોરીનો અભ્યાસ તથા ઝીણવટ દેખાય છે જે સ્ટોરીને કંટાળાજનક નહિ પરંતુ મજેદાર બનાવે છે.

              અભિનયની વાત કરીએ હિંદી ફિલ્મજગતના દિગ્ગજ અમિતાભ બચ્ચન ‘પિંક,’ તથા  ‘પીકુ’ જેવી ફિલ્મ બાદ આ ફિલ્મમાં પણ એક મજેદાર 102 વર્ષના વૃદ્ધની ભૂમિકામાં જોવા મળશે. અમિતાભ બચ્ચને દત્તાત્રય વખારિયાનું પાત્ર ખુબ જ સરસ રીતે નિભાવ્યુ છે અને તેનો સાથ અભિનેતા રિશી કપૂરે પણ બહુ જ સારી રીતે આપ્યો છે. અમિતાભ બચ્ચન અને રિશી કપૂરની જોડી દર્શકોને ખુબ પસંદ પડશે. સહકલાકારમાં ધીરુના પાત્રમાં ‘ગુજ્જુભાઈ’ ફેમ જિમીત ત્રિવેદી તેના અભિનયથી દર્શકોને ખુબ હસાવે છે. આ ફિલ્મમાં પાત્રો વધારે નથી તેથી ખોટા ડ્રામા વિના સ્ટોરી ખુબ જ સહજ રીતે દર્શકો સમક્ષ રજુ કરવામાં આવી છે.

સંગીત અને સંવાદો:

               ફિલ્મમાં સંગીત સલીમ-સુલેમાન, અમિતાભ બચ્ચન ( બદુમ્બા..), રોહન-વિનાયકે (વક્તને કિયા હસી સિતમ..) આપ્યું છે. ફિલ્મના આલ્બમમાં કુલ 6 ગીતો છે અને અરિજિત સિંહ, અરમાન મલિક તથા સોનું નિગમે સ્વર આપ્યો છે. અમિતાભ બચ્ચન તથા રિશી કપૂરે પણ ‘બદુમ્બા..’ ગીત માટે પોતાના સ્વર આપ્યા છે. ગીતો બધા મજેદાર તથા સ્ટોરીની પરિસ્થિતિને આધારિત ખુબ સુંદર શબ્દો દ્વારા રજુ કરવામાં આવ્યા છે. બેકગ્રાઉન્ડ સ્કોર જ્યોર્જ જોસેફે આપ્યો છે.

              ફિલ્મમાં સંવાદો સૌમ્ય જોષી તથા અમિતાભ બચ્ચને લખ્યા છે. સંવાદો ખુબ અસરકારક છે કેમકે સંવાદો ખુબ સહજ રીતે લખાયા છે તેમાં ના તો વધારે મસાલો છે ના તો વધારે ડ્રામા છે. જે વાત નિર્દેશકને દર્શકો સુધી પહોચાડવાની છે એ મજબુત સંવાદો થકી પહોચાડવામાં આવી છે.

ફિલ્મમાં હકારાત્મક મુદ્દાઓ:

  • અભિનય (અમિતાભ બચ્ચન, રિશી કપૂર અને જિમીત ત્રિવેદી)
  • સંવાદો
  • લેખન
  • સિનેમેટોગ્રાફી (લક્ષ્મણ ઉતેકર)

ફિલ્મમાં નકારત્મક મુદ્દાઓ:

  • એડીટીંગ (બોધાદીત્ય બેનર્જી)

સારાંશ:

           ફિલ્મની સ્ટોરી મેઈન સ્ટ્રીમ સિનેમા કરતાં અલગ છે ઉપરાંત અમિતાભ બચ્ચન અને રિશી કપૂરની જોડી વર્ષો પછી એકસાથે પડદા પર ચમકશે અને તેઓના પ્રસંશકોને આ ફિલ્મ ખુબ પસંદ પડશે. ફિલ્મના અંતમાં દર્શકો તાળીઓ અને સીટીઓ વગાડવા પર મજબુર થઇ જશે. આ ફિલ્મ સંપૂર્ણ પારિવારિક ફિલ્મ છે જેને નિહાળવા માટે ઉંમરની કોઈ સીમા નથી. જો વિકેન્ડમાં અમિતાભ બચ્ચનના પ્રસંશક હો તથા એક મનોરંજક-પ્રેરણાદાયક ફિલ્મ નિહાળવી હોય તો ‘102 નોટ આઉટ’ બેસ્ટ વિકલ્પ છે.

By Vrunda Buch

vrundabuch96@gmail.com