“જો સ્તનપાન પહેલા અસ્તિવમાં ન હતું તો જેણે તેની શોધ કરી છે, તે આજે મેડિસિન અને અર્થશાસ્ત્ર એમ બે-બે નોબલ પુરસ્કારનાં હકદાર છે.”   -કીથ હેન્સન

              સર્વે માતાઓ અને નવજાત શિશુઓને સમર્પિત…………….

          ચાંદની જૂનાગઢના મેડિકલ કોલેજની એક વિદ્યાર્થીની છે, જે કંઈક કરી બતાવવાની મહત્વાકાંક્ષાઓનાં સપનાઓથી છલકાતી પરી સમાન એક માસુમ છોકરી છે. પોતાના પરિવાર અને લોકોની સહાય કેમ કરવી! બસ એ વાતનો તો જાણે એને કીડો કરડેલો. ચાંદની જૂનાગઢની વતની છે. આહ! એક એવું શહેર જે ગિરનારના પગલે વસ્યું છે, જેનો અર્થ જ “જૂનો કિલ્લો” એમ થાય છે. 

              જુલાઈનાં શરૂઆતનો સમય ચાલી રહ્યો હતો. ચાંદનીએ અચાનક આવીને પોતાની બહેનપણીઓને પૂછ્યું,

             “એ છોકરીયું! તમને લોકોને ખબર છે આ વખતે ‘વર્લ્ડ બ્રેસ્ટફીડિંગ વીક 2018’ ની થીમ શું છે?”

 

           બધા ચાંદની સામે ઘૂરી-ઘૂરીને જોવા લાગ્યા જયારે અમુકે એકબીજા સામે જોઈને નેણ ઉલાળ્યા. રૂમમાં સંપૂર્ણપણે સન્નાટો છવાઈ રહ્યો, જયારે વિદિશાએ ચાંદનીને સવાલ કરતા પૂછ્યું,

              “તેને ખબર છે પેલાં?”

            ચાંદનીએ પ્રસન્નચિત્તે જવાબ આપતા કહ્યું,

         “હા! મેં હમણાં જ વાંચ્યું કે ‘વર્લ્ડ બ્રેસ્ટફીડિંગ વીક 2018’ ની થીમ “ફાઉન્ડેશન ઓફ લાઈફ” છે. જે અંતર્ગત વર્લ્ડ હેલ્થ ઑર્ગનિઝેશન  દ્વારા 1 થી 7 ઓગસ્ટ સુધી તેની ઉજવણી કરવામાં આવશે. પરંતુ આજ વખતે આપણાં પ્રોફેસર મૅડમ(અર્ચના મેમ) તેની ઉજવણી કંઈક અલગ રીતે કરવાની વાતો કરી રહ્યા હતા.”

            ચાંદનીએ પોતાની યાદશક્તિ પર હથોડો ફટકાર્યો અને ફરી બોલી

            “પરંતુ મને બરાબર યાદ નથી કે અર્ચના મેડમે શું વાત કરી હતી, કારણ કે ત્યારે મારું ધ્યાન આપણી પરીક્ષાઓનાં સવાલોનાનાં જવાબો શોધવામાં તલ્લીન હતું.” ત્યાં જ ભક્તિ અચાનક બોલી, 

             “જે કંઈ પણ હોય આપણે તો તેમાં મજૂરી જ કરવાની રહેશે, કોલેજ આપણને જવાબદારીઓનાં ભાર નીચે દબાવી દેશે.”

            ચાંદનીને સેવાચાકરીનાં ભારે લખણ અને એવામાં ભક્તિએ મજૂરીવાળી વાત કરી તો ચાંદનીનાં મગજનો મર્ક્યુરીનો પારો સળેળાટ 100 ડિગ્રીએ બિરાજમાન થયો. પછી ચાંદનીએ લાલપીળી થતાં ભક્તિને પોતાનું ભાષણ આપવાનું શરુ કર્યું કે,

             “તો કોલેજનાં પ્રોફેસરો કે WHO વાળા કાંઈ ગાંડા નથી થઇ ગયા કે એમ જ આવા સામાજ ઉત્થાનનાં કાર્યક્રમો રાખે. ભક્તિ તું અત્યારે સમાજ વચ્ચે નથી અને અહીં અમારી સાથે છો એટલે તને એવું લાગે છે. પરંતુ આજથી 5 વર્ષ પછી તારે પ્રતિદિન દર્દીઓ સાથે જ રહેવાનું થશે. તેમની સેવાચાકરી એ જ તારો ધર્મ હશે અને તેમની સારવાર અર્થેનાં પુસ્તકો એ જ તારો ગ્રંથ.”

        ધીમી-ધીમે એ મર્ક્યુરીનો પારો નીચે પહોંચ્યો અને ચાંદનીએ પોતાની વાતનું સ્પષ્ટીકરણ કરતા આગળ પોતાની તીખી ભાષાને સમજદારીની ભાષામાં બદલાવતા બોલી કે,

             “આ બધું આપણાં માટે જ તો છે. જેથી આખરે આપણાં જ અનુભવોમાં વૃદ્ધિ થશે અને લોકો સાથે હળવા-મળવાથી આપણે જ તેમની નજીક પહોંચવામાં સમર્થ થઇ શકીએ. સમજી?”        

               જુલાઈ મહિનાનાં અંતના દિવસોમાં………….

            હવે અર્ચના મૅડમની વાતો કોઈ વિસ્મયની વાત નહોતી. કારણ કે બ્રેસ્ટફીડિંગનો સપ્તાહ નજીક આવી ગયો હતો. પ્રોફેસરે તે દરમિયાન યાદ રાખવા જેવી વાતો વિદ્યાર્થીઓને ક્લાસ રૂમમાં સમજાવી રહ્યા હતા કે,

        “વિદ્યાર્થી મિત્રો! તમારા અભ્યાસનાં વિષય PSM (‘પ્રિવેંશન એન્ડ સોશિયલ મેડિસિન’; જો કે હવે આ વિષયનું નામ ‘કોમ્યુનિટી મેડિસિન’ છે.) તે અંતર્ગત તમારે WHO(વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન) દ્વારા આયોજિત બ્રેસ્ટ ફીડિંગ વીકમાં આપણી સિવિલ હોસ્પિટલનાં ગાયનેક વોર્ડમાં એન્ટી નાટલ કેર અંતર્ગત (સગર્ભા માતાઓ) અને પોસ્ટ નાટલ કેર અંતર્ગત (પ્રસુતિ પૂર્ણ થયેલી માતાઓ) આવતી માતાઓને બ્રેસ્ટફીડિંગને વિષયક માહિતીઓથી કાઉન્સેલિંગ દ્વારા  જાગૃત કરવાનાં છે.”      

             ફર્સ્ટ બેન્ચથી લઈને લાસ્ટ બૅન્ચરનાં વિદ્યાર્થીઓ ધ્યાન દઈને પ્રોફેસર મેડમને સાંભળી રહ્યા હતા. જ્યારે હરહંમેશ પરિસ્થિતિ એમ હોય છે કે, પાછળની બેન્ચનાં વિદ્યાર્થીઓ લેક્ચર દરમિયાન પોતાની અલગ જ દુનિયામાં હોય છે. જયારે અર્ચના મૅડમ પોતાનું વક્તવ્ય આપવા આગળ વધ્યા અને પોતાનું વક્તવ્ય આગળ વધાર્યું,

        ” હોસ્પિટલમાં એક માતાને બે વિધાર્થીઓ દ્વારા સ્તનપાનની માહિતીઓ પુરવાર પાડવામાં આવશે, જે માહિતીઓથી આજની મહિલાઓ વંચિત છે તે બધી  ખાસ કરીને આ સપ્તાહે બધી સ્તનપાન વિષયક સંપૂર્ણ માહિતીઓથી જાણકાર કરવામાં આવશે.” 

              અર્ચના મૅડમનાં ચાલું લેક્ચરમાં અચાનક ભક્તિએ પોતાનો હાથ ઉંચો કર્યો. અર્ચના મૅડમે ભક્તિને પૂછ્યું,

             “હા બેટા શું કહેવા માંગો છો તમે?” 

             ભક્તિએ ઉત્સાહિત થઈને પોતાનું જ્ઞાનપ્રદર્શન કરતા ઉમેર્યું કે,

          “મૅડમ! માતાને છ મહિના સુધી બાળકને સ્તનપાન કરાવવું ખુબ જ જરૂરી છે. સ્તનપાનથી બાળકનો સંપૂર્ણપણે વિકાસ થાય છે. જયારે માતાનું પહેલું ઘાટું દૂધ નવજાત શિશુ માટે ખુબ જ લાભદાયક હોય છે. આ દૂધમાં કેસીન(એક વિશિષ્ઠ પ્રકારનું પ્રોટીન) નું પ્રમાણ ભરપૂર માત્રામાં હોય છે. જે બાળકને ન્યૂટ્રિશનની પુરવાર પાડે કરે છે અને તે દૂધથી શિશુની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે જરૂરિયાત પૂરતા પ્રમાણમાં એન્ટિબાયોટિક્સ( શરીરમાં રોગોથી લડતું તત્વ) પણ શિશુને મળી રહે છે.”

           મૅડમે ભક્તિને શાબાશી આપીને કહ્યું,

          “ખુબ સરસ બેટા! એકદમ સાચું કહ્યું તમે.”

          અર્ચના મૅડમે સ્ટેજ પરનાં દ્રશ્યથી દેખાતા એક-એક વિધાર્થીઓનાં ચહેરાને નીરખીને જોયા અને પોતાનું લેક્ચર માઈક સાડીમાં ગોઠવતા બોલ્યા,

          “આ વીકમાં 10 વાગ્યાથી 12 વાગ્યા સુધી વિશ્વની નવજાત શિશુ ધરાવતી બધી માતાઓ એકીસાથે પોતાના શિશુને સ્તનપાન કરાવે છે. જેનાંથી શિશુને ઘણા ફાયદાઓ થાય છે. નહિ કે માત્ર શિશુને પરંતુ સમાજને પણ”

         આ સાંભળીને વિધાર્થીઓ પ્રોફેસર તરફ થોડાં નમ્યાં, જેની પ્રોફેસરે નોંધ લીધી કે વિધાર્થીઓ લેક્ચરમાં રસ લઇ રહ્યા છે. અર્ચના મૅડમે આ મુદ્દાને વિગતવાર સમજાવ્યો કારણ કે વિદ્યાર્થીઓનાં પ્રતિભાવથી જણાઈ રહ્યું હતું કે તેઓ સમજ્યાં નથી કે મૅડમ શું ક્હેવા માંગે છે. જેનાં કારણે અર્ચના મૅડમે પોતાનાં વાક્યને વિગતવાર સમજાવતાં કહ્યું કે,

         “વિદ્યાર્થી મિત્રો! સ્તનપાન શિશુને સર્વાઇવ થવામાં, વિકસિત થવામાં અને ગ્રો થવામાં જ મદદ નથી કરતું, પરંતુ સાથોસાથ સ્તનપાન બાળકને પોષણ આપતું સૌથી સસ્તું માધ્યમ છે. જેનાં કારણે બાળક પાછળ માતા-પિતા દ્વારા ખર્ચ કરવામાં આવતી રકમની બચત પણ થાય છે. જેથી સ્તનપાન અર્થતંત્ર માટે પણ ફાયદાકારક છે.”

          વિદ્યાર્થીને હવે સમજાણું કે મૅડમ શું કહેવા માંગે છે. કારણે કે તેમને એવું લાગતું હતું કે વળી સ્તનપાન અને અર્થતંત્ર વચ્ચે કેવો સબંધ? લાસ્ટ બેંચર્સનો અવાજ થોડો વધવા લાગ્યો. જેથી પ્રોફેસરને સમજાઈ ગયું કે વિધાર્થીઓ માટે આજનું ભાષણ અત્યારે જ પૂર્ણ કરવું પડશે. જેથી તેમણે વધુ વિગત આવતા લેક્ચરમાં આપવાનું કહી રજા લીધી.

            ચાંદની હજુ પણ સ્તનપાનથી થતાં વૈશ્વિક ફાયદાઓને ધ્યાનમાં રાખીને પોતાનાં ગહન વિચારોમાં ખોવાયેલી હતી. ચાંદની વિચારી રહી હતી કે, હજુ પણ 800 મિલ્યન લોકો કાળજીપૂર્વક ખોરાક લેવાથી અસુરક્ષિત છે (chronically food insecure) અને કુપોષણનો શિકાર(malnourished) થયેલા છે. જેથી વૈશ્વિક સ્વાસ્થ્યને સુધારવા સૌને બ્રેસ્ટફીડિંગ વીકને પ્રોટેક્ટ, પ્રમોટ અને સપોર્ટ કરવું જોઈએ. એવામાં લૅક્ચર પુરા થવાનો બેલ વાગ્યો અને ચાંદની વાસ્તવિક દુનિયામાં આવી ગઈ અને ફરી સેવાચાકરી કરવા તૈયાર થઇ ગઈ, પરંતુ આજ વખતે દર્દીઓની નહિ પરંતુ “માતાઓની”.           

નોંધ:- સર્વે પાત્ર કાલ્પનિક હોય અને અમુક માહિતીઓ ઇન્ટરનેટ માધ્યમથી લેવામાં આવેલ હોય તેની વાંચકવર્ગે ખાસ નોંધ લેવી.

By Samir Parmar

[email protected]