“આકાશ, આ વખતે તો હું તને માફ કરું છું પણ  હવે મને તું વચન આપ, કે ભવિષ્યમાં ક્યારેય પણ સાચી હકીકત જાણ્યા વિના તું આવી રીતે મારી પર શંકા નહીં કરે, કારણ કે ઉદ્દભવેલી આ શંકા આપણા વિશ્વાસ અને પ્રેમની  હાર હશે, અને સબંધનું આ ખોખલાપણું પછી મારાથી સહન નહીં થાય” આશ્કાએ તે દિવસે ઘણી વિનમ્રતાથી પોતાના પર લગાવવામાં આવેલું શંકાનું લાંચન સાચી હકીકત જણાવી દૂર કર્યું હતું અને આકાશ સાથે તૂટી રહેલા સબંધના તાંતણાને જાણે સચ્ચાઈથી ફરીથી મજબૂત કરી દીધા હતા.

“મને માફ કરી દે આશ્કા, મેં તને આપેલું વચન તોડી નાખ્યું અને ફરીથી તારા પર શંકાના વાદળોનો ઘેરાવો કરી મેં મારા ગુસ્સાનો તીખો વરસાદ કર્યો, મને માફ કરી દે, હું ફરીથી તને સમજવામાં થાપ ખાઈ ગયો, મને પાછળથી ખબર પડી કે મેસેજીસમાં તારા ઓફિસ કલીગ અનંત સાથેની તારી પ્રેમાળપૂર્વક થયેલી વાતો તે તો ફક્ત અનંતની પ્રેમિકાના મનમાં ઈર્ષ્યા પેદા કરવા માટે હતી જેથી તેમનો ઝઘડો સુલજી જાય, મને માફ કરી દે કે હું તારી પાસેથી સાચી હકીકત જાણવાની જગ્યાએ મેં તારા મમ્મી પાપાને આ વાત કરી દીધી અને બધાની સામે બેવફાઈ નો ધબ્બો તારી પર લગાવ્યો”

ભીની આંખોએ અને ધ્રુજી રહેલા બે હાથ જોડી આકાશ આ વાત  તેની નજર સામે પંખા પર લટકી રહેલી આશ્કાની નિર્દોષ લાશ ને કહી રહ્યો હતો જાણે એને થઇ રહ્યું હતું કે કાશ.. હમણાં આશ્કા બોલી ઉઠશે કે,

“આકાશ, હું આ વખતે છેલ્લી વાર તને માફ કરું છું”

પ્રેમના સબંધો એકમેક પરના વિશ્વાસ અને પ્રામાણિકતાના તાંતણાથી બંધાયેલા હોય છે અને શંકા એ એક એવી કાતર છે જે એ નાજુક તાંતણા તોડતા જરાય વાર નહીં કરે.તો કોઈ દિવસ સાચી હકીકત જાણ્યા વિના એ શંકાની કાતર ના ચલાવશો.

ધન્યવાદ.

By Hardik Gajjar

[email protected]