ક્રિકેટ વર્લ્ડમાં હાલ ટેસ્ટ ચેમ્પિયનશિપનો માહોલ જામ્યો છે. ઈંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયા વચ્ચેની એશિઝ સીરિઝમાં ટેસ્ટ મેચનો રોમાંચ પણ જોવા મળ્યો. ટેસ્ટ ચેમ્પિયનશિપમાં હાલ ભારત, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, વિન્ડીઝ, બાંગ્લાદેશ, શ્રીલંકા, ન્યૂઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાન જેવા દેશો ભાગ લઈ રહ્યાં છે. ટેસ્ટ ફોર્મેટની વાત કરી કે ક્રિકેટના અન્ય ફોર્મેટની શ્રીલંકા અને વિન્ડીઝની ટીમો તેમના દિગ્ગજોની નિવૃત્તિ બાદથી સંઘર્ષ કરતી જોવા મળી રહી છે. જયવર્ધને, સંગાકારા, દિલશાન, હેરાથ જેવા દિગ્ગજોની નિવૃત્તિ બાદ શ્રીલંકન ટીમ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ઘણીવાર સંઘર્ષ કરતા જોવા મળી. જોકે ટીમે ટેસ્ટ ફોર્મેટમાં અમુક અંશે સારો દેખાવ કર્યો છે, પરંતુ કન્સિસ્ટન્સી જાળવી શકતી નથી. જેમકે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ જીત્યા બાદ શ્રીલંકન ટીમ બીજી ટેસ્ટ ઈનિંગ્સ અને 65 રનથી હારી હતી. શ્રીલંકન ટીમ પાસે અકિલા ધનંજય અને અવિષ્કા ફર્નાન્ડો જેવા નવા ખેલાડીઓ છે, જેમણે અમુક જ મેચોમાં પોતાના પ્રદર્શનથી સૌને પ્રભાવિત કર્યા છે. આવા ખેલાડીઓને વધુમાં વધુ તક આપવી જોઈએ. જ્યારે વિન્ડીઝ ટીમના ખેલાડીઓને માત્ર ટી-20 ફોર્મેટમાં જ આપવા સક્ષમ મનાય છે.
શ્રીલંકા અને વિન્ડીઝની ટીમની આ સ્થિતિ માટે ત્યાંનું ક્રિકેટ બોર્ડ જવાબદાર છે. જેણે નેશનલ ટીમમાં સ્થાન મેળવી શકે તેવા ખેલાડીઓને તૈયાર ન કર્યા. ‘બેન્ચ’ પર બેસનારા ખેલાડીઓ હંમેશા ટીમના દિગ્ગજ અને સ્ટાર ખેલાડીઓનું સ્થાન લેવા માટે તકની રાહ જોતા હોય છે. જ્યારે તેમને તક મળે ત્યારે તેઓ પોતાના ટેલેન્ટના દમ પર ટીમમાં કાયમી સ્થાન મેળવી લેતા હોય છે. જેમકે, ચેતેશ્વર પૂજારાને ભારતીય ટીમમાં લક્ષ્મણ અને દ્રવિડ જેવા દિગ્ગજોના કારણે ઘણું મોડું સ્થાન મળ્યું, પરંતુ તક મળતા જ પૂજારાએ ટેસ્ટ ટીમમાં પોતાનું સ્થાન કાયમી કરી લીધું. વર્લ્ડ કપ બાદ વિન્ડીઝ પ્રવાસ દરમિયાન સિલેક્ટર્સે ભારતીય ટીમમાં ઘણા નવા ચેહરાઓને સ્થાન આપ્યું, જેનું કારણ આગામી ટી-20 વર્લ્ડ કપ માટે તૈયારીઓ કરવાનું છે. રવિ શાસ્ત્રીએ પણ કોચ પદ માટેના ઈન્ટરવ્યૂ દરમિયાન નવા ઝડપી બોલર્સ તૈયાર કરવા અને યુવાઓને વધુ તક આપવાની વાત કરી હતી. જોકે શ્રીલંકા અને વિન્ડીઝ ટીમમાં યોગ્ય ટેલેન્ટને તક ના આપવામાં આવતી હોવાનું કારણ ચર્ચામાં રહ્યું છે. વિન્ડીઝના ખેલાડીઓ વિવિધ ટી-20 લીગમાં ધૂમ મચાવી રહ્યાં છે, જ્યારે આ ખેલાડીઓને નેશનલ ટીમમાં સ્થાન આપવામાં આવતું નથી. વિન્ડીઝે પોલાર્ડ, નારાયણ, સેમ્મી, ડીજે બ્રાવો સહિતના સારા ક્રિકેટરોને વેતન વિવાદના કારણે ગુમાવ્યા હતા. સેમ્મીને તો ટી-20 ચેમ્પિયન બનાવ્યા બાદ કેપ્ટન પદેથી હટાવી દેવામાં આવ્યો. છેલ્લા અમુક સમયમાં વિન્ડીઝ ટીમમાં પોલાર્ડ અને નારાયણને ટી-20 ટીમમાં તક આપવામાં આવી રહી છે. હાલ વિન્ડીઝ ટીમ પાસે હેટમાયર, શાઈ હોપ, એવિન લુઈસ જેવા યુવા ખેલાડીઓ છે, જેમને વધુ તક મળતી રહેવી જોઈએ. આ ઉપરાંત અન્ય વધુ યુવા ખેલાડીઓની ‘બેન્ચ’ તૈયાર કરવી જોઈએ. ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા બોર્ડે પણ આ મામલે એલર્ટ રહી ‘બેન્ચ’ લાંબી કરવાની જરૂર છે, આફ્રિકા તરફથી તાજેતરમાં ડેલ સ્ટેને (ટેસ્ટ) અને હાશિમ આમલાએ (તમામ ફોર્મેટ)માંથી નિવૃત્તિ લીધી હતી.

સિક્સ: ભારતીય ખેલાડીઓની એટલી ‘બેન્ચ’ તૈયાર છે કે ટેસ્ટ ચેમ્પિયનશિપ તમામ નવ ટીમ આપણી મોકલવા સક્ષમ છીએ.

– અલી અસગર દેવજાણી
https://twitter.com/DevjaniAli