૨૩મી મેનો દિવસ દેશની મહત્ત્વપૂર્ણ રાજકીય શક્તિ યાને કે ભારતીય જનતા પાર્ટી માટે સોનાનો સૂરજ લઈને ઊગ્યો. એક્ઝીટ પોલ્સની આસપાસના અને તથાકથિત બદમાશ બૌદ્ધિકોની ધારણાથી તદ્દન વિપરીત એવા પરિણામો આવ્યાં. ભારતીય જનતા પાર્ટીએ એકલા હાથે ૩૦૦ ઉપર અને સાથી પક્ષો સાથે મળીને ૩૫૧નો ચાંદલો નોંધાવી દીધો. યુપીએ અને અન્ય પ્રાદેશિક પક્ષો માટે આ ૨૦૧૪માં આવેલા ધરતીકંપ પછીનો મોટો આફ્ટર શોક હતો. ખેર, જો ‘હુઆ સો હુઆ’, હોની કો કોન ટાલ સકતા હૈ, પરંતુ તથાકથિત બૌદ્ધિકો ચાની કીટલીઓ અને પાનના ગલ્લે માથુ ખંજવાળતા એ જ વિચારી રહ્યા છે કે આ ‘ચમત્કાર’ થયો કઈ રીતે ? આવો, સમજીએ તેની પાછળનાં કેટલાંક મહત્ત્વપૂર્ણ કારણો…

 

નરેન્દ્રભાઈની પ્રચંડ લોકપ્રિયતા : વર્ષ ૨૦૧૪માં જ્યારે ભારતની જનતાએ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને દેશનું સુકાન સોંપ્યું ત્યારે એ દેશની જનતા માટે એક પ્રયોગાત્મક રાજકીય વિકલ્પ હતા, પરંતુ પાંચ વર્ષના શાસનમાં તેમની સરકારે કરેલાં જનકલ્યાણનાં કાર્યો અને ભ્રષ્ટાચાર વિહિન શાસને લોકોમાં તેમના પ્રતિના વિશ્વાસને દૃઢ બનાવ્યો. તેમની સતત પ્રવૃત્તિશીલ અને કામઢા પ્રધાન સેવક તરીકેની છબીએ સોનામાં સુગંધ ભેળવી. એક સામાન્ય કુટુંબમાંથી આવતો વ્યક્તિ સંઘર્ષ કરીને આ પદ પર પહોંચ્યો છે તે બાબત આ દેશના કરોડો, સંઘર્ષરત નાગરિકો માટે ટોનિક સમાન બની, પરિણામે જનતા અને નરેન્દ્રભાઈ વચ્ચે રચાયેલી અદ્ભુત ‘કેમેસ્ટ્રી’ મતોમાં પરિવર્તિત થઈ.

ભાજપ સંગઠનની શક્તિ : આ પાંચ વર્ષ નરેન્દ્રભાઈનો સતત પડછાયો બનીને રહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહે સંગઠનનો મોર્ચો અત્યંત કુશળતાથી સંભાળ્યો. પાંચ વર્ષમાં ૧૯ રાજ્યોમાં (ક્યાંક પૂર્ણ તો ક્યાંક સહયોગથી) ભાજપનું શાસન સ્થાપિત કર્યું. શિસ્તબદ્ધ સૈનિકોની પાર્ટી ગણાતી ભાજપના ગ્રાસરુટ કાર્યકરોને જોડ્યા. સંગઠનાત્મક મજબૂતી આપી અને પેજપ્રમુખ જેવા પ્રયોગોથી મતદાનની ટકાવારી વધારી, સરકારની યોજનાઓ કાર્યકરોના માધ્યમથી ઘરે-ઘરે પહોંચાડી. દરેક રાજ્યોમાં સમયસર સંગઠનાત્મક માળખાંઓ રચાયાં અને પડ ધમધમતું રહે, કાર્યકરો ઉત્સાહમાં રહે તેની તકેદારી લેવાઈ, જેનું પરિણામ સામે છે.

 

ભાજપ / એનડીએ સરકારની કામગીરી : આ પાંચ વર્ષમાં એનડીએ સરકારે ચૂંટણી સંકલ્પપત્રમાં અપાયેલા વચનો પૂરાં કરવા પર ભાર આપ્યો. નોટબંધી અને જીએસટીના અમલીકરણની નકારાત્મકતાને કુશળતાપૂર્વક સંભાળી. સરકારના એક પણ મંત્રી સામે વિરોધપક્ષો ભ્રષ્ટાચારનો આક્ષેપ ન કરી શક્યા એ સહુથી મોટું જમા પાસું રહ્યું. મોંઘવારી અને ફુગાવાના દરને નિયંત્રિત કરવામાં સરકાર મહ્દઅંશે સફળ રહી. જનકલ્યાણની આમ આદમીને સ્પર્શે તેવી યોજનાઓનું સમયસર અમલીકરણ થાય તેની તકેદારી લેવાઈ. ખુદ નરેન્દ્રભાઈએ કેટલીક યોજનાઓના પ્રચારની જવાબદારી સંભાળી.

ભારતની વૈશ્ર્વિક શાખ : આ પાંચ વર્ષમાં નરેન્દ્રભાઈ અને વિદેશમંત્રી શ્રીમતી સુષ્મા સ્વરાજે વિદેશ પ્રવાસો કરીને દક્ષિણ એશિયાના દેશોમાં અને વૈશ્ર્વિક રાજકારણમાં પ્રભાવ ધરાવતા દેશોમાં ભારતનો પ્રભાવ વધાર્યો. ડોનાલ્ડ ટ્રમ્પ, નેતન્યાહુ, શિન્ઝો આબે જેવા રાષ્ટ્રપ્રમુખો સાથેની દોસ્તી ભારત માટે બેહદ મદદગાર સાબિત થઈ. ખાસ કરીને યુનોમાં ચીનની વિટો વાપરવાની આડોડાઈ પણ ન ચાલી. મિસાઈલ સહિતની વોરફેર ટેક્નોલોજીના વિશ્વાસથી પાડોશી દેશોમાં આપણો દબદબો વધ્યો.

રાજનૈતિક વ્યૂહરચનાઓ : સંગઠન અને સરકારની દૃષ્ટિએ જ્યાં જ્યાં જરુરી જણાય ત્યાં તમામ પ્રકારનાં રાજનૈતિક હથિયારો અજમાવીને મોદી-શાહની જોડીએ ભાજપને મજબૂત બનાવ્યો. કોંગ્રેસ માત્ર તેના નેતૃત્વની નબળાઈઓ જ નહીં પણ ભાજપની રાજનૈતિક ચાલથી પણ નબળી પડી. કોંગ્રેસના જૂના કદાવર, વિશ્વાસુ નેતાઓને ભાજપમાં લાવી તેમના અનુભવના જોરે અનેક રાજ્યો સર કર્યાં. ગુજરાતનું ઉદાહરણ લઈએ તો કુંવરજી બાવળિયા અને જવાહર ચાવડા જેવા જૂના કોંગ્રેસીઓને લાવીને કોંગ્રેસની કમર તોડી નાખી. આવું અન્ય રાજ્યોમાં પણ થયું.

સૌથી મહત્વપૂર્ણ વાત એ થઈ કે ચૂંટણીનો રાજકીય એજન્ડા ભાજપના વ્યૂહરચનાકારોએ સેટ કર્યો. પુલવામાની દુર્ભાગ્યપૂર્ણ ઘટના પછી થયેલી એર સ્ટ્રાઈક પર વિરોધ પક્ષોએ ઉઠાવેલા પ્રશ્ર્નોના તીરને તેમની તરફ જ વાળી દઈને રાષ્ટ્રવાદની પ્રચંડ લહેર ઊભી કરી દીધી જે એક વ્યૂહાત્મક જીત હતી.

કોંગ્રેસની નબળાઈઓનો ભરપૂર લાભ : આ દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસની છેલ્લા કેટલાક દાયકાઓમાં થયેલી રાજનૈતિક પડતીનો સૌથી વધુ ફાયદો મોદી-શાહની જોડીએ લીધો છે. રાહુલ ગાંધીના નબળા નેતૃત્વના કારણે અનેક રાજ્યો ગુમાવી ચૂકેલા કોંગ્રેસના હતાશ કાર્યકરો અને નેતાઓ પક્ષ છોડીને જવા મજબૂર થયા. ચૂંટણી ટાણે જ્યારે એક-એક કાર્યકરનું મહત્ત્વ હોય છે. ત્યાં કોંગ્રેસને પ્રચાર માટે કાર્યકરો ન મળે તેવી સ્થિતિ સર્જાઈ. અતિ મહત્ત્વાકાંક્ષી કોંગ્રેસી નેતાઓએ કરેલા કથિત ભ્રષ્ટાચારોની પોલ ખૂલવાથી લોકમાનસમાં તેમનું સ્થાન નીચે ઉતર્યું. જેનો મનોવૈજ્ઞાનિક લાભ ભાજપને મળ્યો.

મહાગઠબંધનની ઘોર નિષ્ફળતા : આ દેશમાં અત્યંત લોકપ્રિયતા ધરાવતા પ્રધાનમંત્રીને હરાવવા માટે જે પ્રકારની રણનીતિ અપનાવવી જોઈએ એ નીતિ ઘડવામાં તથાકથિત મહાગઠબંધનને નિષ્ફળતા મળી. એક વર્ષ પહેલાં કર્ણાટક વિધાનસભાની ચૂંટણી બાદ તેમને મળેલી એક સુવર્ણ તક તેમણે પોતપોતાની રાજકીય અને પ્રાદેશિક મહત્ત્વાકાંક્ષાઓમાં ગુમાવી દીધી. નરેન્દ્રભાઈની પ્રતિભા અને પ્રતિમાને પડકારી શકે તેવો વૈકલ્પિક ચહેરો. જનતા સામે તેઓ ન લાવી શક્યા. અધૂરામાં પૂરું આ તમામ પક્ષો ક્યારેય નેતૃતવના મુદ્દે એક ન થવાથી મહાગઠબંધનની પોકળતાને જનતાએ બરાબર સમજી લીધી.

પોલિટિકલ કમ્યુનિકેશન : આજે સોશિયલ મીડિયાના જમાનામાં થોડી સેકન્ડોમાં જે વાત કહેવાઈ જાય તેની પણ મોટી અસર થતી હોય છે. સોશિયલ મીડિયા, પરંપરાગત માધ્યમોનો ભરપૂર અને અસરકારક ઉપયોગ એ ભાજપનું જમા પાસું રહ્યું. મતદાનના છેલ્લા તબક્કાના આગલા દિવસે નરેન્દ્રભાઈની કેદારનાથ યાત્રાની તસવીરો અને વીડિયોનું ઉદાહરણ સમજદારો માટે એક ઇશારાની જેમ કાફી હૈ.

પ્રખર રાષ્ટ્રવાદ : આ દેશના દરેક નાગરિકના હૃદયમાં રાષ્ટ્રવાદ વસેલો છે. આ દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષાના મુદ્દે સરકારનું ‘નો કોમ્પ્રોમાઇઝ’ વલણ લોકોને સ્પર્શી ગયું. આતંકી ઘટનાઓની આંદોલિત થયેલા જનમાનસને ઘરમાં ઘૂસીને મારવાની પ્રતિક્રિયાથી શાંતિ મળી. રાષ્ટ્રવાદની આ ચરમસીમાની રાજનૈતિક અસર સમગ્ર ચૂંટણી પર રહી અને ભાજપે લાભાન્વિત થઈ પુન: સત્તા પ્રાપ્ત કરી.

(સાધના સાપ્તાહિકમાંથી સાભાર)

-શિરીષ કાશીકર