વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડીજીટલ ઇન્ડિયાના સપનાને સાકાર કરવા માટે એક ખૂબ જ મહત્વનું કદમ  અમદાવાદની ચાંદલોડિયા સરકારી પ્રાથમિક શાળાએ ઉઠાવ્યું છે. દેશની સૌ પ્રથમ સરકારી ‘ગૂગલ સ્કુલ’ બનવાનું અત્યંત પાયાનું કામ કર્યું છે. ડીજીટલ દુનિયા જ હવે ભવિષ્ય છે એ એકદમ નિશ્ચિત બાબત છે. એવા સમયે જો દેશની અનેક ખાનગી શાળાઓ વિદ્યાર્થીઓને ડીજીટલ દુનિયાનું પાયાનું જ્ઞાન પૂરું પાડી રહી હોય તો તેવા સમયે સરકારી સ્કૂલો પાસેથી પણ એવી જ અપેક્ષા હોય છે. આ પરિસ્થિતિમાં સરકારી શીથીલ તંત્રની એક જૂની છબી તોડી અને અમદાવાદની ચાંદલોડિયા સરકારી શાળામાં ગૂગલ ફિચર ક્લાસરૂમ શરુ કરવામાં આવ્યો છે.

આ વર્ગમાં ૩૦ લેપટોપ, ૧ ટચ સ્ક્રીન પ્રોજેક્ટર, વાઈફાઈ, ઈયરફોન, વેબ કેમેરા વગેરે જેવી દરેક પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ છે. શાળાનું પોતાનું cpschool.org નામનું ડોમેઈન છે અને દરેક વિદ્યાર્થીઓનું આ ડોમેઈન પર જ ઇમેલ અકાઉન્ટ બનાવવામાં આવ્યું છે. ધોરણ ૬ થી ૮ના વિદ્યાર્થીઓ ઓનલાઈન જ પરીક્ષા આપે છે. પ્રોજેક્ટ વર્ક અને હોમવર્ક જેવા રોજીંદા કામ પણ હવેથી શિક્ષકો ઓનલાઈન જ આપે છે. અહીં Google Classroom, Gmail, Drive, Docs, Forms, Sheets, Slides, Hangouts જેવી એપ્લીકેશનસનો વિદ્યાર્થીઓ નિયમિત ઉપયોગ કરે છે.

            સરકારી શિક્ષણ હંમેશા ઉતરતી કક્ષાનું જ હોય છે તેવી સર્વસામાન્ય માન્યતાને તોડતું આ પગલું નિશ્ચિત રીતે ખૂબ જ સરાહનીય છે. હવે આવનારો સમય જ બતાવશે કે આ ફક્ત એક સરકારી કસરત ન રહેતા ખરેખર નવા ભારતના નિર્માણનું પાયાનું પગલું બની રહેશે કે કેમ?

સ્ત્રોત : નિયામક શ્રી, માહિતીખાતું, ગાંધીનગર, ગુજરાત