કલ કલ કરતાં ઝરણાનો તાલબધ્ધ ધ્વની કાને પડ્યો. મોસમનું તાજું જન્મેલું ઝરણું પ્રકૃતિની ગોદમાં ખિલખિલાટ હસતું જણાતું હતું. પંખીઓનો કલરવ તેમાં સૂર આપતા હોય તેમ ટાપસી પૂરતા હતાં. મૂક સાક્ષી બનેલા અડીખમ ડુંગરો વર્ષોના ઈતિહાસને વાગોળવા પ્રેરતા હોય તેમ ભાસતા હતા.

કુદરતને પણ કુદરત મટીને શિલ્પી થવાનું મન થયું હશે , કદાચ ત્યારે જ  પત્થરોમાં કંડારાયેલા નગરનો ઉદ્દભવ થયો હશે. દરેક શીલા પોતાના ભવ્ય ભૂતકાળને સંગ્રહિત કરીને બેઠી  હોય તેવું દ્રશ્યમાન થાય છે. જ્યાં કુદરતે પોતાની પીંછીથી રંગોના કામણ પાથર્યા છે. જેની ચારચાંદની બારેમાસ વહેતી જોવા મળે છે. નૈસર્ગિક સૌંદર્ય , ખળખળ  વહેતા ઝરણા , અડીખમ ઉભેલા  ખડકો, લીલીછમ વનરાજી , કે પછી મગરામાં સંતાકૂકડી રમતા સૂરજને જોવાનો આનંદ કંઇક અલગ જ છે.

આ પ્રકૃતિ એ કવિ ઉમાશંકર જોશીની કલમને પણ લખવા મજબુર કરી હતી  કે,

ભોમિયા વિના મારે ભમવાતા ડુંગરા

જંગલની કુંજ કુંજ જોવી હતી

જોવીતી કંદરાને જોવીતી કોતરો

રોતા ઝરણાની આંખ લોહ્વી હતી

કવિની આ પંક્તિઓ પ્રકૃતિ પ્રેમીને પ્રકૃતિના આ વિશાળ સાગમાં મરજીવા બનીને ડૂબકી મારવા પ્રેરતી જણાય છે.

અરવલ્લીની  ગિરિકંદરામાં વસેલું અને તેના હ્રદય સમું નગર એટલે કે ” ઈલ્વભૂમિ”. આ ભૂમિના ઈતિહાસ વિષે કેહવાય છે કે આ સંસ્થાન માં ઈલ્વન અને વાતાપી નામના બે અસુરોનો ત્રાસ હતો . અગત્સ્ય ઋષિ એ તેમને શ્રાપ આપીને નાશ કર્યો હતો. ત્યારબાદ રજવાડું આવતા  ખડકો પર દુર્ગના સ્થાપત્યો  બંધાયા જેથી આ પ્રદેશ “ઈલ્વદુર્ગ” નામે જાણીતો થયો. જે  સમય ના વહેણમાં તણાતા તણાતા કાળક્રમે અપભ્રંશ થઇને “ઇડર” તરીકે જાણીતું થયું.

ઈ:સ ૨૭૪૨ વર્ષ પૂર્વે મહાભારતકાળ માં હસ્તિનાપુરમાં યુધિષ્ઠિર રાજ હતું ત્યારે ઈલ્વ્દુર્ગની ગાદીએ વેણીવચ્છરાજ રાજા રાજ  કરતો હતો જેનો ઉલ્લેખ ભવિષ્યોતાર પુરણના શ્વલોકમાં  છે. દંતકથા પ્રમાણે વેણીવચ્છરાજની માતા શ્રીનગર રાજ્યના રાણી હતા. તેઓ જ્યારે ગર્ભવતી હતા ત્યારે ગરજ નામનો પક્ષીરાજ તેમને ઇડરના ડુંગરમાં લાવ્યો હતો. ત્યાંજ વેણીવચ્છરાજ નો જન્મ થયો અને તેણે ઇડર રાજ્યની સ્થાપના કરી . વેણીવચ્છરાજે નાગ કન્યા સાથે લગ્ન કરીને પાતાળ લોકમાં સમાધિ લીધાની લોકવાયકા છે. આજે પણ ઇડર ગઢની તળેટી પર વેણીવચ્છરાજ કુંડ આવેલો છે.

આ પ્રદેશ પર રાજપૂત , ભીલ, સિસોદિયા , રાઠોડ , રાવ, પરમાર, પઢીયાર, સોઢ, બ્રહ્મામણ વગેરે રાજાઓએ રાજ કર્યું છે. રાજ્યની સીમા પૂર્વમાં રાજસ્થાનના મેવાડ અને ડુંગરપુર . ગુજરાતમાં લુણાવાડા સુધી પંચમહાલના મહીસાગર નદીને સંકળાયેલી હતી. પૂર્વમાં ડુંગરપુર. મારવાડને કારણે આ પ્રદેશને મુંબઈ ઇલાકાના મહીકાંઠાનું રાજ્ય “નાનહી મારવાડ ” તરીકે ઓળખાતું હતું. પશ્ચિમ માં દાતા અને રાજસ્થાનના શિરોહી સુધી. દક્ષિણમાં ખેડા કપડવંજ અને કર્ણાવતી જયારે ઉત્તરમાં ઉદયપુર સુધી વિસ્તરાયેલી હતી. જેના પરથી કહી શકાય કે  આ રાજ્ય એક સશક્ત અને સમૃદ્ધ  રાજ્ય હતું. ગુજરાતના ઇશાન ખૂણામાં આવેલા ઇડરનું ભૌગોલિક દ્રષ્ટીએ સ્થાન પૂર્વ-પશ્ચિમ ૭૨-૭૪ રેખાંશ અને ઉત્તર-દક્ષિણ ૨૩-૨૫ અક્ષાંશ છે. આ નગરે પોતાનો ભવ્ય ઈતિહાસ અને સાંસ્કૃતિક વારસો આજ દિન સુધી સાચવીને રાખ્યો હોય તેમ તેના સ્થાપ્ત્યો પરથી જણાય છે. પ્રાચીન મંદિરો , ખંડેરો , શિલ્પ સ્થાપત્યોની મૂર્તિઓ , સુશોભિત વાવો તથા કુંડ અને તળાવો નગરની સુંદરતામાં વધારો કરે છે.

સ્થાપત્યોની વાત કરીએ તો રણમલ ચોકી કે જેનો ગુજરાતના પ્રસિદ્ધ છંદગ્રંથ ” રણમલછંદ” માં પણ ઉલ્લેખ કરાયો છે. જે રાવ રણમલ દ્વારા બાંધવામાં આવી હતી. મહારાજા જવાનસિંહ દ્વારા બંધાવેલ જવાનવિલાસ પેલેસ , ઈ:સ ૧૯૧૭ થી ૧૮ માં રાજા દોલતસિંહએ બંધાવેલ દોલતવિલાસ પેલેસ , ઇડર ગઢ પરનો કિલ્લો , રાજા રાવ ભાણની રાણીએ ઈ:સ ૧૫૪૫ માં બનાવેલું રાણી તળાવ  જ્યાં હાલના સમયમાં જૈન ધર્મનું જલ મંદિર સ્થાપિત કરાયું છે. આ નગરને શિવત્ત્વ પ્રાપ્ત થયું છે તેમ કેહવામાં કોઈ શંકાનો દાયરો નથી. ખડકોની ગુફામાં ઓછામાં ઓછા ૨૫ જેટલા  શિવ મંદિરો આવેલા છે. જે શિવ ભક્તો માટે શ્રદ્ધાનું એક પવિત્ર સ્થાનક બની રહ્યા છે. ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ્ રાજચંદ્રજીને આત્મસાર થયો તે “પૃઢવીશિલા” જ્યાં સકારાત્મક ઉર્જાનો વિસ્તૃત ખજાનો અવિરત વહેતો રહે છે.

વિશ્વફલક પર નામના પ્રાપ્ત અદ્દભુત કાષ્ઠકલાના ઉદાહરણ સમા ઉત્તમ કોતરણી યુક્ત કાષ્ઠમાંથી બનાવેલા શિલ્પો અને રમકડાનું ખરાદી બજાર. આધુનિક સ્થાપત્યોમાં ૪ એકર ડુંગરાળ વિસ્તાર માં પથરાયેલ “શીલા ઉદ્યાન” પ્રવાસીઓના આકર્ષણ અને ફિલ્મ ઉદ્યોગના શુટીંગ માટેનું  મુખ્ય કેન્દ્ર છે.

આ ધરાના વાવેલાં બીજ આજે વટવૃક્ષ બનીને આકાશને આંબ્યા છે. વિશ્વશાંતિના કવિ અને ગુજરાતી કવિતાના શેષનાગ એવા વાસુકી , કાળની થપાટો ખાઈને પણ કાઠા કાળજે દુષ્કાળને  શબ્દોમાં ઢાળનાર પન્નાલાલ પટેલ , જેસલના નામે જાણીતો ગુજરાતી ફિલ્મ જગતનો ચહેરો એટલે કે ઉપેન્દ્ર ત્રિવેદી અને લંકેશના હુલામણા નામથી જાણીતા અરવિંદ ત્રિવેદી,રંગભૂમિ ના ચાણક્ય એવા મનોજ જોષી. જ્યારે શાસ્ત્રીયસંગીતના પ્રખર એવા રેવા શંકર મારવાડી ને કેમ ભૂલાય. આ વીરલાઓ એ માતૃભૂમિનું ઋણ ચૂકવતા બે જ્ઞાનપીઠ એવોર્ડ ,પદ્મ શ્રી , ફિલ્મફેર એવોર્ડ અને અન્ય પારિતોષિક ભૂમિને અર્પણ કર્યા છે.

આજે પણ  અહીના અડીખમ ડુંગરો એટલા જ ગર્વથી પોતાની વીરતા અને ભવ્ય ઈતિહાસને સાચવીને ઉભા છે. તેથી જ પ્રત્યેક ગુજરાતણ શુભ કાર્ય પૂર્ણ થતા ગર્વથી ગાય છે કે ,

અમે ઈડરિયો ગઢ જીત્યા રે લોલ આનંદ ભયો……..  આ ભૂમિ ની સુંદરતા ,વીરતા , સોંદર્યતા , નૈસર્ગિકતાનું દરેકે અચૂક રસપાન કરવું  જ જોઈએ.

શબ્દ  &  લેખન   –  જયદીપ પરમાર

 

આભાર             – મહારાજા કરણીસિંહજી  ,  ઈડર

-પ્રો. પ્રકાશ ગજ્જર , મહિલા કૉલેજ ઈડર