છેક પશ્ચિમમાં સાગર સાથે વાતો કરતું એક નગર એટલે જામનગર, દ્વારકાધીશનાં સાન્નિધ્યમાં વસતુ શહેર એટલે જામનગર. દરિયા જેવું દીલ, આત્મવિશ્વાસથી છલોછલ દ્રઢ મનોબળ ધરાવતું એક વ્યક્તિત્વ એટલે જામનગરમાં વસતા એક એડવોકેટ અનિલભાઈ જી. મહેતા કે જેઓ હંમેશા સેવા માટે તત્પર રહે છે.

ખુબ જ નાની ઉંમરથી તેનામાં માણસ પ્રત્યે લાગણી અને સહાનુભતિ ધરાવતું વલણ જોવા મળતું. નાની વયમાં જ તેમને ચિલ્ડ્રેન્સ સોસાયટી નામનું ફોરમ બનાવી દરેક વિદ્યાર્થીઓને તેમાં સાંકળી અને એકબીજાને હંમેશા મદદરૂપ થવાની ભાવના વિકસાવવા પ્રયત્ન કરેલો. હાલ તેઓ વ્યવસાયે એડવોકેટ છે. હાલના વર્ષમાં જ પોતાના લગ્ન દિવસને ખુબ જ અલગ રીતે ઉજવ્યો હતો. જેમાં પોતે બધા મિત્રોને સ્નહેમિલનનો કાર્યક્રમ આપ્યો અને તે દિવસે દ્રઢ સંકલ્પ સાથે પોતાના પુત્રના નામ પરથી માનવ ફાઉન્ડેશનની જાહેરાત કરી. મિત્રોના સહકારથી તેઓ આ ફાઉન્ડેશનને આગળ વધારી રહ્યા છે. તેઓ માનવ ફાઉન્ડેશનનાં બેનર હેઠળ વિધવા બહેનોની મદદ કરવી જરૂરિયાત બાળકોને શાળાના ગણવેશ આપવા, તેમજ કૌશલ્ય ધરાવતા બાળકોને આર્થિક સહયોગ આપવો વગેરે જેવા કર્યો કરે છે

માનવ ફાઉન્ડેશનનો મુખ્ય હેતુ વિદ્યાર્થી તેમજ યુવાનોને સાચી રાહ ચીંધવાનો છે. તેઓ સ્પષ્ટપણે માને છે કે, ફક્ત શિક્ષણ નહીં પરંતુ કેળવણી સાથેનું શિક્ષણ હોવું જોઈ. બાળકમાં નાનપણથી જ સંસ્કારોનું સીંચન થવું જોઈએ. ઇન્ટરવ્યૂમાં ખુબ જ દ્રઢતા સાથે એમણે જણાવ્યુ કે આવનારા દિવસોમાં એક એવી શૈક્ષણિક સંસ્થા ઉભી કરવી છે કે જે બાળકમાં રહેલ કૌશલ્યને ખીલવી શકે અને બાળકને એક તંદુરસ્ત નાગરિક બનાવી શકે. એક એવું નાગરિકત્વ કે જે દેશ ભાવનાથી છલોછલ હોય. જીવનમાં પોતાના બળ પર તથા આત્મવિશ્વાસ સાથે આગળ વધી શકે તેવા પ્રકારનું શિક્ષણ આપવા માંગે છે.

તેમના જણાવ્યાં મુજબ સ્વામી વિવેકાનંદ તેમના આદર્શ છે, તેઓ પોતાની ઓફિસમાં વિવેકાનંદનો ફોટો પોતાની નજર સામે જ રાખે છે.  પોતાનાં વ્યવસાયમાં ગળાડૂબ હોવા છતાં પણ માનવ સેવામાં પોતાનો અમૂલ્ય સમય કાઢી લે છે. તેઓ એક જ જીવનમંત્રમાં માને છે “માનવની માનવ માટે અહર્નિશ માનવતા.” સ્વામી વિવેકાનંદજીને યાદ કરી તેઓ કહે છે કે મનુષ્યનો જન્મ સેવા માટે થયો છે. સમાજે મનુષ્યને ઘણું આપ્યું છે તો માણસે પણ સમાજને રાષ્ટ્ર માટે સમર્પિત થવું જોઈએ. તેઓ માને છે કે માણસ સાચા રસ્તે દ્રઢ સંકલ્પ સાથે ચાલવા લાગે તો બધા કામો આસાન થઇ જાય છે. માણસ પોતાનાથી બનતી કોઈ પણ નાનામાં નાની પ્રવૃત્તિથી પણ મનુષ્ય સેવા કરી શકે  છે.

 

પ્રસિદ્ધિમાં ન માનતા તેઓ કહે છે કે “તમારા શબ્દો નહિ પણ તમારું કામ બોલે છે. સારા કામને જાહેરાતની જરૂર નથી તે તો લોકોની નજરમાં આપોઆપ આવી જ જતું હોઈ છે.” માત્ર સેવા જ નહિ પરંતુ બીજાનાં મનમાં પણ સેવાભાવના જાગૃત કરવી જોઈએ એવું તે માને છે. ફંડ વિશેનો પ્રશ્ન પૂછતાં તેઓ જણાવે છે કે પોતાને ફંડ વિશે કોઈ તકલીફ નથી કેમ કે સારા કામોમાં લોકો તન-મનથી સહકાર આપે છે. અને બહુ જ નિખાલસતા સાથે જણાવે છે કે માણસે પોતાની આવકનાં અમુક ટકા ભાગ લોકોની મદદ કે સેવા માટે આપવો જોઈએ. પોતે પણ આવકનો વીસ ટકા ભાગ સમાજ ઉત્થાન માટે ઉપયોગ કરે છે.

હાલના સમયમાં જ તેઓ દ્વારા વિદ્યાર્થીઓ તથા માતા પિતામાં શાળાનું તથા શિક્ષણનું આકર્ષણ અને મહત્વ વધે માટે વિદ્યાર્થીઓને ટી-શર્ટ તથા ચોપડા આપવાનું આયોજન કરેલ હતું. અને આગળ પણ તેઓ આમ જ ખંતથી લોકોની સેવા કરતા રહે ને આપણે પણ ભાગીદાર થઈએ અથવા પ્રેરણા લઈએ એવી આશા.

માહિતી :

અનિલભાઈ જી. મહેતા (એડવોકેટ)

ફોન નં: 9898072086

ઓફિસ નં.417, માધવ પ્લાઝા ,

લાલ બંગલા પાસે, જામનગર.

By Rishita Jani

[email protected]