ભારતના એક માત્ર IIT માંથી પાસ થયેલા MLA

રાજનીતિ અને રાષ્ટ્રનીતિ આ બંને શબ્દમાં આસમાન જમીનનો ફર્ક છે. રાજનીતિ કરતા નેતાઓનો રાફડો ફાટ્યો છે, ત્યારે રાષ્ટ્રનીતિ કરતા નેતાઓ આંગળીને વેઢે ગણાય તેટલા જ છે. ગત વર્ષ ઑગસ્ટમાં ‘અટલજી’ અને હવે પાર્રિકરજીની વિદાયથી રાષ્ટ્રનીતિના ઘડતરમાં ક્યારે ન પૂરી શકાય તેટલી મોટી ખોટ વર્તાઈ છે. પક્ષ-વિપક્ષ અને દેશવાસીઓ તેમની વિદાયથી શોકાતુર છે.

“ये राजनीति है, यहाँ बिना दाग वाला कोई नहीं टिक सकता” કદાચ આ ઉક્તિ પાર્રિકરજી માટે નહીં હોય. તેમના પર અનેક ટીકા-ટિપ્પણીઓ થયેલી છતાં પણ છેલ્લા શ્વાસ સુધી મિસ્ટર કિલનની છબી તેઓ સાચવી શક્યા હતાં. એટલે જ તો ગોવાના બિઝનેસમેન રાજુ સુડકોરે કહ્યું  કે આપણે અમિતાભ બચ્ચન ઑફ પોલિટિક્સને ગુમાવ્યા છે.

૧૩ ડિસે. ૧૯૫૫નો રોજ ગોવાના માપુસા ગામે ગોપાલક્રિષ્ણ અને રાધાબાઈના ઘરે મનોહરનો જન્મ થયો હતો. સાદગી તેમને ગળથૂથીમાંથી જ સાંપડી હતી. જે મૃત્યુપર્યંત તેમની સાથે રહી. MLA થયા પછી પણ પોતાની ગાડી જાતે ચલાવતાં. સૂટ-બૂટની જગ્યાએ હવાઈ ચપ્પલ અને પેન્ટ શર્ટમાં રહેતાં. ગોવાની બજારમાં ગમે ત્યારે સ્કૂટર લઇને નીકળી પડતાં અને રસ્તા પરની  રેંકડી પરથી ચટાકેદાર નાસ્તો  કરતાં પણ જોવા મળતાં.  તેમણે અંગત જિંદગીમાં ક્યારે પણ રાજકારણને કે રાજનેતાને પરિવાર અને પોતાના પર હાવી થવા દીધાં ન હતાં. ૨૦૦૧માં પત્નીના અવસાન બાદ માતા અને પિતા બંનેની ફરજ અદા કરીને  બંને પુત્ર પર રાજકારણનો પડછાયો પણ પડવા નથી દિધો. પુત્ર ઉત્ત્પલ કે જે ઇલે. એન્જિનીયર છે અને અભિજીત જે વ્યવસાય કરે છે.

જમણેરી વિચારધારા રાખતાં પાર્રિકરજી ૧૫ વર્ષની ઉમરે RSSમાં જોડાયાં હતાં. છતાં પણ ગોવા જેવા સ્ટેટમાં તેઓ લોકપ્રિય હતાં. જે તેમની સાદગીનું પરીણામ છે. ૧૯૫૨થી આજ સુધીના MLAમાં પાર્રિકરજી એકમાત્ર એવા નેતા છે કે જે IIT‌ પાસઆઉટ છે. જે વ્યક્તિત્વ પાર્રિકરજીમાં છલકાતું હતું તે આજના અંગૂઠાછાપ નેતાઓમાં જોવા ના મળે.  IIT‌ બૉમ્બેમાંથી મેટલર્જીકલ એન્જિનીયરિંગ કર્યા પછી કોઈ MNC  કંપનીમાં જોડાવાને બદલે રાષ્ટ્રસેવામાં સહભાગી થવાનો વિચાર કર્યો. ૧૯૮૧માં ગોવા નોર્થથી RSSનાં મુખ્ય શિક્ષક તરીકે જોડાયાં. ૧૪૯૮ થી ૧૯૬૧ સુધી ગોવા પર પોર્ટુગીઝોનું શાસન હતું. ૧૯૮૭ સુધી ગોવા એક કેન્દ્રશાસીત પ્રદેશ હતો. ત્યારબાદ તેને રાજ્યનો દરજ્જો આપવામાં  આવ્યો. આજે પણ દેશમાં સૌથી વધુ કેથોલિક સંપ્રદાયની વસ્તી ગોવામાં વધારે છે. તેમની બહુમતીવાળા રાજ્યમાં RSSની વિચારધારા સાથે પણ વ્યક્તિ ૪ વખત CM બને તો તે તેના કર્મોને કારણે જ શક્ય છે.

 

૧૯૮૭માં રામજન્મભૂમિ મૂવમેન્ટમાં તેઓ સક્રિય યોગદાન આપ્યું હતું. હિન્દુત્વના મુદ્રા સાથે ગોવામાં ચૂંટણી લડવી એ ધોળા દિવસે તારા ગણવા જેવી વાત હતી. જો કે તારા માત્ર ૪૦ જ હતાં. તેમાં પણ પાર્રિકરજીને તો ૨૧ જ ગણવાના હતાં. ૧૯૯૪ ઇલેકશનમાં ૪ સીટ પર ભાજપ આવી તેમાં પાર્રિકરજી એક હતાં , જેમણે ગોવામાં ભાજપના પાયા નાખ્યાં. ૨૦૦૦ના વર્ષમાં ૧૭ બેઠકો મેળવીને ગોવામાં ગઠબંધનની સરકાર રચીને પ્રથમ વખત મુખ્યમંત્રી બન્યાં પણ ટેકા સરકાર માત્ર બે વર્ષ ટકી. ૨૦૦૨માં ફરીથી તેઓ જ મુખ્યમંત્રી બન્યાં. જોકે ૨૦૦૭માં તેમને હારનો સામનો કર્યો અને કોંગ્રેસના દિંગબર કામતે સરકાર બનાવી. ફરીથી લોક સેવાના કાર્યમાં જોડાઈને ૨૦૧૨ના ઈલેક્શનમાં જાદુઈ આંકડો ૨૧ને પાર કરીને પૂર્ણબહુમતીની સરકાર રચી. ૨૦૧૪માં મોદી સરકારના તેડાથી તેઓ કેન્દ્રમાં સરક્ષણમંત્રી તરીકે ૨૦૧૭ સુધી સેવા આપી. તેમના સમયમાં  જ ભારતે ઊરી અને મ્યાનમારમાં સર્જીકલ સ્ટ્રાઈક કરીને દુશ્મનોને ધૂળ ચટાડી હતી. જેની પાછળ એક એન્જિનિયરનું દિમાગ કામ કરી ગયું હતું.

ગઠબંધન પાર્ટીના ટેકામાં લૂણો લાગેલો હોય છે. ક્યારે પડી જાય નક્કી નહીં. પણ ગઠબંધન કરનાર પાર્ટીના નેતાઓ અન્ય પાર્ટીને કહે કે જો આ વ્યક્તિ સીએમ બને તો જ એમે ગઠબંધન કરીશું તેવું ઓછા નેતા માટે બને. જી હા, ગોવા ફોર્વડ બ્લૉક પાર્ટી સાથે હાલ ગોવાની સરકારનું ગઠબંધન છે. તેઓએ કહ્યું હતું કે મનોહર પાર્રિકર સીએમ બને તો જ અમે ટેકો આપીશું. જેથી કેન્દ્ર સરકારમાંથી તેમને મૂળ માટીમાં પરત ફરવું પડ્યું. અને ૪થી વખત ગોવાના મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા. IIT માંથી પાસ થયા પછી દેશસેવા માટેનો જે તેમણે નિર્ણય કર્યો હતો તે છેલ્લા શ્વાસ સુધી માતૃભૂમિની સેવામાં ચરિતાર્થ કર્યો.

– જયદિપ પરમાર | અમદાવાદ