મનોહર પર્રિકર એક એવું સૌમ્ય વ્યક્તિત્વ જેને આધુનિક ભારતના રાજકારણમાં એક નવો ચીલો ચાતર્યો. દેશના સરક્ષણમંત્રી પદે અને ગોવાના
મુખ્યમંત્રી પદે રહી ચુકેલા આ વિલક્ષણ અને કામઢા રાજનેતાના જીવનમાં બનેલી કેટલીક ઘટનાઓએ તેમના જીવનનો પ્રવાહ બદલી નાખ્યો.
આવી જ કેટલીક હદયસ્પર્શી વાતો જેને ખુદ સ્વ. પર્રિકરજી એ એક મરાઠી સામયિકમાં લખી હતી. પ્રસ્તુત છે એ લેખનો ગુજરાતી
અનુવાદ………….


_________________________________________
રાજભવનનો મધ્યસ્થ ખંડ કાર્યકર્તાઓથી પૂરો ભરાઈ ગયો હતો. ગોવામાં ભાજપ પહેલીવાર સત્તામાં આવી રહયો છે
એ જોઇને બધાનો ઉત્સાહ ગજબનાક હતો. મારા નજીકના મિત્રો, ગોવાના વિવિધ વિસ્તારોમાંથી આવેલા અસંખ્ય કાર્યકરો શપથવિધી
સમાંરભમાં દેખાઈ રહ્યા હતા.
આ બધાના એકત્રિત થવાનું કારણ હતું કે હું મુખ્યમંત્રી બન્યો હતો, શપથવિધી સમારોહ હતો. જેમની સાથે મેં
રાજકારણમાં પ્રવેશ કર્યો એ મારા સહકાર્યકરો,મારા હિતચિંતકો, પક્ષના કાર્યકરોની સાથે ગર્દીમાં મને મારા બે પુત્રો,બહેન –ભાઈઓ દેખાઈ
રહ્યા હતા, પણ છતાય સામે દેખાઈ રહેલું ચિત્ર અધૂરું હતું.
મારી પત્ની અને મારા માતા-પિતા પૈકી કોઈપણ ત્યાં ન હતા. તેમની મને ખુબ યાદ આવી રહી હતી.જેની મેં પણ
ક્યારેય કલ્પના કરી ન હતી એ સત્તા મેળવવાનો આનંદ તો થયો જ હતો પણ એ આનંદ પર દુઃખની છાયા પણ હતી.
ભાગ્યના ખેલ પણ કેવા અજબગજબ. એક જ વર્ષના સમયગાળામાં આ મારી નજીકની વ્યક્તિઓ મારાથી કાયમ
માટે દુર જતી રહી હતી. જેમની હયાતીને કારણે મને બળ મળતું હતું,પ્રેરણા મળતી હતી એવા આ મારા નિકટના સ્વજનોની ખોટ કોઈ પૂરી
શકે એમ ન હતું.
એક તરફ “ ભારતીય જનતા પાર્ટી’’ ગોવામાં પ્રથમવાર સત્તા પર આવવાનો આનંદ હતો, તો બીજી તરફ આ આનંદમા
મારા સહભાગી થવા મારા માતાપિતા,મારી પત્ની મારી સાથે તો ન હતા પણ આ દુનિયામાં જ ન હોવાનું ખુબ દુઃખ હતું.
આજના દિવસે સહુથી વધારે આનંદ આ ત્રણેયને થયો હોત. સામે દેખાતી ભીડમાં મને એ ત્રણેયની ગેરહાજરી આંખે
ઉડીને વળગતી હતી. મારી સંઘની જવાબદારીના સમયગાળામાં એ ત્રણે મારી સાથે હતા. રાજકારણમાં મારો અચાનક પ્રવેશ થયો હતો. નવી
મળેલી જવાબદારીઓ પણ હું સારી રીતે પાર પાડી શક્યો તેનું કારણ આ બધાનો સાથ હતો.
મુખ્યમંત્રીપદની શપથ લેતી વખતે એ ત્રણે અહીં હોવા જોઈતા હતા એવું લાગતું હતું. ખરા અર્થમાં હવે મારો રાજકીય
પ્રવાસ શરૂ થયો હતો, આ મહત્વના સમયમાં જે લોકો મારી પાસે હોવા જોઈએ એ જ ન હતા.
ઘણીવાર આપણે આપણી નજીકની વ્યક્તિઓના મહત્વને નથી સમજતા. એ હવે આપણી જ છે એટલે આપણને છોડીને
ક્યાય નહિ જાય, કાયમ આપણી સાથે જ રહેશે પણ એવું થતું નથી.ઘણી ઘટનાઓ અચાનક થવા લાગે છે અને તમારે શું કરવું એ સમજાતું
નથી, મોટાભાગે કઈ કરવા જેવું આપણા હાથમાં રહેતું નથી.
મેધા ની બાબતમાં પણ એવું જ થયું. ખુબ ઝડપથી તેની બીમારી પ્રસરતી ગઈ. કોઈને પણ પુરતો સમય આપ્યા વગર એ
બીમારી તેને કાયમ માટે અમારાથી દુર લઇ ગઈ. બધું એકદમ વ્યવસ્થિત ચાલી રહ્યું હતું. આવું કઈ થઇ શકે એ ભૂલથી પણ કોઈના મનમાં
આવ્યું ન હતું.

* * * *

મને એ દિવસો હજુ પણ યાદ છે…… અમારા લગ્નને ૧૫ વર્ષ થઇ ગયા હતા. એકતરફ ફેક્ટરીનું વધી રહેલું કામ તો બીજી તરફ
રાજકારણમાં નવોસવો હોવાથી જવાબદારીઓને કારણે અતિશય વ્યસ્ત દૈનિક ક્રમ થઇ ગયો હતો. સત્તામાં આવવાનો રસ્તો નજીક દેખાઈ
રહ્યો હતો એટલે હું એ જ ધામધૂમમાં હતો.
એ દરમ્યાન જ મેધા ને કેટલાક દિવસથી વચ્ચે વચ્ચે તાવ આવી જતો હતો. ઘણા દિવસો સુંધી તેણે આ વાત તરફ બહુ ધ્યાન ન
આપ્યું. આ બધી દોડાદોડમાં મારે તેને ડોક્ટર પાસે લઇ જવાનો મેળ પડતો ન હતો. ઘરમાંથી કોઈની સાથે જઈને ડોક્ટરને બતાવી આવ એવી
અમારે વાત થયેલી અને એ ડોકટર પાસે જઈ પણ આવેલી. તેના રીપોર્ટ આવવાના બાકી હતા.
એક મહત્વની બેઠક માટે અમે પાર્ટી કાર્યાલયમાં એકઠાં થયા હતા. બેઠક શરુ હતી ત્યારે જ ડો.શેખર સાળકરના મને સતત
ફોન આવી રહ્યા હતા. મેં ફોન ઉપાડ્યો. મેધા ના રીપોર્ટ સારા ન હતા. આગળના ચેકઅપ માટે મેધા ને તાત્કાલિક મુંબઈ લઇ જવી પડશે એવું
તેમનું કહેવું હતું.
એ ક્ષણે તો કઈ જ સુઝતુ ન હતું. બીજા દિવસે તાત્કાલિક અમે તેને મુંબઈ લઇ ગયા. અભિજાત નાનો હતો. તેને સમજાતું
ન હતું કે આઈ (મમ્મી) ને કેમ લઇ જઈ રહ્યા છે. મુંબઈ ગયા પછી તેને બ્લડ કેન્સર છે એ સ્પષ્ટ થયું.
પગ નીચેથી જમીન સરકી જવી એટલે શું એ મને તે ક્ષણે સમજાયું, મેધાની બાબતમાં એ કાયમ આપણી સાથે જ રહેશે તેને
કઈ નહી થાય એવું માની જ લીધું હતું અને અચાનક હવે એ આગળના થોડા મહિના, થોડા દિવસે જ સાથે હશે એવી સ્થિતિનું નિર્માણ થયું
હતું. તેની તાત્કાલિક સારવાર શરુ કરી પણ એક જ મહિનામાં તેનું અવસાન થયું.
છે છે એવું કહેતા એ અચાનક ‘ નથી’ થઇ ગઈ.એ હતી એટલે મને મારા દીકરાઓની ચિંતા કયારેય નહોતી થઇ પણ હવે
અચાનક મને દીકરાઓની ચિંતાએ ઘેરી લીધો. ઉત્પલ તો હજુ થોડો સમજદાર હતો પણ અભિજાતને કઈ રીતે કહેવું એ સમજાતું ન હતું. તેને
મેધા ની ખુબ જ ટેવ હતી. મેધાના જવાનો સહુથી વધારે આઘાત તેને જ લાગ્યો હતો. આઈ (મમ્મી) ને સારવાર માટે વિમાનમાં જતી તેણે
જોઈ હતી અને પાછુ આવ્યું તો તેનું શબ.
આ વાતની અભિજાત પર એવીઅસર થઈ કે એ મને ત્યારે વિમાનમાં પ્રવાસ કરવા દેતો ન હતો. વિમાનમાં ગયેલી વ્યક્તિ
જીવતી પાછી નથી આવતી એવું તેને લાગતું હતું. તેને સંભાળવો એ ખુબ જ મુશ્કેલ થઇ ગયું હતું. એવા સમયમાં જયારે મને સહુથી વધારે
જરૂરત હતી એ જ સમયે તે અચાનક મને છોડીને જતી રહી. ઉપરથી મજબુત દેખાતો હું અંદરથી સાવ તૂટી ગયો હતો પણ એ જ સમયે
આવેલી રાજકીય જવાબદારીઓને કારણે હું ખુબ વ્યસ્ત થઇ ગયો અને કઈક અંશે ખુદને વ્યસ્ત રાખવા લાગ્યો.
*******
મેધા અને મારા પ્રેમવિવાહ થયા હતા. મેધા મારી બહેનની નણંદ હતી. બહેનના લગ્ન થયા પછી તેને ઓળખતો થયો.
આઈ.આઈ.ટીના શિક્ષણ માટે હું મુંબઈ ગયો. આગામી થોડા વર્ષો શિક્ષણ માટે મુંબઈ મુકામે જ હતો.
બહેન મુંબઈમાં હતી. આઈ.આઈ.ટીમાં એક અઠવાડિયું કઈ રીતે પસાર થઇ જતું એ ખ્યાલ ન આવતો પણ રવિવારે ઘરના ભોજનની
યાદ આવતી. પછી ઘણીવાર બહેનના ઘરે જવાનું થતું. હું ઘરે આવવાનો છુ એટલે એ પણ મને ભાવતી રસોઈ બનાવતી. ક્યારેક જમવાના
નિમિત્તે તો ક્યારેક અઠવાડિયાના ભેગા થયેલ કપડા ધોવાના નિમિત્તે બહેનની ઘરે આવવા જવાનું વધ્યું.
આજ સમયગાળામાં સીધીસાદી, લાંબા કાળા વાળમાં વેણી ( ફૂલોનો ગજરો) પહેરવાવાળી અને અત્યંત બોલકી
આંખોવાળી મેધા મારા ધ્યાનમાં રહેવા લાગી. એનું વાચન ખુબ હતું એટલે શરૂઆતમાં તેના વાચનના સંદર્ભમાં અમારે વાતો થતી રહેતી. ધીરે
ધીરે અમારી સરસ મૈત્રી થઇ ગઈ. એ દરમિયાન કદાચ આસપાસના બધાને “ અમે એક બીજાના પ્રેમમાં છીએ “ એવી ગંધ આવી ગઈ. મારા
નજીકના મિત્રોના આશ્ચર્યનો પાર ન રહ્યો. “ મનોહર તું કોઈના પ્રેમમાં પડી શકે? સાચું લાગતું જ નથી.” એવું પણ એક કહી ગયો. મેધા
સબંધે કુટુંબની હોવાથી ઘરમાં વિરોધ થવાનો સવાલ જ ન હતો.
મુંબઈમાં આઈ.આઈ.ટી માંથી શિક્ષણ પૂરું કરીને હું થોડો દિવસ મુંબઈમાં જ નોકરી કરતો હતો. એ નોકરી છોડતી વખતે જ મેધા
સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો. બધાને આશ્ચર્ય એ વાતનું થયું કે સામાન્ય રીતે નોકરી મળે, થોડું સ્થિર સ્થાવર થવાય એટલે લગ્નનો વિચાર
કરવામાં આવે અને હું નોકરી છોડીને લગ્ન કરવા નીકળ્યો હતો.

આઈનું પીઠબળ હતું. “ તે નિર્ણય લીધો છે એટલે ચોક્કસ કઈક વિચાર્યું હશે “ એવું કહીને તે મારી સાથે ઉભી રહી. અમારા લગ્ન
મુંબઈમાં સાદગીથી થયા. ગોવામાં જઈને મેં મારી ફેક્ટરી શરૂ કરવાનું નક્કી કર્યું હતું અને એટલે જ મુંબઈની નોકરી છોડી હતી. આ નિર્ણયને
મેધા એ પણ સમર્થન આપ્યું હતું. તેના કારણે જ હું આ પગલું લઇ શક્યો.
મુંબઈના ઝડપી વાતાવરણથી ટેવાયેલી મેધા થોડા શાંત અને સ્થિર વાતાવરણવાળા અમારા મ્હાપશા (માપૂસા,ગામનું નામ ) ના
ઘરમાં સરસ ગોઠવાઈ ગઈ. ધીરે ધીરે મ્હાપશાના વિવિધ સામાજિક કાર્યક્રમોમાં એ ભાગ લેવા લાગી. ઉત્પલ અને અભિજાતની શાળા ચાલતી
હતી. અમારા સંયુક્ત કુટુંબમાં તેનો સમય કઈ રીતે પસાર થઈ જતો એ ખ્યાલ જ ન આવતો. અન્ય દંપતીઓ જેવું અમારું સહજીવન ક્યારેય ન
હતું. સમય કાઢીને સિનેમા અથવા કયાંક ફરવા જવાનું ક્યારેય ન થયું.
આઈ.આઈ.ટીમાંથી શિક્ષણ પૂરું કરીને આવ્યા પછી મ્હાપશા પાસે મેં પોતાની ફેક્ટરી શરૂ કરી હતી. એ પણ હવે જામી રહી હતી.
સવાર અને સાંજના થોડા કલાકો ફેક્ટરી માટે આપવા પડતા હતા.
સંઘના સંઘચાલકની જવાબદારી મારી પાસે હતી. આ બધામાંથી બાદબાકી કર્યા પછી મારી પાસે વધારાનો સમય જ બચતો ન હતો.
બાળકોનો અભ્યાસ, એમની શાળાનો સંપર્ક, એમની બીમારીઓ આ બધાનું ધ્યાન મેધા જ રાખતી.
એ સમયે મારા મિત્રો સંજય વાલાવલકર, શ્રીપાદ નાઈક, સતીશ ધોંડ, સંજીવ દેસાઈ જેવા મિત્રો સાથે સહકુટુંબ, સહપરિવાર કેટલીક
પિક્નીકો પર જવાનું થયું. જીવન થોડું સ્થિર સ્થાવર થઇ રહ્યું હતું.
ગોવા આવ્યા પછી થોડા જ દિવસોમાં મને “ સંઘચાલક’ ની જવાબદારી આપવામાં આવી. ઘરના બધા જ સભ્યો “સંઘ’ કામમાં
સક્રિય હતા જ પણ હું રાજકારણમા જઈશ એવું કોઈને લાગ્યું ન હતું.
૧૯૯૪…… ચુંટણી માટે મજબુત ઉમેદવાર ઉભા રાખવાની શોધખોળ ચાલી રહી હતી. એમાય મને ઉમેદવાર શોધવાનું કામ
આપવામાં આવ્યું હતું. ઘણા લોકોને મળીને કેટલાક લોકોના નામો મેં તૈયાર કર્યા, પણ જેમના નામો મેં સૂચવ્યા હતા એ બધાએ મળીને મારું
જ નામ ઉમેદવાર તરીકે આગળ ધરી દીધું.
મારા માટે આ બિલકુલ અપેક્ષિત ન હતું. રાજકારણમાં સક્રીય થવાનો ગંભીરતાથી ક્યારેય વિચાર પણ કર્યો ન હતો. ૧૯૯૪ માં મેં
પહેલીવાર ચુંટણી લડી. મારા માટે પણજી મતવિસ્તાર નક્કી કરવામાં આવ્યો. મહારાષ્ટ્રવાદી ગોમાંતક પક્ષ (મગોપ) સાથે ભાજપનું જોડાણ
હતું. મગોપનું પણજી મતવિસ્તારમાં ક્યારેય ખાતું ખુલ્યું ન હોવાથી પણજી એ ‘હારનારા’ મતવિસ્તાર તરીકે જાણીતો હતો. આવા
મતવિસ્તારમાં મને ઉમેદવારી અપાઈ હતી.
આઈ,પિતાજી અને મેધા , ઘરના સૌ લોકોએ મારા પ્રચાર માટે ખુબ મહેનત કરી. આ બધાનું મારી સાથે હોવું એ મારા માટે જમાપાસું
હતું. રાજ્યની રાજધાની શહેરનો હું પ્રતિનિધિ બન્યો. બધાના ચહેરા પર આનંદ છલકાતો હતો. મેધા ,આઈ અને પિતાજીએ મારા માટે પ્રચાર
કર્યો હોય એવી આ પહેલી જ અને છેલ્લી ચુંટણી હતી. એક તરફ મારા રાજકિય જીવનની શરૂઆત થઇ તો બીજી બાજુ મારું વ્યક્તિગત
જીવન જુદા જ તબક્કા પર આવીને ઉભું હતું.
હું રાજકિય પ્રવૃત્તિમાં ગળાડૂબ થઈ ગયો હતો. બધું ફટાફટ થઇ રહ્યું હતું અને મને વિચાર કરવાનો સમય પણ મળ્યો નહિ.
રાજકારણમાં મારા પ્રવેશ બાબતે મેં મેધા સાથે વાત કરી હતી. એ પણ આ નિર્ણયથી થોડી અસ્વસ્થ હતી. ફેક્ટરી શરૂ કરવી,
વ્યવસાયિક દ્રષ્ટીએ સફળ થવું એવા કઈક મેં સ્વપ્નો જોયા હતા અને આ સ્વપ્નો જોવામાં મેધા પણ
એટલી જ સહભાગી હતી.
ફેક્ટરી શરૂ થઈ ગઈ હતી પણ રાજકારણમાં સક્રિય થયા પછી એને હું ન્યાય કઈ રીતે આપીશ એ
વાતની તેને ચિંતા હતી. મારે પણ પૂર્ણકાલીન (Full Time) રાજકારણ કરવું ન હતું. અંતે “હું ફક્ત બે ટર્મ
એટલે કે આગળના દસ વર્ષ રાજકારણ માં રહીશ” એવું મેધાને વચન આપ્યું. ત્યારબાદ હું રાજકારણ
છોડીને આપણી ફેક્ટરી પર ધ્યાન કેન્દ્રિત કરીશ.એવું પણ મેં કહેલું.

સમસ્યાઓ કઈ કહીને આવતી નથી એ જ ખરું. રાજકિય જીવનમાં પ્રવેશ કર્યો અને થોડા જ
દિવસોમાં પિતાજીનું હ્રદયરોગના કારણે અવસાન થયું. ઘરનો એક સમજદાર આધાર તૂટી ગયો, એમની
પાછળ પાછળ આઈ પણ ગઈ.
એક પછી એક બન્નેના થયેલા અવસાનને કારણે હું હચમચી ગયો હતો. આ દુઃખમાંથી હજુ બહાર
નીકળું ત્યાં જ મેધાની બિમારી ધ્યાનમાં આવી. એકની પાછળ એક સંકટોની શ્રેણી ચાલુ જ હતી. રાજકિય
જીવનમાં સફળતાના પગથિયા ચડી રહ્યો હતો પણ મારી સાથે રહેવાવાળા “મારા” મારાથી દુર જઈ રહ્યા
હતા.
આજે મેધા હોત તો મેં કદાચ તેને આપેલા વચન પ્રમાણે રાજકારણ છોડી દીધું હોત. કદાચ આજે
મારું જીવન જુદું હોત. એ ન હોવાના કારણે મેં મારી જાતને રાજકારણમાં ઝોંકી દીધી.
ઘણા લોકો મને “તમે દિવસના ૨૪ કલાક કામમાં કેમ રહો છો?” એની પાછળના કારણો પૂછે છે.
જેના માટે હું રાજકારણ છોડી દેવાનો હતો એ જ ન રહી. પણ આ બધામાં મેં ફેક્ટરી તરફ ક્યારેય
ઉદાસીનતા રાખી નહી. એક સમયપત્રક બનાવીને દિવસના થોડા કલાકો હું ફેક્ટરીને આપવા લાગ્યો.
આજે પણ હું ગમે એટલો વ્યસ્ત હોઉં તો પણ ફેક્ટરીનું કામ જાતે જ જોઉં છું. હું
રાજકારણમાં ન હોત તો ફેક્ટરી માટે અનેક બાબતો કરી શકાઈ હોત. મેધા આજે મારી સાથે હોત તો હું
ચોક્કસપણે એ બધું કરી શક્યો હોત.
મેધાની મારે મન કિંમત ન હતી એવું ન હતું પણ માણસ ગયા પછી ફરી ક્યારેય નહી આવે
એટલો દુર ગયા પછી તેની ખરી કિંમત સમજાતી હોય છે. ખુબ અધૂરું, ઓછું સહજીવન અમને મળ્યું.
મને, બાળકોને તેની જરૂરત હતી.
હમણાં સંરક્ષણમંત્રી થયા પછી મારા શષ્ટીપૂર્તિ જન્મદિન નિમિત્તે કાર્યકર્તાઓએ પણજીમાં કાર્યક્રમ
ગોઠવ્યો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય નેતૃત્વ અને કેન્દ્રીય સ્તરના અનેક કાર્યકર્તાઓ આવ્યા હતા. એ
પૈકીના એકને ખ્યાલ ન હતો કે મેધા આ દુનિયામાં નથી, એમણે પોતાના શુભેચ્છા ભાષણમાં કહ્યું,
“ પર્રિકર આપને ભી કભી યે ગાના ગુનગુનાયા હોગા – હમ જબ હોંગે સાઠ સાલકે ઔર તુમ
હોગી પચપન કી ….”
આ શબ્દો સાંભળીને મન ખિન્ન થઈ ગયું. એ બિચારાને મેધા આ દુનિયામાં નથી એ ખ્યાલ જ ન
હતો. પછીની ક્ષણે મેધાનો ચેહરો આંખ સામે તરવર્યો. હું તો સાઠ વર્ષનો થઇ ગયો પણ જેણે “પચપન”
ની થવાનું હતું એ સમય પહેલા જ જતી રહી. આ વિચારથી હું વ્યાકુળ થઇ ગયો.
હું બોલવા માટે ઉભો થયો ત્યારે મેં આ વાતનો ઉલ્લેખ પણ કર્યો, પણ આગલી થોડી ક્ષણો માટે
હું કઈ જ બોલી ન શક્યો. જીવનના આ તબકકામાં જે મારી સાથે એટલી જ  તાકાતથી ઉભી રહી હોત.
એક સુંદર જીવન જેણે જીવવું જોઈતું હતું એ જ ન હતી. મારી પાસે આજે બધું જ  છે પણ જેનો સાથ
હોવો જોઈએ એ જ નથી!

( રૂતુરંગ સામયિકના વર્ષ ૨૦૧૭ના દિવાળી અંકમાં લખાયેલા લેખ “રાજકારણની પેલેપાર ના પર્રિકર” નો
અનુવાદ)

મૂળલેખક: સ્વ.મનોહર પર્રિકર

અનુવાદ: ડો.શિરીષ કાશીકર