દરેકના જીવનમાં મિત્ર શબ્દ એક ખાસ હિસ્સો ભજવતો હોય છે. જોકે મિત્ર એ ફક્ત શબ્દ નથી મિત્ર દરેકના જીવનનો એક એવો ભાગ છે કે જેના વગર જીવી શકવું કદાચ અશક્ય છે દરેક માટે પોતાનો મિત્ર સર્વશ્રેષ્ઠ જ હોય છે. મિત્ર એક એવો પરિવાર છે જે લોહીનાં સંબંધથી નહીં પરંતુ દિલના સંબંધથી બંધાયેલો હોય છે કહેવાય છે કે લોહીનાં સંબંધ કદાચ ક્યારેક તમને છેતરી જાય, પરંતુ લાગણીથી જોડાયેલ સંબંધ ક્યારેક છેતરામણો હોતો નથી. મિત્ર એ એકમાત્ર વ્યક્તિ છે જે તમારા હર એક સુખ-દુઃખનો સાથી હોય છે. તમારી નાનામાં નાની ખુશીની પળને મોટો કરનાર મિત્ર હોય છે. અને મોટામાં મોટા દુઃખને નાનું કરનાર પણ મિત્ર જ હોય છે. મિત્રોનો સંબંધ એટલો પરિપક્વ હોય છે કે તેમાં એક બીજા પ્રત્યે વિશ્વાસના ફૂલ ઉગી નીકળેલા હોય છે.
પણ કદાચ જો આ ફુલ કરમાવા માંડે તો??
વર્ષોની મિત્રતા અચાનક તૂટતી જણાય તો???
જેને તમે મિત્ર તરીકે સૌથી વધુ પ્રેમ કરતા હો એ જ વ્યક્તિ જો તમારાથી તમને દૂર જતી જણાય તો???
પ્રેમ ઘણા બધા પ્રકારના હોય છે તેમાં પણ મિત્ર પ્રેમ તો કંઈક અલગ જ હોય છે. મિત્રોનો પ્રેમ જેટલો ગાઢ અને મજબૂત હોય છે તેટલો જ સંવેદનશીલ પણ હોય છે. અને જો ક્યારેક એ સંવેદનશીલતામાં ભંગ પડે તો તેને સંભાળવું પણ મિત્રના હાથમાં હોય છે.
જ્યારે મિત્રો વચ્ચે ગેરસમજની ગાંઠ પડી જાય છે ત્યારે બંને એકબીજાને બહારથી દોષ આપતા હોય છે જ્યારે અંદરખાને બંનેને એકબીજાની કમી ખલતી જ હોય છે.
માણસ પોતાના અહમ્માં ક્યારે શું ખોઈ બેસે એ એને પણ ખબર નથી હોતી એવા સમયે પોતાના અહમને બાજુએ રાખી અને પોતાના મિત્ર જોડે દિલ ખોલીને વાત કરવી જોઈએ. આવું કરવાથી ગેરસમજ દૂર થઈ જાય છે અને સંબંધ પહેલાથી વધુ ગાઢ બને છે.
પરંતુ આ વાત પહેલા કોણ કરે એ બંને માટે સૌથી મોટો પ્રશ્ન હોય છે અને આ પ્રશ્નનો જવાબ શોધવામાં બહુ જ વાર લાગી જાય છે. પહેલા મિત્રને એમ હોય છે કે તેનો મિત્ર તેની જોડે વાત કરવાની પહેલ કરે જ્યારે બીજા મિત્રને એમ હોય છે કે તેનો પહેલો મિત્ર તેની જોડે વાત કરવાની પહેલ કરે આમ બંને એકબીજાની રાહમાં સમય પસાર કરી નાંખે છે અને પસાર થયેલો સમય બંનેની મિત્રતામાં દૂરી પેદા કરે છે
“તુમ ન ચલે એક કદમ ઔર ફાંસલે બઢતે ચલે..
એક કે બાદ એક દિન જુદાઈ કે સાલ બનતે ચલે…”
આવા સમયે એક આજ્ઞાતની કહેલી આ બે લાઈન સાચી ઠરે છે એટલે જ આવું ન બને એ માટે આવા સમયે બંનેએ એકબીજાની રાહ ના જોતા પોતે જ સામેથી પહેલ કરવી જોઈએ.
કેમકે તમારું “પહેલું પગલું” તમારી મિત્રતાને વધુને વધુ ગાઢ બનાવી દે છે અને મિત્રતાના પ્રેમનું અવિરત ઝરણું વહેતું રહે છે…
Bhavya Jhala