ઉપર વાળા આ તારી દુનિયા કેવી અજબ નિરાળી છે!

અમુકને લખ-લૂટ દીધું તેં, અમુકના ખિસ્સા ખાલી છે.

હું વિચારું છું આ કથાની, કેમ કરું, તમને રજૂઆત.

નથી કિસ્સો આ ધન દૌલતનો નથી ભૂખ-તરસની વાત.

લાડ પ્રેમથી ઉછરેલી તે, સાધારણ એનો પરિવાર.

યૌવન કેડી ચાલી નીકળી, બાળપણનો કરી વ્યાપાર.

અચરજથી જોતી બધું, ને હસતી’તી શરમાતી’તી

નવી નવી દુનિયાને જાણી, મન ને મન હરખાતી’તી

પ્રેમ જાળમાં ફસાઈ ગઈને, તે ભોળી થઇ પાયમાલ

લૂટી લીધું પ્રેમીએ બધું, અંતે તો થઇ તે કંગાળ

પેહલા પ્રેમીએ ધિક્કારી, ને ઇજ્જ્ત થઈ બે કોડી

નિકટજનો પણ દૂર થઇ ગયા, સંબંધો એના તોડી

અત્યારે તે ગાંડી છોરી, નવા શેહેરમાં આવી છે

સમય વિતાવા સાથે તેની, એકલતા પણ લાવી છે.

રોજ હાથમાં જાડુ લઇ ને, તે રસ્તા ને સાફ કરે..

એની વ્યથાને જાણી ને પછી, કોણ ખુદાને માફ કરે?

રસ્તે મળતા લોકોને તે, જોઈ તરત મલકતી’તી

કદી તે રડતી, કદી તે હસતી, કદી એકલી ગાતી’તી .

ફાટેલી એક સાડી પેહરી તે, યૌવન એનું ઢાંકે છે.

ફાટેલા કપડા પણ હવે, ક્યાં શરમ કોઈ રાખે છે?

પાપ શું થયું એનાથી, જે આવી નિષ્ઠૂર સજા પામી?

પ્રેમ કરી તે પછ્તાણી, પણ; તેનાથી રહી શું ખામી?

રાત પડી ને ચીસથી એની, શાંતિ સહુની તૂટી છે.

કોને ખબર ક્યા નરાધમોએ, આબરૂ તેની લુટી છે!?

આજ સવારે ઇસ્પતાલમાં, એક બાળક અવતર્યું છે.

એક કુવારી ગાંડીનું ખોળું, ઈશ્વરે હવે ભરિયું છે.

હે ઈશ્વર તું કણ કણમાં છો, બધું તને દેખાય છે.

પણ એક અબળાની આ વ્યથા, શું તને સમજાય છે?

એક ગાંડી જેની કિસ્મત માં અશ્રુઓની પ્યાલી છે.

ખોળું એનું ભરી દીધું પણ સેંથી હજુય ખાલી છે.

Deepen Upadhyay

deepenu@gmail.com