પ્રકૃતિનો સંધ્યાકાળ એટલે પ્રકાશ અને અંધકાર વચ્ચેની પાતળી ભેદરેખા. કદાચ પ્રકૃતિએ સંધ્યાકાળને પણ પોતાનું એક આગવું સૌંદર્ય પ્રદાન કર્યું હશે! કહેવાય છે કે મનુષ્ય જીવનમાં પણ પ્રકૃતિની જેમ જ ઉદયકાળ, મધ્યકાળ અને સંધ્યાકાળ જેવા તબક્કાઓ આવતા હોય છે. કારણ કે માનવી પણ અંતે પ્રકૃતિનો જ એક ભાગ છે.

રેલ્વે સ્ટેશનની સાંજનું દ્રશ્ય હતું , ક્યારેક આવા ભીડભર્યા સ્થળો પર જઈ બેસીને અવલોકન કરવું, રોજ કંઈક નવું જ ચિત્ર જોવા મળે. લોકો પોતાના ગંતવ્ય સ્થળે પહોંચવાની ઉતાવળમાં હોય, દોટંદોટા ભાગતા ટિકિટ બારી પર પહોંચે અને પછી ટિકિટ લઇ ટ્રેન આવે તેની રાહમાં બેસી જતા હોય છે. કંઈક આમ જ પ્રત્યેક વ્યક્તિ પોતાના લક્ષ્ય તરફ ગતિ કરતા હશે. કોઈક  જલ્દી તો કોઈક ધીરજ સાથે ધીમે ધીમે દસ્ત લગાવતા હોય છે. આપણી આસપાસ બનતી આવી રોજબરોજની ઘટનાઓ નું ક્યારેક અવલોકન કરવું, જાણતા-અજાણતા જ માનવ જીવનના ઘણા નવા પાઠ શીખવા મળશે.

આવી ભાગાભાગીના તથા ધક્કામુક્કીના દ્રશ્યો કદાચ રેલ્વે  સ્ટેશનમાં નવાઈ ન પમાડે પરંતુ રેલવે સ્ટેશનની બહાર, આજુબાજુ ઘરવિહોણા લોકોની વસાહતો જરૂર નવાઈ પમાડે. સાંજે આવા કોલાહલવાળા દ્રશ્યોથી અજાણ રેલવે સ્ટેશનની બહાર રોડ પર જોવા મળતું એક અલભ્ય દ્રશ્ય મારા સ્મૃતિપટલ પર ભૂલાય નહિ એમ અંકિત થઇ ગયું છે.

એક યુગલ હતું , કદાચ તો કોઈક મજૂર વર્ગ કે પછી ગરીબાઈનું પ્રતિનિધિત્વ કરતું લાગ્યું. લગભગ 20 થી 22 વર્ષ વચ્ચેનો યુવાન અને 20 વર્ષની આયુ ધરાવતી યુવતી હતી. મેલાં-ઘેલાં કપડાં તેમજ યુવાનના ચેહરા પર થોડી વધી ગયેલી દાઢી. યુવતી પણ જૂના મેલા કપડામાં હતી, પરંતુ પોતાના અંદરના ભાવો એ છૂપાવી શકતી ન હતી. બંને જણ હાથમાં હાથ પરોવી રેલવે સ્ટેશન તરફ જતા દેખાયા. યુવતીના પગમાં ચંપલ નથી પરંતુ તેણીએ પહેરેલી ઝાંઝરીઓના ઝણકારથી ચંપલની ખોટ તેને વર્તાતી ન હોઈ તેવું લાગતું હતું. આમ જ બંને વાતોમાં મશગૂલ થઈને પોતાની રાહ કાપતા મને દેખાય છે.

રસ્તાની બંને બાજુ ઘરવિહોણા લોકોના પડાવ છે. સાંજ પણ ખીલી ઉઠી છે. જેમ સાંજને પોતાનું આગવું સૌંદર્ય છે , તેમ જ આ યુગલનાં જીવનમાં પણ એક ઉત્સાહ , પ્રેમ તથા લાગણી છલકી રહ્યા છે. કદાચ પ્રકૃતિનું આ પણ એક એવું દ્રશ્ય છે જ્યાં ભૌતિકવાદને પણ નમસ્કાર કરવા પડે. આ યુગલને આવતી કાલના સ્વપ્ન જરૂર દેખાય છે, પરંતુ તેને સાકાર કરવા માટે કોઈ સ્પષ્ટ રાહ નથી. સ્વપ્ન જોવા એ માત્ર ધનવાનોનો જ અધિકાર નથી. જ્યાં પ્રેમ, લાગણી અને હૂંફ છે ત્યાં જાતે જ પ્રકૃતિનો પ્રેમ વરસી પડે છે. મને આભાસ થયો કે પ્રકૃતિ પણ પ્રેમને ચાહે છે, જ્યાં પ્રેમ છે ત્યાં પ્રકૃતિના આશીર્વાદ જરૂર રહે છે.

પ્રેમ એટલે શું? કદાચ સ્વાર્થને ભગાડી સમર્પિત થઇ જવું કે પછી સ્ત્રી પુરુષનું એકત્વ તરફ જવું તે. જે પણ હોય તે પ્રેમને સમજવો ખુબ વિષમ છે, વસમું છે. આથી એવું જરૂર કહી શકાય કે પ્રેમ એ પ્રકૃતિનું અમૂલ્ય તત્વ છે, જે કોઈ એક વર્ગ કે પૈસા પૂરતું સીમિત નથી, પરંતુ અનંત છે કારણ કે પ્રકૃતિ કોઈની સાથે અન્યાય નથી કરતી. બાકી તો પ્રેમને વધું સમજવા કરતા બસ પ્રેમ કરતા રેહવું.

By Rishita Jani

jani.rishita1997@gmail.com