ધોધમાર વરસાદ છતાં ચહેલપહેલથી સતત ધબકતા મુંબઈ શહેરની મુલાકાત

એ તમે જળબમ્બાકાર વરસાદ વચ્ચે મુંબઈ ગયા છો? મુંબઈના વરસાદથી તો તમે બધા જ માહિતગાર હશો. એવા રમણીય વતાવરણમાં મને 3 દિવસ મુંબઈની મુલાકાત લેવાનો અવસર મળ્યો. અમદાવાદ શહેર જયારે વરસાદના નામે અમીછાંટણાં માત્ર છે, ત્યાં મુંબઈ શહેર તો જાણે વરસાદની ગોદમાં રમી રહ્યું હોય તેવું જણાય છે. મુંબઈના એ વરસાદના કહેરનો અંદાજો મને એરપોર્ટની બહાર જ મળી ગયો હતો. એરપોર્ટની બહાર લોકોની ભીડ અને ધોધમાર વરસતો વરસાદ, આ બંને પરિસ્થિતિ જો ગાંઠો થાય એટલે થોડી કપરી સ્થિતિનું નિર્માણ થાય છે. પરંતુ ‘ઓલા’ અને ‘ઉબેર’ જેવી સેવાઓ ઉપલબ્ધ હોય ત્યારે ઘણી હદ સુધી વિપરીત પરિસ્થિતિને કાબુમાં પણ લાવી શકાય છે.

 

હાલ વરસાદના કારણે મુંબઈકરો(મુંબઈ રહીશ) ઘણી હાડમારીઓનો સામનો કરી રહ્યા છે. મુંબઈના ટ્રાફિકને વધારવામાં વરસાદ અને તેનાથી સખત ધોવાઈ ગયેલા રસ્તા અને ખાડાઓએ મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે, ઉપરાંત ટ્રાફિટ વધારનારો ‘મેટ્રો પ્રોજેક્ટ’ કેમ ભુલી શકાય? અંધેરી પૂર્વથી અંધેરી પશ્ચિમમાં જવા માટે અંદાજે દોઢ કલાક લાગતો હોય ત્યાં મુંબઈકરો દરરોજ આ ટ્રાફિકનો સામનો કરે છે. બધા જ વિસ્તારમાં પાણી-પાણી અને ગંદકીએ મુંબઈના હાલ બેહાલ કર્યા છે.

આ 3 દિવસ દરમિયાન બાંદ્રા, કુર્લા, ચેમ્બુર તથા અંધેરી જેવા વિસ્તારમાં મારે જવાનું થયું હતું અને તે દરમિયાન મેં ઘણી બધી વસ્તુઓનું ઓબઝર્વેશન પણ કર્યુ હતું. જેમ કે,

(1) અંધેરીને ‘કોમર્શિઅલ હબ’ કહેવામાં આવે છે ત્યાં લગભગ બધી જ ચૅનલની ઓફિસ તથા મોટા સ્ટુડિઓ આવેલા છે અને વરસાદના કારણે આ સંપૂર્ણ વિસ્તાર ટ્રાફિકથી ચક્કાજામ જ રહે છે.

(2)  મુંબઈ શહેરમાં રહેવા માટે ધીરજ જોઈએ કેમકે ત્યાં કામનો ભાર પણ હોય તેમજ ઘરથી ઓફિસ પહોંચવા માટે ખાસ્સો સમય લાગી જતો હોય છે, એ પછી કોઈપણ ટ્રાન્સપોર્ટેશન મોડ(બસ, ટ્રેન કે ટેક્સી) કેમ ના હોય!

(3)  અત્યારે મુંબઈની પરિસ્થિતિ જોઈએ તો આવું કહી શકાય કે,

વરસાદ + ટ્રાફિક + કામનો ભાર + ગંદકી અને ખરાબ રસ્તાઓ + ચહેલ-પહેલ અને મનોરંજનની દુનિયા + ભયંકર માત્રામાં માનવમેદની

મુંબઈમાં વિતાવેલા એ 3 દિવસો મને હંમેશ યાદગાર રહેશે. કેમકે મુંબઈમાં તમે દરરોજ કંઈક અવનવું શીખો છે. મુંબઈમાં રહો એટલે એમ નહિ કે સવારે ઘરેથી નીકળો અને રાત્રે ઘરે પાછા ફરો પરંતુ એ સમગ્ર દિવસ દરમિયાન તમે ધારો તો ઘણું બધું શીખી શકો છો.મુંબઈના 3 દિવસીય ‘વરસાદી’ વાતાવરણમાંથી જયારે મેં અમદાવાદમાં લેન્ડ કર્યુ ત્યારે એવું લાગ્યું કે કોઈ રણપ્રદેશ કે બીજા ગ્રહમાં ના આવી ગયા હોય! કેમકે અમદાવાદીઓ હજુ પણ આ ચોમાસામાં અમિતરસ્યા છે.

 

By Vrunda Buch

[email protected]