શીશીશીશીશી…….કુકરની સીટી વાગી અને ઊર્જા ઝબકી ગઇ અને પછી ઘીમે ધીમે સ્વસ્થ થઈ ગઈ….કદાચ એ પોતાના ભૂતકાળમાં સરી ગઈ હતી…કદાચ…?? ના, ચોક્ક્સ….સાસરામાં સવારે વહેલું ઉઠીને આખું ઘર સંભાળી લેતી ઊર્જાનો ભુતકાળ કાંઈક અલગ જ હતો….

બોય કટ વાળ, પેન્ટ શર્ટ પહેરીને સ્કુટર પર બિલકુલ છોકરાઓની જેમ બિન્દાસ ફરતી. વોલીબોલ રમવાનો એને ખૂબ શોખ હતો. નેશનલ લેવલે રમેલી અને ઇન્ટરનેશનલ લેવલ માટે સિલેક્શન પણ થયેલું. બેફિકર અને બિન્દાસ સ્વભાવની ઊર્જાથી ટેન્શન તો જાણે કોસો દૂર ભાગતુ.

પણ સાથે સાથે મનમાં તો સમજતી જ હતી કે આવી જિંદગી કાયમ રહેવાની નથી. સ્ત્રીના બે અવતાર હોય છે તેમ બીજા અવતારે કદાચ કાંઈક પરિવર્તન થાય તેની તૈયારીએ મન મક્કમ કરી લીધેલું. ત્યાં જ પાછળથી તેના પપ્પા આવ્યા. કોઈ સારા ઘરની વાત આવીનો ઉત્સાહ મોઢા પર સાફ છલકાતો હતો. મનમાં બીક પણ હતી કે જે રીતે મેં એનો ઉછેર કર્યો છે અને હવે આમ અચાનક એક અજાણ્યા એવા ગામની વાત કરીશ તો કદાચ એ શું કહેશે.. એટલે પિતાએ સીધી વાત કરવાનું ટાળી પહેલા ઘરના સભ્યોને વાત કરી. અને બધાનું મન બનાવીને પછી એક રવિવારે બધા જોડે ફરવા ગયા અને બધા સામે વાત મૂકી…ત્યારે બધા વચ્ચે સૌથી પહેલા તો ઊર્જાની પ્રતિક્રિયા એવી જ હતી કે હજુ વાર છે….જોશુ….હજુ મારે ભણવું છે…. ને ઇન્ટરનેશનલ લેવલ માટે પણ જવાનું છે….

પણ પછી ઘરના સભ્યોના ચહેરા જે રીતે એકબીજાને જોતા હતા તે ભાવ સમજીને ઉર્જાએ કમને કહ્યુ કે છતાં તમે કહો તેમ…..અને વાત આગળ વધી…સામાપક્ષ જોડે વાત કરી. આશિષ અને ઊર્જાની મીટિંગ પણ નક્કી કરાવાઈ.

બંને જ્યારે પહેલીવાર મળ્યા ત્યારે ઊર્જાએ આશિષ જોડે દિલ ખોલીને વાત કરેલી અને પોતાના વ્યક્તિત્વ વિશે ખૂબ સારી રીતે અવગત કરાવેલું. જયારે સામે આશિષે પણ પોતાના ઘરની બધી જ વાત દિલ ખોલીને કરેલી. ઊર્જા જે વાતાવરણમાં ઉછરેલી એ સામે આશિષનું ઘર ઘણું જ રૂઢિચુસ્ત હતું. એટલે આશિષે પણ એ વાત ઊર્જાને જણાવી કે” મારા ઘરે બધાં રૂઢિચુસ્ત છે. અમારા ઘરે વહુને માથે પલ્લું રાખીને ફરવાનું હોય છે. તમારા વાળ બોયકટ છે જ્યારે અમારા ઘરે તમે જો આવશો તો તમારે લાંબા વાળ રાખવા પડશે, તમે અહીં પેન્ટ શર્ટ પહેરો છો એના બદલે તમારે ત્યાં સાડી પહેરવી પડશે” વગેરે વગેરે બધી જ વાત કરી. ત્યારે ઊર્જાએ સહજભાવે કહેલું કે “મેં આ બધું ક્યારેય કર્યું નથી પણ જો તમે કહેતા હશો તો મને કરવામાં પણ વાંધો નથી”.  ઊર્જાની આ નિખાલસતા આશિષને ગમી ગઈ અને તેણે ઉર્જા માટે હા પાડી દીધી. આશિષ પણ સારો છોકરો જ હતો એટલે ઊર્જા એ પણ લગ્ન માટે હા પાડી. કદાચ ઊર્જાની આ હા એટલા માટે પણ હતી કેમકે તેના પિતાએ આશિષને મળતા પહેલાં જ કહેલું કે “જો બેટા, છોકરો ખુબજ સરસ હોય, સમજુ હોય તો ઘર-પરિવારમાં કોમ્પ્રોમાઇઝ કરી શકાય એમાં કંઈ જ ખોટું નથી”.

 આમ બંને પક્ષેથી હા આવતાં બંનેના ધામેધૂમે લગ્ન કરાવાયા. પીયરનું અભિમાન એવી ઉર્જા હવે સાસરાનું માન વધારવા જઈ રહી હતી. પિતાની શાન હવે પતિનું અભિમાન બનવા જઈ રહી હતી. પોતાની મસ્તીઓને હવે જિમ્મેદારીમાં બદલવા જઈ રહી હતી. અને બેફિકરીની જીંદગી છોડીને જિમ્મેદારીનો ભાર ઉઠાવવા જઈ રહી હતી. આજે ઊર્જા અને આશિષનાં લગ્નને 5 વર્ષ વીતી ગયા છે. ત્યારે એ બેફિકર અને બિન્દાસ ઉર્જા, એ જ સવારે વહેલી ઉઠી રસોડા સુધી સીમિત રહી ગઈ છે. આશિષ પણ ઊર્જાને ખુબ પ્રેમ કરે છે અને સમજે પણ છે , પણ કદાચ રૂઢિચુસ્ત પરિવારના દબાવમાં ઊર્જાના સપના પૂરા કરી શકે તેમ નથી. જોકે ઉર્જા ક્યારેય એમ કહેતી પણ નથી કે તેનું વોલીબોલ ઇન્ટરનેશનલ રમવાનું સપનુ અધૂરું રહી ગયું છે બસ ખાલી આવી રીતે રોજિંદા જીવનના કામમાં ક્યારેક પોતાના ભૂતકાળમાં સરી જાય છે અને વિચારે છે કે જો મેં મારા બધા જ સપના પૂરા કરીને પછી લગ્ન કર્યા હોત તો??? અને કદાચ સમાજ માટે પણ એક પ્રશ્ન છોડતી જાય છે કે શું એક દીકરીના સપના લગ્ન સામે કાંઈ જ નથી શું ફક્ત સારો પતિ મળી જવો એ કાફી છે એક દીકરી માટે…..!!!!!

By Bhavya Jhala

bhumeejhala@gmail.com