“માં, આ જોને કેવો ઉજળો રંગ લાગ્યો છે મેંદીનો ! હેં માં તને કવ જો ને કેવો અસ્સલ રંગને ખુશ્બૂ છે….,”

“અરરર આ તો લોઈ પી ગઈ મૂઈ.  જીવલી આઘી રે કામ કરવા દે મોડું થાય સ, તારા બાપુ આવશે તો તાડુકા નાખશે. હાલ  જટ રોટલી વણવા મંડ.”

“ના હો હું નઈ કરું મારી મેંદી વિખાઈ જાય. ગાંડી છે સાવ આ છોરી સુકાયેલી મેંદી નો જાય. “

જીવલી ફળિયામાં જઈને ખાટલે બેઠી બેઠી મહેંદી જોવે છે અને મનોમન હરખાય છે. ૧૬ વર્ષની જીવલી એટલે કે જીવિકા તૈયાર થવાની ખુબ શોખીન હતી, પ્રસંગ કોઈ બીજાનો હોય પણ દુલ્હનની જેમ જીવલી તૈયાર થાય. નાનપણથી જ ચાંદલા, લાલી અને મહેંદીના શોખ હતાં.  માં આખો દાડો ખીજાયા કરતી કે આમ તૈયાર થવાથી કોઈ તને નહિ સાચવે, ઘરના કામ આવડશે તો જ સાસુ રહેવા દેશે. પણ મનથી હજુયે બાળક જેવી જ જીવલી ક્યારેય માંની વાતો ગાંઠતી નહિ.

ગામમાં પ્રસંગ આવ્યો જીવલીની પાક્કી બેનપણી કવલી એટલે કે કવિતાનો માંડવો બંધાયો. ચારેકોર હરખનું વાતાવરણ હતું. જીવલીને પણ તૈયાર થવાનો અવસર મળી ગયો હતો. પણ માં જેવી કવિતાને જોવે કે મનોમન દુઃખી થયા કરતી હતી. ત્યાંજ ગામની બાયું આવીને વાતું કરતી કહે છે , ” આજ કવલિ અને હવે પછી જીવલીનો વારો છે, હું તો કવ બેયને હાયરે જ પયણાવી દીધી હોત તો…! “

” ના હો, ખબરદાર જો એકેય બોયલિયું છો તો, મૂઈ મારી છોરી હજી નાની છે.” કહી જીવલીને લઇ ચાલતી થાય છે.

લગન પુરા થયા અને કવલી પોતાને સાસરે જાય છે. જીવલી ઘરે આવીને માંને કહે છે, “માં મારા લગન ક્યારે થાહે? મારેય મેંદી મુકવી છે, તૈયાર થવું છે.  કવલી જેવો મારોય ભરથાર હઈશે… હેં માં કે ને મને?”

આ સાંભળતા જ માં બોલી ઉઠી, “મૂંગી મર મૂંગી, કાંઈ ખબર પડે નહિ ને હાલી જ નીકળી છે સાવ. આ આજે મારા દેખતા બોઈલી ઈ બોઈલી ભૂલથીયે તારા બાપુની સામે બોલીશમાં, નહીં તો ઈ કાલે તને પયણાવી દેહે. પૈસા ભારની અક્કલ છે નહીં ને લગન કરવા નીકળી સે. ઘરના કામ કરવાતી હોય તો કોક દાડે માંને….”

રાતે જીવલીના બાપુ આવે છે. ખાવા પીવાનું પરવારી ખાટલે બેસે છે.” આપણી જીવલી હવે મોટી થઇ ગઈ સ, એ જીવલી ભણવાનું કેદી પતસે તારું ?”

આવું પૂછતાં જ જીવલી સમજી ગઈ કે બાપુ લગન કરવાની વાત કરે છે એ હજી કઈ બોલવા જાય તે પેહલા માં આવી ને જીવલીને રૂમ માં જવા કહે છે અને ખીજાય ને ભણવામાં ધ્યાન આપવા કહે છે.  પછી તરત વાત બદલાવતા એના બાપુને કહે છે, “જુઓને આ છોડીને, નથી ચોપડી હાથમાં લેતી કે નથી કઈ કામ કરતી. ખીજાતા હોય તો જરાક આને . મારુ તો માનતી જ નથી.” બાપુ બોલ્યા એય જીવલી આ તારી માં શું કે સે હેં ? ઘરમાં કાંઈ કામ નથી કરાવતી તું ?”

જીવલી અંદર થી બોલી “હવેથી કરાવીશ બાપુ.”

માં પોતે વાત ફેરવીને રાહતનો શ્વાસ લેવાની જ હતી ત્યાં જીવલીના બાપુ બોલ્યા , “તને ક્વ છું , કાલ મિમાન આવાના છે તી ઘરમાં બધી વ્યવસ્થા કરી આલ જે અને આ જીવલીનેય કામમાં લે જે.”

બસ માંને ધ્રાસ્કો પડ્યો , જે વાતનો ડર હતો એ જ થયું . “આ બધાં ગામનાં ભાભા જ હયસે . ડોહા બધા નવરાં બેઠા બેઠા આને પણ ચડાવી મેયલા. હવે તો જીવલીને પયણાંવે છૂટકો….”

બીજે દિવસે સવાર સવારમાં જીવલી તો એયને હરખાતી તૈયાર થાય છે અને બીજી બાજુ માં દુઃખીને દાળિયા થઇ ગઈ હતી. જીવલી હજુ અજાણ અને બાળકબુદ્ધિ હતી, પણ માં બધું જાણતી હતી. આવડી ઉંમરમાં દીકરીના લગ્ન એને બિલકુલ મંજૂર ન હતા. પણ ઘરમાં જીવલીના બાપુ આગળ કોઈનું ન ચાલે. ત્યાં તો મહેમાન આવે છે. જીવલી અંદર છે,  બાપુ મહેમાનોનુ  સ્વાગત કરે છે. જીવલી હરખાતી બધા માટે પાણી લઈને આવે છે. છોકરાના માં-બાપ તો જીવલીને જોઈને રાજી થઇ ગયા. થાય જ ને એમાંય જીવલી એવી તો સરસ તૈયાર થઇ હતી. વાને ગોરી, થોડું ભરાવદાર અને લંબાઈભર્યું કદ ને ઉપરથી લાંબો ચોટલો, ના કહેવાનું મન કોને થાય? અને ૩૦ વર્ષના છોકરાને આવડી ૧૬ વર્ષની છોકરી વળી ક્યાંથી મળે !!! એમાંય બાપુએ વધારી ચડાવીને જીવલીના વખાણ કર્યા.

” તમ તમારે જુવોને તો અમારી જીવલીને ઘરના બધા કામ આવડે , કપડાં ઠામ ને રસોઈ સંધુય.” જયારે માંને ખબર હતી કે જીવલીને રસોઈ કે બીજા કામ નથી આવડતા. છતાં એને બોલવાની છૂટ ન હતી. થોડીવાર બેસી વાતો કરી મહેમાન નીકળવા માટે  ઉભા થયા અને જતા જતા પોતાની હા છે એવો સંકેત કરી તારીખ નક્કી કરવા કહ્યું .

મહેમાનના ગયા પછી જીવલીની માં એ તેના બાપુને માનવાની કોશિશ કરી, “હું તમને શું ક્વ છું , છોકરો બૌ મોટો નથી આપણી જીવલી માટે અને આપણી જીવલી હજી મને નાની લાગે છે….” આટલું બોલે ત્યાંતો સટાક ગાલ પાર એક પડી ,

“તને પૂછે છેય કોણ? બૌ બોલવા મંડી છો તું આજકાલ… ગામની ભણેલ ગણેલ બાઈ થઇ ગઈ હોય એમ. હું કવ એટલું જ કરવાનું કે ડગલુંયે વધારે નહીં ભરવાનું સમજાણું? ચગી હાયલી છો તી, દીકરીનેય આવું જ શીખવાયડુ છે ?! “

બીજી બાજુ વર્ષોથી લગ્નના સપના જોતી જીવલી સાવ મુંગી થઈ બેઠી હતી. રાત આખી સૂતી નહિ. ક્યાં જીવલીના સપનાનો રાજકુમાર અને ક્યાં આ પાન-માવાનો વ્યસની !! એકાએક જીવલી જાણે આભમાંથી જમીન પર પટકાઈ હોય….

“માં, મારે નથી પયણવું આ ગઈઢા હાયરે.” “શશશ…. મૂંગી રે તારા બાપુ સાંભળશે તો વળી એકાદ પડશે. બૌ હરખ હતો ને તને મેંદી મુકીશ ને દુલ્હન બનીશ, તય બન હવે લે…” 

જીવલી રોતા રોતા  કહે છે , “માં તું તો આવું નો કે, તારા વગર શું થાહે મારુ? હું નઈ જાવ ક્યાંય .”

હવે જીવલીના રોવાનો કોઈ ફાયદો ન હતો. બે દિવસમાં તો લગન હતા. જોતજોતામાં તો માંડવા નખાઈ ગયા અને ગામની બાયું ગીતો ગાવા લાગી. જીવલી એ જિંદગી આખી જે સપનું જોયું હતું આજ એ પૂરું થવા જઈ રહ્યું હતું. જીવલીના હાથે મહેંદી લાગી રહી હતી અને આધેડ વયની સ્ત્રીઓ ગીતો ગાતી હતી , “જાણે પરોઢિયે પડી હો ભાત, બેની મેંદી લગાવી ડોલાવે હાથ “

જીવલી કે માં બેમાંથી કોઈ રાજી ન  હતું. જાણે ઘડીભરમાં પ્રસંગ પૂરો થઇ ગયો. અને જીવલીની વિદાયી થઇ ગઈ. ઘર સાવ સૂનું થઇ ગયું. માં એકલી એકલી કામ કર્યે રાખે કોઈ સાથે બોલચાલ કશું જ નહીં. આમ ને આમ પંદર દિવસ થઇ ગયા. અને આજે તો જીવલી આવાની હતી એટલે માંના હરખનો પાર ન હતો. જીવલીને મનગમતું જમવાનું બનાવી તૈયાર રાખ્યું ત્યાં તો બાપુ જીવલીને લઈને આવ્યા. માં-દીકરી કશું બોલ્યા વિના એક બીજાને ગળે વળગી રહ્યા. બાપુ અંદર ગયા અને બસ જીવલીની આંખમાંથી દડ દડ આંસુની ધાર ચાલુ.

 

” અલી જીવલી શું થ્યું એકાએક? કેમની રોવે છે? પાણી પી હાલ અંદર” અને માં પ્યાલો ભરી પાણી આપે છે અને જીવલીને પૂછે છે થયું શું ,

“માં…માં…ઈ સાંઢિયો મને મારે સે, ને મારી સાસુ આખો દી ખિજાયા કરે છે કે તારી માં એ કઈ શીખવાડ્યું નથી.”

જલ્દી થી માં રસોડાનો દરવાજો બંધ કરે છે અને કહે છે, “ધીમી બોલ તારા બાપુ સાંભરી જાહે.”

“જેને સંભારવું હોઈ ઈ સાંભરે, મને હવે મારશે તો હુઈ સામી મારીશ, બસ.”

“ચૂપ થા નવરીની ગમે એમ બોલસ તી, ઘરવારા ઉપર હાથ ઉપાડાય કાઈ ! નરકમાંય કોઈ નો સાચવે. જો તું છાની રય જા. એણે તને અમથું ન માયરું હોય તે એની વાત નઈ માની હોય.”

જીવલી ઉકળાટ સાથે બોલી, “વાત? સેની વાત માં? એ તો વાત જ નથી કરતા ખાલી બળજબરી જ કરે છે.”

પોતાની સલાહનું પોટલું ખોલતા માં બોલી, “એને બળજબરી નો કેવાય ગાંડી, તું પયણી ગઈ છો હવે, એ ક્યે એમ જ કરવાનું. સામા સવાલ નઈ કરવાના.”

ત્યાં બાપુ એ રાડ નાખી, “તૈ બેય જણિયું નવરી થઇ હોય તો ખાવા ભેગો થાવ હું.”

રસોડામાંથી ફટાફટ જમવાનું આવે છે. મૂંગે મૂંગા ત્રણેય જણ જમે છે. કામ પતાવી બધાં સુવા જાય છે.

” બસ હવે બૌ વિચારમાં છોરી. આવું તો હાયલા કરે તોય તું નસીબ વારી છો આવો વર મળી ગ્યો, મારે ને તારા બાપુને તો સત્તર વરહનો ફેર છે. તોય જો તને આવડી મોટી કયરી. તું ધીરજ રાખ બધુંય સરખું થાહે.”

આમને આમ ત્રણ દિવસ થઇ ગયા જીવલીનો પાછો ફરવાનો સમય આવી ગયો તેનો વર તેને લેવા આવે છે. અને બેય પાછા ફરે છે. જીવલીનો વર રોજ નશો કરી આવે અને બળજબરી કરે. જીવલી નમતું મૂકી દેતી અને સહન કરતી.  એવામાં એક દિવસ સમાચાર આવ્યા અકસ્માતમાં ગંભીર ઇજા થતા જીવલીના વરનું ત્યાં જ મૃત્યુ થાય છે. તપાસમાં સામે આવ્યું કે નશાની હાલતમાં ગાડી ચલાવતા રસ્તા પરથી ગાડી ઊતરી વૃક્ષ સાથે ટકરાઈ ગઈ અને ઘટના સ્થળ પાર જ જીવલીના પતિનું મોત થાય છે .

આખા પરિવારમાં શોકનો માહોલ હોય છે , ગામની સ્ત્રીઓ હીબકા ભરી ભરી રોવે છે. પણ જીવલી સફેદ પેરણમાં એક ખૂણે સાવ ચુપચાપ બેઠી છે. અને બેઠી બેઠી પોતાના હાથ જોવે છે , મહેંદીનો રંગ સાવ ઉતરી ગયો હોય છે…..

    – રીષીતા જાની