ઉંબરેથી ઉઘડ્યા દ્વાર

8
192

‘હા બેટા.. કેમ છે? આ રવિવારે આવવાના છો ને બેસવા? જમવાનું પણ અહીં જ રાખવાનું છે હોં.. તારા સાસુ-સસરાને કહેજે.  તારી ભાભી સરસ ચાઇનીઝ ને પંજાબી બધું ઘરે બનાવવાની છે.’

દિવાળીનો તહેવાર પૂરો થઇ ગયો હતો છતાંય હજુ દરેક ઘરમાં ક્યાંક ને ક્યાંક વાતચીતમાં તહેવાર આવી જતો. સુનિતાબહેન પોતાની દીકરીને ફોન પર બેસતા વર્ષનું જમવા આવવાનું આમંત્રણ આપી રહ્યા હતા.

‘હા મમ્મી.. આવી જઈશ.. પણ ભાભીને કહેજે એવી કોઈ ખોટી કડાકૂટ ના કરે.. સાદું દાળ-ભાત શાક ને રોટલી જ બનાવે..’

સામેથી સુનિતાબહેનની દીકરી ગૌત્રિકાએ કહ્યું..  ‘એ હા ચલ હવે.. ફોન મુકું છું.. તારી ભાભી મને આજે સ્પેશીયલ અમુક નવી વેરાયટી બનાવતા શીખડાવવાની છે..’ એટલું કહીને સુનિતાબહેને ફોન મૂકી દીધો.. આ બાજુ અવાચક થઈને ગૌત્રિકા ફોનને તાકી રહી..

માં સાથે લગભગ બે મહિને વાત કરી હતી. દિવાળી દરમિયાન પોતે પરિવાર સાથે ફરવા ગઈ હતી ને એની પહેલા મહિના સુધી તેના સાસુના કુટુંબમાં કોઈના લગ્ન હોવાથી એની ધમાલમાં હતી.. ગૌત્રિકાએ વિચારેલું કે આજે નિરાંતે માં સાથે વાત કરશે.. પણ જાણે સુનિતાબહેનને તો દીકરી સાથે વાત કરવા કરતા નવી વેરાયટી બનાવવાનું વધારે મહત્વનું હતું..  ગૌત્રિકા આંખમાં આંસુ સાથે ઓરડામાં ચાલી ગઈ..

સુનિતાબહેન અને સુકેતુભાઇને સંતાનમાં એક દીકરો ને એક દીકરી.. ગૌત્રિકાએ બીએ કર્યું એ પછી બે વર્ષ એક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરી.. સમાજમાંથી જ સારું ઠેકાણું મળ્યું અને તેની મરજી હતી એટલે સુનિતાબહેને અને સુકેતુભાઇએ તેના બે વર્ષ પહેલા લગ્ન કરાવ્યા. તેનો મોટો ભાઈ ગર્વિષ્ઠ નેશનલ બેંકમાં મેનેજર હતો.. તેના માટે પણ છોકરી જોવાનું સુકેતુભાઇ અને સુનિતાબહેને શરુ કરી દીધેલું.. ને આખરે એક વર્ષ પહેલા ત્રિયા પર તેમની આંખ ઠરી.. તેનું કુટુંબ, સંસ્કાર અને ગુણ જોઇને સુકેતુભાઇ અને સુનિતાબહેનને તે મનમાં વસી ગયેલી. ત્રિયા અને ગર્વિષ્ઠ પણ ત્રણ મુલાકાત બાદ એકબીજા પ્રત્યે લાગણી અનુભવવા લાગ્યા હતા. ને છ મહિના પહેલા જ એ બંનેના પણ લગ્ન થયા. પરંતુ એ બંનેના લગ્ન સાથે ઘરમાં ફેરફાર શરુ થઇ ગયા.. સુનિતાબહેન નવા જમાનાના સાસુ હતા. તેમને પોતાની વહુ સાથે બહુ જ ભળે. બંને સાસુ-વહુ સાથે બહાર જાય ને જલસા કરે. પરંતુ ગૌત્રિકાના સાસુ થોડા જુનવાણી એટલે તેના ઘરમાં એવું કંઈ જ નહોતું. ગૌત્રિકા જ્યારે એના પિયરે આવતી ને મા ને ભાભીને સાથે જોતી ત્યારે તેને એક અજીબ ઈર્ષ્યા થતી. પોતે આમ પહેલેથી જ ઘરમાં રહેલી ને બહુ ફ્રેન્ડ સર્કલ પણ નહીં. ટેકનોલોજી ને યુટ્યુબની એને બહુ ઓછી ખબર. ત્રિયાએ તો એમબીએ કર્યું હતું. ને પાછી બહુ લાઈવ છોકરી એટલે એ આવી ત્યારથી સુનિતાબહેન એની આગળ-પાછળ જ ફરે. એમાય પાછો એને જમવાનું બનાવવાનો બહુ શોખ. યુટ્યુબમાંથી જાતજાતની રેસીપીઝ જોઇને એ બનાવે ને સાસુમાં ને સસરાજીને ખવડાવે ત્યારે એ લોકો રીતસરના આંગળા ચાટતા રહી જાય..

પાંચેક મહિના પહેલાની જ વાત. ત્રિયા અને ગર્વિષ્ઠ હનીમુનથી પાછા આવ્યા અને ઘરમાં બધી રીતે ત્રિયા સેટલ થઇ ગઈ એ પછી એક રવિવારે તેણે આવી નવી વાનગી બનાવીને સાસુમાને ખવડાવી હતી. સુનિતાબહેનને તો એ દિવસે લાગ્યું જાણે સાક્ષાત અન્નપુર્ણા દેવી ઘરે પદ્યાર્યા છે. એ પછી ગૌત્રિકા સાથે ફોનમાં વાત થઇ ત્યારે વહુના વખાણ કરીને તેમની જીભ સુકાતી નહોતી. તરત જ એના પછીના રવિવારે દીકરી-જમાઈને એમણે ઘરે જમવા તેડાવ્યા.. એ દિવસે પણ ત્રિયાની વાહ વાહ થઇ ગઈ.

ત્યાં સુધી કે તક્ષતે તો કહ્યું કે, ‘ભાભી મારી ગૌત્રિકાને પણ આવી તમારા જેવી રસોઈ બનાવતા શીખવાડો ને. અમારે એ બહેન તો દાળ ભાત શાક ને રોટલી સિવાય કંઈ બનાવતા જ નથી. શાક પણ પાછા બે-ચાર જ. ગુવાર ને ચોળી ને ગલકા ને રીંગણ.. બસ અમારા મેડમની ક્રિએટિવિટી પૂરી.. હા હા..હા..હા..’

હસતા હસતા મજાકમાં કહેવાયેલી આ વાતનું એ દિવસે ગૌત્રિકાને અતિશય દુખ થયેલું. ભાભી પર ગુસ્સો આવ્યો ને ચીડ ચઢી ગઈ. મા-બાપ તો ઠીક હવે તો એનો પોતાનો વર પણ પોતાની ભાભીના હાથની રસોઈના વખાણ કરવા લાગેલો. અને એવું નહોતું કે ગૌત્રિકાને જમવાનું બનાવતા નહોતું આવડતું કે એ સારું નહોતી બનાવતી. પરંતુ આવું નવીન જમવાનું બનાવવાનું આવે ત્યારે તે સહેજ પાછી પડી જતી. બાકી રસોડામાં તેના જેવી કોઠાસુજ કોઈની નહીં. અને ત્રિયા યુટ્યુબનો ઉપયોગ કરીને બધું ક્રેડીટ પોતાના નામે લઇ જતી.

એ દિવસે આ થયું પછી તો જ્યારે ગૌત્રિકાની વાત ફોનમાં થાય એની મા જોડે ત્યારે પણ ત્રિયાનાં જ વખાણ કરે સુનિતાબહેન.. એક વાર તો ગૌત્રિકાનાં સાસુ પણ જમી આવેલા એના હાથનું. મન્ચુરિયન નુડલ્સના વખાણ કરતા થાકતા નહોતા એ દિવસ પછી એ તો. કુટુંબમાં પણ ક્યાય જાય તો એક વખત તો ભાભીના હાથની વેરાયટી ડીશીઝના વખાણ ગૌત્રિકાને સાંભળવા મળતાં. એમાય આજે ફરી જમવાનું નક્કી થયું એટલે ગૌત્રિકાને વધારે ગુસ્સો આવ્યો.. ઉપરથી એ નવી વેરાયટી શીખવા માટે એના મમીએ એની સાથે વાત પણ ના કરી એ વાત એને વધારે પજવી ગઈ..

એ જ રાત્રે જમવા સમયે ગૌત્રિકાએ તેના સાસુ-સસરા અને પતિને કહ્યું, ‘રવિવારે મમીને ત્યાં જમવા જવાનું છે.. બપોરે.’ આ સાંભળતા જ તરત તક્ષત ઉછળીને બોલ્યો, ‘અરે તો તો હું શનિવારે રાત્રે નહીં જમું હો. રવિવાર બપોર સુધી ભૂખ્યો રહીશ એટલે ભાભીના હાથની નવી વેરાયટી ચાખવા મળશે. હું તો આતુર છું કે આ વખતે ભાભી શું નવું બનાવવાના છે. લાસ્ટ ટાઈમ કેવી મસ્ત ચાઇનીઝ મન્ચુરિયન સેન્ડવીચ બનાવી હતી નઈ? મમ્મી તમને ને પપ્પાને પણ ભાવી હતી ને.’

‘અરે હા દીકરા.. સરસ ચાલો તો આ રવિવારે ફરી કંઇક નવીન જમવા મળશે.. ગૌત્રિકા તમે વહેલા જતા જજો.. કંઇક સમારવા કરવામાં એને હેલ્પ જોઈતી હોય તો વાંધો ના આવે ને…’

સાસુમાની વાત સાંભળી ગૌત્રિકાએ હા કહ્યું.. તક્ષતનું એક્સાઈટમેન્ટ જોઇને એને બહુ ગુસ્સો આવ્યો હતો.. પણ તે ચુપચાપ બેસી રહી.

ને આખરે રવિવાર આવી ગયો. ગૌત્રિકા સવારે દસ વાગ્યે જ પોતાના પિયરે પહોચી ગયેલી. સાસુએ કહેલું એટલે માન રાખવા ગઈ હતી પરંતુ તેને ત્યાં જઈને ત્રિયાને મદદ કરવાનો કોઈ ઈરાદો નહોતો.

‘અરે આવ આવ.. ગૌત્રિકા.. ચલ આવી જ જ રસોડામાં. જો હું જરા બહાર જાવ છું. તારા સાસુ માટે સાડી લાવવાની છે એ રહી ગઈ છે. એ લઇ આવું ને બીજી બે-ચાર વસ્તુ પણ લાવવાની છે. તું ત્યાં સુધી ભાભીને મદદ કરાવ.’

હજુ તો ઉંબરામાં પગ મુક્યો જ હતો ગૌત્રિકાએ કે સુનિતાબહેન બોલ્યા. ઘડીક તે ત્યાં જ થંભી ગઈ. વિચાર્યું કે આ ઉંબરો ઓળંગવો જ નથી. અહીંથી જ ફરી પાછી જતી રહે. આ દરવાજા ને આ ઉંબરામાં પગ મુકતા જ ના કોઈએ તેને આવકાર આપ્યો કે તબિયતની પૃચ્છા કરી. અરે જે બહાને જમવા આવી હતી એ બેસતા વર્ષની શુભેચ્છા પણ ના પાઠવી. ને સીધી ભાભીની મદદે લાગી જાનો ઓર્ડર આવી ગયો.

‘હા મમ્મી.. જય શ્રી કૃષ્ણ.’ ગૌત્રિકાએ ગુસ્સો કર્યા વગર તેના મગજને શાંત રાખીને જવાબ આપ્યો. સુનિતાબહેન પણ તેને જય શ્રી કૃષ્ણ કહીને નીકળી ગયા.

હજુ તો ગૌત્રિકા અંદર જઈને બેઠી જ હતી કે ત્રિયા આવી…  ‘આવો આવો દીદી. બેસો પાણી લાવું..?’

‘ના ભાભી.. ચાલશે.. ભાઈ ને પપ્પા ક્યાં?’

‘અરે એ તો જો ને હજુ સુતા છે. ગઈકાલે રાત્રે લેપટોપ પર ચાર વાગ્યા સુધી કામ કરતા હતા. તો આજે રવિવાર છે એટલે મેં કહ્યું સુતા રહો. કુમાર ને તમારા સાસુ-સસરા તો એક વાગ્યા આવાના છે ને? હું બાર વાગ્યા જગાડી દઈશ તો એ કલાકમાં તો તૈયાર થઇ જશે.’

‘સારું.. ને પપ્પા?’

‘પપ્પા એમના ગાર્ડન ક્લબના ફ્રેન્ડસ સાથે બહાર ગયા છે.. વહેલી સવારે નીકળા હતા હમણાં અગિયાર અથવા તો વધીને બાર વાગતા સુધી તો આવી જશે.’

‘ઠીક છે.’ એટલું કહીને ગૌત્રિકા સામે પડેલું મેગેઝીન વાંચવા લાગી.. ત્રિયા તેની માટે પાણી લઇ આવી અને એ આપીને કહ્યું,

‘દીદી. રસોડામાં આવજો ને તમારી મદદ જોઈએ છે.’ ગૌત્રિકાનો કોઈ મુડ કે ઈરાદો નહોતો ભાભીને મદદ કરવાનો છતાંય તે રસોડામાં ગઈ.

એક વાગ્યાના ટકોરે ગૌત્રિકાના સાસુ-સસરા ને પતિ ઘરમાં દાખલ થયાં. ગૌત્રિકા એ સમયે હોલમાં બેસીને મેગેઝીન વાંચતી હતી. અડધી કલાક પહેલા જ પાછા ફરેલા સુનિતાબહેન અને તેમના પતિ ડાઈનીંગ હોલના હિંચકે બેઠા બેઠા વાતો કરી રહ્યા હતા. નાહીને નીકળીને તૈયાર થઈને હાલ જ હોલમાં આવીને બેઠેલો ગર્વિષ્ઠ ટીવીમાં CNBC જોઈ રહ્યો હતો અને ત્રિયા ડાઈનીંગ ટેબલ પર થાળીઓ ગોઠવી રહી હતી..

‘અરે આવો આવો પુષ્પાબહેન. રાજેશભાઈ. કુમાર આવો ને. બેસો બેસો. સાલ મુબારક..’

તરત સુનિતાબહેન ઉભા થઈને સામે વેવાઈ-વેવાણને વધાવવા ગયા ને પુષ્પાબહેનને ભેટ્યા. રાજેશભાઈ ને સુકેતુભાઇ પણ એકબીજાને ભેટ્યા. હાથ મિલાવીને ગર્વિષ્ઠ અને તક્ષતે પણ નવા વર્ષની શુભેચ્છા પાઠવી એકબીજાને.. હળીમળીને હોલમાં અડધી કલાક બેઠા પછી સૌ જમવા બેઠા..

‘આજે તો ભાભીએ કઈ ડીશ બનાવી હશે તે જ અમે ત્રણેય આખા રસ્તે વિચારતા હતા..’ તક્ષતે કહ્યું.

‘હા હા હા. કુમાર આજ તો મારી વહુએ ચટાકેદાર જમવાનું બનાવ્યું છે. હું આવી ને હમણાં તો મને સહેજ ટેસ્ટ કરાવ્યું હતું.. હું તો આંગળા ચાટતી રહી ગઈ પનીર વાળું શાક ખાઈને.’ સુનિતાબહેને જમાઈની વાતમાં સુર પુરાવ્યો..

‘ચાલો ચાલો હવે મારા વખાણ પછી કરજો.. બધા જમી લો..’ ગરમ ગરમ લચ્છા પરાઠા અને હરિયાળી કુલચા પીરસતા ત્રિયા બોલી..

‘અહા.. ગજબ.. લાજવાબ.. ત્રિયું.. તારો જવાબ નથી.. વહુ તમે તો કમાલ કરી.. વાહ બેટા ત્રિયા.. મજા પડી ગઈ… આ હોટેલ જેવું પંજાબી પનીર બટર મસાલા તો વાહ વાહ….’ ત્રિયાના સાસુથી લઈને હાજર બધાએ જુદી-જુદી રીતે જમતા જમતા તેમને ભાવેલી વાનગીના વખાણ કર્યા..

જમીને બધા જ્યારે હોલમાં બેઠા ત્યારે ત્રિયા બોલી, ‘મમી.. એક વાત કહું?

આમાંથી મોટાભાગની રેસીપી દીદીએ બનાવી છે.. અને ખાસ તો તમને બધાને જે સૌથી વધુ ભાવ્યું એ પનીર બટર મસાલા દીદીએ જ બનાવ્યું છે..’ આ સાંભળીને સુનિતાબહેન અને પુષ્પાબહેન ચોંકી ગયા.. ત્રણેય પુરુષોને પણ નવાઈ લાગી. તક્ષત ગૌત્રિકાની સામે જોવા લાગ્યો..

‘કેવી રીતે વહુ પણ આ તો તમે..’ સુનિતાબહેને એમની વાત અધુરી છોડીને કહ્યું.. ત્રિયા બોલી,

‘મમ્મી.. હું છેલ્લા અમુક મહિનાથી જોતી હતી કે મારા આવ્યા પછી તમે બધા દીદીને બહુ અપમાનિત કરતા. ભલે સીધી રીતે કોઈએ ક્યારેય તેમને કંઈ નથી કહ્યું પણ આડકતરી રીતે જે તમે બધા કહેતા એ તો ખોટું જ હતું ને..? આ રીતે જો મારી સાથે મારા ઘરના લોકો વ્યવહાર કરે તો મને પણ ના ગમે. દીદીને કેવી ફીલિંગ થતી હશે એ મને સમજાતું હતું. મારે કંઇક કરવું હતું પણ દીદી મારાથી ચીડાયેલા છે એ હું જાણતી હતી. મેં આ જમવાનો પ્રોગ્રામ બનાવ્યો ત્યારે જ વિચારેલું કે દીદીને વહેલા બોલાવીને તેમની પાસે જ બધું જમવાનું બનાવડાવીશ. હા પણ ત્યારે નક્કી નહોતું કે કેવી રીતે કહીશ. ને વહેલા બોલાવવા શું બહાનું કરીશ..

આ તો દીદી જ સામેથી વહેલા આવ્યા ને મારું કામ બની ગયું. હું આખરે તો યુટ્યુબમાંથી જ શીખતી હતી ને. રસોડામાં મેં દીદીને બોલાવીને થોડું-ઘણું યુટ્યુબ બતાવ્યું પછી તો એમની સુજ પ્રમાણે એ જાતે જ બધું બનાવવા લાગ્યા. એમાય જયારે પનીર બટર મસાલા અમે બનાવતા હતા ને ત્યારે જ ફોન સ્વીચ ઓફ થઇ ગયો. મેં ચાર્જીંગમાં તો મુક્યો ફોન પણ એ દરમિયાન હું સતત બોલતી રહી કે હવે આવું શાક કેમ બનશે.

એમાં એવું થયું કે પનીર વાળું શાક ઓલ્મોસ્ટ બની ગયેલું. બસ છેલ્લું થોડું જ બાકી હતું. મારે રેસ્ટોરંટ જેવું જ પીળા રંગનું શાક બનાવવું હતું. ને મરચું નાખ્યું એટલે શાક થઇ ગયું તીખું ને લાલ. પીળું કેવી રીતે કરવું એ વાત હજુ તો વિડીયોમાં આગળ આવતી જ હતી ત્યાં જ ફોન બંધ. પછી ફોન ચાલુ થાય ત્યાં સુધી હું તો આમતેમ આંટાફેરા કરતી હતી ટેન્શનમાં. ને જોયું તો દીદીએ મલાઈ કાઢીને શાકમાં નાખી દીધી હતી ને મસ્ત પીળું પીળું રેસ્ટોરંન્ટ જેવું શાક બનાવી દીધું. એ પછી તો મેં જ દીદીને યુટ્યુબ બતાવ્યું ને ઓલમોસ્ટ બધી જ રેસીપીઝ એમણે એમાંથી જોઇને બનાવી ને વધારામાં થોડા મસાલા પણ ઉપર-નીચે કર્યા.. ટેસ્ટ લાજવાબ બનાવી દીધો. મને ટીપ્સ પણ આપી ઘણી.

મમ્મી,  દીદીને ખબર નથી પડતી ટેકનોલોજીની.. પરંતુ એ ઘરગથ્થું છે અને કોમન સેન્સ વાપરવામાં પાવરધા તો છે જ. ટેકનોલોજી તો હમણાં શીખી જાય એટલે આવડી જાય. એવી વસ્તુ માટે તમે એમને સાવ નેગ્લેક્ટ કરો ને સંભળાવે રાખો એ કેમ ચાલે?

અને જીજાજી. તમારે દીદીને શીખડાવી જોઈએ ટેકનોલોજી.

અને હા આંટી. તમે પણ જો દીદીને થોડો સપોર્ટ કરો એમની સાથે અમુક જગ્યાએ બહાર જાવ, બંને એકબીજાને સમજો તો અમારા કરતા વધુ સારા સાસુ-વહુ બની શકો..’

ત્રિયાની વાત સાંભળીને હાજર તમામની નજર ગૌત્રિકા પર ગઈ.  ને ગૌત્રિકા રડી રહી હતી.

‘મમ્મી, ભાભીએ જ મને કહ્યું હતું કે હું તમને બધાને ના કહું કે જમવાનું મેં બનાવ્યું છે. અને તમે બધા સાચા છો. મને થોડી સમજ પડતી હોત કે હું ટેકનોલોજી સાથે અપડેટેડ હોત તો આ બનત જ નહીં. પણ હવે વાંધો નહીં, થોડું હું ભાભીને અને થોડું એ મને શીખડાવશે. તમે બધા પ્લીઝ મને ઓછી ના સમજતા. મને દુખ એ જ વાતનું હતું કે મારા ઘરના લોકો જ મને નથી ગણતા કંઈ….’ ને તરત સુનિતાબહેન દીકરીને ભેટી પડ્યા.. તક્ષતે પણ આંખોથી જ માફી માંગી લીધી.. પુષ્પાબહેન પણ પસ્તાઈ રહ્યા હતા.. એ દિવસે ઘરના ઉંબરેથી જતી વખતે ગૌત્રિકાને અંદરથી ખુશીની લાગણી થઇ રહી હતી. જાણે પિયરના બંધ દ્વાર, વહાલના વિખરાયેલા ને ખોટકાઈ ગયેલા દરવાજા ઉઘડી ગયા હતા.

એક વર્ષ પછી ત્રિયા અને ગૌત્રિકાની સફળ યુટ્યુબ કુકિંગ ચેનલની પાર્ટી હતી. ને પાર્ટીમાં હાજર દરેકના મોં પર બસ તેમની રસોઈ અને સફળતાના જ વખાણ હતા..!! બંને નણંદ-ભાભી એકબીજા સામે જોઇને મરક મરક મુસ્કુરાઈ રહ્યા…!!!!

Ayushi Selani

[email protected]

 

 

8 COMMENTS

 1. Your style is so unique in comparison to other folks I have read stuff from.
  I appreciate you for posting when you have the opportunity, Guess I’ll just book mark this
  site.

   
 2. Hello! I realize this is kind of off-topic however I
  had to ask. Does managing a well-established blog such
  as yours take a massive amount work? I’m completely new to writing
  a blog but I do write in my journal daily.
  I’d like to start a blog so I will be able to share my personal experience and thoughts online.
  Please let me know if you have any recommendations or tips for new aspiring blog owners.
  Appreciate it!

   

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here