લોકોનો પ્રિય તહેવાર એટલે ગણેશોત્સવ. ગણપતિને હવે ગણતરીના જ દિવસો બાકી છે. શ્રીગણેશની વિવિધ મુર્તીઓ બનાવવામાં આવે છે. ઘણા લોકો POPની મુર્તિ બનાવે છે તો કેટલાક લોકો ઇકોફ્રેન્ડલી મુર્તિઓ બનાવે છે. ગણપતિનો તહેવાર ધામધૂમથી અમદાવાદ, સુરત અને મુંબઇમાં ઉજવાય છે. આ ઉપરાંત નવા આઈડિયા અને કન્સેપ્ટથી ગણપતિની મૂર્તિ બનાવતી હોય છે ત્યારે અમદાવાદમાં પંચવટી રોડ પર આવેલ ચિનાઇબાગ સોસાયટીમાં રહેતા  ફાલ્ગુનીબહેને વર્ષ ૨૦૧૩થી ઇકોફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ બનવાવનું નક્કી કર્યું, જેનું નામ ‘ચકલી’ આપ્યું. આ ચકલી નામ આપવા પાછળનો ફાલ્ગુનીબેનનો હેતુ અલગ જ હતો. તેમનું કહેવું છે કે અત્યારના સમયમાં લોકો ચકલીને ભૂલી ગયા છે અને ચકલી જોવા પણ નથી મળી રહી આ કોન્સેપ્ટને ધ્યાનમાં રાખીને ચકલી નામ આપ્યું. જેના અંતર્ગત ટ્રી ગણેશાનો કોન્સેપટ શરૂ કરવામાં આવ્યો હતો. આ ચકલી બ્રાન્ડમાં બે વિભાગ પાડ્યા પ્રથમ ‘ટ્રી ગણેશા’ અને બીજુ ‘માટી ગણ’.

ટ્રી ગણેશ અને માટી ગણ આ બંન્ને ગણપતિને એક જ મટીરીયલથી બનાવવામાં આવે છે પરંતુ બન્ને વચ્ચે થોડો તફાવત છે. ફાલ્ગુનીબહેન છેલ્લા ઘણા સમયથી વર્કશોપનું પણ આયોજન કરે છે જે અંતર્ગત વર્કશોપમાં લોકો જોડાઇને કેવી રીતે માટીના ગણપતિ બનાવવા એ શીખીને તેનું વેચાણ કરે છે. ગણપતિની મૂર્તિ બનાવવા ઉપયોગમાં લીધેલા  મટીરીયલનો ફરી ઉપયોગ પણ કરી શકાય છે અને ઉપરાંત એ જ ગણપતિનું ઝાડમાં વિસર્જન કરવાથી માટી અંદર ભળી જાય છે જેનો પ્રકૃતિના વિકાસમાં ઉપયોગ કરી શકાય છે. બન્ને ગણપતિમાં તફાવત એ છે કે વર્કશોપ દરમ્યાન જે મટિરિયલ આપવામાં આવે છે એમાં ટ્રી ગણેશામાં પોટ પણ આપવામાં આવે છે જયારે માટી ગણમાં પોટ આપવામાં નથી આવતો.

ફાલ્ગુની બેને પોતે બનાવેલી મૂર્તિને લોકો સુધી પહોંચાડવા માટે ઇન્ટરનેટની મદદથી વેબસાઇટ બનાવી. જે વેબસાઇટનું નામ આપ્યું ‘ચકલી’. ફાલ્ગુનીબેને ઇન્ટરનેટની  મદદની સાથે સોશિયલ મિડીયાનો પણ ઉપયોગ કરી પબ્લિસિટી કરી હતી. ફાલ્ગુનીબેને આ માધ્યમનો ઉપયોગ કરી લોકોને ઇકોફ્રેન્ડલી મૂર્તિનો ઉપયોગ કરવાનો સંદેશો પૂરો પાડ્યો. મહિલાએ ‘ચકલી’ નામની પોતાની બ્રાન્ડ બનાવી. આ મહિલા પોતાની કાલથી વિકસાવેલા ટ્રી ગણેશા માત્ર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર ભારતમાં વેચાણ માટે મોકલે છે. આ સફળતા મળતા ફાલ્ગુની બેને ‘માટી ગણ’ નામના ગણપતિ ૨૦૧૭થી બનવાનું શરૂ કર્યું જેનું વેચાણ ગુજરાત પૂરતું કરવામાં આવે છે.

ગણપતિ બનાવવા માટે ફાલ્ગુનીબહેન લાલ માટી, ખાતર, પાણી,  ઇકોફ્રેન્ડલી પોસ્ટર કલર અને ડિઝાઇન કરવા માટે ગેરુ કલરનો ઉપયોગ કરે છે. આ લાલ માટી મોરબીથી મંગાવવામાં આવે છે. ફાલ્ગુનીબહેન અલગ અલગ સાઈઝની ગણપતિની મૂર્તિ બનાવે છે, જેમાં ચાર સાઈઝનો સમાવેશ થાય છે. જેમાં ૯, ૧૨, ૧૫ અને ૧૮ ઇંચ ઇંચનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ફાલ્ગુનીબહેન વર્કશોપ પણ યોજે છે  જેનો ચાર્જ અલગ અલગ હોય છે વર્કશોપ દરમ્યાન મૂર્તિ બનવાનું મટીરીયલ પણ આપવામાં આવે છે. ગણપતિને બનાવવા માટે ૩ થી ૪ કલાક લાગે છે અને તેને સુકાતા ૭ થી ૮ દિવસ લાગે છે.

 આ રીતે નવા વિચારથી ફાલ્ગુનીબહેન છેલ્લા પાચ વર્ષથી ટ્રી ગણેશના વર્કશોપ ચલાવે છે અને ભવિષ્યમાં નવા વિચારોથી ગણપતિ બનાવશે. જે રીતે અત્યારે માટીથી ગણપતિ બનાવે છે એ જ રીતે ભવિષ્યમાં કલરફુલ ગણપતિ બનાવશે જેમાં ઈકોફ્રેન્ડલી કલરનો ઉપયોગ કરીને નવા કોન્સેપટથી નવી મૂર્તિનું વેચાણ કરીને ફાલ્ગુનીબહેન તેમના કામથી સમાજને એક હકારાત્મક સંદેશ પહોંચાડે છે કે દરેક મિત્રોએ પ્રકૃતિનું રક્ષણ કરવું જોઈએ.

By Jalpa Chudgar

jalpachudgar61996@gmail.com