મામાનું ઘર કેટલે? દીવો બળે એટલે!

વતન પહોંચવાનાં મામાનાં માનભર્યા આમંત્રણ બાદ મેં હરખભેર ચાંદનીને આ વાત જણાવવા માટે ફોન કર્યો. ચાંદનીને ફોન કરવા માટે હું કોમ્પ્યુટરની સ્ક્રિનનાં પ્રકાશથી દુર થઇ બિલ્ડીંગ બહાર ગાર્ડનમાં ગયો. મેં ચાંદનીને ફોન કર્યો. ફોનની એક રીંગ પૂરી કરી. ચાંદનીએ ફોન ઉઠાવ્યો નહિ. લાગ્યું ઘર કામમાં વ્યસ્ત હશે. માટે થોડી વાર પછી ફરી ફોન કરવાનું વિચાર્યું. એ દરમિયાન મારી અર્ધાંગીનીનાં વિચારોનાં મોજા મારાં મનમાં ઉછળતા હતા.

“શું કરતી હશે અત્યારે? બાળકો સ્કુલ ગયા છે, જેથી એકલતા હોવાથી આરામ કરતી હશે! કે પછી રસોઈની શોખીન મારી પત્ની હરખભેર કોઈ વાનગી તો નહીં બનાવતી હોય ને!”

લગ્નનાં નવ વર્ષ પૂર્ણ થઇ ચુક્યા હતા. પરંતુ બંને પતિ-પત્નીનાં પ્રેમની વાત કંઈક અલગ જ હતી. લગભગ એટલાં માટે જ પત્નીનાં ફોન ન ઉઠાવવાની પ્રક્રિયાનાં વિચારો મનમાં ભમરાની માફક ગુંજતા હતા. આવા જ વિચારોનાં વાવાઝોડાંમાં મન ગૂંચવાયું હતું. ત્યાં જ અચાનક મારાં ફોનની રીંગ વાગી. ફોન ચાંદનીનો હતો. મનમાં રાહત અનુભવતાં હસમુખ ચહેરાથી મેં ચાંદનીનો ફોન ઉઠાવ્યો. ચાંદનીએ પોતાનાં મધુર અવાજથી પૂછ્યું,

“શું થયું? તમારો ફોન આવ્યો હતો.”

“હા! તને કંઈક ખુશખબર આપવા હતા, એટલા માટે ફોન કર્યો હતો.”

“કેવા ખુશખબર અભિષેક?”

“આપણે જે રજાઓમાં ક્યાંક જવાની યોજના બનાવતા હતા તેનું નિરાકરણ મળી ગયું છે. ઇટાળીવાળા સુખામામાએ તેમનાં ઘરે મહેમાનની કરવાં આવવાની તાંણ કરી છે.”

“સુખામામા વાડીવાળાને?”

“હા”

ચાંદનીનો આવો પ્રશ્ન અયોગ્ય હતો. પરંતુ કંઈક અંશે તે યોગ્ય પણ હતો. કારણ કે અમારે સુખમામાને મળવાનું બહુ થતું નહીં, અને શહેરમાં રહેવાના કારણોસર વતન જવાનું બહુ ઓછું થતું હતું. આથી ચાંદનીનો આવો પ્રત્યુત્તર સ્વાભાવિક હતો. આમ અમારી વાત પૂરી થઇ અને અમારી અનુકુળતાને ધ્યાનમાં રાખતા બે દિવસ પછી વતન જવાનું અમેં નક્કી કર્યું. ચાંદનીએ વતન જવાની આગોતરા તૈયારીઓ અત્યારથી જ શરુ કરી દીધી હતી. સાંજે બાળકો સ્કુલથી ઘરે આવ્યા એટલે તેમને ચાંદનીએ વતન જવાની ખુશખબર જણાવી. બાળકો બહાર જવાની ખુશીથી નાચવા લાગ્યા. રાત્રીનાં ભોજન બાદ મેં બાળકોને ગામડામાં વડીલો સાથે કઈ રીતે વર્તન કરવું તેની શિખામણ આપી. બાળકો માટે આ બધું નવું હતું. જેથી એક પિતાને તેમનાં બાળકોને પ્રાચીન ભારતવર્ષની સંસ્કૃતિનાં સંસ્કારો શીખવવા અત્યંત જરૂરી હતાં. તે બધી બાબતોને સહર્ષ સ્વીકારવા બાળકો તૈયાર થયાં.

આમ જ બે દિવસ કેમ નીકળી ગયા, તેની કંઈ ખબર ન રહી. આખરે જે દિવસની અમેં રાહ જોતા હતા, તે દિવસ આવી ગયો. વહેલી સવારે અમેં વતન જવા માટે જૂનાગઢ સુધીની બસમાં બેઠા. સફર દરમિયાન બાળકોને અવનવી જગ્યાઓ અને ત્યાંના રમણીય દ્રશ્યો જોવામાં ખુબ મજા પડી. આવી જ રીતે અમે પરોઢની શરૂઆતનાં સમયમાં જુનાગઢ પહોંચ્યા. જુનાગઢ પહોંચી અમે સૌએ હળવો નાસ્તો કયો. જૂનાગઢથી ઇટાળી જવા માટે અમારે બસ બદલાવવાની હતી. આથી અમે જૂનાગઢથી તાલાલા જતી બસમાં બેઠા અને કંડક્ટર પાસે મેંદરડા સુધીની ટીકીટ કપાવી. આવી રીતે અલગ-અલગ જગ્યાઓ પર ફરતા-ફરતા અમે મેંદરડા પહોંચ્યા અને ત્યાંથી છકડો રીક્ષામાં બેસી મામાના ગામ પહોંચ્યા. મામાએ સરનામું આપતાં મને જણાવ્યું હતું કે ગામનું પાદર શરું થતાં જ તેમનું ઘર આવી જાય છે. પાદર પૂરું થતાં જ અમે નિહાળ્યું કે મામા અમારું સ્વાગત કરવા માટે ત્યાં જ ઉભા હતા. માથે સફેદ રંગનો આછાં ગડીવાળો  કાપડનો સાફો, સફેદ પરંતુ થોડો મેલોં થયેલો ઝભ્ભો, થોડી આછી દાઢી અને આંકડા ચડાવેલી મૂછ ધરાવતાં મારાં આધેડ ઉંમરનાં મામા આમારી પાસે આવ્યા અને હરખની લાગણી સાથે અમને આવકાર્યા,

“હેમખેમ પહોંચ્યાં ને બાપ? રસ્તામાં કોઈ તકલીફ નથી પડીને?”

હું અને ચાંદની મામા તરફ આગળ વધ્યાં અને તેમનાં આશીર્વાદ લીધાં. ઘરે મેં ગામડાનાં રીતિ-રિવાજની થોડી ભાન બાળકોને આપી હતી તેને અનુસરતાં બાળકો પણ અમારી સાથે આવ્યાં અને તેમણે પણ અમારી સાથે મામાનાં આશીર્વાદ લીધાં. ગીરમાં સિંહો વચ્ચે મોટાં થયેલાં મારાં મામાએ અમને આશીર્વાદ આપતાં કહ્યું,

“નરવાં ર્યો બાપ! સો વારહનાં થાવ. ને આમ જ હરખમાં ર્યો. ને તમે છોટે સરકાર ભણવામાં આગળ વાંધો ને મોટા સાય્બ બનો.”

આમ મામાએ અમારી પાસેથી થેલાં આંચકી આધેડ ઉંમરમાં યુવાનીનાં દર્શન કરાવતા થેલાં પોતાનાં માથા ઉપર લઇ લીધા અને ચાલવા લાગ્યા. અમે મામાને જણાવ્યું કે તમારે તકલીફ ઉઠાવવાની જરૂર નથી અમેં લઇ લેશું. પરંતુ મામાએ વાતનો તિરસ્કાર કરતા કહ્યું કે,

“તમેં સોવી કલાક એસીમાં બેહતા આજ-કાલનાં છોકરાવને આ બધુંય અઘરું લાગે. પણ અમારે તો આ રોજનો ધંધો છે. હાલો ઝટ ઘરે બધા તમારી વાટ જોવે સે.”

લગભગ પાંચ મિનિટ કાચાં રસ્તાઓની ગલીઓમાં ચાલ્યા બાદ મામાનું ઘર આવ્યું. ગીર વિસ્તારનાં ગામડાંમાં નળિયાંવાળા ઘરોની વચ્ચે મામાનું સ્લેબવાળું અડીખમ ઉભું મકાન મામાનાં પરસેવાનાં ટીપાઓનું ખરું મૂલ્ય દર્શાવતું હતું. ઘરમાં પ્રવેશ થયા બાદ જ એક પછી એક સબંધીઓ અમારું સ્વાગત કરવા માટે પહોંચી આવ્યા. લોકોનો અમારા માટે માનભર્યો ઉમળકો અમારાં માટે બહું મોટું સમ્માન જણાતું હતું. શહેરથી કોઈ મહેમાન ગીરમાં મહેમાની કરવા આવે છે, ત્યારે ખબર-અંતર પૂછ્યા બાદ સૌથી પહેલી વાત થતી હોય છે એ લગભગ જાનવરો(સિંહ, દીપડા)ની હોય છે. ત્યારે મામાનાં બાપુજી એટલે કે મારા થતાં નાનાએ મામાને જણાવ્યું,

“સુખલા! ભાણાને આય્જ રાય્તે વાડીએ લઇ જાજે. મોડી રાય્તે ભજીયાંનો પોગ્રામ કર્યજો. ભાણાને મેમાનીમાં કાંઈ ઘટવું ના જોયે. આલે પાનસો રૂપિયા. ભજીયા બનાવવાનો સમાન લઇ આય્વ.” મામાએ નાનાને પ્રેમથી જવાબ આપ્યો,

“હા બાપુજી. તમે કીધું એમ ભાણાને આ મેમાની કોઈદી નૈ ભુલાય એવી તૈયારીઓ થાહે. પડખેનાં ગામવારા જીગલાને પણ બોલાવી લઉં સુ. એના હાથનાં બનાવેલાં ભજીયાં એટલે વાત જાવા દ્યો. મોજ પડી જાય. ભાણાને મજા પડી જાહે.”

મેં વચ્ચે મામાને અટકાવવા માટે વિનંતી કરી,

“ના મામા આવું બધું કરવાની કોઈ આવશ્યકતા નથી. મને અહીં આપ બધા વચ્ચે ફાવશે જ.”

પરંતુ મામાએ મારી વાત સાંભળ્યા છતાં ધ્યાન ન આપ્યું અને ઘરે રાતનાં વાળુની તૈયારીઓ માટે મામીને એક પછી એક ઓર્ડર આપવાં લાગ્યા. ત્યાર બાદ મામા મારા બાળકો સાથે ગેલ કરવા લાગ્યા અને તેમનાં ભણતર વિશે પૂછવા લાગ્યાં. મામાએ પોતાનાં નાનપણની બે-ચાર યાદીઓ પણ બાળકોને જણાવી. તેમણે રુચિ સાથે મામાની વાત સાંભળી. મામાએ તેમની હાસ્યકલાથી બાળકોને ખુબ હસાવ્યાં. બાળકોને ખુબ મજા પડી. ત્યારબાદ અમેં મામા-ભાણિયાનો સંવાદ ચાલુ થયો. મહેમાન તરીકે મને આટલું માન કોઈ જગ્યાએ મળ્યું હશે એ મને યાદ નથી. અમારાં બધા માટે આ એક અનોખા આનંદનો સમય હતો. આ સમય દરમિયાન સુરજ ક્યારે ક્ષિતિજ ચૂમી ગયો તેનું ભાન જ ના રહ્યું. લગભગ સાત વાગ્યા હશે. મામાનાં આદેશ બાદ થોડાં જ સમયમાં મામીએ જમવાનું તૈયાર કરી આપ્યું હતું. આથી નાનાએ મામાને બૂમ પાડી,

“સુખલા ભાણાને, વહુંને અને બાળકોને હાકલ માર. હાથ મોં ધોઈ લ્યે, ટાણું થઇ ગ્યું સે.”

સામાન્ય રીતે સ્કૂલેથી આવ્યા બાદ બાળકો પાંચ વાગ્યે હળવો નાશ્તો કરવાની આદત છે. મારે ઓફિસથી ઘરે પહોંચતા આઠ વાગી જતાં હોય છે. આથી આઠ વાગ્યે બાળકોને ભૂખ નથી લગતી કારણ કે બાળકોએ નાશ્તો કર્યો હોય છે. આથી અમારે રાત્રિનું જમવાનું નવ-દસ વાગ્યાનાં સમયમાં થતું હોય છે. અહીં ગામડામાં પરિસ્થિતિ બિલકુલ અલગ હોય છે. પૂરાં દિવસ ખેતરમાં અથવા બીજે ક્યાંક મજૂરી કરીને થાકી જતાં લોકો સાત-આઠ વાગ્યે રાત્રિનું ભોજન કરી લેતા હોય છે. આમ મામાએ મને અને ચાંદનીને જમવા બેસવા માટે જણાવ્યું. ચાંદની પણ ગામડામાં ઢળી ગઈ હોય એમ મને જણાવ્યું,

“તમે, મામા, નાના અને બાળકો અત્યારે જમવાં બેસી જાઓ. હું મામી અને નાની સાથે જમવા બેસીશ.”

આમ અમે બધા જમવા બેઠા. દરમિયાન ગીરની “અતિથિઓને જમાડવાની તાંણ” જેમ વખણાય છે, તેને અનુસરતા મામાએ મને સંતોષનો ઓડકાર આવ્યા બાદ પણ તાંણ કરી-કરીને ઘણું જમાડ્યું. અમારા બાદ નાની, મામી અને ચાંદની જમવા બેઠા. આ જમવાની બાબતમાં અત્યારે પણ ગામડામાં પુરુષને પ્રાધાન્યતા આપવા મળે છે. તેવું મેં સાંભળ્યું હતું પરંતુ તેનાં સાક્ષાત દર્શન અત્યારે મેં અત્યારે કર્યા હતા. મારાં વતનમાં આવું હવે ઓછું જોવા મળે છે પરંતુ ગીરનાં અમુક ગામડાઓમાં પુરુષ પ્રાધાન્યતાની બાબતો હજુ પણ જીવંત છે. ગીર સિવાયનાં પણ ઘણાં ગામડાઓમાં આ વિષયનાં જીવંત ઉદાહરણ નજર સમક્ષ જોઈ શકાય છે.

(ક્રમશ:)

 

Samir Parmar