ભાગ 1. મામાનું આમંત્રણ
હું અભિષેક. મારો જન્મ એક નાનાં એવાં ગામડાંમાં થયો છે, પરંતુ પ્રાથમિક શિક્ષણથી એન્જિનિયર બનવા સુધીનો સમય શહેરમાં જ વિત્યો છે. આથી હું શહેરી વધારે અને ગ્રામીણ ઓછો એવું કહી શકાય. પરંતુ અભ્યાસ દરમિયાન શાળા અને કોલેજથી મળતાં અવકાશનો સમયગાળો ગામડાંમાં જ વિત્યો. જેથી એક દ્વંદ્વ મને હંમેશા રહ્યો છે કે ખરાં અર્થે હું શહેરી કે ગ્રામીણ?
આ ઉનાળાની રજાઓમાં મારા જીવનમાં એવી ઘટનાઓ ઘટી જે વિસરી શકાય એમ નથી, કારણ કે આ સમય મારા જીવનનો અમૂલ્ય સમય બની ગયો છે. મન થાય છે, કે તેનું હું ફરીવાર પુનરાવર્તન કરતો જ રહું.
બળબળતાં ઉનાળાની ગરમી અને શહેરનાં વ્યસ્ત જીવનથી છૂટકારો મેળવવાં માટે હું ક્યાંક ફરવા જવાનું આયોજન કરતો હતો. ઓફીસ પરથી તો ચપળતાથી રજા મેળવી લીધી હતી, પરંતુ પત્ની અને બાળકોને આ રજામાં સંપૂર્ણપણે સમય આપી શકાય એવી સ્થળની શોધ હતી. આર્થિક બાબતે પણ વિચારો મનને ચેતવણી આપતા હતા કે, “ફરવા માટે એવી જગ્યા શોધવાની છે, જેમાં આનંદ પણ થઇ શકે અને પૈસા ખર્ચ કરવામાં પણ ધ્યાન રહે.″ ઘર ખર્ચ, રાશન, વિજળી બિલ વગેરેનો પણ વિચાર કરવાનો રહે. બાળકોનાં શિક્ષણનાં ખર્ચ પર તો ખાસ ધ્યાન દોરવું રહ્યું; કારણ કે આજની શિક્ષણ પધ્ધતિ બાળકોને શિક્ષણ દેવામાં નહીં પરંતુ નાણાં એકત્રિત કરવામાં વિશ્વાસ રાખે છે. જે વિધાન અયોગ્ય ન કહી શકાય.
મનનાં સમુદ્રમાં આવા વિચારોનાં વિકરાળ મોજા ભમતા હતા, એવામાં એક અજાણ્યા નંબરની ફોનમાં ઘંટડી વાગી.
“હાલો! અભિષેક ભાળ પડી કે નય?”
પહેલાં તો મને આટલું સાંભળતા ઓળખાણ ન પડી પરંતુ લહેકો મારા વતન કાઠીયાવાડનો હતો. મગજ પર યાદશક્તિનાં ઘોડા દોડાવ્યાં પરંતુ તે આધેડ વ્યક્તિનાં ઘાટાં અને કંઠીલા અવાજ પરથી મને કોઇ ઓળખાણ ન પડી. માટે સારું લગાડવા માટે મેં પ્રત્યુત્તર આપી દીધો,
“અવાજ તો જાણીતો લાગે છે.”
પછી તેમણે પણ ઘરનાં સંબંધમાં શરમ ન રાખતા વાત આગળ વધારી ખોંખારો ખાય મજાકમાં કટાક્ષ કરીને કહ્યું,
“બેટા ઇટારી(ઇટાળી)થીન તારા સુખામામા વાત કરું સું. ગીરમાં જેની વાળી(જમીન) સે. હવે સેટ તો ભાળ પડીને?”
સુખામામા મારાં સગાં મામા ન હતાં. પરંતુ મારાં મોસાળ પક્ષનાં દૂરનાં ભાઇ, જેથી મારાં મામા થાય. એક તો મારે કામકાજમાં વ્યસ્તતાનાં કારણોસર વતન બહું ઓછું જવાનું રહેતું. કોઇ પારિવારિક વ્યક્તિનાં દુર્ઘટના અથવા દુઃખદ સમાચાર કે પછી કોઇ સુખદ પ્રસંગ દરમિયાન વતન ભણવાનું રહેતું, તેમાં પણ મારી વ્યસ્તતાનાં કારણોસર મારી સુશીલ પત્ની ચાંદની વતને આંટો દઇ આવતી. જેથી મેં શરમનાં માર્યા ભોંઠા પડતા જવાબ આપ્યો,
“અરે મામા! તમને કેમ ભૂલી શકાય. આ તો હું મારા મામા સાથે બે પળની રમત કરતો હતો. શું કરે મારા નાના-નાની, મામી અને છોકરાઓ?”
“તારાં રાજમાં બધાંય નરવા સે.”
આ શબ્દો પોતીકાપણાંથી ભર્યા હતા. આવા ભાવવાચક શબ્દો ગ્રામિણ જીવનનું ખરું સોનું છે. વાત આગળ વધારતા તેમણે પણ મારી ખબર-અંતર પુછ્યાં,
“તારે કેવું હાલે કામધંધોને બધુંય?”
“સારું ચાલે છે મામા. બસ જુઓ નોકરી પર છું. થોડા સમય માટે રજા લીધી છે તો વિચારમાં પડ્યો છું કે આ વખતે છોકરાઓને ફરવા ક્યાં લઇ જવા!”
“બેટા આ ગીર તમારા સારું જ સે. વધારે વિસારવાયું કર્યમાં બાપ. બોરીયા-બિસ્ત્રા બાંય્ધ ને પુગી જાવ આંયા. સોકરાવને વાળીયે બોવ મજા આય્વ સે. હમણે જનાવર પણ બોવ નજરે પડે સે. રાય્તે તૈરસા થ્યા હોય તયે પાણી પીવા વાળીયે જ આવે સે. ઉપરથી તમેય પેલીવાર આવો સો તો તમનેય કાઠિયાવાળી મેમાની કરાવી દયે.”
મામાનો ભાણિયા પ્રત્યેનો આવો મીઠો આવકાર હું નકારી શક્યો નહીં. આમ તો સંબંધનો દેખાડો કરવા અને સારું લગાડવા માટે લોકો આવી આજીજી કરતા હોય છે. પરંતુ અહીં પરીસ્થિતિ તદ્દન અલગ હતી. આથી મેં મામાને પ્રત્યુત્તર આપ્યો,
“અરે મામા તમારાં મોઢામાં ગોળનો ગાંગડો. તમે તો મારી મુંજવણ જ દુર કરી દીધી. હું હમણાં જ ચાંદનીને અને બાળકોને આ ખુશખબર જણાવી આપું છું. હવે આપણે મામા-દિકરાની બાકીની વાતો ત્યાં આવીને. ઘણી બધી વાતો છે, જે ફોનમાં તો પુરી થશે જ નહિં. મામીને અને નાના-નાનીને કહેજો ભાણાએ યાદી આપી છે. અત્યારે ફોન રાખું છું.”
“હા બેટા કય દેય. સાચવીને વેલેરાં આવજો.”
મેં ફોન રાખ્યો અને આ બાબતની જાણ ચાંદનીને કરી. સામાન્યપણે બે ગામડાંનાં વ્યક્તિઓ એકમેકને આવી રીતે ઘરે રોકાવાનું આમંત્રણ આપતાં હોય છે, ત્યારે સારું લગાડવા માટે પહેલાં આમંત્રણને નકારે છે; પછી આમંત્રણ સ્વીકારે છે. સાદી સમજણમાં તેને કાઠીયાવાડમાં ‘તાંણ’ કહેવાય છે. પરંતુ શહેરમાં આવી પરીસ્થિતિ ઓછી જોવા મળે છે, જેનું કારણ શહેરનું વ્યસ્ત જીવન હોય શકે. જેથી શહેરીજનો મુદ્દાથી મુદ્દા પર વાત કરવા માટે ટેવાઇ ગયા હશે.
Samir Parmar