ભોપાલ ડાયરી:

શુક્રવાર,

15 ફેબ્રુઆરી 2019.

ભોપાલ શહેરમાં મહારાણા પ્રતાપ નગરની સ્વચ્છ ભારતનો નમૂનો ઉપલબ્ધ કરાવતી ચોખ્ખી ગલીઓમાં ફરતાં-ફરતાં એકાએક આંખો એક ઈંડાની રેંકડી પર સ્તંભી ગઈ. ઈંડાના ચાર-પાંચ કેરેટ બોક્ષ આડા ગોઠવાયેલાં હતા, જેની મદદથી તેમાં રહેલાં ખાનાઓમાં કંઈક લખાયેલું જણાયું. મર્કટ મનની ઈચ્છા સંતોષવા ત્યાં ઈંડાની મારફતે  “શું લખ્યું છે?” તે જાણવા માટે રેંકડી નજીક ગયો. ઈંડાની સજાવટથી અંગ્રેજી મૂળાક્ષરોમાં લખ્યું હતું,

અફસોસ 37 મેં હમ નહીં!”

પુલવામા આતંકી હુમલો:-

લાગણીમાં ઊંડાણ હતું. કારણ કે 14 ફેબ્રુઆરીનાં રોજ પુલવામામાં રોંઢે  અંદાજે 5 વાગીને 15 મિનિટે આદિલ અહમદ દાર નામનાં આતંકીએ મોટર-કારમાં  300 કિલો વિસ્ફોટ મારફતે ભયંકર બ્લાસ્ટ કર્યો હતો. તજવીજ દ્વારા દર્શાવવામાં આવતા અંતિમ આંકડા મુજબ આ ઍટેકમાં 46 CRPF(સેન્ટ્રલ રિઝર્વ્ડ પોલીસ ફોર્સ) નાં જવાનો શહીદ થયાં હતાં. આ હુમલાની જવાબદારી આતંકી સંગઠન જઈશ-એ-મહમ્મદે લીધી હતી. આ ઇસ્લામિક સંગઠન પાકિસ્તાનની ધરતીનો આશરો લઇ પોતાની આતંકી ગતિવિધિઓને અંજામ આપે છે. હુમલાનો મુખ્ય સૂત્રધાર મસૂદ અઝહર હતો, ઘટનાનાં પ્રતિભાવનાં ઊંડા પડઘા પડ્યા. સમગ્ર ભારત દેશ પોતાનાં દેશનાં જવાનોની શહાદતથી ઊંડા શોકમાં ગરકાવ થયાં.

ઈંડાની લારી ચલાવતાં કાકા:

ઈંડાની લારી પર લખાયેલું વાક્ય ઈંડાની લારી ચલાવતા કાકાની દેશ-દાજની ભાવનાને વ્યક્ત કરતુ હતું. આવું લોહી ઉકાળી દેતું વાક્ય લખવાં પાછળનાં ઉદ્દેશ્યને જાણવા માટે કાકાનો સંપર્ક સાધ્યો. જે દરમિયાન ખબર પડી કે તે કાકાનું નામ અરવિંદ શર્મા છે. 82 વર્ષીય અરવિંદ શર્મા ભોપાલમાં રહે છે. વર્ષ 1992 માં તેઓ આર્મીમાંથી નિવૃત્તિ પામ્યાં હતા. પોતાનાં પરિવારનું ગુજરાન ચલાવવા માટે તેઓ ઈંડાની રેંકડી ચલાવે છે. ખેર! ઈંડાની લારીઓ તો અસંખ્ય લોકો ચલાવે છે; પરંતુ નોંધવા લાયક વાત અહીં એ છે કે, અરવિંદ શર્મા 28 વર્ષથી રોજ પોતાની રેંકડી પર રોજિંદી ઘટનાઓને સ્લોગન રૂપે  લખે છે. અરવિંદ શર્માજી અશિક્ષિત છે, છતાં પણ આવું રચનાત્મક કાર્ય કરે છે; તે ખરેખર એક અનન્ય બાબત જણાય છે. તેઓએ ઉમેર્યું હતુંકે,

હું આટલા વર્ષથી રોજ ઈંડા મારફતે દેશમાં ચાલી રહેલી ઘટનાઓનું વર્ણન કરું છું. એવું નથી કે હું હર-હંમેશ સાચો જ હોઉં છું. હું અભણ છું એટલે ક્યારેક ખોટો પણ હોઉં છું, ત્યારે લોકો આવીને મને સુધારે છે.”

આ સ્લોગન વાંચીને મને અરવિંદ શર્માજીને પૂછવાનું મન થયું કે, આ સ્લોગન લખવા પાછળ તેઓ પોતાનાં મનનની વ્યથા શું છે? ત્યારે તેમણે એક આર્મી જવાનનાં હૃદયમાં ચાલતી કરુણ વેદના મારી સમક્ષ રાખી. તેમણે દુઃખી હૃદય છતાં આક્રોશની ચિનગારી સાથે પોતાની વાત રાખી કે,

હું એક ફૌજી છું. હું કહેવા માંગુ છું કે જો તમે એક ભારતીય જવાનને મારશો તો અમે તમારાં સો જવાનોને ફૂંકી મારશું. પુલવમામાં જે દુઃખદ ઘટના ઘટી તેનાં પ્રતિભાવ રૂપે મેં અહીં મારી વાત રાખી છે.”

આપને ફરીવાર યાદ અપાવી દઉં કે અરવિંદ શર્માજી એ પુલવામા એટેકનાં પ્રતિભાવ રૂપે પોતાની ઈંડાની લારી પર ઈંડાની મારફતે લખ્યું હતું કે,

અફસોસ 37 મેં હમ નહીં!’

 

વધુમાં જણાવતા તેમને ઉમેર્યું હતું કે, હું કહેવા માંગુ છું કે આવી પરિસ્થિતિ અને પાકિસ્તાનનાં આવા વલણને ધ્યાનમાં લેતા ભારતને પ્રતિભાવ રૂપે પાકિસ્તાન સામે યુદ્ધનો મોરચો ખોલવો જોઈએ. જે પાકિસ્તાનને ખરો જવાબ આપવા માટે એક માત્ર વિકલ્પ છે.”

82 વર્ષની ઉંમરનાં અરવિંદ શર્મા જયારે આર્મીમાં કાર્યરત હતા; ત્યારે તેઓ જમ્મુ કાશ્મીરનાં બટૌરતમાં તૈનાત હતા. જયારે તેઓએ એક ભારતીય ફૌજી તરીકે પોતાની વાત રાખી હતી કે,

“જયારે એક ભારતીય ફૌજી પર ઉશ્કેરવામાં આવેલા કાશ્મીરી યુવાઓ દ્વારા પથ્થરબાજી કરવામાં આવે છે, ત્યારે તેમને કહેવાતાં આંતરિક આતંકીઓ પર જાહેરમાં ગોળી ચલાવવાની છૂટ હોવી જોઈએ. કારણ કે મા ભારતની રક્ષા માટે એક ફૌજી રાજી-ખુશીથી મરી મટવા માટે તૈયાર હોય છે. ફૌજી કોઈ જાતિનો નથી હોતો, ફૌજી કોઈ ધર્મનો નથી હોતો, ફૌજી કોઈ સંપ્રદાયનો નથી હોતો; ફૌજીનો એક જ ધર્મ હોય છે. જે છે દેશની નિઃસ્વાર્થ ભાવે સેવા આપવી અને દેશમાં રહેતા લોકોની રક્ષા કરવી. (મને અફસોસો છે 37 માં હું નથી.)

ખરેખર એક ફૌજીની દેશદાઝ પર ક્યારેય કોઈ સંદેહ ન કરી શકાય. એવામાં અરવિંદ શર્મા ભલે  ઓછું ભણેલાં છે, અને અશિક્ષિત છે. પરંતુ તેઓ એક રચનાત્મક અને અનન્ય કાર્ય કરે છે. જે એક નોંધનીય બાબત છે. લોકો તેમના કામની સરાહના કરે છે. તેમનાં આ કાર્યને ઘણાં સમાચાર પત્રો દ્વારા નોંધવામાં આવ્યું છે.

Samir Parmar