લગભગ ચાર વર્ષ પછી મારી ઈચ્છાથી કંઈક લખવાં માટે પેન ઉપાડી રહ્યો છું. મગજની પરિસ્થિતિ પણ શીર્ષક જેવી જ છે,  ‘વિચારશૂન્ય’.!! વિષય શોધવા માટે પણ ખાસ્સા એવા વિચારો કરવા પડ્યા અને અંતે આ વિષય સૂજ્યો.  કોઈ પણ લેખક માટે ‘વિચાર’વગર લખવુંએ લક્ષ્ય વગર હવામાં તલવાર ચલાવવા જેવું જ હોય છે.  ‘બુઠ્ઠી તલવાર’..!

     કોઈ લેખક માટે કદાચ ‘શબ્દહીન’ કે ‘નિઃશબ્દ’ થવું સામાન્ય બાબત ગણી શકાય. શબ્દોનો અભાવ કોઈ વ્યક્તિ કે વસ્તુના ગુણોને નવાઝવાનો એક માપદંડ ગણી શકાય. પરંતુ ‘વિચારશૂન્યતા’ એ મગજમાં સર્જાતું વિચારોનું શૂન્યાવકાશ છે… વિચારોની નિષ્ક્રિયતાએ ‘વિચારશૂન્યતા’ છે…

     વિચારશૂન્યતાને અવાર નવાર ‘ધ્યાન (Meditation)’ અને ‘એકાગ્રતા  (focus)’ સાથે સાંકળવામાં આવે છે.  અવિરત વિચારોથી કંટાળેલો માનવી પોતાને થોડા સમય માટે મુક્ત કરી શકે એ માટેનો ઉપાય એ ‘ધ્યાન’ છે.  આમ વિચારશૂન્યતાને ધ્યાનનું અંતિમ ચરણ ગણી શકાય. પરંતુ વિચારોનો કરેલો આ ત્યાગ તો સ્વૈચ્છિક છે!! પરંતુ એવા માનવી માટે શું કહી શકીએ જે ઈચ્છીને પણ પોતાના મન:મસ્તિસ્કમાં વિચારોનું આરોપણ નથી કરી શકતો?  મારાં માટે તો ધ્યાન સિવાયની આ વિચારશૂન્યતા ‘મૃત્યુ’ છે.. મૃત્યુને આજ સુધી હૃદયના ધબકારા અને શ્વાસોશ્વાસ સાથે જ સાંકળવામાં આવ્યું છે. પરંતુ જીવિત અને મૃત વ્યક્તિ વચ્ચે ધબકારા અને શ્વાસ સિવાય પણ એક તફાવત છે ‘વિચારો’નો..! વિચારશૂન્ય માનવીને ધબકતા અને શ્વાસ લેતા મૃતદેહ સમાન જ ગણી શકાય.  મેડિકલની સારી ભાષામાં જો કહીએ તો વિચારશૂન્યતાની આ અવસ્થા ‘ડિપ્રેશન’ છે! વિચારોના અતિરેકની જેમ વિચારોનો અભાવ પણ ડિપ્રેશન તરફ દોરી જનારું પરિબળ છે.  શૂન્યાવકાશમાં ઓક્સિજનના અભાવથી જેમ શ્વાસ ગૂંગળાય તેમ વિચારોના અભાવે મગજમાં થતી ગૂંગળામણ ‘ડિપ્રેશન’છે!!

     વિચારશૂન્યતાને જન્મ આપનાર પરિબળોમાં ‘અસફળતા’ અને ‘નિષ્ક્રિયતા’ મુખ્ય ગણી શકાય. કાર્યમાં વારંવાર મળતી નિષ્ફ્ળતા માણસને ઉદાસીન બનાવે છે અને ઉદાસીન માણસ આત્મવિશ્વાસ ખોઈને ધીમે ધીમે પોતાના ધાર્યા લક્ષ્યથી વિમુખ થતો જાય છે. લક્ષ્યવિહોણો બનેલો માનવી ભટકી જાય છે અને વિચારોના અતિરેક બાદ વિચારશૂન્ય બને છે. આ અવસ્થા જ ‘ડિપ્રેશન’ ને જન્મ આપે છે. માણસ જયારે પોતાના વિચારો પરથી કાબુ ગુમાવે છે ત્યારે ડિપ્રેશન તરફ ધકેલાય  છે. નિષ્ક્રિયતા પણ વિચારશૂન્યતાનું એક બીજું પાસું છે. યોગ્ય લક્ષ્યનો અભાવ માણસને નિષ્ક્રિય બનાવે છે અને નિષ્ક્રિય માનવી ધીમે ધીમે જીવનની રેસમાંથી બહાર નીકળતો જાય છે. તે અન્ય લોકોને આગળ વધતા જુએ છે પણ પોતે લક્ષ્યના અભાવે ગોળ ગોળ ફરીને એક જ જગ્યાએ આવીને બેસી જાય છે. આ નિષ્ક્રિયતા પણ તેને ડિપ્રેશન તરફ જ વાળે  છે. ‘ટેક્નોલોજીના ગુલામ’ એવા માણસોને નિષ્ક્રિય, લક્ષ્યવિહોણા, વિચારશૂન્ય બનાવવામાં ‘સોશ્યિલ મીડિયા’નો જે ફાળો છે તે માટે તેનો આભાર માનીએ તેટલો ઓછો છે..

     ‘શ્રીમદ્દ ભગવદ્દગીતા’ માં શ્રી કૃષ્ણ એ આપેલો ‘કર્મ’નો સિદ્ધાંત મનુષ્યની સતત કાર્યશીલ રહેવાની વૃત્તિનું સમર્થન કરે છે. ‘કર્મ કરતા રહેવું અને ફળ ની ચિંતા ના કરવી’ આ શ્લોક ફળની અપેક્ષા વગર માણસને સતત પ્રવૃત્તિશીલ રહેવાની સલાહ આપે છે.  પરંતુ કર્મની ગંગા જ્યાંથી શરુ થાય છે એ ગંગોત્રી શું છે?  મનુષ્યની અમાપ ઉર્જાને યોગ્ય દિશામાં વાળનારું પરિબળ કયું છે?  આ ગંગોત્રી અને આ પરિબળ છે ‘વિચારો’ !! મનુષ્યનું જીવન જો વિવિધ પ્રકારના કર્મોની વિવિધ પ્રકારની ડાળીઓથી સમૃદ્ધ વૃક્ષ હોય તો આ વૃક્ષનું બીજ છે ‘વિચારો’.. ! વિચારોના બીજમાંથી થયેલી કર્મોના વૃક્ષની ઉત્પત્તિ અંતે વિચારો પ્રમાણેના મીઠાં કે ખાટા ફળો અપાવે છે.  અને અંતે આ ફળમાંથી નીકળેલા અનુભવ રૂપી બીજ ફરી નવેસરથી આરોપણ પામીને નવા વિચારોનું સર્જન કરે છે. વિચારોના મૂળ જ્યાં સુધી જમીનની અંદર છે ત્યાં સુધી કર્મનું વૃક્ષ જીવિત રહે છે. એક વાર જો આ વિચારોના મૂળ જમીનમાંથી ઉખડી જાય તો કર્મોનું આ વૃક્ષ ધરાશાયી થાય છે અને એ જ અવસ્થા છે ‘વિચારશૂન્યતા’ !!

     મગજમાં ‘ વિચારોનું વાવેતર’ જ મનોવાંછિત ફળપ્રાપ્તિ તરફ લઇ જાય છે. જેમ સારા પાક માટે સારા બિયારણ ઉપરાંત શુદ્ધ પાણી,  પોષણયુક્ત ખાતર અને અનુકૂળ આબોહવાની જરૂરિયાત હોય છે એ જ રીતે મગજમાં આવનારા અસંખ્ય વિચારોમાંથી આચરણમાં મુકવાયોગ્ય વિચારોની પસંદગી ઉપરાંત ખાતર તરીકે સારા પુસ્તકો,  ધાર્મિક સાહિત્ય અને પ્રવચનો, ધ્યાન (meditation),  સાત્વિક આહાર વગેરે વિચારોના સિંચનમાં મદદરૂપ બને છે. ‘સંગ આવો રંગ’ ની જેમ જ વ્યક્તિની સંગત, આસપાસનું વાતાવરણ,  તેના સંસ્કારો વગેરે પણ તેના વિચારો પર આગવી છાપ છોડી જતા હોય છે..

     વિચારો વગરનો માનવી આંખે પાટા બાંધેલા ઘાંચીના બળદ જેવો જ છે.  આવો મનુષ્ય જીવનમાં સતત સંઘર્ષ કરતો હોવા છતાં પણ ગોળ ગોળ ફરીને એક જ જગ્યા પર આવતો હોય છે.  અને એ પણ કશું મેળવ્યા વગર! વિચારો શરીર માટે કાર્ય કરવા માટેનું પ્રેરણાબળ છે.  વિચારો અર્જુને જોયેલી પક્ષીની આંખ છે.  માનવીનું લક્ષ્ય છે! જો જીવન એક સંઘર્ષ હોય તો વિચારો એ સંઘર્ષને સાર્થક કરવા માટેની એક વ્યૂહરચના છે! જીવનમાં પ્રત્યેક ક્ષણે પોતાના વિચારોનું કાળજીપૂર્વકનું સિંચન જરૂરી છે.  મનુષ્ય પૈસાથી ગરીબ હોય તેમાં કદાચ એનો વાંકના પણ હોય પરંતુ જો મનુષ્ય વિચારોથી ગરીબ હોયતો શત પ્રતિશત તેમાં તેનો જ વાંક હોય છે.  વિચારોને લક્ષ્યમાં ફેરવીને જો એ દિશામાં પોતાની ઉર્જાને કેન્દ્રિત કરવામાં આવે તો ચમત્કારો સર્જાતા વાર નથી લાગતી.  સમાજમાં આવી ઘણી મહાન હસ્તીઓ મળશે જેમણે નાનકડી શરૂઆતથી ઘણો ઉંચો મુકામ હાસિલ કરી લીધો હોય! પોતાના વિચારોને કેન્દ્રિત કરીને તેને વાસ્તવિક રૂપ આપવા વાળા વ્યક્તિઓ સમાજ માટે પણ પ્રેરણારૂપ બની રહે છે.

      જીવનની મેળવેલી કોઈ પણ સફળતાનો આનંદ લાંબો સમય ટકી નથી શકતો જો એ સફળતા પછીના લક્ષ્યાંકો નિર્ધારિત ન હોય! સતત મેળવ્યા કરવું એ માણસની વૃત્તિ છે અને એટલે જ વિચારોનો પ્રવાહ સતત વહેતો રહેવો જરૂરી છે. નિષ્ક્રિયતા માણસને વિચારશૂન્યતા તરફ પ્રેરે છે અને વિચારશૂન્યતા માણસને ભટકાવી દે છે. વિચારો અવિરત હશે તો નવા લક્ષ્યાંકોની ઉત્પત્તિ થશે અને આ લક્ષ્યાંકો મેળવવાં માટે વ્યક્તિ સતત કાર્યશીલ રહેશે. જો ‘મૃત્યુ’ જ જીવન નું અંતિમ ધ્યેય હોય તો એ અંતિમ ધ્યેય હાંસલ ન થાય ત્યાં સુધી લડતા રહેવું એ આપણી ફરજ છે. મૃત્યુ સિવાયનું કોઈ પણ ધ્યેય જીવનનું ‘અંતિમ’ ધ્યેય ન હોઈ શકે અને તે માટે સતત નવા ઉત્પાદક વિચારોનું આરોપણ કર્યા કરવું અને નવા નવા લક્ષ્ય તરફ ગતિ કરતા રહેવી એ જ ‘કર્મ’ નો સિદ્ધાંત છે! જીવન સો કે બસો મીટરની ટૂંકી રેસ નથી. જીવનતો એક લાંબી મેરેથોન છે. અને એ મેરેથોનમાં ધીમે ધીમે પણ સતત આગળ વધતા રહેવું એ આપણું કર્તવ્ય છે! એક જગ્યા એ જમા થયેલું જળાશયનું પાણી પણ જો ગંધાઈ જતું હોય અને નદીને પણ સાગર સુધી પહોંચવા જો વહેવું પડતું હોય તો નિષ્ક્રિય વિચારશૂન્ય મગજ માનવીને કઈ હદ સુધી બગાડી શકે છે એ બાબતનો અણસાર આવી શકે એમ છે. જીવનમાં સતત દોડતા રહેવું એનો અર્થ સંપત્તિ કે પૈસા પાછળની દોટ આવો કદી પણ ના હોઈ શકે. જીવનના છેલ્લા દિવસ સુધી પર્યાપ્ત એટલા પૈસા કમાયા બાદ જીવનના અન્ય લક્ષ્યાંકો પર ધ્યાન કેન્દ્રિત કરવાની વાત છે. નરેન્દ્ર મોદી,  અમિતાભ બચ્ચન,  વોરેન બફેટ, બિલ ગેટ્સ વગેરે જેવા સમાજના વરિષ્ઠ મહાનાયકો જો જીવનની આ ઉંમરે પણ એટલા પણ એટલા પ્રવૃત્ત અને પોતાના લક્ષ્યાંકો પ્રતિ એટલા કેન્દ્રિત રહી શકતા હોય તો આપણે જીવનના મહત્વપૂર્ણ વર્ષોમાં નિષ્ક્રિય, ધ્યેયવિહોણા અને વિચારશૂન્ય થઇને બેસી રહીયે એ કદાપિ યોગ્ય ન ગણાય.

     અંત માં બસ એટલું જ લખીશ કે જીવનની પ્રત્યેક પળ અમૂલ્ય છે અને તેની સાથે પ્રત્યેક વિચાર પણ અમૂલ્ય છે. સારા વિચારોનું સિંચન કરીને સારા વ્યક્તિત્વનું નિર્માણ કરીને આ જીવન ને સાર્થક બનાવીએ. સારા વિચારો મગજનો ખોરાક છે અને આ ખોરાક આપણા માનસિક સ્વાસ્થ્ય માટે અને આપણા ધબકતા જીવન માટે અતિઆવશ્યક છે. જો જો હવે ક્યારેય આપણું મગજ આપણને એમ ન કહે ‘ હું ભૂખ્યું છું..’ કે ‘હું વિચારશૂન્ય છું..!’

  

                                                                                                                            પોતાની ‘દ્રષ્ટિ’ નો,

                                                                                                                                દર્પણ

-Harsh Modi