ઘણા દિવસોથી લાગતું હતું કે સુકાઈ ગઈ છું, તારા વિરહએ જાણે મને પાંગળી બનાવી દીધી છે. ન જાણે કેમ બીજા કોઈ સાથે હવે મનમેળ કરવો ગમતો નથી અને આજે જયારે આ વિયોગ પછી મિલનની વેળા આવી છે, તો હૈયું ઉમળકા ભેર તને સ્પર્શવા, તારું આલિંગન કરવા થનગની રહ્યું છે.

મને તારી વેદનાનું અનુમાન છે. જેમ દુકાળમાં સુકી જમીન મેહુલીયાની વાટ જુએ તેમ તું પણ મારા વ્હાલરુપી શબ્દોના વરસાદની પ્રતીક્ષા કરે છે. પણ તું જરાય ચિંતા ના કર. હું આવીને મારા ભીના શબ્દોને એ રીતે પાથરીશ કે તે ફળદ્રુપ થઈને આપણા સંબંધને નવો જન્મ આપશે અને એ વિરહની જ્વાળાને હમેશા માટે શાંત કરી દેશે.

એક નવોઢાની જેમ સજીને હું આવું છું. શબ્દોને પણ મારા સાજ-શણગારની જેમ જ સજાવીશ, જેવી મારી મેહંદીની રચના છે તેમ મારા સુંદર અક્ષરો કંડારીશ, સેંથાના સિંદુરની જેમ પ્રેમના અક્ષરો ખાલી તારા નામે જ હશે, મંગળસુત્રની જેમ દરેક અક્ષરો સુંદર વાક્યો બની આપણા પ્રેમની નિશાની બનશે. મારા દરેક વાક્યો સાત વચનોની જેમ તને સમર્પિત હશે. આપણા સહવાસને એટલો ગાઢ અને નિકટ બનાવીશ કે આપણા બંનેના શ્વાસ એક થઇ સુંદર આવૃત્તિની રચના કરશે.

હું આવું છું, મારું સંપૂર્ણ સમર્પણ તારામાં કરી મારું અસ્તિત્વ ગુમાવી તારી થવા જઈ રહી છું, જ્યાં ફક્ત તારી જ ઓળખ હશે. ત્યાં મારું નામ તો શું હું પણ અસ્તિત્વમાં નહિ રહું.

 

ચિ.

( તારી ) કલમ

[એક કલમએ કાગળને કીધેલી એની વેદના]

By Kinjal Panchal

[email protected]